મ્યૂલ એકાઉન્ટ : તમારું બૅન્કખાતું કોઈ ઉધાર વાપરવા લે તો તમે કઈ રીતે ફસાઈ શકો?

મની મ્યૂલ એટલે શું, સાયબર ફ્રોડ ક્રાઇમ, સાયબર ક્રાઇમ, ડિજિટલ ઍરેસ્ટ, આર્થિકવ્યવહારોની હેરફેર, યુપીઆઈ ફ્રોડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી

"દોસ્ત, તારી મદદની જરૂર છે. મારે એક મોટું પેમેન્ટ આવવાનું છે, તો તારા બૅન્ક ખાતામાં લઈ લે ને, મારું કામ થઈ જશે, પ્લીઝ."

જો કોઈ સગા-સંબંધી કે મિત્ર આ પ્રકારની વાત કરે અથવા અજાણી વ્યક્તિ તમારું બૅન્ક એકાઉન્ટ વાપરવા દેવા બદલ પૈસાની ઓફર કરે તો સાવધાન રહેવું, કારણ કે જાણ્યે-અજાણ્યે તમે કોઈના 'મની મ્યૂલ' બની રહ્યા છો.

ભારતમાં છેલ્લા કેટલાક સમયથી દેશમાં ડિજિટલ આર્થિક વ્યવહારોનું ચલણ વધ્યું છે, તેની સાથે સાયબર ક્રાઇમ, ડિજિલ ઍરેસ્ટ, ઇન્સ્ટન્ટ લોન ઍપ્લિકેશન્સ, ક્રિપ્ટો સ્કેમની સંખ્યા વધી રહી છે.

આ રીતે મેળવવામાં આવેલાં નાણાંને 'લેયર કરવા,' 'કન્વર્ટ કરવા' કે 'આગળ વધારવા' માટે સાયબર ક્રિમિનલ્સ દ્વારા 'મની મ્યૂલ' કે 'મ્યૂલ એકાઉન્ટ'નો ઉપયોગ કરવામાં આવે છે.

જો તમારા ખાતામાંથી કોઈ પણ પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિનાં નાણાંની હેરફેર થઈ હશે, તો તમારે પોલીસ સ્ટેશન, અદાલત, બૅન્કો અને કદાચ જેલના ચક્કર પણ કાપવા પડી શકે છે.

આ રેકેટ કેવી રીતે કામ કરે છે તથા જાણતા-અજાણતા તમે આ પ્રકારની મુશ્કેલીમાં મુકાઈ ન જાવ, તે માટે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, તેના વિશે જાણો.

મ્યૂલ એકાઉન્ટ એટલે શું?

મની મ્યૂલ એટલે શું, સાયબર ફ્રોડ ક્રાઇમ, સાયબર ક્રાઇમ, ડિજિટલ ઍરેસ્ટ, આર્થિકવ્યવહારોની હેરફેર, યુપીઆઈ ફ્રોડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

તપાસકર્તાઓ ગેરકાયદેસર રીતે મેળવવામાં આવેલા નાણા સુધી સહેલાઈથી ન પહોંચી શકે તે માટે ક્રિમિનલ્સ દ્વારા અન્ય કોઈના બૅન્ક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરે છે.

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચના એસીપી (આસિસ્ટન્ટ કમિશનલ ઑફ પોલીસ) હાર્દિક માંકડિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, "આમ તો મ્યૂલ એટલે ભારે સામાનની હેરફેર માટે કામમાં લેવામાં આવતું પ્રાણી. ગધેડો એક જગ્યા સ્થાનેથી બીજી જગ્યાએ સામાનની હેરફેર કરે છે, પરંતુ એ સામાન તેનો નથી હોતો. એવી જ રીતે જે ખાતામાંથી ગુનાખોરીનાં નાણાંની હેરફેર થઈ હોય, તેને મ્યૂલ એકાઉન્ટ કહેવામાં આવે છે."

સાયબર ફ્રોડ, ઑનલાઇન ગેમિંગ, ડ્રગ્સનાં નાણાં, જીએસટી ચોરી કરવા કે કાળાં નાણાંને સિસ્ટમમાં લાવવા કે બહાર મોકલવા માટે મ્યૂલ એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ દંડનીય અપરાધ છે.

સુપ્રીમ કોર્ટના વકીલ અને સાયબર ક્રાઇમ સંબંધિત કાયદાઓના નિષ્ણાત વિરાગ ગુપ્તાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, "છેલ્લા કેટલાક સમયથી સાયબરક્રાઇમની નાણાકીય હેરફેર માટે મ્યૂલ ખાતાઓનો વપરાશ વધ્યો છે. આ કામ મુખ્યત્વે ત્રણ રીતે કરવામાં આવે છે. ગરીબોનાં જનધન ખાતાંનો ઉપયોગ કરવો. બીજું કે ડમી કંપનીઓ કે પેઢીઓના નામે ખાતાં ખોલાવવાં તથા નિયમિત ખાતાંને ભાડે લઈને તેનો ઠગાઈ માટે ઉપયોગ કરવો."

વિરાગ ગુપ્તા ઉમેરે છે, "સાયબર ફ્રોડમાં મળેલી રકમને ક્રિપ્ટૉકરન્સીમાં ફેરવવા માટે મ્યૂલ એકાઉન્ટનો ઉપયોગ થયો હોવાના પણ કેટલાક કિસ્સા નોંધાયેલા છે."

જો ડ્રગ્સનાં નાણાંની હેરફેર થઈ હોય તો એનડીપીએસ, જીએસટીની ચોરી કે હેરફેર માટે સંબંધિત કાયદાઓની જોગવાઈ હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

મ્યૂલ અને ઇનોસન્ટ મ્યૂલ

મની મ્યૂલ એટલે શું, સાયબર ફ્રોડ ક્રાઇમ, સાયબર ક્રાઇમ, ડિજિટલ ઍરેસ્ટ, આર્થિકવ્યવહારોની હેરફેર, યુપીઆઈ ફ્રોડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Virag Gupta/BBC

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કેટલાક લોકોને ખબર નથી હોતી કે અન્ય કોઈનાં નાણાં સ્વીકારી કે હેરફેર કરીને તેઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે.

કેટલાક લોકોના વિશ્વાસનો દુરુપયોગ કરીને કે કોઈપણ પ્રકારની લાલચ આપીને એકાઉન્ટધારકના ખાતામાં નાણાકીય હેરફેર કરવામાં આવે છે. જ્યારે કેટલાક કિસ્સામાં મોટી રકમ ખાતામાં જમા કરાવવામાં આવે છે થોડી રકમ રાખીને બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.

એસીપી હાર્દિક માંકડિયા જણાવે છે, "મ્યૂલ એકાઉન્ટ બે પ્રકારનાં હોય છે. એક ઇનોસન્ટ મ્યૂલ હોય છે. જે વિશ્વાસમાં આવીને, સંબંધ કે મિત્રતાના દાવે પોતાના બૅન્ક એકાઉન્ટમાં આર્થિકવ્યવહાર થવા દે છે. કોઈક કિસ્સામાં તેમની સાથે છેતરપિંડી પણ થઈ હોય શકે છે."

"જેમ કે, કોઈ વ્યક્તિ ઇનસ્ટન્ટ લોન માટેની ઑનલાઇન જાહેરાત જોઈને ફૉર્મ ભરી દે છે અથવા તો ઍપ ડાઉનલોડ કરીને પોતાના ખાતાની વિગતો સાયબર ક્રિમિનલ્સને જણાવી દે છે. એ પછી તેમને જણાવવામાં આવે છે કે 'તમારો સિબિલ સ્કોર ઓછો છે એટલે તમને લોન નહીં આપી શકીએ.'"

"એ પછી અરજદારની ગરજ અને પ્રોફાઇલ જોઈને 'અમે તમારા ખાતમાં નાણાં ટ્રાન્સફર કરીશું, જેથી કરીને તમારો સ્કોર સુધરે' એમ જણાવીને નાણા ટ્રાન્સફર કરવામાં આવે છે. એ પછી તેને આગળ મોકલી દેવામાં આવે છે અને વ્યક્તિને કોઈ લોન નથી મળતી."

મની મ્યૂલ એટલે શું, સાયબર ફ્રોડ ક્રાઇમ, સાયબર ક્રાઇમ, ડિજિટલ ઍરેસ્ટ, આર્થિકવ્યવહારોની હેરફેર, યુપીઆઈ ફ્રોડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, એસીપી હાર્દિક માંકડિયા

એસીપી હાર્દિક માંકડિયા ઉમેરે છે, "અન્ય કિસ્સામાં આર્થિક લેવડદેવડના અમુક ટકા લઈને, લેવડદેવડ દીઠ રકમ ચૂકવીને, ઉચક રકમ લઈને કે માસિક આવકની લાલચે કેટલાક લોકો પોતાનું એકાઉન્ટ અન્યોને વાપરવા આપતા હોય છે."

માંકડિયા જણાવે છે કે જેમણે જાણીજોઈને અન્ય કોઈને પોતાનું એકાઉન્ટ વાપરવા માટે આપ્યું હોય, તેમની સામે કાયેદસરની કાર્યવાહી કરવામાં આવે છે. જ્યારે ઇનોસન્ટ મ્યૂલના કેસમાં પૂરતી તપાસ અને ખાતરી કર્યા બાદ તેમને કેસમાં સાક્ષી બનાવવામાં આવે છે.

ઍડ્વોકેટ વિરાગ ગુપ્તા જણાવે છે કે સાયબર ફ્રોડના કેસમાં આઈટી ઍક્ટ 2000, ભારતીય ન્યાય સંહિતા 2023, આધાર કાયદો 2016 તથા કાળાનાણાંને સફેદ કરવામાં આવ્યા હોય, તો પ્રિવેન્શન ઑફ મની લૉન્ડ્રિંગ ઍક્ટ 2002 જેવા અલગ-અલગ કાયદા હેઠળ કેસ દાખલ થઈ શકે છે.

બૅન્કોની ભૂમિકા તથા અનુપાલન

મની મ્યૂલ એટલે શું, સાયબર ફ્રોડ ક્રાઇમ, સાયબર ક્રાઇમ, ડિજિટલ ઍરેસ્ટ, આર્થિકવ્યવહારોની હેરફેર, યુપીઆઈ ફ્રોડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શેરી નાટક સહિત અલગ-અલગ માધ્યમ થકી સરકાર દ્વારા સાયબર ક્રાઇમ અને ડિજિટલ ઍરેસ્ટ પ્રત્યે જનજાગૃતિ લાવવાના પ્રયાસ થઈ રહ્યા છે

પશ્ચિમી દેશોમાં પણ મની મ્યૂલની સમસ્યા પ્રવર્તમાન છે. ત્યાં બૅન્ક એકાઉન્ટ્સની ઉપર નજર રાખવામાં આવે છે. જો કોઈ ખાતામાં અસામાન્ય લેવડદેવડ થાય તો તેને રેડ ફ્લૅગ કરી દેવામાં આવે છે.

આવા એકાઉન્ટધારકો નવું ખાતું ખોલાવી નથી શકતા, ક્રૅડિકાર્ડ નથી મળતું, લોન આપવામાં નથી આવતી કે ગીરો લેવામાં નથી આવતું.

આના માટે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પણ 'સહાયક'ની ભૂમિકા ભજવતા હોય છે. જ્યાં જાહેરાતો કે માઇક્રો ઇન્ફ્યૂએન્સર્સનો ઉપયોગ કરીને મની મ્યૂલ શોધવામાં આવે છે.

ભારતના સાયબર ક્રાઇમમાં ડિજિટલ ઍરેસ્ટની સંખ્યા દિવસે-દિવસે વધી રહી છે. માર્ચ-2025માં સંસદમાં આપવામાં આવેલી એક માહિતી પ્રમાણે, વર્ષ 2022માં સાયબર ક્રાઇમની 39 હજાર 925 ઘટનાઓ નોંધાઈ હતી, વર્ષ 2024માં આ આંકડો વધીને એક લાખ 23 હજાર 672 ઉપર પહોંચી ગયો હતો.

જ્યારે વર્ષ 2025ના પ્રારંભિક બે મહિના દરમિયાન 17 હજાર 718 કેસ દાખલ થયા હતા. જાણકારોના કહેવા પ્રમાણે, વાસ્તવિક આંકડો આનાથી પણ મોટો હોય શકે.

ઍડ્વોકેટ વિરાગ ગુપ્તા જણાવે છે, "ભારતમાં ડિજિટલ ઍરેસ્ટની વધતી જતી ઘટનાઓને પગલે સુપ્રીમ કોર્ટે સ્વતઃસંજ્ઞાન લીધું હતું. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની ખંડપીઠે પહેલી ડિસેમ્બરના વચગાળાનો આદેશ આપ્યો હતો."

"જેમાં સીબીઆઈને કાર્યવાહી કરવાના અધિકાર આપવાની સાથે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાનો જવાબ માંગ્યો હતો."

"આ ચુકાદા અનુસાર સાયબર ઠગાઈ માટે બૅન્ક એકાઉન્ટોના દુરુપયોગ તથા બૅન્ક અધિકારીઓની સંડોવણીના કેસમાં પ્રિવેન્શન ઑફ કરપ્શન ઍક્ટ-1988 હેઠળ કેસ દાખલ થઈ શકે છે."

વિરાગ ગુપ્તા ઉમેરે છે, "રિઝર્વ બૅન્ક અધિનિયમ 1934 તથા પેમેન્ટ ઍન્ડ સેટલમેન્ટ સિસ્ટમ ઍક્ટ – 2007 હેઠળ ચૂક કરનારી બૅન્કો સામે રિઝર્વ બૅન્ક પણ કાર્યવાહી કરી શકે છે."

મની મ્યૂલ એટલે શું, સાયબર ફ્રોડ ક્રાઇમ, સાયબર ક્રાઇમ, ડિજિટલ ઍરેસ્ટ, આર્થિકવ્યવહારોની હેરફેર, યુપીઆઈ ફ્રોડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

લગભગ તમામ વર્ગ તથા વયજૂથના લોકો સાયબરક્રાઇમનો ભોગ બની રહ્યા છે, ત્યારે પીડિતોનું કહેવું છે કે ડિજિટલ બૅન્કિંગનું ચલણ વધી રહ્યું છે, ત્યારે સ્કેમ પણ વધી રહ્યા છે. બૅન્કિંગક્ષેત્રમાં રહેલી છટકબારીઓનો ઉપયોગ સાયબર ક્રિમિનલ્સ કરી રહ્યા છે.

ખાનગી ક્ષેત્રની અગ્રણી બૅન્કના ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે, "ઍન્ટિ-મની લૉન્ડ્રિંગની જોગવાઈઓના અનુપાલન માટે જ્યારે કોઈ ખાતામાં મોટી રકમ જમા થાય અથવા સામાન્ય કરતાં વધુ પ્રમાણમાં આર્થિકવ્યવહારો થાય, તો ઍલર્ટ જનરેટ થતું હોય છે, જેની ઉપર સરકારી તંત્ર નજર રાખતું હોય છે."

"જ્યારે કોઈ ગ્રાહક અસામાન્ય રીતે મોટી રકમ વિડ્રો કરવા આવે અથવા તો આવા વિડ્રૉલ સમયે જો તેમની બૉડી લૅંગ્વેજ ભયભીત જણાય તો શું કરવું, તેના વિશે તેમને તાલીમ આપવામાં આવે છે."

જોકે, તેમણે આ પ્રકારના ગુનામાં ખાનગી અને સરકારી બૅન્કોના કર્મચારીઓની સંડોવણીને નકારી ન હતી.

કઈ બાબતની કાળજી લેવી?

વીડિયો કૅપ્શન, ડિજિટલ એરેસ્ટથી આ મહિલા પ્રોફેસર સાથે 2 કરોડથી વધુની છેતરપિંડી કેવી રીતે થઈ? શું ધ્યાન રાખવું?

સરકાર, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા, બૅન્કો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા જાગૃતિ લાવવા માટે અખબાર, ટેલિવિઝન તથા ઑનલાઇન માધ્યમો દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે.

સીબીઆઈના એક અનુમાન પ્રમાણે, દેશની અલગ-અલગ બૅન્કોની 700થી વધુ શાખાઓમાં સાડા આઠ લાખ કરતાં વધુ મ્યૂલ એકાઉન્ટ્સ છે. સરકાર દ્વારા સાયબર ક્રાઇમ માટે વપરાયેલા સિમ કાર્ડ, આઈએમઈઆઈ નંબર, વૉટ્સઍપ નંબર કે સ્કાઇપ આઈડી બ્લૉક કરવા વગેરે જેવી કાર્યવાહી કરવામાં આવે છે.

આમ છતાં બૅન્ક એકાઉન્ટધારક પોતે જ સાવધ રહે, તે ઇચ્છનીય છે. આ માટે કેટલીક બાબતોની સતર્કતા રાખવા તાકિદ કરવામાં આવે છે. જેમ કે:

  • દરેક કોલર, ઇમેલ અને ટેક્સ્ટ મૅસેજ ઉપર આંધળો વિશ્વાસ ન કરો અને આડેધડ ક્લિક ન કરો
  • ઇમેઇલ તથા બૅન્ક વગેરે માટે અલગ-અલગ અને જટિલ પાસવર્ડનો ઉપયોગ કરો
  • કોઈની સાથે ઓટીપી (વન ટાઇમ પાસવર્ડ) શૅર ન કરો.
  • અન્ય કોઈને તમારું બૅન્ક એકાઉન્ટ વાપરવા માટે ન આપો કે કોઈ વતી બૅન્કના વ્યવહારો ન કરો
  • તમે જેને જાણતા ન હો તેમને એકાઉન્ટની વિગતો ન આપો
  • જો આવી કોઈ ઘટના ઘટી હોય તો તમારી બૅન્ક, નૅશનલ ક્રાઇમ રિપોર્ટિંગ પૉર્ટલ https://www.cybercrime.gov.in અથવા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 ઉપર રિપોર્ટ કરો.

એસીપી હાર્દિક માંકડિયા જણાવે છે, "સિમ કાર્ડ અને મ્યૂલ એકાઉન્ટ સાયબર ક્રિમિનલના મોટા હથિયાર છે. જો લોકો જાગૃત થઈ જશે અને પોતાના એકાઉન્ટ સાયબર ક્રિમિનલ્સને આપવાનું બંધ કરી દેશે, તો આ પ્રકારના તત્ત્વો ન તો નાણાં મેળવી શકશે કે ન તો અન્યત્ર ટ્રાન્સફર કરી શકશે."

* પ્રારંભિક સંવાદ એસીપી હાર્દિક માંકડિયાએ આપેલી માહિતીના આધારે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન