ગુજરાતમાં ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ, સિસ્ટમ વધારે મજબૂત બનશે અને કયા જિલ્લામાં ફૂંકાશે ઝડપી પવન?

ગુજરાતમાં ચોમાસુ, વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં ફરીથી ચોમાસું સક્રિય થયું છે અને ફરીથી રાજ્યમાં ભારેથી અતિભારે તથા કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની આાગાહી કરવામાં આવી છે.

બંગાળની ખાડી પરની જે સિસ્ટમ છે તે ગુજરાત નજીક પહોંચી છે અને આગામી એક કે બે દિવસમાં તે ગુજરાત ઉપર પહોંચશે. જોકે, આ સિસ્ટમ રાજ્ય પર પહોંચે તે પહેલાં જ ભારેથી અતિભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આ સિસ્ટમ વધારે મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને તે હજી વધારે મજબૂત બને તેવી સંભાવના દેખાઈ રહી છે. આ સિસ્ટમ પહેલાં લૉ-પ્રેશર એરિયા હતો જે હવે ખૂબ વધારે મજબૂત બની જતાં રાજ્યમાં વરસાદ સાથે-સાથે પવનની ગતિ પણ વધશે.

જુલાઈ મહિના બાદ ઑગસ્ટના અંતમાં ફરીથી એક મોટી સિસ્ટમ ગુજરાત પર આવશે અને તેના કારણે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે. જેને કારણે કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ થઈ શકે છે.

શનિવારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોની સાથે મહેસાણામાં પણ અતિભારે વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં કલાકોમાં પાંચથી સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

ગુજરાત પર કઈ તારીખે સિસ્ટમ પહોંચશે અને ત્યારે શું થશે?

ગુજરાતમાં ચોમાસું, વરસાદ

ઇમેજ સ્રોત, IMD

હવામાન વિભાગના કહેવા પ્રમાણે હાલ આ સિસ્ટમ મધ્ય પ્રદેશ પર છે અને તાકતવર બની રહી છે. હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ રાજસ્થાન અને ગુજરાત તરફ આગળ વધી રહી છે અને સાથે-સાથે તે હજી પણ વધારે મજબૂત બનશે.

આ સિસ્ટમ હજી ગુજરાત પર આવી નથી પરંતુ તેની અસર શરૂ થઈ ગઈ છે અને તેના કારણે રાજ્યમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ સિસ્ટમ 26 ઑગસ્ટના રોજ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત પર પહોંચશે.

દક્ષિણ રાજસ્થાન પર પહોંચતાની સાથે જ તે વધારે મજબૂત થશે અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. જે બાદ તે સિસ્ટમ 27 ઑગસ્ટના રોજ સૌરાષ્ટ્ર તથા કચ્છના વિસ્તારો પર પહોંચશે અને આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

જે બાદ આ સિસ્ટમ પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધશે અને સૌરાષ્ટ્ર-કચ્છ પરથી થઈને પાકિસ્તાનના દરિયાકિનારા પાસેથી તે અરબી સમુદ્રમાં જતી રહેશે. જે બાદ તે ઓમાન દેશ પર જશે.

ગુજરાતમાં ક્યાં પડશે ભારેથી અતિભારે વરસાદ?

ગુજરાતમાં વરસાદ, ચોમાસું

ઇમેજ સ્રોત, IMD

હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ સિસ્ટમને કારણે આજે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધી જશે. જ્યારે કેટલાક વિસ્તારોમાં અનરાધાર વરસાદ પડવાની શક્યતા છે.

25 ઑગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. જેમાં વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ તથા ભરૂચના જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા છે. આ ઉપરાંત છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત આજે કચ્છમાં પણ વરસાદનું પ્રમાણ વધી શકે છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ આજથી વરસાદનું પ્રમાણ વધશે અને કેટલાંક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે.

ગુજરાતમાં વરસાદ, ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images

ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, બોટાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર તથા દેવભૂમિ દ્વારકામાં પણ આજથી વરસાદનું પ્રમાણ વધશે.

ગુજરાતમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. એટલે કે સિસ્ટમ અરબી સમુદ્રમાં દૂર ના જતી રહે ત્યાં સુધી વરસાદ પડવાની સંભાવના છે.

હાલ પૂર્વ, મધ્ય અને દક્ષિણ ગુજરાત પર ભારે વરસાદ પડી રહ્યો છે, જે સિસ્ટમ આગળ વધતાં સૌરાષ્ટ્ર અને કચ્છ પર તેનું જોર વધશે અને ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડશે. હાલની સ્થિતિ પ્રમાણે ચાર દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે.

27થી 29 ઑગસ્ટ સુધી સૌરાષ્ટ્ર તથા કચ્છના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને કોઈ વિસ્તારમાં પૂરની સ્થિતિ પેદા થાય એટલો વરસાદ પણ થઈ શકે છે.

રાજ્યમાં વરસાદની સાથે પવનની ગતિ પણ વધશે?

વીડિયો કૅપ્શન, ગુજરાત પર નવી સિસ્ટમ લાવી વરસાદનો નવો રાઉન્ડ, ક્યાં કેટલો વરસાદ પડશે?
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સામાન્ય રીતે લૉ-પ્રેશર એરિયા સર્જાય તો તેમાં પવનની ગતિમાં ખૂબ વધારો થતો નથી પરંતુ આ સિસ્ટમ જેમ મજબૂત બનતી જાય તે વરસાદની સાથે તેમાં પવનની ગતિમાં પણ વધારો થાય છે.

હવામાન વિભાગે પ્રમાણે આગામી ત્રણથી ચાર દિવસો સુધી ગુજરાતમાં વરસાદની સાથે પવનની ઝડપમાં પણ વધારો થશે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધારે રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગ પ્રમાણે દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ 40 કિમી પ્રતિકલાકથી વધીને 55થી 60 કિમી પ્રતિકલાક સુધી પહોંચી શકે છે. જેમાં દ્વારકા, કચ્છ, જામનગર, પોરબંદર, ગીર-સોમનાથ, સુરત, વલસાડ તથા નવસારી જિલ્લાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ગુજરાતના અનેક વિસ્તારોમાં 40 કિમી પ્રતિકલાકથી લઈને 50 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે. જેથી ખેતરમાં ઊભેલા ઊંચા પાકને નુકસાન થાય તેવી સંભાવના દેખાઈ રહી છે.

29 ઑગસ્ટથી દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત તથા ઉત્તર ગુજરાત પર સિસ્ટમની અસર સાવ ઘટી જવાની સંભાવના છે. જ્યારે 30 ઑગસ્ટ બાદ સૌરાષ્ટ્ર તથા કચ્છ પર તેની અસર ઘટવાની સંભાવના છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.