મેવાણી વિરુદ્ધ કૉંગ્રેસના લોકોનો જ સૂત્રોચ્ચાર, કાર્યકરો કઈ વાતથી નારાજ?

ઇમેજ સ્રોત, ANI
ગુજરાતમાં કૉગ્રેસના સંગઠનમાં અંદરોઅંદર વિખવાદ અને વિરોધ ફરી એક વાર સપાટી પર આવ્યા છે.
મળી રહેલી માહિતી પ્રમાણે સોમવારે બપોરે પાટણ જિલ્લામાં કૉંગ્રેસી કાર્યકરોએ જ વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી જિલ્લા કૉંગ્રેસ કાર્યાલય પર તાળાબંધી કરી હતી.
અહેવાલો પ્રમાણે કૉંગ્રેસના સ્થાનિક કાર્યકરો અને નેતાઓએ જિજ્ઞેશ મેવાણીના ઇશારે જિલ્લા કૉંગ્રેસ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખપદે જયાબહેન શાહની નિયુક્તિ કરાયાના આરોપ કર્યા હતા.
આ નિયુક્તિ બાદ કૉંગ્રેસના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
જોકે, જિજ્ઞેશ મેવાણીએ આ મામલે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો.
સામે પક્ષે પાટણના કૉંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલે આને 'આડેધડ નિમણૂકો સામે કૉંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરોની નારાજગી' ગણાવી હતી.
શું હતો સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, Paresh Padhiyar
સોમવારે બપોરે પાટણ જિલ્લા કૉંગ્રેસના અનુસૂચિત જાતિ મોરચના પૂર્વ પ્રમુખ હસમુખભાઈ સક્સેનાએ તેમના સમર્થકો સાથે જિલ્લા કૉંગ્રેસ કાર્યાલય ખાતે એક કાર્યક્રમ આપ્યો હતો.
જેમાં જિજ્ઞેશ મેવાણી, ગુજરાત કૉંગ્રેસ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ ચૅરમૅન હિતેન્દ્ર પીઠડિયા, અને પાર્ટીના મોવડીમંડળ સામે 'ઉપેક્ષા' અને 'મનસ્વીપણે નિમણૂકો' કરવાના આરોપ કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમણે જિજ્ઞેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા પર આરોપ મૂકતાં કહ્યું હતું કે જ્યારે તેઓ પાટણ જિલ્લાના અનુસૂચિત જાતિના 50 સભ્યોના એક મંડળ સાથે જિલ્લા કૉંગ્રેસ અનુસૂચિત જાતિ મોરચાની વર્તમાન પૅનલને રિપીટ કરવાની માગણી સાથે મળવા પહોંચ્યા ત્યારે તેમની માગણીઓ ફગાવી દેવાઈ હતી.
તેમણે આરોપ કરતાં કહ્યું કે, "હિતેન્દ્ર પીઠડિયાએ અમને કહ્યું કે અમે અને અમારા ગુરુએ, જિજ્ઞેશ મેવાણીએ જેના પર હાથ મૂક્યો છે, એ જ નામ સમગ્ર પાટણ જિલ્લા અને ગુજરાતના દલિત સમાજમાં ચાલશે."
આ સિવાય તેમણે જિજ્ઞેશ મેવાણી સામે આરોપ કરતાં કહ્યું હતું કે, "જિજ્ઞેશ મેવાણીનો અમે મળવા માટે સમય માગ્યો હતો, પરંતુ અમારી રજૂઆત સાંભળવાને બદલે તેમણે કહ્યું હતું કે તેઓ પાટણ જિલ્લાના દલિત મોરચાના કોઈ માણસને મળવા માગતા નથી અને મળશે પણ નહીં."
"જિજ્ઞેશએ મને લલકારતાં કહ્યું હતું કે, 'મેં જેના પર હાથ મૂક્યો હતો તેમને કોઈ નહીં બદલી શકે, પણ જેણે પણ હસમુખ સક્સેનાના સમર્થનમાં પત્રો લખ્યા છે એ કૉંગ્રેસના ધારાસભ્યોને પણ હું બતાવી દઈશ કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમે કઈ રીતે જીતશો.'"
પાટણ જિલ્લાના એક સ્થાનિક પત્રકારે આ સમગ્ર મામલે કહ્યું હતું કે, "હસમુખ સક્સેનાનો આરોપ છે કે તેમણે પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાની પોતાની પૅનલ રિપીટ કરાવવા માટે પ્રદેશના ચાલુ ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોના સમર્થનના પત્રો રજૂ કર્યા હતા, છતાં તેમના સ્થાને જયાબહેન શાહની નિમણૂક કરાઈ છે. જોકે, હસમુખભાઈએ કહ્યું હતું કે તેમને જયાબહેનના નામ સાથે કોઈ વાંધો નથી, પરંતુ તેમની નિમણૂક તેમને વિશ્વાસ લઈને કરવી જોઈતી હતી."
હસમુખ સક્સેનાના સમર્થનમાં તેમના સમર્થકો મોટી સંખ્યામાં જિલ્લા કૉંગ્રેસ કાર્યાલયે હાજર રહ્યા હતા અને હિતેન્દ્ર પીઠડિયા અને જિજ્ઞેશ મેવાણીનાં નામના સૂત્રોચ્ચાર કર્યા હતા.

ઇમેજ સ્રોત, Hindustan Times
જોકે, જિજ્ઞેશ મેવાણી સામેના આક્ષેપોને નકારતાં સામાજિક કાર્યકર અને જિજ્ઞેશના સમર્થક ગૌતમ છત્રાલિયાએ આ સમગ્ર ઘટનાક્રમને 'દલિત સમાજમાંથી જિજ્ઞેશનો વિરોધ' નહીં, પણ 'તેમની સતત વધતી જતી લોકપ્રિયતામાં અવરોધ પેદા કરવાનો પ્રયાસ' ગણાવ્યો.
તેમણે કહ્યું કે, "સમગ્ર ઘટનાક્રમમાં જિજ્ઞેશ મેવાણીની કોઈ ભૂમિકા જ નથી. હાલનો વિરોધ ભાજપના ઇશારે થઈ રહ્યો છે. તેમને જિજ્ઞેશ મેવાણીની લોકપ્રિયતા આંખમાં ખટકી રહી હોય એવું લાગે છે. દલિત સમાજ દ્વારા જિજ્ઞેશ મેવાણીના વિરોધની વાત સાવ પાયાવિહોણી છે, તેમના વિરોધીઓ સાથે હાથ મિલાવનારા બે-ચાર લોકો હાલ આ વાત ચલાવી રહ્યા છે."
"હાલ જોઈએ તો, આખો દલિત અને બક્ષીપંચ સમાજ જિજ્ઞેશની સાથે છે. તેમણે જે કામ કર્યું છે તેને લોકોનું સમર્થન મળ્યું છે. જિજ્ઞેશ મેવાણી આગળ તેમાં આ લોકોને પેટમાં તેલ રેડાયું છે. તેથી વિચારી શકાય કે આ લોકો કઈ ટીમના માણસો છે. હાલ તેઓ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ છે, તેથી આવા લોકો દ્વારા તેઓ ફરીથી આ પદ ચાલુ ન રહે એ માટે જિલ્લાવાર આવાં ષડ્યંત્રો ઊભાં કરાઈ રહ્યાં છે."
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Paresh Padhiyar
પાટણ જિલ્લાના ધારાસભ્ય કિરીટ પટેલે સોમવારે બનેલી ઘટના અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, "છેલ્લા ઘણા સમયથી પાટણ જિલ્લામાં કૉંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરોને બાજુએ મૂકી કૉંગ્રેસની ફૂટેલી તોપોને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. જિલ્લાના કૉંગ્રેસના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા પ્રમુખ અને તાલુકા પ્રમુખનો મત જાણ્યા વગર આડેધડ નિમણૂકો કરવામાં આવી છે, જેથી કૉંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરો નારાજ થયા છે."
તેમણે આગળ કહ્યું હતું કે, "રાહુલ ગાંધીએ પોતાની સભામાં કહ્યું હતું કે હવેથી કૉંગ્રેસનો જિલ્લા પ્રમુખ સર્વેસર્વા હશે. એવા જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખને જાણ કર્યા વિના પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારાની બારોબાર નિમણૂકો થયાનું પરિણામ પાટણ જિલ્લા કાર્યાલય ખાતે જોવા મળ્યું છે."
કિરીટ પટેલે આગળ કહ્યું કે, "કાર્યકરો આ વાતથી ખૂબ નારાજ અને ગુસ્સામાં છે. આગામી સમયમાં ઉગ્ર વિરોધ થાય, તેમજ ફૂટેલી તોપોને પ્રોત્સાહન આપનારાને પાટણમાં મેથીપાક પણ ચખાડવામાં આવે તો નવાઈ નહીં."
કિરીટ પટેલે હિતેન્દ્ર પીઠડિયાને 'ફૂટેલી તોપ' ગણાવ્યા અને કહ્યું કે તેઓ સાચા કાર્યકરોના ટેકામાં રહેશે.
તેમણે કહ્યું, " કાર્યકરોની સાચી વાત સાંભળવામાં નહીં આવે તો આગામી સમયમાં હું દંડકપદેથી પણ રાજીનામું આપીશ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












