દિલ્હી વિધાનસભા ચૂંટણી: પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 58 ટકા મતદાન થયું

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયું

ઇમેજ સ્રોત, Getty Images

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 58 ટકા મતદાન થયું છે. જોકે, સાંજે છ વાગ્યા સુધીનો મતદાનનો અંતિમ આંકડો આવવાનો બાકી છે.

ચૂંટણીપંચ તરફથી હજુ મતદાનનો અંતિમ આંકડો જાહેર કરવામાં આવ્યો નથી.

સવારે સાત વાગ્યાથી દિલ્હીમાં આજે મતદાન શરૂ હતું અને મતદાન બાદ બંને પાર્ટીઓએ પોતપોતાની જીતના દાવાઓ કર્યા છે.

ઍક્ઝિટ પોલમાં મોટાભાગની એજન્સીઓએ પોતાના અનુમાનોમાં ભાજપને બહુમતી મળશે તેવી સંભાવના વ્યક્ત કરી છે.

જોકે, આમ આદમી પાર્ટીએ આ અનુમાનોને નકાર્યા છે અને કહ્યું છે કે આમ આદમી પાર્ટીની જ સરકાર બનશે.

બીજી તરફ ભાજપે ઍક્ઝિટ પોલના અનુમાનોને ટાંકીને કહ્યું છે કે તેમની દિલ્હીમાં આ વખતે સરકાર બનશે.

દિલ્હીમાં ત્રણ વાગ્યા સુધીમાં 46.55 ટકા મતદાન

દિલ્હી, વિધાનસભા, ચૂંટણી, દિલ્હી ચૂંટણી 2025, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ચૂંટણીપંચે જાહેર કરેલા આંકડાઓ અનુસાર દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ 46.55 ટકા મતદાન થયું છે.

સૌથી વધુ મતદાન ઉત્તર-પૂર્વી દિલ્હીમાં 52.73 ટકા થયું છે. તો નવી દિલ્હીમાં સૌથી ઓછું 43.10 ટકા મતદાન થયું છે.

મતદાન દરમિયાન આમ આદમી પાર્ટી અને ભાજપ એકબીજા પર સતત આરોપો કરી રહ્યા છે અને અનેક જગ્યાએ બંને પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું છે.

શકૂરબસ્તીમાં સૈનિક વિહાર બૂથ પર પોલીસ અધિકારીઓ કોઈ એક પક્ષ તરફ મત આપવાનું કહેતા હોય તેવા આરોપો પણ થયા હતા. જોકે, ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઑફિસ, નૉર્થ દિલ્હીએ આ આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે તપાસમાં આવું સામે આવ્યું નથી.

જોકે, આમ આદમી પાર્ટીએ ઘટના અંગે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર આ ઘટના વિશે લખ્યું હતું કે, "દિલ્હી પોલીસ ચૂંટણીને હાઇજેક કરી રહી છે."

એ સિવાય ઉત્તર પ્રદેશની મિલ્કીપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 57.13 ટકા જેટલું મતદાન થયું છે.

દિલ્હી વિધાનસભા માટે બપોરે 1 વાગ્યા સુધી 33.31 ટકા મતદાન

દિલ્હી વિધાનસભા ચૂંટણી કોણ જીતશે, અરવિંદ કેજરીવાલ, નરેન્દ્ર મોદી, અમિત શાહ, ભાજપ, આમ આદમી પાર્ટી, કૉંગ્રેસ, દિલ્હી વિધાનસભા ઍક્ઝિટ પોલ ઓપિનિયન પોલ પરિણામ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, @ECISVEEP

ઇમેજ કૅપ્શન, દિલ્હી વિધાનસભા માટે મતદાન ચાલી રહ્યું છે

સવારે સાત વાગ્યાથી દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે.

સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા અનુસાર બપોરે 1 વાગ્યા સુધીમાં દિલ્હીમાં કુલ 33.31 ટકાની આસપાસ મતદાન થયું છે.

70 બેઠક માટે બુધવારે એક તબક્કામાં મતદાન થશે, જેમાંથી 12 બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે, જ્યારે જનરલ કૅટેગરીની 58 બેઠક છે.

દિલ્હીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટી, મુખ્ય વિપક્ષ ભાજપ તથા કૉંગ્રેસની વચ્ચે મુકાબલો છે.

દિલ્હીમાં 83 લાખ 49 હજાર પુરુષ અને 71 લાખ 74 હજાર મહિલા સહિત કુલ એક કરોડ 55 લાખ જેટલા મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

ચૂંટણીકાર્યક્રમ જાહેર કરતી વખતે ઇલેક્શન કમિશનર રાજીવકુમારે કહ્યું હતું કે લોકો લાંબી રજાઓ જાણીને શહેરની બહાર જતા ન રહે તે માટે અઠવાડિયાના વચ્ચેના દિવસે ચૂંટણી ગોઠવવામાં આવી છે.

દિલ્હી વિધાનસભાનાં ચૂંટણીપરિણામો શનિવારે જાહેર થશે. ચૂંટણીપંચના નિર્દેશ પ્રમાણે, સાંજે સાડા છ વાગ્યા સુધી ઍક્ઝિટ પોલ્સનું પ્રસારણ નહીં થઈ શકે.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર,
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

ત્રિપાંખિયો મુકાબલો

દિલ્હી વિધાનસભા ચૂંટણી કોણ જીતશે, અરવિંદ કેજરીવાલ, નરેન્દ્ર મોદી, અમિત શાહ, ભાજપ, આમ આદમી પાર્ટી, કૉંગ્રેસ, દિલ્હી વિધાનસભા ઍક્ઝિટ પોલ ઓપિનિયન પોલ પરિણામ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં વિજય મોદી, શાહ અને પાર્ટીના અધ્યક્ષ જે.પી. નડ્ડા (વચ્ચે) માટે પડકાર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દિલ્હીમાં છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયથી આમ આદમી પાર્ટી સત્તા ઉપર છે. હાલ તેનાં આતિશી મુખ્ય મંત્રી છે.

ભ્રષ્ટાચારના આરોપોમાં જામીન ઉપર જેલમાંથી છૂટ્યા બાદ અરવિંદ કેજરીવાલે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને કહ્યું હતું કે 'હવે જનતા આશીર્વાદ આપશે, ત્યારે જ ફરી ખુરશી ઉપર બેસીશ.'

કેજરીવાલ લગભગ નવ વર્ષ નવ માસ સુધી આ પદ પર બેસવાનો વિક્રમ ધરાવે છે. શીલા દીક્ષિત લગભગ 15 વર્ષ અને સતત ત્રણ ટર્મ સુધી મુખ્ય મંત્રી રહ્યાં હતાં.

જોકે, ગત બે ચૂંટણીથી તેમનો કૉંગ્રેસ પક્ષ વિધાનસભામાં ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહ્યો છે.

લગભગ 37 વર્ષના ગાળા બાદ વર્ષ 1993માં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ, ત્યારે ભાજપ વિજયી થયો હતો, પરંતુ એ પછી તે ફરીથી સત્તા ઉપર આવી નથી શક્યો.

ગત ત્રણ વખતથી(વર્ષ 2014, 2019 અને 2024) લોકસભાની તમામ સાત બેઠક ઉપર ભાજપનો વિજય થઈ રહ્યો છે. આ વખતે તે લોકસભાનાં પ્રદર્શનનું વિધાનસભાની ચૂંટણીનાં પરિણામમાં પુનરાવર્તન થઈ શકશે કે કેમ તેની ઉપર નજર રહેશે.

લોકસભાની ચૂંટણી કૉંગ્રેસ તથા આપે સાથે મળીને લડી હતી, છતાં ભાજપનો તમામ સાત બેઠક પર વિજય થયો હતો.

આ વખતે વિધાનસભાની ચૂંટણી આપ તથા કૉંગ્રેસ અલગ-અલગ લડી રહ્યાં છે. ચૂંટણી પહેલાં બંને પક્ષો વચ્ચેની કડવાશ પણ સાર્વજનિક થઈ ગઈ હતી.

વર્ષ 2011માં અણ્ણા હઝારેએ દિલ્હીમાં તત્કાલીન યુપીએ સરકાર પર ભ્રષ્ટાચારના આરોપ મૂકીને આંદોલન શરૂ કર્યું હતું, જેનો એક ચહેરો અરવિંદ કેજરીવાલ પણ હતા. આગળ જતાં કેજરીવાલ તથા ભ્રષ્ટાચારવિરોધી આંદોલનના તેમના કેટલાક સાથીઓએ મળીને 'આપ'ની સ્થાપના કરી.

વર્ષ 2013માં કૉંગ્રેસની મદદથી કેજરીવાલે સરકારનું ગઠન કર્યું હતું અને 49 દિવસ માટે મુખ્ય મંત્રી બન્યા હતા.

કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે કૉંગ્રેસ કેટલું જોર લગાડીને ચૂંટણી લડે છે, તેના ઉપર આપ કે ભાજપના વિજયનો મદાર રહેશે.

દલિત સમાજ માટે અનામત 12 બેઠકો પણ સત્તાની ચાવી ધરાવે છે, પરંપરાગત રીતે જેણે આ બેઠકો ઉપર ઉત્તમ પ્રદર્શન કર્યું છે, તેના માટે સત્તાની સીડી ચઢવી સરળ રહી છે.

મહિલા તથા યુવાનોને સહાય, વર્તમાન સરકારી યોજનાઓ બંધ થશે કે ચાલુ રહેશે, સફાઈ, શિક્ષણ અને યમુના નદીનું પ્રદૂષણ દિલ્હીમાં સળગતા મુદ્દા છે. જેના ઉપર મતદાતા પોતાનો નિર્ણય લેશે.

પ્રચારઅભિયાન દરમિયાન અરવિંદ કેજરીવાલ અનેક વખત ચૂંટણીપંચની નિષ્પક્ષતા ઉપર સવાલ ઉઠાવી ચૂક્યા છે. તેમણે આરોપ મુક્યો હતો કે મતદારયાદીની સુધારણા સમયે અનેક નામો કાપી નાખવામાં આવ્યા હતા, તથા અમુક જગ્યાએ ઉમેરવામાં આવ્યા હતા.

જોકે, ચૂંટણીકાર્યક્રમની જાહેરાત સમયે મુખ્ય ચૂંટણી કમિશનરે આ આરોપોને નકાર્યા હતા.

મુખ્ય મુકાબલો

વીડિયો કૅપ્શન, દિલ્હીમાં ખરેખર મફતની સેવાઓ મળે છે? અહીં વસતા ગુજરાતીઓએ શું કહ્યું?

દિલ્હીની ચૂંટણીનો રસપ્રદ મુકાબલો નવી દિલ્હી બેઠક પર લડાશે. અહીંથી પૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. તેમની સામે સંદીપ દીક્ષિત (કૉંગ્રેસ) અને પ્રવેશ વર્મા (ભાજપ) ઉમેદવાર છે.

સંદીપ દિલ્હીનાં પૂર્વ મુખ્ય મંત્રી શીલા દીક્ષિતના પુત્ર છે અને વર્મા દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી સાહિબસિંહના દીકરા છે.

દિલ્હીનાં મુખ્ય મંત્રી આતિશી કાલકાજીની બેઠક પરથી ઉમેદવાર છે. તેમની સામે ભાજપે પૂર્વ સંસદસભ્ય રમેશ બિધુડી તથા કૉંગ્રેસે અલ્કા લાંબાને ટિકિટ આપી છે.

આપે અવધ ઓઝા(પટપडગંજ), સત્યેન્દ્ર જૈન(શકૂર બસ્તી), અમાનતુલ્લા ખાન(ઓખલા) અને સોમનાથ ભારતી(માલવીય નગર) ઉમેવાદર છે.

ભાજપે દિલ્હી કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અરવિંદરસિંહ લવલી(ગાંધીનગર), આપ સરકારના પૂર્વ મંત્રી કૈલાશ ગેહલોતને(બિજસવાન) તથા આપના પૂર્વ નેતા કપીલ મિશ્રાને કરવલ નગર બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.