You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરત: તહેવારોને કારણે ભીડ વધતાં ધક્કામુક્કી થઈ, અનેક લોકો બેભાન, એકનું મોત
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
દિવાળીના દિવસોમાં ઘરે જવા પ્રવાસીઓની ભીડ પ્લેટફોર્મ પર અચાનક વધી જતાં સુરતના રેલવે સ્ટેશન પર ધક્કામુક્કી વધી ગઈ હતી.
ભીડને કારણે થયેલી ધક્કામુક્કીને કારણે શ્વાસ રૂંધાવાથી ચાર લોકો બેભાન થઈ ગયા હતા અને તેમને હૉસ્પિટલ ખસેડવા પડયાં હતાં. જેમાંથી એક વ્યક્તિનું મોત થયું હતું.
મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તત્કાલ વધુ પોલીસ ફોર્સ સુરત રેલવે સ્ટેશને તહેનાત કરવાનો આદેશ આપ્યો હતો.
કેન્દ્રીય રેલ રાજય મંત્રી દર્શના જરદોશ પીડિતોની મુલાકાત લેવા હૉસ્પિટલ પહોંચ્યા હતાં.
કેટલાક લોકો બેભાન થઈને ઢળી પડતાં પોલીસે કેટલાક લોકોને સીપીઆર આપી મદદ કરવાના પ્રયત્ન પણ કર્યા હતા.
સ્ટેશન પર બેકાબૂ ભીડને કાબૂમાં કરવા માટે પોલીસને ભારે જહેમત ઊઠાવવી પડી છે.
શું બન્યું હતું?
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર સુરત રેલવે સ્ટેશનથી બિહાર જઈ રહેલી સ્પેશિયલ ટ્રેનમાં જવા માટે મુસાફરોની ભીડ ખૂબ વધી ગઈ હતી અને તેના કારણે થયેલી ધક્કામુક્કીને કારણે અનેક લોકો બેભાન થઈ ગયા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર દિવાળી અને છઠ્ઠપૂજાના તહેવારોને કારણે વતન જવા માટે રેલવે સ્ટેશન પર આ ભીડ થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભીડ અને ધક્કામુક્કીને કારણે અનેક લોકોને પેનિક અટેક આવ્યા હતા અને અમુક લોકો બેભાન થઈને ઢળી પડ્યા હતા.
બીબીસી સહયોગી રૂપેશ સોનવણેએ આપેલી માહિતી અનુસાર ભાગલપુરના વતની 41 વર્ષીય અંકિત સિંઘનું મૃત્યુ થયું છે. તેઓ કેપી ડાયમંડ કંપનીમાં હીરા ઘસવાનું કામ કરતા હતા અને દિવાળીનો તહેવાર મનાવવા માટે એક વર્ષ બાદ પોતાના વતન જઈ રહ્યા હતા.
અંકિત સિંઘ અને તેમના ભાઈ રામસિંઘ વતન જવા માટે આજે રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. તેમની બંને લોકોની ટિકિટ પણ કન્ફર્મ હતી. પરંતુ પ્રવાસ કરનારા લોકોની સંખ્યા ખૂબ વધી જતા પ્લૅટફૉર્મ પર ભાગદોડ મચી ગઈ હતી જેમાં અંકિત સિંઘ પડી ગયા હતા. ત્યારબાદ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમના ભાઈ રામસિંઘ સ્મીમેર હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.
કેન્દ્રીય મંત્રી હૉસ્પિટલે પહોંચ્યા
રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશે કહ્યું હતું કે, “સ્ટેશન પર ભીડને કારણે સર્જાયેલી અવ્યવસ્થાને કારણે આવું થયું છે. કેટલાક લોકોને તત્કાલ હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે અને તેઓ રીકવરી કરી રહ્યા છે.”
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, “દિવાળીના તહેવાર નિમિત્તે અચાનક સ્ટેશન પર ભીડ વધી ગઈ હતી. ભીડને કાબૂમાં રાખવા માટે પોલીસે સતત પ્રયાસ કર્યો છે. હજુ પણ વધારે પોલીસ ફોર્સ સુરત રેલવે સ્ટેશને મોકલવામાં આવી રહી છે. મારો નવસારીનો કાર્યક્રમ પૂરો કરીને હું સીધા જ રેલવે-સ્ટેશન જવાનો છું.”
દર્શના જરદોશે ટ્વીટ કરતા કહ્યું હતું કે, “સુરતમાં ભારતભરના લોકો વસે છે. તહેવારના સમય દરમિયાન દરેક વ્યક્તિ તેમના વતન જાય છે અને મોટેભાગે રેલ પરિવહનનો ઉપયોગ કરે છે.
આજે વધુ ભીડને કારણે કેટલાક યાત્રીઓએ ગૂંગળામણની ફરિયાદ કરી હતી. રેલવે પ્રશાસને સતર્કતા દાખવી સૌને તબીબી સારવાર આપી છે.
મારી તમામ મુસાફરોને નમ્ર વિનંતી છે કે તમે મુસાફરી દરમિયાન તમારી જાતનું ધ્યાન રાખો અને આરામથી મુસાફરી કરો.”