ગુજરાતમાં જોવા મળતું આ ઝાડ આફ્રિકામાં કેમ વરદાનરૂપ સાબિત થઈ રહ્યું છે?

    • લેેખક, સોમૈલા ડિયારા
    • પદ, બીબીસી ફ્યુચર

બાવળનો ગુંદર રાંધણ અને તબીબી ઉપયોગ માટે હજારો વર્ષોથી મૂલ્યવાન બની રહ્યો છે. હવે આ વૃક્ષ સહરાના રણને વિસ્તરતું રોકવાના એક ખંડવ્યાપી પ્રયાસનો એક ભાગ બન્યું છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આ બાવળ જોવા મળે છે. જોકે ગુજરાતથી માઈલો દૂર આ સ્થળે લોકો બાવળમાંથી કમાણી પણ કરે છે.

આફ્રિકાના માલીની ઝાડીમાં, જંગલી ઘાસ અને ઝાડીઓ વચ્ચે અનેક બાવળ ઊગે છે, જે ઝાંખરાંની વચ્ચે માઈલો સુધી ફેલાયેલા છે. પશુપાલકો ત્યાં પશુઓને ચરાવે છે અને સ્થાનિક લોકોને તેમાંથી બળતણનું લાકડું મળે છે. આ વિસ્તારમાં બાવળ ઊંચા અને ઝડપથી વિકસતાં વૃક્ષો પૈકીનાં એક છે. જૂનાં વૃક્ષો આસપાસની ઝાડીઓની ઉપર પહોંચે છે.

આ સાહેલ છે, જે સવાન્નાહના મુખ્ય પ્રદેશ પશ્ચિમ આફ્રિકાના છ દેશોમાં ફેલાયેલું છે. દક્ષિણમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો અને ઉત્તરમાં સહરાના રણ વચ્ચેની જમીનની આ સૂકી પટ્ટીમાં વર્ષમાં ફક્ત ત્રણ મહિના વરસાદ પડે છે.

આ ઝડપથી બદલાઈ રહેલો પ્રદેશ છે. આબોહવા પરિવર્તનને કારણે સહરાનું રણ 1950 પછી દક્ષિણ તરફ લગભગ 100 કિલોમીટર વિસ્તર્યું છે અને આગામી દાયકામાં પણ આવું જ વલણ ચાલુ રહેવાની અપેક્ષા છે.

જોકે, સાહેલમાં રણની સીમા નજીક ઊગેલા બાવળ, સહરાને આગળ વધતું રોકવાની ક્ષમતા ધરાવતા, પુનઃ શરૂ થઈ રહેલા જૂના વ્યાપારના કેન્દ્રમાં છે.

આ વૃક્ષોમાં શું ખાસ છે તે જાણવા માટે તમારે તેની છાલનો એક પટ્ટો ફાડવો પડે અથવા ઝાડમાં નાનો ચીરો પાડવો પડે. તેમાંથી ગુલાબી રંગનો પદાર્થ નીકળે છે, જે સુકાઈને ગોળાકાર નરમ દડાના આકારમાં ફેરવાય જાય છે. તે ગમ અરેબિક છે અને તે સાહેલમાં જોવા મળતી ગોરડ (અકેશિયા સેનેગલ) અને દેશી બાવળ (અકેશિયા સિયાલ)ની પ્રજાતિઓમાંથી મળી આવે છે.

બાવળના ગુંદરનો ઉપયોગ અને વર્ષો જૂનો વેપાર

આ ગમ એટલે કે ગુંદરનો ઉપયોગ પદાર્થોને બાંધવા અને પ્રવાહી મિશ્રણના તેના ગુણધર્મો માટે 2,500થી વધુ વર્ષોથી કરવામાં આવે છે. પ્રાચીન ઇજિપ્તવાસીઓ તેનો ઉપયોગ આહાર, ચિત્રલિપિ રંગો અને મૃતદેહોને મમી સ્વરૂપે જાળવી રાખવાના મલમ તરીકે કરતા હતા.

આજે ગમ અરેબિકનો ઉપયોગ સોફ્ટ ડ્રિંક્સથી માંડીને ફાર્માસ્યુટિકલ્સ સુધીનાં ઉત્પાદનોમાં કરવામાં આવે છે.

આ માલી, સેનેગલ અને સુદાન સાથે ગમ અરેબિકના ઐતિહાસિક નિકાસકારો પૈકીનું એક હતું, પરંતુ વીસમી સદીના ઉત્તરાર્ધમાં વેપારમાં ઘટાડો થયો હતો. માલી 1960ના દાયકા સુધી દર વર્ષે 10,000 ટનથી વધારે ક્રૂડ ગમ અરેબિકનું ઉત્પાદન કરતું હતું.

પરંતુ કુદરતી તથા રાજકીય પરિબળોના સંયોજનને કારણે એ વેપાર ખતમ થઈ ગયો હતો અને 1992 સુધીમાં માલી દર વર્ષે માત્ર 32 ટન ક્રૂડ ગમ અરેબિકની નિકાસ કરી શક્યું હતું.

દેશના નૅશનલ વર્કિંગ ગ્રૂપ ઑન સસ્ટેનેબલ ફૉરેસ્ટ મૅનેજમૅન્ટ ઍન્ડ ફૉરેસ્ટ સર્ટિફિકેશનના ડેપ્યુટી ટેકનિકલ સેક્રેટરી ફાતુમાના કોનેના જણાવ્યા મુજબ, માલીએ 1960થી આજ સુધીમાં તેના વન આવરણનો 82 ટકા હિસ્સો ગુમાવ્યો છે.

2001થી 2018 દરમિયાન ઝાડીઓમાં આગ અને બળતણ માટે વૃક્ષોની કાપણી સહિતનાં અનેક કારણોને લીધે લગભગ સાડા ચાર લાખ હેક્ટર જમીનનો વિનાશ થયો હતો.

વન આવરણના અભાવે રણના વિસ્તારની પ્રક્રિયા ઝડપી બને છે, કારણ કે માટી ઓછું પાણી શોષી શકે છે અને માટીનું ધોવાણ ઝડપથી થાય છે.

આ સમસ્યાના નિરાકરણ માટે મોરિટાનિયા નજીકના નારાના માલીના 1,250 હેક્ટર વિસ્તારમાં બબૂલ સેનેગલ પ્રકારનાં વૃક્ષોના વાવેતરની પહેલ શરૂ કરવામાં આવી છે. માલીની કૃષિ કંપની ડેગુએસી વર્ટ ખેડૂતો અને માલીની મુખ્ય કૃષિ સંશોધન એજન્સી ધ ઇન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ ઇકૉનૉમી સાથે મળીને વાવેતરનું આ કામ કરી રહી છે.

તેનો હેતુ દેશના વિવિધ ભાગોમાં 6,000 હેક્ટર જમીનમાં બાવળ વાવવાના કાર્યક્રમ, માલી અકેશિયા પ્રોજેક્ટમાં સામેલ ગામોમાં આરોગ્ય માળખું અને શાળા બનાવવાનો પણ છે.

ફાતુમાના કોનેના જણાવ્યા મુજબ, આ વાવેતર પુનઃ વનીકરણ અને આબોહવા પરિવર્તન અનુકૂલન બન્ને દૃષ્ટિએ સફળ છે. તેઓ કહે છે, "અહીં વાવેલા બાવળ શ્રેષ્ઠ ગમ અરેબિક ઉત્પન્ન કરે છે. તેને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ખૂબ વખાણવામાં આવે છે."

બાવળનો ગુંદર વેચવાનું શરૂ કર્યું અને આર્થિક સ્થિતિ સુધરી

કાયેસ પ્રદેશમાં સ્થાનિકો અને ખાસ કરીને મહિલાઓ માટે ગમ અરેબિક આવકનો એક મહત્ત્વપૂર્ણ સ્રોત બની ગયો છે. સેનેગલ બબૂલના એક ઝાડમાંથી ઉત્પન્ન થતો એક કિલોગ્રામ ગમ લગભગ 1,000 વેસ્ટ આફ્રિકન ફ્રેન્ક એટલે કે 1.8 ડૉલરમાં વેચાય છે.

કાયેસ પ્રદેશના સેફેટોઉ ગામના રહેવાસી ફેન્ટા સિસોકો કહે છે, "અગાઉ અમારા પૈકીના ઘણા લોકો પૈસા માટે પુરુષો પર નિર્ભર હતા, પરંતુ ગમ અરેબિક વેચવાનું શરૂ કર્યું ત્યારથી અમારી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ઝાડીમાં જઈને ગમ અરેબિક ચૂંટવાની હિંમત કરવી પડે છે. પહેલાં પૈસા માટે પતિ અથવા પરિવારના અન્ય પુરુષો પાસે હાથ લાંબો કરવો પડતો હતો. હવે એવું નથી."

છ બાળકોનાં માતા સિસોકો અને તેમના પરિવારની અન્ય મહિલાઓ ઑક્ટોબરમાં વરસાદની ઋતુ પૂર્ણ થાય ત્યારે ઝાડીઓમાંથી ગમ એકઠો કરે છે. જુલાઈમાં ચોમાસું શરૂ થાય ત્યાં સુધી ગમસ્રાવનો સારો સમય હોય છે.

આ વર્ષે પોતે 1,100 ડૉલરની બચત કરી હોવાનું જણાવતાં સિસોકો ઉમેરે છે, "અગાઉ એકેય કામમાંથી મને આટલા પૈસા મળ્યા ન હતા. આગામી સમયમાં હું આ કામ વડે વધુ પૈસા મેળવવા ઇચ્છું છું."

ગમ અરેબિક દૂરના વિસ્તારોમાંથી કાયેસ પ્રદેશ તરફ યુવાનોને પણ આકર્ષિત કરી રહ્યો છે. મધ્ય માલીના મોપ્તી પ્રદેશમાંના સશસ્ત્ર સંઘર્ષને લીધે નાસી છૂટેલો એક યુવાન મામુતોઉ સિસે કહે છે, "મારું સપનું રોડ મારફત ઇટાલી જવાનું હતું, પરંતુ અન્ય યુવાનો ગમ અરેબિકની લણણી કરીને મોટરસાઇકલ ખરીદી શકે છે, એ જોયું ત્યારે મેં તે વિચાર છોડી દીધો હતો."

બાવળના ગુંદરમાંથી કમાણી

કાયેસ પ્રદેશમાં આવ્યાના પહેલા જ વર્ષમાં ગમ અરેબિક વેચીને પોતે લગભગ 1,800 ડૉલરની બચત કરી હોવાનું જણાવતાં સિસે ઉમેરે છે, "હું રોજ વહેલી સવારે બહાર જતો હતો અને સૂર્યાસ્તના સમયે ઘરે પાછો આવતો હતો. હું ગામમાં પાછો ફર્યો ત્યારે ઘણા યુવાનો મારું ઉદાહરણ અનુસરવા ઇચ્છતા હતા."

વેપાર દ્વારા આવકની સાથે બાવળ વિશ્વ બૅન્કના બાયૉકાર્બન ફંડમાંથી કાર્બન ક્રેડિટ પણ મેળવી આપે છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ ઇકૉનૉમીના જણાવ્યા અનુસાર, 2007 અને 2012 દરમિયાન બાવળના વાવેતરે 1,90,000 ટન સીઓટુ મેળવી છે.

માલીના સત્તાવાળાઓ બાવળના વાવેતરને વનનાબૂદીમાં ઘટાડો કરવાની તક ગણે છે. આફ્રિકન યુનિયનના ગ્રેટ ગ્રીન વૉલ પ્રોજેક્ટના ભાગ રૂપે હજારો હેક્ટરમાં બાવળના વાવેતરની માલીની યોજના છે. આ સમગ્ર આફ્રિકા ભૂખંડમાં વિસ્તરેલું એક નવું જંગલ બનાવવાનો પડકાર છે, એક ગ્રીન બેલ્ટ, જે પશ્ચિમમાં સેનેગલની રાજધાની ડકારને પૂર્વમાં જીબુટી સાથે જોડશે.

તે 8,000 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી વનસ્પતિ હશે, જે જમીનને મજબૂત બનાવવામાં મદદ કરશે, ધોવાણ ઘટાડશે અને જમીનમાં પાણી જાળવી રાખશે, તેમજ રણનું વિસ્તરણ ધીમું કરશે.

સંરક્ષણ સંગઠન ક્લોરેન બૉટનિકલ ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, 80,000થી વધુ ડેઝર્ટ પામનું વાવેતર પહેલાં જ કરવામાં આવ્યું છે અને 45,000 હેક્ટરથી વધુ રણપ્રદેશને બબૂલ સેનેગલ તથા બબૂલ સીયલ સહિતનાં વિવિધ વૃક્ષોથી ફરી હરિયાળો બનાવવામાં આવ્યો છે.

બાવળની સિંચાઈ અને જાળવણી સામે પડકારો

ગ્રેટ ગ્રીન વૉલનો રૂટ માલીમાં લગભગ 890 કિલોમીટર વિસ્તારને આવરી લે છે. આ રૂટ કાયેસ અને કુલિકોરો પ્રદેશોમાંથી પસાર થાય છે. આ પ્રોજેક્ટ 29 બ્લૉક્સની આસપાસ રચાયેલો છે. દરેક બ્લૉકમાં ખેતી, વૃક્ષારોપણ અને પશુપાલન માટે વિકસાવવામાં આવેલી આશરે આઠ એકર જમીનનો સમાવેશ થાય છે.

માલીમાં આવા 29 બ્લૉક અપેક્ષિત છે. તેમાં 12,500 પરિવારો સમાહિત હશે. બાવળનાં વાવેતર, ખેડૂતોને કામની ટેકનિક્સની તાલીમ આપવા અને ગમ અરેબિકનું ઉત્પાદન થતું હોય એવાં ગામોમાં સહકારી મંડળીઓના સંચાલન માટે માલીએ 2015થી 27 લાખ ડૉલરનું રોકાણ પણ શરૂ કર્યું છે.

ગમ અરેબિકની ખેતીમાં પડકારો પણ છે. વિચરતા પશુપાલકો માલી અને મૌરિટાનિયાની વચ્ચે હોય છે ત્યારે વિકસતા છોડનો રખડતાં, ઘરેલુ પ્રાણીઓ નિયમિત રીતે નાશ કરે છે. એ ઉપરાંત પ્રદેશની ભૂસ્તશાસ્ત્રીય સ્થિતિને લીધે, આ વિસ્તારનાં મોટાં ભાગનાં ગામડાંમાં પરંપરાગત છીછરા કૂવાઓના ખારા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.

આ ખારું પાણી બાવળ કે અન્ય કોઈ પણ પ્રકારની ખેતીમાં સિંચાઈ માટે અયોગ્ય છે, એમ પશ્ચિમ માલીના કેયસ પ્રદેશમાં ગમ અરેબિકનો વેપાર કરતા વન ઇજનેર સીતાફા ત્રાઓર જણાવે છે.

તેઓ ઉમેરે છે, "બાવળના છોડવાની જાળવણી માટે તાજું પાણી પ્રાપ્ત કરવા મશીનો વડે ઊંડા બોરહોલ કરવા જરૂરી છે."

તેમ છતાં ગમ અરેબિકે માલીના આ ક્ષેત્રનાં કેટલાંક ગામડાંની પરિસ્થિતિ બદલવાનું શરૂ કરી દીધું છે. ગમ અરેબિકની રાષ્ટ્રીય નિકાસ ઝડપથી વધી રહી છે. 2015માં તે પ્રમાણ લગભગ 2,500 ટન હતું, જે 2016માં વધીને 6,000 ટન થઈ ગયું હતું.

ગમ અરેબિકના વ્યાપાર સાથે સંકળાયેલા સીતાફા ત્રાઓરે જેવા લોકો આશાવાદી છે. આ વર્ષો જૂનો વ્યાપાર આબોહવા અને રાજકીય અસ્થિરતા એમ બન્નેનો અનુભવ કરતા આ પ્રદેશમાં અનેક રીતે સલામતી લાવવામાં મદદ કરી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન