1 જાન્યુઆરીથી PAN અને આધાર કાર્ડ માટે આ નિયમો બદલાઈ જશે

1 જાન્યુઆરી, 2026 : PAN, આધાર અને બૅન્કિંગ સહિતના આ 6 મોટા ફેરફારો માટે તૈયાર રહો બીબીસી ગુજરાતી ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

1 જાન્યુઆરી 2026, નવા વર્ષનું આગમન થઈ ગયું છે. નવું કૅલેન્ડર વર્ષ શરૂ થવાનું છે ત્યારે તમારે કેટલાક ફેરફારો માટે તૈયાર રહેવું પડશે.

આ બધા ફેરફારો એવા છે જે પાન કાર્ડ, આધાર નંબર, બૅન્ક ખાતા, ગૅસના ભાવ સહિત અનેક ચીજોને અસર કરવાના છે.

આ ઉપરાંત ખેડૂતો માટેની સરકારી યોજનાઓ અને ક્રૅડિટ સ્કોરની સિસ્ટમ પણ બદલાવાની છે.

અહીં એવા છ મોટા ફેરફારોની વાત કરીએ જે પહેલી જાન્યુઆરી, 2026થી લાગુ થશે.

પાન-આધારને લિંક કરવાનું ફરજિયાત

બીબીસી ગુજરાતી જાન્યુઆરી 2026 પાન આધાર કાર્ડ ક્રેડિટ સ્કોર પગાર ખેડૂત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આધાર અને પાન લિંક નહીં હોય તો ઘણી નાણાકીય સુવિધાઓ બંધ થઈ જશે

પાન અને આધાર નંબરને લિંક કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2025 છે અને આ મુદત વીતી જશે તો તમને ઘણી સેવાઓ મળતી બંધ થઈ જશે તથા પાન અને આધાર લિંક કરવામાં પૅનલ્ટી પણ ભરવી પડશે.

PAN અને આધાર લિંક કરેલા નહીં હોય તો ટૅક્સ ફાઇલ કરવામાં અને રિફંડ મેળવવામાં તકલીફ પડી શકે. તથા કેટલીક નાણાકીય સુવિધાઓ બંધ થઈ શકે છે. હાલનાં બૅન્ક ખાતાં ચાલુ રહેશે, પરંતુ કે-વાયસી અપડેટ નહીં થાય. તેના કારણે નવું રોકાણ કરવામાં મુશ્કેલી પડશે.

પાન અને આધારને લિંક કરવાનું મુશ્કેલ નથી. તમે સત્તાવાર વેબસાઇટ પર જઈને લિંક આધારના ઑપ્શન પર ક્લિક કરીને આ કામ કરી શકો છો. તેમાં તમને એક ઓટીપી મળશે જેનાથી બંને આધાર અને પાન લિંક થઈ જશે. જો તમારું કાર્ડ પહેલેથી નિષ્ક્રિય થઈ ગયું હશે તો 1,000 રૂપિયા પૅનલ્ટી ભરવી પડશે. પછી જ તેને આધાર સાથે લિંક કરી શકાશે.

આ ઉપરાંત બૅન્કોએ યુપીઆઈ, ડિજિટલ પેમેન્ટને લગતા નિયમોમાં ફેરફાર કર્યા છે જે પહેલી જાન્યુઆરીથી લાગુ થશે.

ખેડૂતો માટે નવા નિયમો

બીબીસી ગુજરાતી જાન્યુઆરી 2026 પાન આધાર કાર્ડ ક્રેડિટ સ્કોર પગાર ખેડૂત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાત સહિતનાં રાજ્યોમાં ખેડૂતોની નોંધણીનું કામ ચાલુ છે

ખેડૂતોને હાલમાં પીએમ કિસાન સ્કીમ હેઠળ નાણાકીય સહાય આપવામાં આવે છે જેના અમુક નિયમો પહેલી જાન્યુઆરીથી બદલાઈ રહ્યા છે. જેમ કે અમુક રાજ્યમાં ખેડૂતો માટે ખાસ આઈડી એટલે કે ઓળખ રચવામાં આવશે. પીએમ કિસાન સ્કીમ હેઠળ રકમ મેળવવા માટે આ આઈડી આપવું જરૂરી રહેશે.

તાજેતરમાં રાજ્ય કક્ષાના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી રામનાથ ઠાકુરે સંસદમાં જણાવ્યું હતું કે 14 રાજ્યોમાં ખેડૂતોની રજિસ્ટ્રીનું કામ શરૂ કરવામાં આવ્યું છે જ્યાં માત્ર નવા રજિસ્ટ્રેશન માટે ફાર્મર આઈડી જરૂરી છે.

તેમણે કહ્યું હતું કે જે રાજ્યોમાં ફાર્મર રજિસ્ટ્રીનું કામ શરૂ નથી થયું ત્યાં ખેડૂતો આઈડી વગર પણ રજિસ્ટ્રેશન કરાવી શકશે.

ગુજરાતમાં ખેડૂતોની નોંધણી ચાલુ છે જેમાં દરેક ખેડૂત માટે એક ફાર્મર આઈડી રચવામાં આવશે.

આ ઉપરાંત 'વડા પ્રધાન પાક વીમા યોજના' હેઠળ તમારા પાકને જંગલી પ્રાણીઓના કારણે કોઈ નુકસાન થયું હોય તો તેની સામે વળતર મળી શકશે. પરંતુ તેમાં નુકસાનની જાણ 72 કલાકની અંદર કરવી પડશે.

સરકારી કર્મચારીઓ માટે આઠમું પગાર પંચ

બીબીસી ગુજરાતી જાન્યુઆરી 2026 પાન આધાર કાર્ડ ક્રેડિટ સ્કોર પગાર ખેડૂત

ઇમેજ સ્રોત, Getty Images

સાતમા પગાર પંચની મુદ્દત 31 ડિસેમ્બર, 2025ના રોજ સમાપ્ત થાય છે. તેથી પહેલી જાન્યુઆરી, 2026થી આઠમું પગાર પંચ અસ્તિત્વમાં આવે તેવી ધારણા છે, પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટતા આવી નથી.

તાજેતરમાં રાજ્ય કક્ષાના નાણા મંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં કહ્યું હતું કે 1 જાન્યુઆરી, 2026થી આઠમું વેતન પંચ લાગુ થશે કે નહીં તે હજુ નક્કી નથી. વેતન પંચ આગામી 18 મહિનામાં પોતાનો રિપોર્ટ આપશે અને ત્યાર પછી જ નિર્ણય લેવાશે.

જાન્યુઆરીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થાં (ડીએ)માં વધારો જાહેર થવાની સંભાવના છે. કેટલાક રાજ્યમાં પાર્ટ ટાઇમ અને દૈનિક વેતન પર કામ કરતા કામદારો માટે લઘુતમ વેતનમાં વધારો જાહેર થવાની શક્યતા છે.

ક્રૅડિટ સ્કોરના નવા નિયમો

બીબીસી ગુજરાતી જાન્યુઆરી 2026 પાન આધાર કાર્ડ ક્રેડિટ સ્કોર પગાર ખેડૂત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ક્રૅડિટ સ્કોરમાં સુધારો કરવો હવે વધુ સરળ બનશે

આજે કોઈ પણ લોન લેવા માટે ક્રૅડિટ સ્કોર જરૂરી છે અને તેના નિયમો પહેલી જાન્યુઆરીથી બદલાવાના છે. હાલમાં ક્રૅડિટ એજન્સીઓ દર 15 દિવસે ક્રૅડિટનો ડેટા અપડેટ કરે છે. પરંતુ હવેથી દર અઠવાડિયે ડેટા અપડેટ કરવાની જરૂર પડશે. તેના કારણે લોન લેનારાઓનો વધુ સચોટ ક્રૅડિટ સ્કોર મળે તેવી અપેક્ષા છે.

ક્રૅડિટ સ્કોર ઓછા ગાળામાં અપડેટ થવા લાગે તો ગ્રાહકો માટે તે ફાયદાકારક રહેશે કારણ કે યોગ્ય નાણાકીય વર્તન કરનારના ક્રૅડિટ સ્કોરમાં ઝડપથી સુધારો થશે. તમે કોઈ ઈએમઆઈ ચૂકી ગયા હોવ અને તેના કારણે ક્રૅડિટ સ્કોર ઘટી ગયો હોય તો નિયમિત ઈએમઆઈ ભરવાનું શરૂ કર્યા પછી સ્કોર ઝડપથી સુધારી શકાશે.

ઇન્કમટૅક્સનાં નવાં ફૉર્મ સહિત ફેરફારો

બીબીસી ગુજરાતી જાન્યુઆરી 2026 પાન આધાર કાર્ડ ક્રેડિટ સ્કોર પગાર ખેડૂત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સરકાર ટૂંક સમયમાં ટૅક્સને લઈને નવાં ફૉર્મ લાવી રહી છે

1 જાન્યુઆરી, 2026થી દેશમાં નવા ઇન્કમટૅક્સ રિટર્ન (આઈટીઆર) ફૉર્મ અમલમાં આવવાની સંભાવના છે. તેમાં બૅન્કિંગ અને બીજી કેટલીક વિગતો પ્રિ-ફિલ્ડ, એટલે કે પહેલેથી ભરેલી હશે.

પહેલી જાન્યુઆરીથી સીએનજી અને પીએનજી (પાઇપ્ડ નૅચરલ ગૅસ)ના ભાવમાં યુનિટ દીઠ બેથી ત્રણ રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. વાહનોમાં સીએનજીનો ઉપયોગ થાય છે જ્યારે રાંધણ ગેસ માટે પીએનજીનો ઉપયોગ થાય છે. પેટ્રોલિયમ બાબતોના રેગ્યુલેટરે નવા ટેરિફ સ્ટ્રક્ચરને મંજૂરી આપી છે જેનાથી ગૅસના ભાવ ઘટશે. દરેક રાજ્યનાં અલગ અલગ ટૅક્સ માળખાં અને લોકેશન પ્રમાણે ભાવમાં ઘટાડો પણ અલગ અલગ હોઈ શકે છે.

બીજી તરફ પહેલી જાન્યુઆરીએ વિમાનો માટેના જેટ ફ્યૂઅલના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે.

જાન્યુઆરી મહિનાથી બૅન્કો યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટના નિયમો વધારે ચુસ્ત બનાવવા જઈ રહી છે. સિમનું વૅરિફિકેશન કરવાના નિયમો પણ કડક બનશે. ખાસ કરીને વૉટ્સઍપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવી એપ્લિકેશન્સ દ્વારા ઘણી વખત ફ્રૉડ થવાની ફરિયાદો છે. તેના કારણે સિમ વૅરિફિકેશન વધુ ચુસ્ત બનશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન