IPL : એ અંતિમ ઓવરની કહાણી, જેમાં પંજાબ સામે રાજસ્થાન જીતતાંજીતતાં હારી ગયું

પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રૉયલ્સ

ઇમેજ સ્રોત, ANI

આઈપીએલ 2023ની અત્યાર સુધીની સૌથી રોમાંચક મૅચમાં પંજાબ કિંગ્સ 5 રનથી જીતી ગયું. પંજાબે 20 ઓવરમાં 197 રન બનાવ્યા, સામે રાજસ્થાનની ટીમ 192 રન બનાવી શકી.

એક સમયે રાજસ્થાન રૉયલ્સને જીતવા માટે છેલ્લી ત્રણ ઓવરમાં 53 રનની જરૂર હતી. અહીંથી શિમરૉન હેટમાયર અને ઇમ્પૅક્ટ પ્લેયર ધ્રુવ જુરેલે જોરદાર બેટિંગ કરી અને ટીમને જીતની નજીક લઈ ગયા.

મૅચના 18મી અને 19મી ઓવરમાં શિમરૉન હેટમાયર અને ધ્રુવ જુરેલે 37 રન બનાવ્યા હતા.

ત્યારબાદ છેલ્લી ઓવરમાં જીત માટે 16 રન બનાવ્યા હતા, પરંતુ સૅમ કરને તેની ઓવરમાં આ બંને બૅટ્સમૅનને રમવા ન દીધા.

છેલ્લી ઓવરના ત્રીજા બૉલ પર બીજો રન મેળવવાના પ્રયાસમાં શિમરૉન હેટમાયર રનઆઉટ થઈ ગયા. તેમણે 18 બૉલમાં 36 રન બનાવ્યા હતા.

છેલ્લા ત્રણ બૉલમાં 12 રન બનાવ્યા હતા, પરંતુ ચોથા બૉલમાં રાજસ્થાન રૉયલ્સને એક બાય રન મળ્યો.

પાંચમા બૉલે જેસન હોલ્ડર માત્ર એક રન બનાવી શક્યા.

છેલ્લા બૉલમાં જીત માટે 10 રન બનાવવાના હતા અને જુરેલે ફોર મારી. આ સાથે જ પંજાબે આ મૅચ પાંચ રનથી જીતી લીધી.

ધ્રુવ જુરેલ જેઓ ઇમ્પૅક્ટ પ્લેયરના રૂપે આવ્યા હતા, તેમણે 15 બૉલમાં 32 રન બનાવ્યા અને મૅચમાં તેમની ઇમ્પૅક્ટ સારી છોડી.

બીબીસી ગુજરાતી

પાવરપ્લેમાં જ ત્રણ બૅટ્સમૅન આઉટ

પંજાબની સામે રાજસ્થાન કેમ હારી ગયું

ઇમેજ સ્રોત, ANI

આ પહેલાં પંજાબ કિંગ્સના 198 રનના લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી રાજસ્થાન રૉયલ્સે બેટિંગની શરૂઆત કરવા માટે યશસ્વી જયસ્વાલ સાથે રવિચંદ્રન અશ્વિનને ઉતાર્યા.

યશસ્વી 11 રન બનાવીને આઉટ થઈ ગયા, ત્યારે અશ્વિન તેમનું ખાતું પણ ખોલાવી ના શક્યા. બંને વિકેટ અર્શદીપસિંહે લીધી હતી.

જોકે, ત્યારબાદ પીચ પર આવેલા કપ્તાન સંજુ સૅમસને અર્શદીપના બૉલ પર છગ્ગા ફટકારીને તેમની ઇનિંગની શરૂઆત કરી, ત્યારે આ ઓવરમાં જ જૉસ બટલરે પણ છગ્ગા ફટકાર્યા.

પાંચમી અને છઠ્ઠી ઓવર દરમિયાન સંજુ સૅમસનની બેટિંગ સારી ચાલી અને રાજસ્થાને 9.50ની ઍવરેજથી રન બનાવવાનું ચાલુ રાખ્યું.

ત્યારે શિખર ધવને નેથન એલિસને બૉલ આપ્યો, તેમણે જૉસ બટલરને ‘કૉટ ઍન્ડ બૉલ્ડ’ કરી દીધા.

એલિસે સંજુ સૅમસનને પણ આઉટ કરી દીધા અને ખતરનાક બની રહેલા રિયાન પરાગની પણ વિકેટ લીધી.

કપ્તાન સંજુ સૅમસને 25 બૉલમાં 42 રનની ઇનિંગ રમી, ત્યારે આસામના રિયાન પરાગે 12 બૉલમાં 20 રન બનાવ્યા.

આ પછી નેથન એલિસે દેવદત્ત પડ્ડિકલને પણ બૉલ્ડ કરી દીધા.

નેથન એલિસે તેમની ચાર ઓવર દરમિયાન 30 રન આપીને ચાર સૌથી મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી.

બીબીસી ગુજરાતી

પંજાબની ઇનિંગ

પંજાબ કિંગ્સ

ઇમેજ સ્રોત, ANI

આઈપીએલની આઠમી મૅચમાં પંજાબ કિંગ્સે પ્રભસિમરન સિંહ અને શિખર ધવનની અર્ધસદીના કારણે રાજસ્થાન રૉયલ્સને જીત માટે 198 રનનું લક્ષ્ય આપ્યું.

આ આઈપીએલની એવી પ્રથમ મૅચ પણ છે, જે પૂર્વોત્તર રાજ્ય(ગૌહાટી)માં રમાઈ હતી. ગૌહાટી આઈપીએલમાં રાજસ્થાન રૉયલ્સનું બીજું હૉમ ગ્રાઉન્ડ છે.

ટૉસ જીતીને રાજસ્થાન રૉયલ્સે પહેલાં પંજાબ કિંગ્સને બેટિંગ માટે બોલાવી.

પંજાબના ઓપનર પ્રભસિમરન સિંહે સંજુ સૅમસનના નિર્ણયને ખોટો સાબિત કરતા અલગ અંદાજમાં બેટિંગ કરી.

બીબીસી ગુજરાતી

પ્રભસિમરનની પ્રથમ અર્ધી સદી

પ્રભસિમરને ઝડપી બેટિંગ કરી અને આઈપીએલમાં તેની પ્રથમ અર્ધસદી બનાવી.

તેમણે પ્રથમ ઓવરમાં જ ટ્રેન્ટ બોલ્ટના બૉલ પર ચોગ્ગો ફટકારી પોતાનો ઇરાદો બતાવી દીધો.

મૅચની ચોથી ઓવર કેએમ આસિફ નાખી રહ્યા હતા. આ ઓવરમાં પ્રભસિમરને ટૉપ ગેર પકડી લીધો અને ત્રણ ચોક્કા, એક છગ્ગાની મદદથી 19 રન બનાવી દીધા.

પ્રભસિમરનની બેટિંગના કારણે પાવરપ્લેની પહેલી 6 ઓવરમાં પંજાબે 63 રન બનાવી લીધા.

ઝડપથી રન બનાવી રહેલા પ્રભસિમરને તેની અર્ધસદી 28 બૉલમાં પૂર્ણ કરી દીધી.

આખરે 10મી ઓવરના ચોથા બૉલમાં પ્રભસિમરન 34 બૉલમાં સાત ચોક્કા અને ત્રણ છગ્ગાની મદદથી 60 રન બનાવીને આઉટ થયા.

પ્રથમ વિકેટ માટે પ્રભસિમરને કપ્તાન શિખર ધવન સાથે 90 રનની પાર્ટનરશિપ નિભાવી.

બીબીસી ગુજરાતી

શિખર ધવનની 50મી અર્ધસદી

શિખર ધવન

ઇમેજ સ્રોત, Getty Images

પ્રભસિરમનના આઉટ થયા બાદ પંજાબની રન ફટકારવાની ગતિ ધીમી પડી ગઈ હતી અને તેમનો રન રેટ પ્રતિ ઓલર 10થી ઘટીને આઠ થઈ ગયો હતો.

જોકે જલદી જ કૅપ્ટ શિખર ધવને ઇનિંગ સંભાળી લીધી અને યુઝવેન્દ્ર ચહલની ત્રીજી ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકારી દીધા.

આ સાથે જ શિખર ધવને આઈપીએલમાં તેમની 50મી અર્ધસદી પૂરી કરી હતી, ધવને આ અર્ધસદી 36 બૉલમાં કરી હતી.

પ્રભસિમરનની વિકેટ બાદ ત્રીજા ક્રમે ભાનુકા રાજપક્ષે આવ્યા પણ તેઓ નૉન-સ્ટ્રાઇક પર હતા શિખર ધવનના શૉટ પર તેમને ઈજા થઈ ગઈ અને પેવેલિયન પરત જવું પડ્યું.જે બાદ જિતેશ શર્મા આવ્યા અને 16 બૉલમાં 27 રન કર્યા.

પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 200 રન કર્યા. કૅપ્ટન ધવને 56 બૉલમાં 86 રન બનાવ્યા અને અણનમ રહ્યા.

બીબીસી ગુજરાતી

અશ્વિન સિવાય કોઈ બૉલર ન ચાલ્યા

રાજસ્થાન તરફથી અશ્વિનની બૉલિંગ સારી પૂરવાર થઈ, અશ્વિનના કૅરમ બૉલ પર એસ રઝા બૉલ્ડ થયા અને તેમણે ચાર ઓવરમાં માત્ર 25 રન આપ્યા.

જ્યારે આસિફ સૌથી મોંઘા બૉલર સાબિત થયા, તેમણે ત્રણ ઓવરમાં 39 રન આપ્યા. જ્યારે યુઝવેન્દ્ર ચહલના બૉલ પર 12.50ના ઇકૉનૉમી રેટથી રન બન્યા.

ચહલે તેમના ચાર ઓવરમાં 50 રન આપી દીધા અને જિતેશ શર્માની વિકેટ લીધી.

આ જીત સાથે પંજાબ કિંગ્સ આઈપીએલના પૉઇન્ટ ટેબલમાં ચાર પૉઇન્ટ સાથે ગુજરાત ટાઇટન્સના સમકક્ષ છે. જોકે નેટ રન રેટના મામલામાં ગુજરાત કરતાં પાછળ છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી