You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટ્રમ્પનું ટેરિફ વૉરઃ ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશની તુલનામાં ભારતને કેટલો ઓછો ટેરિફ લાગ્યો?
ડોનાલ્ડ ટ્રમ્પે લગભગ તમામ દેશો પર ટેરિફ નાખવાની જાહેરાત કરી છે જેમાં એશિયાના દેશોને સૌથી મોટો ફટકો પડ્યો છે. ચીન પર 34 ટકા, વિયેતનામ પર 46 ટકા અને કંબોડિયા પર 49 ટકા ટેરિફ નાખવામાં આવ્યો છે.
જોકે, આ દેશોની સરખામણીએ ભારત પર પ્રમાણમાં ઓછો ટેરિફ લાદવામાં આવ્યો છે.
ટ્રમ્પે ભારત પર 26 ટકા રેસિપ્રોકલ ટેરિફ લાદવાની ઘોષણા કરી છે. વ્હાઇટ હાઉસ મુજબ ભારત જ્યારે કે અમેરિકા પર 52 ટકા ટેરિફ લગાવે છે. ટેરિફની ઘોષણા સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતનો પણ ઉલ્લેખ કર્યો.
તેમણે કહ્યું, "વડા પ્રધાન(મોદી) કેટલાક દિવસો પહેલાં અહીંથી ગયા છે. તેઓ મારા સારા મિત્ર છે. પરંતુ મેં તેમને કહ્યું છે કે તમે મારા દોસ્ત છો પરંતુ તમે અમારી સાથે યોગ્ય નથી કરી રહ્યા."
ટ્રમ્પે કહ્યું, "તેઓ અમારા પર 52 ટકા ટેરિફ ચાર્જ કરે છે, તમે સમજો છો, એટલે અમે તેમની પાસે લગભગ ન બરાબર ટેરિફ વસુલ કરીએ છીએ. વર્ષો અને દશકોથી."
ત્યાં ભારતના પાડોશી દેશો પર અલગ-અલગ દરથી ટેરિફ લાદવામાં આવ્યો છે. આ ઘોષણામાં ચીન પર 34 ટકા, પાકિસ્તાન પર 29 ટકા, બાંગ્લાદેશ પર 37 ટકા, મ્યાનમાર પર અને શ્રીલંકા પર 44 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. આમ, ભારતને આ પાડોશી દેશો કરતા ઓછો રેસિપ્રોકલ ટેરિફનો સામનો કરવો પડ્યો છે.
એશિયા ડિકૉડેડના પ્રિયંકા કિશોર બીબીસી સંવાદદાતા નિખિલ ઇનામદારને જણાવે છે કે 26 ટકાનો એક સમાન ટેરિફ હજુ ઘણો ઊંચો કહેવાય અને ભારતમાં લેબર આધારિત નિકાસને તેનાથી મોટી અસર થઈ શકે છે.
તેઓ કહે છે કે, તેના કારણે સ્થાનિક માંગ અને જીડીપીને અસર થવાની શક્યતા છે. આ એવા સમયે થશે જ્યારે ગ્રોથનો દર પહેલેથી ખચકાઈ રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, ભારતમાંથી ઇલેક્ટ્રોનિક્સની નિકાસને સંભવતઃ ફાયદો થવાની શક્યતા છે. વિયેતનામ જેવા દેશ પર વધારે ટેરિફ નાખવાના કારણે અમુક નિકાસ રિ-રુટ થાય તેવી શક્યતા છે.
ભારતીય ફાર્મા ઉદ્યોગને રાહત
આમ છતાં ટ્રમ્પે જે ટેરિફ જાહેર કર્યા છે તેની એકંદર નકારાત્મક અસરને ખાળવા માટે આ પૂરતું નહીં હોય.
કૅનેડા, મૅક્સિકો અને યુરોપિયન યુનિયનથી વિપરીત ભારતે અત્યાર સુધીમાં ટ્રમ્પ સાથે સહયોગનો રસ્તો અપનાવ્યો છે. ભારત અને અમેરિકા દ્વિપક્ષીય સંધિ માટે વાતચીત કરી રહ્યા છે. હવે ટ્રમ્પનાં પગલાં સામે ભારત દ્વારા વળતી કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે જોવાનું રહેશે.
ભારતીય ફાર્મા ઉદ્યોગ રાહતનો દમ લઈ શકશે કારણ કે દવાઓની નિકાસને રેસિપ્રોકલ ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે. ભારતમાંથી દર વર્ષે 13 અબજ ડૉલરની ફાર્મા નિકાસ થાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન