'અમે ક્રિસમસ પર એક વ્યક્તિને અમારા ઘરે બોલાવી અને તે 45 વર્ષ સુધી અમારી સાથે રહી'

બીબીસી ગુજરાતી ક્રિસમસ ઓટિઝમ અમેરિકા બાળક અતિથિ
    • લેેખક, ચાર્લી બકલૅન્ડ
    • પદ, બીબીસી વેલ્સ

ક્રિસમસના તહેવારોનો સમય સામાન્ય રીતે સદ્‌ભાવનાનો સમય હોય છે, પરંતુ 50 વર્ષ પહેલાં એક યુવા બ્રિટિશ દંપતી દ્વારા કરાયેલા એક નાનકડા ઉદાર કાર્યથી તેમનું જીવન હંમેશાં માટે બદલાઈ ગયું.

23 ડિસેમ્બર, 1975એ બ્રિટનના વેલ્સ-સ્થિત કાર્ડિફ શહેરમાં રૉબ પાર્સન્સ અને તેમનાં પત્ની ડાયને પોતાના ઘરે ક્રિસમસ ઊજવવાની તૈયારી કરતાં હતાં, એવામાં તેમના ઘરનો દરવાજો ખખડ્યો.

દરવાજે એક માણસ ઊભો હતો. તેના ડાબા હાથમાં તેની બધી સંપત્તિ કચરાનો એક થેલો અને બીજા હાથમાં થીજેલી મરઘી હતી.

રૉબે ધ્યાનથી તેમનો ચહેરો જોયો અને ખૂબ મુશ્કેલીથી ઓળખી શક્યા. તે રૉની લૉકવુડ હતા – એક એવા માણસ જેને તેમણે બાળપણમાં ક્યારેક ક્યારેક સંડે સ્કૂલમાં જોયા હતા. તેમને યાદ હતું કે લોકોએ કહેલું કે તેની સાથે સારો વ્યવહાર કરવો જોઈએ, કેમ કે તે "થોડો અલગ" છે.

"મેં તેમને પૂછ્યું, 'રૉની, આ ચિકન શા માટે છે?'

"તેમણે કહ્યું, 'કોઈએ મને ક્રિસમસ માટે આપ્યું છે.'

"અને પછી મેં એક એવો શબ્દ કહ્યો, જેણે અમારું જીવન હંમેશાં માટે બદલી નાખ્યું.

"મને આજે પણ ખબર નથી કે મેં એવું કેમ કહ્યું, પરંતુ મેં તેમને અંદર આવવા કહ્યું."

તે સમયે રૉબ 27 વર્ષના હતા અને ડાયને 26નાં. બંનેને લાગ્યું કે તેમણે રૉનીને પોતાના ઘરમાં જગ્યા આપવી જોઈએ. રૉનીને ઑટિઝમ હતો.

તેમણે ત્યાં જ ચિકન બનાવ્યું, તેમને નહાવા દીધા અને નક્કી કર્યું કે તેઓ સાથે ક્રિસમસ ઊજવશે.

જે ઉદારતામાં ભરેલું એક નાનું પગલું હતું, તે પ્રેમ અને પ્રતિબદ્ધતાથી સભર એક અદ્ભુત સંબંધમાં બદલાઈ ગયું, જે 45 વર્ષ સુધી ચાલ્યો—રૉનીના અવસાન સુધી.

બીબીસી ગુજરાતી ક્રિસમસ ઓટિઝમ અમેરિકા બાળક

ઇમેજ સ્રોત, Rob Parsons

ઇમેજ કૅપ્શન, ક્રિસમસના પર્વ નિમિત્તની એક તસવીરમાં રૉબ અને ડાયનેના પુત્ર લૉયડની સાથે રૉની

આજે 77 વર્ષના થઈ ગયેલા રૉબ અને 76 વર્ષનાં ડાયનેનાં લગ્નને ત્યારે માત્ર 4 વર્ષ થયાં હતાં જ્યારે તેમણે રૉનીને પોતાના ઘરમાં જગ્યા આપી હતી.

તે સમયે રૉની લગભગ 30 વર્ષના હતા. તેઓ 15 વર્ષની ઉંમરથી બેઘર હતા – કાર્ડિફની ગલીઓમાં ભટકતા, ક્યારેક ક્યારેક કામ કરતા રૉની. રૉબ જે યુવા ક્લબ ચલાવતા હતા, તેમાં તેઓ ક્યારેક ક્યારેક રૉનીને જોતા હતા.

રૉનીને પોતાના ઘર જેવું લાગે તેથી દંપતીએ પોતાના પરિવારને કહ્યું કે તેઓ રૉની માટે ક્રિસમસની ગિફ્ટ લાવે – ભલે ને તે મોજાં હોય, પર્ફ્યૂમ હોય કે પછી કોઈ ક્રીમ.

ડાયને યાદ કરે છે, "તેઓ (રૉની) ટેબલ પર બેઠા હતા. ચારેબાજુ ગિફ્ટ્સ હતી, અને તેઓ રડી પડ્યા. તેમણે જીવનમાં ક્યારેય આવો પ્રેમ નહોતો અનુભવ્યો."

"એ પળ અકલ્પનીય હતી."

"શું મેં કંઈ ખોટું કર્યું?"

બીબીસી ગુજરાતી ક્રિસમસ ઓટિઝમ અમેરિકા બાળક અતિથિ

દંપતીએ વિચાર્યું હતું કે ક્રિસમસ પછી રૉનીને વિદાય આપશે, પરંતુ જ્યારે એ દિવસ આવી ગયો ત્યારે તેમનાથી કહી જ ન શકાયું. તેઓ મદદ માટે વહીવટી તંત્ર પાસે ગયાં.

રૉબે જણાવ્યું, "અમને કહેવામાં આવ્યું કે નોકરી મેળવવા માટે રૉનીને એક સરનામું જોઈએ, અને સરનામા માટે નોકરી."

"આ જ એ વિરોધાભાસ છે, જેમાં મોટા ભાગના બેઘર લોકો ફસાઈ જાય છે."

રૉનીને 8 વર્ષની ઉંમરે એક કૅર સેન્ટરમાં મોકલી દેવાયા હતા અને 11 વર્ષની ઉંમરે તેઓ કાર્ડિફમાંથી ગાયબ થઈ ગયા.

પોતાના પુસ્તક 'એ નૉક ઑન ધ ડોર' માટે તપાસ કરતાં રૉબને ખબર પડી કે રૉનીને 300 કિલોમીટર દૂર એક એવી સ્કૂલમાં મોકલી દેવાયા હતા, જેને રિપોર્ટમાં 'માનસિક રીતે વિકલાંગ બાળકોની સ્કૂલ' કહેવાતી હતી. તેઓ ત્યાં પાંચ વર્ષ રહ્યા.

રૉબ કહે છે, "તેમના કોઈ દોસ્ત નહોતા, કોઈ સોશિયલ વર્કર નહીં, કોઈ શિક્ષક નહીં, જે તેમને ખરેખર ઓળખતા હોય."

રૉબ યાદ કરતાં કહે છે, મોટા થયા પછી રૉની ઘણી વાર પૂછતા હતા, "શું મેં કંઈ ખોટું કર્યું?"

આ સવાલ એ પીડાદાયક અનુભવની અસર હતો.

15 વર્ષની ઉંમરે તેમને ફરીથી કાર્ડિફ મોકલી દેવાયા.

'અરે, આ તો મારા વકીલ છે'

બીબીસી ગુજરાતી ક્રિસમસ ઓટિઝમ અમેરિકા બાળક

ઇમેજ સ્રોત, Rob Parsons

ઇમેજ કૅપ્શન, રૉની લૉકવુડને ઑટિઝમ હતો અને 15 વર્ષની ઉંમરે એક કૅર સેન્ટરમાંથી કાઢી મુકાયા પછી બેઘર થઈ ગયા હતા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શરૂઆતમાં રૉની ખૂબ શરમાતા હતા – સામું ન જુએ, ખૂબ ઓછું બોલે.

પરંતુ, ધીમે-ધીમે તેઓ તેમને સમજવા લાગ્યા અને ખરેખર તેમને પ્રેમ કરવા લાગ્યા.

તેમણે તેમને કચરો ઉપાડવાની નોકરી અપાવી અને નવાં કપડાં અપાવ્યાં, કેમ કે, તેઓ હજુ એ જ કપડાં પહેરતા હતા જે તેમને સ્કૂલમાંથી મળ્યાં હતાં.

રૉબ જણાવે છે, "અમારે બાળકો નહોતાં, એટલે એવું લાગ્યું જાણે કોઈ બાળકને સ્કૂલ માટે તૈયાર કરતાં હોઈએ."

દુકાનમાંથી નીકળતાં સમયે ડાયનેએ મજાકમાં કહ્યું, "તેમને કચરો ઉપાડવાની નોકરી મળી છે અને આપણે તેમને ડોરચેસ્ટર હોટલના દરવાન જેવા સજાવી દીધા છે."

રૉબ, જેઓ વ્યવસાયે વકીલ હતા, રોજ સવારે એક કલાક વહેલા ઊઠીને રૉનીને કામના સ્થળે મૂકી આવતા.

એક દિવસ રૉબે પૂછ્યું, "'રૉની, તમે હંમેશાં હસતા કેમ રહો છો?'

"રૉની બોલ્યા, 'કામ પર લોકો પૂછે છે, તમને કોણ મૂકવા આવે છે?'

"હું કહું છું, અરે! તેઓ મારા વકીલ છે."

રૉબ કહે છે, "કદાચ તેમને વકીલ કરતાં વધુ એ વાતની ખુશી હતી કે કોઈ તેમને લેવા-મૂકવા આવનાર હતા."

રૉનીના પોતાના નિયમ હતા; જેમ કે, રોજ સવારે ડિશવૉશર ખાલી કરવું. રૉબ દરેક વખતે આશ્ચર્ય પ્રકટ કરતા જેથી રૉનીનું દિલ ન તૂટે.

રૉબ હસીને કહે છે, "45 વર્ષ સુધી અમે આ જ કર્યું."

દરેક ક્રિસમસે તેઓ એ જ માર્ક્સ ઍન્ડ સ્પેન્સરનું ગિફ્ટ કાર્ડ આપતા અને એટલા જ ઉત્સાહિત રહેતા.

રૉની પોતાનો મોટા ભાગનો નવરાશનો સમય સ્થાનિક ચર્ચને સમર્પિત કરી દેતા હતા. તેઓ બેઘર લોકો માટે ફાળો એકઠો કરતા, પ્રાર્થનાઓ માટે જગ્યા તૈયાર કરતા અને ખૂબ જ વ્યવસ્થિત રીતે ખુરશીઓને લાઇનમાં ગોઠવતા હતા.

ડાયને જણાવે છે કે એક દિવસ રૉની ઘરે આવ્યા, પરંતુ તેમના પગમાં જુદાં બૂટ હતાં. ડાયનેએ રૉનીને પૂછ્યું, "રૉની, તમારાં બૂટ ક્યાં છે?"

રૉનીએ જવાબ આપ્યો કે તેમણે એ બૂટ એક એવા બેઘર માણસને આપી દીધા જેને તેની જરૂર હતી.

ડાયને જણાવે છે, "તેઓ એવા જ હતા. તેઓ ખરેખર અદ્ભુત હતા."

બીબીસી ગુજરાતી ક્રિસમસ ઓટિઝમ અમેરિકા બાળક

ઇમેજ સ્રોત, Rob and Dianne Parsons

ઇમેજ કૅપ્શન, ડાયનેએ જણાવ્યું કે ક્રૉનિક ફટીગ સિન્ડ્રોમ (એમઇ)ની સમસ્યાઓના કારણે જ્યારે તે બાળકોની સારસંભાળ નહોતાં રાખી શકતાં ત્યારે રૉનીએ તેમને બાળકોના ઉછેરમાં મદદ કરી

સૌથી કઠિન સમય ત્યારે આવ્યો જ્યારે ડાયને ક્રૉનિક ફટીગ સિન્ડ્રોમથી બીમાર પડી ગયાં. ઘણા દિવસો સુધી તેઓ પથારીમાંથી ઊભાં નહોતાં થઈ શકતાં.

ડાયને યાદ કરે છે, "અમારી ત્રણ વર્ષની એક નાની દીકરી હતી અને રૉબ કામે જતા હતા."

પરંતુ રૉની બાળકો સાથે અસામાન્ય સાબિત થયા. તેઓ લૉયડ માટે દૂધની બાટલી તૈયાર કરતા, ઘરનાં કામોમાં મદદ કરતા અને દીકરી કેટીની સાથે રમતાં હતાં.

જોકે, મુશ્કેલીઓ પણ હતી. જેમ કે, 20 વર્ષ સુધી જુગારની આદત – તોપણ તેઓ કહે છે કે તેઓ તેમના વિનાના પોતાના જીવનની કલ્પના નથી કરી શકતાં.

એક વાર તેમણે વિચાર્યું કે રૉનીને અલગ રહેવા માટે કહે, પરંતુ જેવી વાત શરૂ કરી, તેમણે એ જ સવાલ પૂછ્યો, "શું મેં કંઈ ખોટું કર્યું?"

ડાયને રડી પડ્યાં.

થોડાક દિવસ પછી રૉનીએ પૂછ્યું, "આપણે ત્રણેય દોસ્ત છીએ ને?" "અને આપણે હંમેશાં સાથે રહીશું, બરાબર ને?"

અને સાચ્ચે જ, તેઓ સાથે રહ્યાં.

બીબીસી ગુજરાતી ક્રિસમસ ઓટિઝમ અમેરિકા બાળક

ઇમેજ સ્રોત, Rob Parsons

ઇમેજ કૅપ્શન, રૉની (ડાબે), 1988માં રૉબ અને ડાયને તથા તેમનાં બે બાળકો લૉયડ અને કેટીની સાથે

2020માં 75 વર્ષની ઉંમરે રૉનીનું અવસાન થઈ ગયું. કોવિડના કારણે તેમના અંતિમ સંસ્કારમાં માત્ર 50 લોકો જ સામેલ થઈ શક્યા, પરંતુ રૉબ મજાકમાં કહે છે, "ટિકિટોની માગ તો કોલ્ડપ્લેની કૉન્સર્ટ કરતાં પણ વધારે હતી."

તેમને ઑક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરો, રાજનેતાઓ અને બેરોજગાર લોકો સહિત ઓછામાં ઓછા 100 શોક-સંદેશ કાર્ડ મળ્યાં.

તેમના મૃત્યુ પછી કાર્ડિફ-સ્થિત ગ્લેનવુડ ચર્ચ સાથે સંકળાયેલા, 20 લાખ અમેરિકન ડૉલર કરતાં વધારેના ખર્ચે બનેલા, નવા વેલનેસ સેન્ટરનું નામ રૉનીની યાદમાં લૉકવુડ હાઉસ રાખવામાં આવ્યું.

જોકે, જૂની અને નવી ઇમારતો એકબીજા સાથે સંપૂર્ણ મેળ નહોતી ખાતી અને નવીનીકરણ પૂરું કરવા માટે વધારે ફંડની જરૂર હતી.

રૉબ કહે છે, "પરંતુ ચિંતાની વાત નહોતી. આ રકમ લગભગ એટલી જ હતી, જેટલી રૉનીએ પોતાના વારસામાં છોડી હતી."

"આખરે, એ બેઘર વ્યક્તિએ અમને બધાને માથા પર એક છત આપી દીધી."

ડાયને કહે છે, "શું આ અકલ્પનીય નથી? હવે મને લાગે છે કે આ જ તેમનું નસીબ હતું."

"રૉનીએ અમારા જીવનને એવું સમૃદ્ધ કર્યું, જેની કોઈ તુલના ન કરી શકે."

(ગ્રેગ ડેવિસના પૂરક રિપોર્ટિંગ સાથે)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન