'મારો પગ તૂટી ગયો, જડબું ફાટી ગયું', પ્લેન ક્રૅશમાં જીવિત બચેલી યુવતીની કહાણી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, પ્લેન ક્રૅશ, વિમાન અકસ્માત, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Courtesy of Annette Herfkens

ઇમેજ કૅપ્શન, 1992માં વિયેતનામ ખાતે એક પ્લેન ક્રૅશ દુર્ઘટનામાં એનેટ હર્ફકેન્સ બચી ગયાં હતાં.
    • લેેખક, અસ્યા ફૌક્સ અને એડગર મેડિકોટ
    • પદ, બીબીસી લાઇવ્ઝ લેસ ઑર્ડિનરી

1992ની વાત છે. ડચ મહિલા એનેટ હર્ફકેન્સ અને તેમના મંગેતર વિયેતનામમાંના એક રોમૅન્ટિક બીચ રિસોર્ટ પર જઈ રહ્યાં હતાં.

એનેટ મેડ્રિડમાં નાણાકીય ક્ષેત્રમાં કામ કરતાં હતાં અને તેઓ જેને વિલેમ અથવા વ્હાલથી પાસજે કહીને બોલાવતાં હતાં તેમની સાથે લૉંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં હતાં. વિલેમ અને એનેટ અગાઉ યુનિવર્સિટીમાં સહાધ્યાયી હતાં.

તેઓ નાનકડા વિમાનમાં પ્રવાસ કરી રહ્યાં હતાં. એ વિમાન ના તાંગ ઍરપૉર્ટ નજીક પહોંચ્યું ત્યારે એનેટ અને વિલેમને લાગ્યું કે તે અચાનક નીચે પડી ગયું છે.

એનેટે બીબીસીના લાઇવ્સ લેસ ઑર્ડિનરી પોડકાસ્ટમાં કહ્યું હતું, "મને ઍન્જિનનો ઘરઘરાટ સંભળાતો હતો. લોકો ચીસો પાડતા હતા. એ મારી સામે જોતો હતો. હું તેની સામે જોતી હતી. અમે એકમેકના હાથ પકડ્યા પછી બધે અંધારું થઈ ગયું હતું."

એ ઘટના ખૂબ જ વિનાશક હતી. બધા મુસાફરો અને ક્રૂના સભ્યો મૃત્યુ પામ્યાં હતાં. એનેટ સિવાયના બધા જ લોકો મૃત્યુ પામ્યાં હતાં.

એનેટ આઠ દિવસ જંગલમાં પડ્યાં રહ્યાં હતાં. તેઓ ચાલી શકતા ન હતાં. આખા શરીરમાં ઠેકઠેકાણે ઘા પડ્યા હતા, ફ્રૅક્ચર થયાં હતાં. ડિહાઇડ્રેશનની અસર હતી અને પોતાનો પ્રેમી ગુમાવ્યાની તીવ્ર પીડા તેઓ સહન કરતાં હતાં.

એ કલાકોમાં એનેટે જે અનુભવ્યું હતું તેની આ કથા છે, જેમાં એનેટ જણાવે છે કે એ કલાકો દરમિયાન તેઓ જીવનની સૌથી અંધકારમય ક્ષણોમાં સુંદરતા શોધવાનું શીખ્યાં.

મેં પાસજે સાથે ડેટિંગ શરૂ કર્યું હતું, કારણ કે તેણે મને પડકાર ફેંક્યો હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેણે મને કહ્યું હતું, "તારામાં શું કરવાની હિંમત નથી, એ હું જાણું છું."

એ પડકાર ચુંબન કરવાનો હતો.

અમે એ અગાઉથી જ બહુ સારા દોસ્તો હતાં અને એક જ વિદ્યાર્થી આવાસમાં સાથે રહેતાં હતાં.

ડેટિંગ કર્યાના થોડા સમય પછી અમને સમજાયું હતું કે અમારી વચ્ચે જે હતું તે સાચો પ્રેમ હતો. અમને લાગ્યું કે અમે લૉટરી જીતી છે. ત્યારથી અમે સાથે જ હતાં.

અમે બંને વિદેશ જવાનું વિચારી રહ્યાં હતાં. તેથી અમે લૉંગ ડિસ્ટન્સ રિલેશનશિપ ચાલુ રાખવાનું અને શક્ય હોય તેટલી વધુ વખત એકમેકને મળતા રહેવાનું નક્કી કર્યું હતું.

પાસજે 1992 સુધી વિયેતનામમાં કામ કરતો હતો અને અમે ત્યાં રોમૅન્ટિક વૅકેશન ગાળવાનું નક્કી કર્યું હતું.

અમે ઘણાં વર્ષોથી સાથે હતાં. પાસજેએ મને તેની સાથે પરણવાનું કહ્યું હતું. ક્યાં અને કેવી રીતે લગ્ન કરવાં તેની ચર્ચા અમે કરી રહ્યાં હતાં.

હું વિયેતનામ પહોંચીને ત્યાં તેનું જીવન કેવું છે, તેની ઑફિસ કેવી છે, એ બધું જોવા ઇચ્છતી હતી, પરંતુ તેણે એક સારા ડચ પુરુષની માફક સવારે સાત વાગ્યે પ્રવાસના પ્રારંભનું આયોજન કર્યું હતું.

હું થોડી ગુસ્સે થઈ હતી, કારણ કે હું વઘુ ઊંઘવા માંગતી હતી અને મેં પ્લેન જોયું ત્યારે કહ્યું હતું કે "હું તેમાં બેસવાની નથી."

વિમાન ખૂબ જ નાનું હતું. સોવિયેત બનાવટનું યાક-40 વિમાન હતું. મને ક્લૉસ્ટ્રોફોબિયા છે. નાની, સાંકડી જગ્યામાં કાયમ ડર લાગે છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, પ્લેન ક્રૅશ, વિમાન અકસ્માત, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Courtesy of Annette Herfkens

ઇમેજ કૅપ્શન, એનેટ અને વિલેમ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન મળ્યાં હતાં અને એ બાદથી એકબીજાની સાથે જ હતાં.

પાસજેએ કહ્યું હતું, "તું આવું કહીશ એની મને ખબર હતી, પરંતુ આપણે બંને માટે તારે તેમાં બેસવું પડશે."

જંગલ ખૂબ જ ગાઢ હતું. તેથી કારમાં જવાનો વિકલ્પ ન હતો અને પાસજે મને કહેતો હતો, "મારા માટે આટલું કર. તને ખરેખર બહુ મજા આવશે."

તેથી મને ખાતરી થઈ ગઈ. હું પ્લેનમાં ચડી અને જોયું કે તે કેટલું નાનું છે. મારે મારી લાગણીની અવગણના કરવાની હતી. એ પ્રવાસ ખૂબ જ ટૂંકો, 55 મિનિટનો હતો.

મારું હૈયુ ધબકતું હતું અમે બીજી હરોળમાં બેઠાં હતાં.

ફ્લાઇટ દરમિયાન હું ખૂબ જ અસ્વસ્થતા અનુભવતી હતી. સતત પાસજેની ઘડિયાળમાં જોતી હતી.

તે સમય પસાર કરવા માટે શાળાની જર્મન કવિતા વાંચતો હતો અને હું તેને પળેપળે નિહાળી રહી હતી.

ઉતરાણની પાંચ મિનિટ પહેલાં પ્લેન અચાનક ઉડ્યું.

લોકો ચીસો પાડી રહ્યા હતા. પાસજેએ ડરીને મારી તરફ જોયું અને કહ્યું, "મને આ ગમતું નથી." મેં થોડી ગુસ્સે થઈને જવાબ આપ્યો, "આ કદાચ નાનું તોફાન હશે. આટલું નાનું પ્લેન ઉપરનીચે થાય તે સ્વાભાવિક છે. ચિંતા કરીશ નહીં. બધું ઠીક થઈ જશે."

ઍન્જિન ફરી ગર્જ્યું અને અમે ફરીથી પટકાયાં. લોકોએ વધારે જોરથી ચીસો પાડી. તેણે મારી તરફ જોયું. અમે એકમેકના હાથ પકડ્યા.

બધું કાળુંધબ્બ થઈ ગયું.

બચી ગયેલી એકમાત્ર વ્યક્તિ

જંગલમાં જીવજંતુઓના, વાંદરાઓના અવાજ વચ્ચે હું ભાનમાં આવી.

મારી ઉપર કશુંક ભારે પડ્યું હતું. તેને ધક્કો માર્યો. તે એક સીટ હતી. તેના પર એક મૃત માણસ હતો. મારા ધક્કાથી તેનો મૃતદેહ સીટ પરથી પડી ગયો હતો.

મેં મારી ડાબી બાજુ જોયું. પાસજે હજુ પણ સીટ સાથે બંધાયેલો હતો. તેના ચહેરા પર મીઠ્ઠું સ્મિત હતું, પરંતુ તે નિશ્ચિત રીતે મૃત્યુ પામ્યો હતો.

એ ક્ષણે મને આઘાત લાગ્યો હશે, કારણ કે એ પછી મને જે યાદ છે તે વનસ્પતિથી ઘેરાયેલી જંગલી જમીન હતી.

હું કેવી રીતે બહાર નીકળી તેની મને ખબર નથી. મારા પગ તૂટી ગયા હતા. હિપ્સમાં 12 ફ્રૅક્ચર થયાં હતાં. મારાં ફેંફસાં અને જડબું તૂટી ગયાં હતાં.

વિમાન એક પર્વત સાથે અથડાયું હતું. તેની પાંખ તૂટી ગઈ હતી. પછી બીજા પર્વત સાથે અથડાયું હતું અને પલટી ગયું હતું.

મેં મારો સીટબેલ્ટ પહેર્યો ન હતો. હું ડ્રાયરમાંના એકમાત્ર કપડા જેવી એકલી હતી અને આઇલની સામેની વ્યક્તિની સીટ નીચે ઘસી ગઈ હતી.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, પ્લેન ક્રૅશ, વિમાન અકસ્માત, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Courtesy of Annette Herfkens

ઇમેજ કૅપ્શન, વિલેમ અને એનેટનું વિમાન દક્ષિણપૂર્વ વિયેતનામમાં એક પર્વત પર અથડાયું હતું.

તૂટેલા વિમાનની ચારે તરફ હરિયાળું જંગલ હતું.

મને યાદ છે કે મેં કેટલીક મોટી લાલ કીડીઓ જોઈ હતી. ડાળીઓ, પાંદડાં અને મારા ખુલ્લા પગ. મારું સ્કર્ટ ક્યાં ગયું તેની ખબર ન હતી.

પાસજેના પગ પર એક મોટો ખુલ્લો ઘા હતો. હું તેનું હાડકું જોઈ શકતી હતી. તેની આસપાસ જંતુઓનાં ટોળાં બણબણતાં હતાં.

પછી મેં મારી જમણી બાજુ એક વિયેતનામી માણસ જોયો. એ જીવતો હતો અને વાત કરી રહ્યો હતો.

મેં તેને પૂછ્યું હતું કે બચાવકર્તાઓ આવશે કે નહીં. તેણે હા પાડી હતી, કારણ કે તે બહુ મહત્ત્વનો માણસ હતો.

તેણે જોયું કે મારા પગ ખુલ્લા હોવાથી મને શરમ આવતી હતી. તેથી તેણે એક નાની કૅરી-ઑન બૅગમાંથી સૂટ પૅન્ટ કાઢીને મને આપ્યું.

અત્યંત પીડા વચ્ચે મેં તે પૅન્ટ પહેર્યું. તે દર્શાવે છે કે અત્યંત અસામાન્ય પરિસ્થિતિમાં પણ આપણે આપણો દેખાવ જાળવી રાખવાના પ્રયાસ કરીએ છીએ.

પૅન્ટ આપીને તેણે મારા પગને જંતુઓથી બચાવ્યા હોય એવું પણ બની શકે.

દિવસના અંત સુધીમાં મેં તે માણસને સતત નબળો પડતો જોયો હતો. તેનામાંથી જીવ નીકળતો જતો હતો. અંતે તેણે માથું ઢાળી દીધું હતું અને મૃત્યુ પામ્યો હતો.

શરૂઆતમાં મેં કેટલાક લોકોને કણસતા સાંભળ્યા હતા, પરંતુ પર્વત પર રાત પડી ત્યારે બીજો કોઈ અવાજ સંભળાતો ન હતો. હૂં સંપૂર્ણપણે એકલી હતી.

જંગલમાં રાત

પેલો વિયેતનામી માણસ મૃત્યુ પામ્યો ત્યારે હું ગભરાઈ ગઈ હતી.

મારે શ્વાચ્છોશ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડ્યું. મેં ક્યારેય માઇન્ડફુલનેસના ક્લાસ કે એવું કશું કર્યું ન હતું. તે સહજ હતા, પરંતુ તેનાથી મને ઘણી મદદ મળી હતી.

પરિસ્થિતિ બાબતે નિર્ણય કરવાને બદલે મેં તેનું અવલોકન કર્યું અને પરિસ્થિતિ જેવી હતી તેવી જ સ્વીકારી લીધી હતી. મેં મારી જાતને કહ્યું હતું, "આ થયું છે. હું મારા મંગેતર સાથે સમુદ્રના કિનારે નથી."

મેં વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને "વાઘ આવે તો શું કરવું" તેના જેવી વિનાશક કલ્પનામાં ભટકતાં મારા મનને અટકાવ્યું હતું.

દેખીતી રીતે એ બધું અને બીજું ઘણું બધું મારા દિમાગમાં આવ્યું હતું. હું જંગલમાં હતી અને તે વાસ્તવિક શક્યતા હતી.

છતાં હકીકત એ હતી કે એ સમયે ત્યાં વાઘ ન હતો. તેથી મેં નક્કી કર્યુ હતું કે વાઘ આવશે ત્યારે જોયું જશે.

પહેલાં બે દિવસ હું વિયેતનામી માણસના મૃતદેહની પાસે જ રહી હતી, જેથી એકલું ઓછું લાગે.

સમય પસાર થતો ગયો તેમ તેમ એ વધુને વધુ ઘૃણાસ્પદ બનતું ગયું. આખરે હું ત્યાંથી દૂર ચાલી નીકળી.

તેને જોવાને બદલે હું જંગલ તરફ જોવા લાગી. મારી નજર સામેનાં હજારો નાનાં પાંદડાંઓ સામે જોવા લાગી.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, પ્લેન ક્રૅશ, વિમાન અકસ્માત, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Courtesy of Annette Herfkens

ઇમેજ કૅપ્શન, એનેટે કહ્યું અકસ્માત બાદ જંગલ તેમના માટે સલામત સ્થળ બની ગયું.

હું શહેરી છોકરી હતી. હું ફાઇનાન્સિઅલ સેક્ટરમાં કામ કરતી હતી. સતત ન્યૂયૉર્ક અને લંડન જતી હતી. અચાનક મને ખ્યાલ આવ્યો હતો કે જંગલ કેટલું સુંદર હોય છે.

મેં પાંદડાંઓ પર, પાંદડાંઓ પરનાં ટીપાં પર અને ટીપાંથી પ્રકાશ કેવી રીતે પ્રતિબિંબિત થતો હતો તેના પર મેં જેટલું વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું તેટલું જ વધારે તે સુંદર બન્યું હતું.

હું તે સુંદરતામાં સમાઈ ગઈ હતી અને મારે જીવતા પણ રહેવાનું હતું.

શરૂઆતમાં થોડો વરસાદ પડ્યો ત્યારે મેં મારી જીભ બહાર કાઢી હતી, પરંતુ એટલું પૂરતું ન હતું. તેથી મેં એક યોજના બનાવી હતી.

મેં જોયું કે વિમાનનું ઇન્સ્યૂલેશન મટિરિયલ એક પ્રકારનું ફૉમ હતું.

હું મારી કોણીને સહારે થોડી સરકી. મારાં ઘાયલ સાથળ અને પગને ખેંચ્યાં. તમામ શક્તિ સાથે ઊભી થઈ. મેં શક્ય તેટલું ફૉમ પકડ્યું અને તેનો જમીન પર ઘા કર્યો. પછી મારી જાતને નીચે પડવા દીધી. હું પીડાથી બેહોશ થઈ ગઈ હતી.

હું જાગી ત્યારે જોયું તો ફૉમના સાત ટુકડા કરી બાઉલ બનાવવામાં સફળ થઈ હતી. મેં બધાને કતારમાં ગોઠવ્યા અને વરસાદ આવવાની રાહ જોવા લાગી.

એક છોકરીને બૅગમાંથી મને શાલ જેવું વસ્ત્ર મળ્યું હતું. તેનાથી મને ઠંડીનો સામનો કરવામાં મદદ મળી હતી.

એ જ દિવસે ધોધમાર વરસાદ શરૂ થયો. મારા બાઉલ ભરાઈ ગયા. મેં આ પ્રકારે પાણી પીધું.

તેનો સ્વાદ શ્રેષ્ઠ શૅમ્પેન જેવો હતો. મને મારી જાત પર બહુ ગર્વ થયો. મેં વિચાર્યું, "ક્યા બાત હૈ, સ્કાઉટ ગર્લ."

મને સમજાયું હતું કે એ પરિસ્થિતિમાં જીવંત રહેવું અને લાત મારતા રહેવું કેટલું અદ્ભૂત હતું.

'પાસજે વિશે વિચારશો નહીં'

મારી જાતને પાસજેના મૃત્યુથી અલગ કરવા સિવાયનો કોઈ વિકલ્પ ન હતો.

હું તેના વિશે વિચારતી હતી ત્યારે મારા હાથ પરની નાની 10 યુરોની વીંટીને નિહાળતી હતી. એ પાસજેએ નેધરલૅન્ડ્સના લીડેનમાં એક જ્વેલરી સ્ટોરમાંથી ખરીદી હતી.

જંતુ કરડવાથી મારો હાથ સૂજી ગયો હતો.

મને ખરેખર લાગે છે કે અમે એક સંપૂર્ણ જોડી હોત. અમે શ્રેષ્ઠ મિત્રો, સોલમેટ્સ હતા. પાસજે એક સુંદર, ઉષ્માસભર હતો. હૅન્ડસમ હતો, પરંતુ હૅન્ડસમ હોવાનો દેખાવ કરતો ન હતો.

જંગલમાં આટલા કલાક પડી રહી એ દરમિયાન મેં મારી જાતને તેના વિશે વિચારવા દીધું ન હતું. મને ખબર હતી કે હું રડી પડીશ અને નબળી પડી જઈશ. એવું લાગશે કે હું બચીશ નહીં.

મેં તેને ફરીથી વિમાનના કાટમાળમાં શોધવાની હિંમત સુદ્ધાં કરી ન હતી. "પાસજે વિશે વિચારીશ નહીં," એ મારો મંત્ર બની ગયું હતું.

મેં મારા પરિવાર બાબતે વિચાર્યું. તેમના શાવરમાંથી નીકળતા પાણી વિશે વિચાર્યું અને તેઓ આખો દિવસ તે પાણી પી શકે છે તે કેટલી સારી વાત છે એ વિચાર્યું.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, પ્લેન ક્રૅશ, વિમાન અકસ્માત, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Courtesy of Annette Herfkens

ઇમેજ કૅપ્શન, એનેટ અને વિલેમની સગાઈ થઈ ગઈ હતી.

એ બધા સારા, પ્રેમાળ વિચારો હતા. મને પ્રેમની અનુભૂતિ થઈ હતી. મને ખાતરી હતી કે તેઓ મને કોઈક રીતે શોધી રહ્યા હશે.

પરંતુ ખોરાકનો અભાવ અને શરીર પરની ઈજાની અસર મને થઈ રહી હતી.

છઠ્ઠા દિવસે હું લગભગ નશા જેવી અવસ્થામાં હતી. હું મરી રહી હતી, પરંતુ સૌથી સુંદર અને ખુશખુશાલ રીતે.

મેં જંગલની સુંદરતા, તેના બધા રંગો જોયા. પ્રેમની એક પ્રકારની લહેર મારી તરફ આવતી અનુભવી. હું વધુને વધુ ઉડી રહી હોઉં એવું લાગતું હતું.

પછી મારી આંખના એક ખૂણેથી મેં નારંગી રંગનો પોશાક પહેરેલો એક માણસ જોયો.

મારા બદલાયેલા મનની સ્થિતિમાંથી બહાર નીકળી અને ફરીથી જોયું તો ત્યાં ચોક્કસ એક માણસ હતો. તેનો ચહેરો સુંદર હતો.

મેં ચીસો પાડવાનું શરૂ કર્યું અને તેનાથી હું તરત જ પૃથ્વી પર પાછી આવી ગઈ. ફરીથી જોરદાર પીડાનો અનુભવ થયો, પણ મને સમજાઈ ગયું હતું કે ત્યાંથી નીકળવાની વ્યવસ્થા થઈ ગઈ છે.

મેં તેમને કહ્યું, "તમે મને મદદ કરશો?" તેઓ થોડા દૂર ઊભા રહ્યા અને કોઈ પ્રતિભાવ ન આપ્યો. મારી સામે જોતા રહ્યા.

મેં આગ્રહપૂર્વક કહ્યું, "હાય, તમે કૃપા કરીને મને મદદ કરી શકશો?" તેમણે કશું કર્યું નહીં. દિવસના અંતે તે ગાયબ થઈ ગયો. મને લાગ્યું તે એક ભ્રમ હતો.

પરંતુ બીજા દિવસે સવારે તે પાછો ફર્યો.

હું ખૂબ ગુસ્સે થઈ હતી. મેં દરેક ભાષામાં તેને શાપ આપવાનું શરૂ કર્યું અને તે ફરીથી ચાલ્યો ગયો.

મેં વિચાર્યું, "મેં તેનું ખરેખર અપમાન કર્યું છે. હવે તે કાયમ માટે ચાલ્યો ગયો છે."

પરંતુ આખરે આઠમા દિવસે આઠ માણસો બૉડી બૅગ્સ સાથે ક્ષિતિજ પર દેખાયા હતા. તેઓ મારી તરફ આવી રહ્યા હતા.

આખરે બચાવ

તેમણે મને મુસાફરોના નામની યાદી દેખાડી હતી. મેં મારા નામ પર માર્ક કર્યું.

તેમણે મને બૉટલમાંથી એક ઘૂંટડો પાણી આપ્યું. છેડેથી બે થાંભલા સાથે બાંધેલા ટાર્પ પર મને ઉપાડી અને જંગલની બહાર લઈ ગયા.

એ વખતે હું બીજી વખત, સંપૂર્ણપણે ગભરાઈ ગઈ હતી. હું જવા ઇચ્છતી ન હતી. એટલે કે હું મારા પૅસેજ સાથે ત્યાં રહેવા માંગતી હતી. હું મારી સુંદર માનસિક સ્થિતિમાં રહેવા ઇચ્છતી હતી.

તેમણે મારી તરફ થોડી ચિંતા સાથે જોયું, કારણ કે હું ખૂબ ડરી ગઈ હોવાનો ખ્યાલ તેમને આવ્યો હતો. તેમણે મને જમીન પર મૂકી દીધી અને તેમનાં જૂતાં ઉતારી નાખ્યાં. તેમને એવું લાગ્યું હતું કે તેમના ચાલવાથી મને પીડા થાય છે. તેઓ મને પીડા થાય તેવું ઇચ્છતા ન હતા.

મેં મારી જાતને બીજા સ્થાન પર રાખીને તેમના પર ધ્યાન કેન્દ્રિત કર્યું. હું મારી નાનકડી જાત વિશે ભૂલી ગઈ અને વિચાર્યું કે આ માણસો મને કેટલી મદદ કરી રહ્યા છે. તેમણે મારા માટે તેમનાં જૂતાં ઉતારી નાખ્યાં. મેં તેમનો આભાર માન્યો.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, પ્લેન ક્રૅશ, વિમાન અકસ્માત, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Courtesy of Annette Herfkens

ઇમેજ કૅપ્શન, એનેટે પોતાની કહાણી એક પુસ્તકમાં લખી, જેનો ઘણી ભાષામાં અનુવાદ થયો.

અમે જંગલની વચ્ચે પડાવ નાખ્યો અને મને ખૂબ જ તીવ્ર, વાસ્તવિક પીડા થવા લાગી. તેમણે નાનકડો તંબુ બનાવ્યો, આગ પેટાવી અને મને બે થાંભલાની વચ્ચે લટકાવી દીધી.

એ રાતે વરસાદ ફરી શરૂ થયો. તેઓ તંબુમાં ગયા અને હું ખરેખર ડરી ગઈ. તે રમૂજી હતું, કારણ કે અન્ય દિવસોમાં જ્યારે હું એકલી હોઉં ત્યારે મને ડર લાગતો ન હતો.

મેં તેમને કહ્યું, કૃપા કરીને અંદર જશો નહીં. મને એકલી છોડશો નહીં.

તેઓ ખૂબ જ દયાળુ હતા. તેમણે આગ પ્રગટાવી. મને વધુ ભોજન અને પાણી આપ્યું.

હું હો ચી મિન્હ સિટી પહોંચી ત્યારે ત્યાં મેં મારી એક સાથીદાર જેમીને જોયાં.

પછી મેં મારા મંગેતરના ભાઈઓને જોયા. હું તેમની સાથે તરત વાત કરવા ઇચ્છતી હતી. તેમના ભાઈના ચહેરા પર સુંદર સ્મિત હતું અને તેણે કોઈ પીડા સહન કરવી પડી ન હતી, પરંતુ તેનું મૃત્યુ થયું છે, એ તેમને જણાવવાની મારી ફરજ છે, એવું મને લાગતું હતું.

પછી મારાં માતા આવ્યાં. મને યાદ છે કે મેં તેમને કહ્યું હતું, "તમે મને જોવા માટે છેક અહીં સુધી આવ્યાં?" પછી મેં સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લીધી હતી.

હૉસ્પિટલનાં સાધનોના બીપ..બીપ..બીપ..અવાજ સંભળાવા લાગ્યા હતા. તેમણે મારાં ફેફસાંમાં કશુંક નાખવું પડ્યું હતું.

પછી શું થયું હતું?

મારા પરિવારમાં બધાને એવું લાગ્યું હતું કે હું મરી ગઈ છું. તેમણે લીડેનમાં પાસજેના પરિવાર સાથે સંયુક્ત અંતિમ યાત્રાનું આયોજન કર્યું હતું. લીડેનમાં અમે સાથે ભણ્યાં હતાં.

અમારાં મૃત્યુની જાહેરાત પહેલેથી જ અખબારોમાં પ્રકાશિત થઈ ગઈ હતી. તેથી હું ઘરે પહોંચી ત્યારે શોકસંદેશાઓનો ઢગલો પડ્યો હતો. તે એક રીતે ખૂબ જ સરસ અને મારા આત્મસન્માન માટે બહુ સારું હતું. મને એ આજે પણ યાદ છે.

હા, તાર્કિક રીતે મારા પરિવારમાં બધાએ હાર સ્વીકારી લીધી હતી, પરંતુ હું હો ચી મિન્હ સિટી પહોંચી ત્યારે ત્યાં પહોંચેલાં મારાં દોસ્ત જેમીએ હાર માની ન હતી.

હું મૃત્યુ પામી હોવાનું માનવાનો તેમણે ઇન્કાર કર્યો હતો અને મારા ભૂતકાળ વિશે વાત કરનારાઓ પર તે ગુસ્સે થયો હતો.

હું નેધરલૅન્ડ્સ પાછી ફરી ત્યાં સુધીમાં મારું જડબું પાછું તેના સ્થાને આવી ગયું હતું. મારાં ફેફસાં બરાબર થઈ ગયાં હતાં. મારી સાથળ પણ સારી થઈ ગઈ હતી.

પગમાં ગૅંગરીનની સમસ્યા ખૂબ જ ગંભીર હતી અને સદનસીબે વિયેતનામના ડૉક્ટરોએ એ માટે ઘણો સમય ફાળવ્યો હતો.

નેધરલૅન્ડ્સમાં તેમણે મને કહ્યું હતું, "અમે અહીં તમારો પગ ખરેખર કાપી નાખ્યો હોત. અમે આટલો લાંબો સમય રાહ જોતા નથી."

તેથી હું તેમની આભારી છું.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, પ્લેન ક્રૅશ, વિમાન અકસ્માત, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Courtesy of Annette Herfkens

ઇમેજ કૅપ્શન, એનેટ અને તેમનાં પુત્રી

પાસજેના અંતિમ સંસ્કાર ભયાનક હતા. તેઓ મને ચર્ચમાં લઈ ગયા હતા અને એ લગ્ન જેવું હતું, પરંતુ હું જાણે કે તેમની સાથે કૉફીનમાં પરણી રહી હતી.

વેદી પર એક કૉફીન મારી રાહ જોઈ રહ્યું હતું અને મને લઈ જતો માણસ સહજ રીતે કે અજાણતાં લગ્નની માફક થોડાં વધારે પગલાં ભરતો હતો.

મારા બધા દોસ્તો ત્યાં હતા. મારાં લગ્નમાં હાજર હોત એવા તમામ દોસ્તો તેમાં સામેલ હતા. સુંદર ભાષણો થયાં. સુંદર સંગીત હતું.

પછી તેઓ તેને કબર પર લઈ ગયા હતા અને હું તેની પાછળ હતી.

જીવનનું પુનર્નિર્માણ

જંગલ મારા માટે સલામત સ્થળ બની ગયું. વાસ્તવિક દુનિયા ભયાનક સ્થળ બની ગઈ, કારણ કે ત્યાં પાસજે કાયમ મારી સાથે હતો.

મારા અસ્તિત્વના બીજા હિસ્સા વિના પાછું આવવું આઘાતજનક હતું.

મારે દુઃખના બધા તબક્કામાંથી પસાર થવું પડ્યું હતું. હું રડી, ખૂબ રડી. હું હજુ પણ તેને યાદ કરું છું.

હું તેના વિશે હંમેશા વિચારું છું. હું મોટી થાઉં છું તેમ એ જોઉં છું, જે જીવનમાં તેણે ગુમાવ્યું હતું. તે જે બાળકોને ખૂબ જ ઇચ્છતો હતો તે બાળકો તેને નહોતા. કદાચ અમે અમારું સહિયારું જીવન ગુમાવી દીધું હતું.

અકસ્માત પછીના મહિનાઓમાં મારા ઘણા કૉલેજ મિત્રોનાં લગ્ન થઈ રહ્યાં હતાં, પણ તેનાથી કોઈ અર્થ સર્યો ન હતો.

એક તબક્કે 'ફૉર વેડિંગ્સ એન્ડ એ ફ્યૂનરલ'ની માફક મેં નક્કી કર્યું હતું કે "ઠીક છે. હું લગ્ન નહી કરું. ઇટ્સ ઓવર."

પછી મને મારા એક મિત્રએ કહ્યું હતું કે ફક્ત એક જ વ્યક્તિ છે, જે પાસજેનું સ્થાન લઈ શકે તેમ છે. એનું નામ છે જેમી. તે મને શોધવા છેક વિયેતનામ પહોંચ્યો હતો અને હું જીવંત હોઈશ એવું કોઈ માનતું ન હતું ત્યારે તેને ખાતરી હતી કે હું જીવંત હોઇશ.

પછી મેં વિચાર્યું, "શા માટે ન કરવાં?" અમે ખૂબ નજીક હતાં અને મને લાગે છે કે ઘનિષ્ઠ મિત્રોના પ્રેમમાં પડવું તે મારી પ્રકૃતિ છે. પાસજે માટે પણ આવું જ થયું હતું.

અમારાં લગ્ન થયાં અને બે બાળકો થયાં.

મારા પુત્ર મૅક્સને બાળપણમાં ઑટિઝમ હોવાનું નિદાન થયું હતું. એ સમાચાર મેં સાંભળ્યા ત્યારે જંગલમાં હું શું શીખી હતી અને કઈ રીતે બચી હતી તે બધુંં મને યાદ આવ્યું.

જે છે તેને એકવાર સ્વીકારી લો અને જે નથી તેના પર ધ્યાન જ ન આપો પછી જ સુંદરતા પ્રગટ થાય છે.

અકસ્માત પછીની મારી પરિસ્થિતિ સ્વીકારી હતી એવી જ રીતે મારા પુત્રના નિદાનને પણ સ્વીકાર્યું હતું. પછી મને સમજાયું છે કે તે બિનશરતી પ્રેમનો સુંદર સ્રોત છે.

મારી દીકરીને પણ હું એટલો જ પ્રેમ કરું છું. મને હજુ પણ તેની પાસેથી અપેક્ષાઓ છે.

તેઓ મને ખરેખર સાચો પ્રેમ આપે છે અને તેમના માટે હું જે અનુભવ કરું છું તે ખરેખર શુદ્ધ પ્રેમ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન