બેડ ફાર્મિંગ : એવી ખેતી પદ્ધતિ જેના થકી ખેડૂત પાણીની બચત કરી શકે અને વધારે આવક પણ કમાઈ શકે

ઇમેજ સ્રોત, Kulvir Singh/BBC
- લેેખક, કુલવીરસિંહ
- પદ, બીબીસી સહયોગી
પંજાબના મલેરકોટલા જિલ્લા નજીક રણવાન ગામમાં રહેતા ખેડૂત હોશિયારસિંહે ખેતીમાં એક નવો પ્રયોગ શરૂ કર્યો છે.
તેઓ છેલ્લા કેટલાય મહિનાઓથી તેમના દસ એકરના ખેતરમાં રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓના ઉપયોગ વિના 'બેડ ફાર્મિંગ' પદ્ધતિ વડે ઘઉં, સરસવ, ચણા અને વિવિધ પ્રકારનાં શાકભાજી ઉગાડી રહ્યા છે.
તેઓ તેને પુનર્જીવિત ખેતી જેવી જ પદ્ધતિ ગણાવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ જમીનની ફળદ્રુપતાનો તેની કુદરતી સ્થિતિમાં પુનર્સ્થાપનાનો છે.
હોશિયારસિંહ માને છે કે 1960ના દાયકા બાદ પંજાબમાં થયેલી હરિત ક્રાંતિને લીધે ઉત્પાદન તો વધ્યું, પરંતુ પ્રકૃતિ સાથે એક મોટું સમાધાન પણ કરવામાં આવ્યું છે.
હોશિયારસિંહ કહે છે, "એ દરમિયાન જે પરિવર્તન થયું તે માનવના કે પર્યાવરણના હિતમાં ન હતું. અમે માનીએ છીએ કે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો આડેધડ છંટકાવ જ રોજ વધતી બીમારીઓનું સૌથી મોટું કારણ છે."
તેમણે સૌથી પહેલાં રાજસ્થાનના કેટલાક પ્રગતીશીલ ખેડૂતોમાં બેડ ફાર્મિંગ પદ્ધતિનો ઉપયોગ જોયો હતો. પછી અનેક પુસ્તકો અને રિસર્ચ પેપર્સનો અભ્યાસ કરીને એ વિશેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
હોશિયારસિંહનું કહેવું છે કે આ ટૅકનીક જમીનની પ્રાકૃતિક રચનામાં દખલ કરતી નથી.
"ક્યારાઓમાં રોપવામાં આવેલા પાકના અવશેષોને માટીમાં ભેળવી દેવામાં આવે છે. તેથી માટીમાં જૈવિક પદાર્થનું પ્રમાણ વધી જાય છે. મલ્ચિંગથી માટીમાં ભેજ જળવાયેલો રહે છે અને જંગલી ઘાસ ઓછું ઊગે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'પાણીની બચત'

ઇમેજ સ્રોત, Kulvir Singh/BBC
પંજાબમાં ભૂગર્ભ જળ એક મોટી સમસ્યા બની ગયું છે. હોશિયારસિંહના કહેવા મુજબ, બેડ ફાર્મિંગ પદ્ધતિનો સૌથી મોટો લાભ પાણીની બચત છે.
હોશિયારસિંહ કહે છે, "છોડવાઓને વિકસવા માટે વધારે પાણીની જરૂર હોતી નથી. થોડોક ભેજ પૂરતો હોય છે. એ ભેજ ક્યારાઓમાં પ્રાકૃતિક રીતે જ જળવાયેલો રહે છે. તેથી છોડ મજબૂત થાય છે અને તેનાં મૂળનો બહેતર વિકાસ થાય છે."
તેઓ માને છે કે રાસાયણિક ખેતીની સરખામણીએ જૈવિક રીતે વાવવામાં આવેલા પાકનું ઉત્પાદન પ્રારંભિક વર્ષોમાં ઓછું થાય છે, પરંતુ સતત બે-ત્રણ વર્ષ જૈવિક ખેતી કરવાથી જમીનની ફળદ્રુપતા વધવા લાગે છે અને ઉપજ સમાન થાય છે.
તેઓ કહે છે, "પહેલા વર્ષે ઉપજમાં ખેડૂતને નુકસાન થઈ શકે છે, પરંતુ પછી આ આકરી મહેનત ફળે છે અને ખર્ચ પણ બહુ ઓછો થઈ જાય છે."
હોશિયારસિંહે તેમના ખેતરમાં ઘઉંની પરંપરાગત જાતનું વાવેતર કર્યું છે. સોના મોતી, શરબતી, ચપાતી અને 8721 જાતના ઘઉં તેની ગુણવત્તા માટે પ્રસિદ્ધ છે.
આવી જ રીતે પંજાબ કૃષિ યુનિવર્સિટી પાસેથી મળેલા ચણા, સરસવ અને લીલા વટાણાની ઉત્તમ જાતોનું વાવેતર પણ કર્યું છે.
તેઓ માને છે કે જૈવિક ખેતીને પ્રોત્સાહિત કરવા માટે સરકારે ખેડૂતો માટે અલગથી સહાય પૅકેજ તૈયાર કરવું જોઈએ.
હોશિયારસિંહ કહે છે, "સરકાર જ્યાં સુધી પાકના સંગ્રહ, બજારમાં ભાવ સંતુલન અને ખાનગી માર્કેટનાં મનસ્વીપણાંને નિયંત્રિત નહીં કરે, ત્યાં સુધી સેન્દ્રિય ખેતી તેની સંપૂર્ણ ક્ષમતા હાંસલ કરી શકશે નહીં."
હોશિયારસિંહ માને છે કે ગ્રાહકોએ તેમની ખાનપાનની આદતોમાં પણ ફેરફાર કરવો જોઈએ.
તેમના કહેવા મુજબ, "જે રીતે આપણે ફૅમિલી ડૉક્ટરની પસંદગી કરીએ છીએ એવી જ રીતે ભવિષ્યમાં દરેક પરિવારે પોતાના ફૅમિલી ખેડૂતની પસંદગી કરવી પડશે. જો ભોજન પૌષ્ટિક નહીં હોય, તો દવાઓ પણ ઉપયોગી નહીં થાય."
મેદાનમાં કૅમ્પિંગ અને જાતે માર્કેટિંગ

ઇમેજ સ્રોત, Kulvir Singh/BBC
હોશિયારસિંહના કહેવા મુજબ, જંગલી ઘાસને નષ્ટ કરવા માટે તેઓ ક્યારેય રાસાયણિક સ્પ્રેનો ઉપયોગ કરતા નથી. તેના બદલે તેમણે પોતાના ખેતર માટે હાથ વડે સંચાલિત પરંપરાગત ઓજાર બનાવ્યાં છે, જેનો ઉપયોગ ખેતરમાં ધીમે-ધીમે નિંદણ કાઢીને જમીનનો કસ જાળવી રાખવા માટે કરવામાં આવે છે.
હોશિયારસિંહનું કહેવું છે કે તેઓ પાકનું પૅકિંગ અને માર્કેટિંગ જાતે જ કરે છે. જૈવિક ખેતીના લાભ વિશે લોકોને માહિતગાર કરવા માટે ખેતરમાં જ વિશેષ કૅમ્પ યોજવાનું આયોજન તેમણે કર્યું છે.
ખેડૂત ગ્રાહક સાથે સીધો નહીં જોડાય ત્યાં સુધી તેને તેના ઉત્પાદનની યોગ્ય કિંમત નહીં મળે, એવું તેઓ ભારપૂર્વક માને છે.
હોશિયારસિંહ કહે છે, "ઝેરીલાં ખાતરોના છંટકાવને કારણે આપણી જમીનનો શ્વાસ રુંધાઈ ગયો છે. આજે માટીની હાલત બહુ ખરાબ છે. આપણે આપણું વલણ નહીં બદલીએ તો આગામી પેઢીને માત્ર ઝેરીલું અનાજ જ મળશે."

આનુવાંશિક રીતે સુધારેલાં કે હાઇબ્રીડ બીજનો ઉપયોગ પોતાના ખેતરમાં ક્યારેય નહીં કરવાનો નિર્ણય હોશિયારસિંહે કર્યો છે.
તેઓ માને છે કે પરંપરાગત બીજ જ જૈવિક ખેતીનો આધાર છે.
હોશિયારસિંહ કહે છે, "જીએમ (જિનેટિકલી મૉડીફાઇડ) અને હાઇબ્રીડ બીજને રાસાયણિક ખાતરોની જરૂર પડે છે. તેનાથી વિપરીત પરંપરાગત બીજ જૈવિક ખાતર સાથે બહુ સારી રીતે ઊગે છે. અમે જીવ અમૃત અને ધન અમૃતનો ઉપયોગ કરીએ છીએ. તે પશુઓનાં ગોબર, મૂત્ર તથા સ્થાનિક સામગ્રીમાંથી તૈયાર કરવામાં આવે છે."
પંજાબે તેની ભૂમિ, જળ અને માનવ સ્વાસ્થ્યનું રક્ષણ કરવું હોય તો જૈવિક ખેતી હવે કોઈ વિકલ્પ નહીં, પરંતુ અનિવાર્ય જરૂરિયાત છે, એવું તેઓ ભારપૂર્વક માને છે.
હોશિયારસિંહના કહેવા મુજબ, "આપણે સ્વસ્થ હોઇશું, તો જ આપણું ભવિષ્ય હશે અને સ્વાસ્થ્યની શરૂઆત જમીનથી થાય છે."
શું છે બેડ ફાર્મિંગ?

ઇમેજ સ્રોત, Kulvir Singh/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પંજાબના મુખ્ય કૃષિ અધિકારી ધર્મિંદરજીતસિંહ સિદ્ધુએ જૈવિક ખેતી બાબતે માહિતી આપતાં જણાવ્યું હતું કે જે રીતે હોશિયારસિંહે જૈવિક ખેતીની શરૂઆત કરી છે એવી રીતે આજના સમયમાં આવા પાકની માંગ વધી રહી છે. સારા સ્વાસ્થ્ય માટે ઘણા બધા તેનો ઉપયોગ કરી રહ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે બેડ ટૅકનિકમાં જમીનમાં બે ફૂટ પહોળો માટીનો બેડ તૈયાર કરવાનો અને પછી તેમાં પાકનું વાવેતર કરવાનું હોય છે.
ધર્મિંદરજીતસિંહે કહ્યું હતું, "ભારે માટી માટે અમે ક્યારાઓની ભલામણ કરીએ છીએ. મધ્યમ માટીમાં તેની કોઈ જરૂર હોતી નથી."
તેમણે ઉમેર્યું હતું કે અન્ય ટૅક્નિકોની સરખામણીએ બેડમાં ઊગાડવામાં આવતા પાકની ઉપજમાં બહુ ફરક હોતો નથી, પરંતુ બેડ પર પાક ઉગાડવાથી પાણીની લગભગ 15થી 20 ટકા બચત થાય છે. બેડ ટૅકનિક મોટાભાગે શાકભાજી માટે વધુ નફાકારક છે.
ધર્મિંદરજીતસિંહે કહ્યું હતું, "અમે ખેડૂતોને સલાહ આપીએ છીએ કે તેમણે તેમના પાકની સાથે ખેતરમાં જૈવિક શાકભાજીનું વાવેતર શરૂ કરવું જોઈએ અને તેનું તેમનાં ખેતરમાં જ વેચાણ કરવું જોઈએ."
જૈવિક ખેતીમાં છોડવાઓ માટેનું ખાતર, કોઈ રસાયણ વિના અન્ય તત્ત્વો દ્વારા જૈવિક રીતે પ્રાપ્ત કરવામાં આવે છે.
પંજાબ સરકાર જૈવિક ખેતી માટે કોઈ સબસિડી આપતી નથી, પરંતુ પ્રાકૃતિક રીતે અનાજ ઊગાડતા ખેડૂતો તેનું પોતાની બ્રાન્ડ હેઠળ પૅકેજિંગ મારફત વેચાણ કરે છે, જ્યારે સરકાર નાની મિલો કે નાના ઉદ્યોગોને સબસિડી આપે છે, એવું તેમણે જણાવ્યું હતું.
જૈવિક ખેતી વડે લેવામાં આવતા પાકનું ઉત્પાદન અન્ય પાકની સરખામણીએ કાયમ ઓછું હોય છે, પરંતુ અન્ય પાકની સરખામણીએ જૈવિક પાકની કિંમત માર્કેટમાં બમણી હોય છે અને ખેડૂતો સારો નફો રળી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












