You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત પોલીસ લૉરેન્સ બિશ્નોઈ પાસેથી શું જાણવા દિલ્હીથી કચ્છ લઈ આવી?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
ત્રીસ વર્ષનો લૉરેન્સ બિશ્નોઈ જ્યારે કચ્છની કોર્ટથી બહાર નીકળી રહ્યો હતો, ત્યારે તે બિલકુલ સ્વસ્થ દેખાતો યુવાન લાગી રહ્યો હતો. બ્લૅક પેન્ટ અને સફેદ ટી-શર્ટમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કચ્છની નલિયા કોર્ટમાં તેને મંગળવારે રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને 14 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે.
અનેક ગાડીઓ સાથે, એક સ્કોર્પિયો કારમાં તેને દિલ્હીની તિહાડ જેલથી કચ્છ સુધી લાવવામાં આવ્યો છે.
2022ની 14મી સપ્ટેમ્બરના રોજ કચ્છના જખૌ પાસે દરિયામાંથી એક બોટમાં જ્યારે ગુજરાત એટીએસએ 40 કિલોગ્રામ હેરોઇન પકડી પાડ્યુ હતું, ત્યારથી લૉરન્સ બિશ્નોઈનું નામ ગુજરાતના મીડિયામાં અવારનવાર સાંભળવા મળે છે. જ્યારે ગુજરાત એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વૉડ (એટીએસ) આ ઑપરેશન પાર પાડી રહી હતી, ત્યારે તે પંજાબની કપુરથલા જેલમાં બંધ હતો.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા એટીએસના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ સુનીલ જોષી કહે છે કે, “અમારી માહિતી પ્રમાણે તેણે આ ડ્રગના કન્સાઇન્મૅન્ટનું આયોજન જેલમાં બેસીને કર્યું હતું. ગુજરાતના દરિયામાંથી જે ડ્રગ પકડાયું હતું, તે તેના માણસો માટે આવ્યું હતું.”
જોકે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે હાલમાં પોલીસ બિશ્નોઈ પાસેથી શું જાણવા માગે છે, તો તેમણે કહ્યું કે, “પ્રથમ તો તે જાણવું છે કે તેણે જેલમાં બેસીને આ કન્સાઇન્મૅન્ટ કેવી રીતે મંગાવ્યું.”
શું છે એ કેસ, જેમાં ગુજરાત પોલીસે બિશ્નોઈની ધરપકડ કરી?
કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસના એક જોઇન્ટ ઑપરેશનમાં 14મી સપ્ટેમ્બરના 2022ના રોજ અગાઉથી મળેલી એક બાતમી આધારે પાકિસ્તાનથી આવતી એક બોટને રાઉન્ડ-અપ કરીને તેમાંથી 40 કિલોગ્રામ હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું.
પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ હેરોઇન ગુજરાતના જખૌ બંદરથી દેશમાં પ્રવેશ કરીને તેની ડિલિવરી પંજાબમાં કરવાની હતી.
સુનીલ જોષી કહે છે કે, “તે સમયે પોલીસને મળેલી બાતમીને આધારે તે બોટ પર નજર રાખવામાં આવી હતી અને ગુજરાત પોલીસને એક મોટી સફળતા મળી હતી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસે તે સમયે ‘અલ-તયાસા’ નામની તે બોટ પર સવાર છ પાકિસ્તાની નાગરિકોને પણ પકડ્યા હતા.
મીડિયા સાથે વાત કરતા તે સમયના ડીજીપી આશિષ ભાટિયાએ કહ્યું હતું કે, “આ ડ્રગ જે પકડાયું છે તેનું નેટવર્ક અલગ-અલગ જેલોમાંથી ચાલી રહ્યું છે.”
તેમણે તે સમયે અમૃતસર, ફરીદકોટ અને કપુરથલા જેલોમાં હાજર કેદી આ નેટવર્ક ચલાવતા હોવાનું જણાવ્યું હતું.
ભાટિયાએ વધુમાં કહ્યું હતું કે, “જેલમાં બંધ કેદીઓ ફોન અને વૉટ્સઍપ કોલ મારફતે આ ડિલિવરી નક્કી કરે છે અને તેને પંજાબ સુધી પહોંચાડવા માટે તેમના માણસો કામ કરતા હોય છે.”
જોકે તે કેસની વધુ તપાસ દરમિયાન તે સમયે કપુરથલા જેલમાં કેદ બિશ્નોઈનું નામ બહાર આવ્યું હતું. હાલમાં પોલીસ તે કેસ સંદર્ભે તેની વધુ તપાસ કરવા માટે તેની પૂછપરછ કરી રહી છે.
હાલમાં પોલીસે તેની આ એક જ કેસમાં ધરપકડ કરી છે. તેણે પાકિસ્તાનના કરાંચીથી આ ડ્રગની ડિલિવરી ઑર્ડર કરી હતી, તેવું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું.
કોસ્ટ ગાર્ડ અને એટીએસે કેવી રીતે પકડ્યું હતું ડ્રગનું એ કન્સાઇન્ટમેન્ટ?
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડએ સપ્ટેમ્બર 2022માં પોતાની એક પ્રેસ-રિલીઝમાં જણાવ્યું હતું કે આ આખું ઑપરેશન એટીએસની બાતમીને આધારે કરવામાં આવ્યું હતું. અડધી રાત્રે પાકિસ્તાનની એક શંકાસ્પદ બોટ જખૌથી 40 નોટીકલ માઇલના અંતરે આંતરરાષ્ટ્રીય જળસીમાથી ભારત તરફ આશરે પાંચ નોટીકલ માઇલ્સ જોવા મળી હતી.
તે બોટને જ્યારે રાઉન્ડ અપ કરીને તેમાં સવાર લોકોથી વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, તો તેમણે પોતાની પાસેનો સમાન દરિયામાં ફેંકી દીધો હતો. કોસ્ટગાર્ડના અધિકારીઓએ તે સામાન પછી પાણીમાંથી બહાર કાઢ્યો હતો.
કચ્છમાં આ કેસની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને તેની તપાસ ગુજરાત એટીએસ કરી રહી છે. એટીએસની તપાસમાં વધુમાં ખૂલ્યું હતું કે જો આ ડ્રગ કન્સાઇન્મેન્ટ ગુજરાતમાં પહોંચી ગયું હોત, તે તેની ડિલિવરી બિશ્નોઈના બે માણસો સરતાજ મલિક અને જગ્ગી સિંગ નામના બે લોકો તેને લઈને પંજાબ સુધી લઈ જવાના હતા.
વધુ તપાસ દરમિયાન એટીએસે તેમાં નાઇજિરિયાની એક નાગરિક ઓબીન્ના તેમજ દિલ્હીના મેહરાજ રેહમાન સત્તારનું નામ બહાર પાડ્યું હતું.
એ ઉચ્ચ પોલીસ અધિકારીએ નામ જાહેર ન કરવાની વિનંતીસહ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “આ તપાસ દરમિયાન બિશ્નોઈ અને તેના માણસોના નેટવર્ક અને તેની ડ્રગ ડીલર્સ સાથેની સાઠગાંઠ વિશે માહિતી મળતા તે દિશામાં પોલીસે તપાસ કરી હતી.”
બિશ્નોઈને ગુજરાતમાં કેમ લાવવામાં આવ્યો?
પત્રકારો સાથે વાત કરતા બિશ્નોઈના વકીલ એચકે સોલંકીએ જણાવ્યું હતું કે, કોર્ટે 9મી મે સુધીના લોરેન્સના રિમાન્ડ મંજૂર કર્યા છે. ATS કોર્ટ સમક્ષ ત્રણ મુદ્દા મૂક્યા હતા જેમાં લૉરેન્સનું ડ્રગ્સની હેરાફેરીમાં નાઈજિરિયન મહિલા સાથે કોઈ કનેક્શન છે કે નહીં, તેની તપાસ કરવામાં આવશે. તેની સાથે સાથે પાકિસ્તાનની જેલમાં રહેલા હેન્ડલર સાથે શું સંબંધ છે કઈ રીતે જેલમાં બેસીને કૉન્ટેક્ટમાં છે તેની પણ પોલીસ તપાસ કરશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “જખૌ પૉર્ટ પાસેથી પાકિસ્તાની બોટ અને 6 પાકિસ્તાનીઓ પાસેથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું જેમાં લૉરેન્સ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તો આ સમગ્ર કેસમાં લૉરેન્સની શું ભૂમિકા છે તે તમામ બાબતોની પૂછપરછ માટે ATSએ રિમાન્ડની માગણી કરી હતી.”
હાલમાં લૉરેન્સને ચેતક કમાન્ડોની સુરક્ષા આપવામાં આવી છે તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. તેમના વકીલ મારફતે કોર્ટ સમક્ષ આંતરરાષ્ટ્રીય સ્તરની સુરક્ષા અંગે પણ માગણી કરવામાં આવી હતી અને તેને યોગ્ય સુરક્ષા પણ આપવામાં આવશે તેવું કોર્ટે જણાવ્યું હતું.
એટીએસના એક ઉચ્ચ અધિકારીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, “સીધી રીતે તેનો સંપર્ક પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના અનેક ડ્રગ માફિયાઓ સાથે છે. પોલીસ હાલમાં તેના ઇન્ટરનેશનલ નેટવર્ક વિશે જાણવા માગે છે.”
કોણ છે લૉરેન્સ બિશ્નોઈ?
સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસ બાદ લૉરેન્સ બિશ્નોઈનું નામ દેશભરમાં જાણીતું થઈ ગયું હતું.
ભારતના જૂજ એવા ગૅંગ્સ્ટર છે કે જેમના વિશેની માહિતી ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર ઉપલબ્ધ હોય, બિશ્નોઈ તેમાંના એક છે.
તેમના ફોટા સાથેના એક ટ્વિટર એકાઉન્ટ પર તેમના વિશેની માહિતી નિયમિત રીતે પોસ્ટ કરવામાં આવી છે. તે અકાઉન્ટની પ્રોફાઇલમાં સમાજ સેવા with different style – તેવું લખવામાં આવ્યું છે.
આ એકાઉન્ટમાં #LawrenceBishnoi સાથે અનેક પોસ્ટ કરવામાં આવેલી છે, જેમાં તેને એક નાયક અને હિન્દુ ધર્મના રક્ષક તરીકે બતાવવાનો પ્રયાસ કર્યો છે.
ગુજરાત એટીએસે તેમનું નામ ડ્રગ પૅડલર તરીકે બહાર પાડ્યું, ત્યારબાદ ઑક્ટોબર 2022ની એક પોસ્ટમાં તેમના વિશે લખવામા આવ્યું છે - जब व्यक्ति प्रेम की भाषा ना समझे और न्याय ना मिले तो शस्त्र उठाना आवश्यक है! Jai Bajrang Bali.
ધ ટ્રિબ્યુન અને હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે બિશ્નોઈ સામે કુલ 36 કેસો નોંધાયેલા છે. જેમાં હત્યા કરવાનો પ્રયાસ, ડ્રગ પૅડલિંગ, લૂંટ જેવા ગંભીર ગુનાઓ સામેલ છે.
પંજાબ યુનિવર્સિટીથી તેણે એલએલબીનો અભ્યાસક્રમ પૂરો કર્યો છે અને સ્ટુડન્ટ ઑર્ગેનાઈઝેશન ઑફ પંજાબ યુનિવર્સિટીનો નેતા રહી ચૂક્યો છે.
12મી ફેબ્રુઆરી 1993માં જન્મેલા લૉરેન્સ બિશ્નોઈના પિતા પોલીસ કૉન્સ્ટેબલ રહી ચૂક્યા છે.
જોકે બિશ્નોઈ અભ્યાસ પૂરો કરીને ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાઈ ગયો હતો.
ઇન્ડિયા ટુડેના એક અહેવાલ પ્રમાણે તેની ગૅંગમાં 700 માણસો છે, જે અલગઅલગ રાજ્યોમાં ફેલાયેલા છે. મીડિયા સાથે વાત કરતા તેણે અગાઉ સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી, કારણ કે બિશ્નોઈ સમાજ માટે કાળિયાર પૂજનીય છે અને સલમાન ખાન પર તેને મારવાનો આરોપ હતો.