ખેતરમાં ઘૂસે તો આખા પાક પર ફરી વળતી નીલગાયને દૂર રાખવા માટે શું કરવું?

    • લેેખક, રુચિતા પુરબિયા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"મેં પાછલાં કેટલાંય વર્ષથી ના તો એક પણ સગાંસંબંધીના પ્રસંગમાં હાજરી આપી છે કે ના એક પણ દિવસની રજા લીધી છે. હું દિવસ-રાત, ચોવીસ કલાક ખેતરમાં જ રહુ છું."

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ઓરવાળા ગામના ભરતભાઈ પરમાર મકાઈની ખેતી કરે છે. તેમની ફરિયાદ છે કે તેમના વિસ્તારમાં નીલગાયનો ઘણો ઉપદ્રવ છે.

તેઓ કહે છે કે, "અમે ખેતરની ફરતે ફેન્સિંગ બનાવીએ તો પણ આખી રાત જાગવું તો પડે જ નહીંતર જાનવરો ફેન્સિંગ તોડીને ખેતરમાં આવી જાય છે. મેં ત્રણ-ચાર કૂતરાંય પાળ્યાં છે, જે નીલગાયથી બચાવમાં મદદ કરે છે."

નીલગાયની વિનાશક અસર અંગે તેઓ કહે છે, "જો આંખ લાગી જાય તો નીલગાય આખેઆખા પાકનો નાશ કરી દે છે. નીલગાયના આતંકને લીધે મારે દરેક સિઝનમાં 30-40 ટકાનું નુકસાન થાય છે."

આવું જ કંઈક કહેવું કે ગીર સોમનાથના કોડીનાર તાલુકાના મિતિયાજ ગામના ખેડૂત વિજયભાઈ ગોહીલનું. તેમને મગફળીની ખેતી છે. તેઓ બીબીસી સાથે વાત કરતા કહે છે કે નીલગાયને કારણે ખેડૂતો ત્રાહિમામ્ પોકારી જાય છે.

તેમની ફરિયાદ છે કે મગફળીનો પાક તૈયાર થાય એટલે નીલગાય આવીને બીજ ખાઈ જાય છે. એ ખાય થોડું છે પરંતુ મોટા ભાગના પાકનું નુકસાન કરી જાય છે.

તેઓ નીલગાયને કારણે થતા નુકસાન અંગે વાત કરતાં કહે છે કે, “જો નજરચૂક થઈ જાય તો ખેડૂતને એક વીઘા પર પાંચથી સાત મણ જેટલા પાકનું નુકસાન થાય છે, એટલે કે એક વીઘે આઠથી દસ હજારનું નુકસાન.”

ખેડૂતોને ખેતીમાં પ્રાણીઓથી રક્ષણ મળી રહે તે માટે સરકારી યોજનાઓ પણ છે જેમાં સરકાર ખેડૂતોને સહાય પૂરી પાડે છે.

જોકે જ્યાં જ્યાં નીલગાયની હાજરી મોટા પ્રમાણમાં છે એ દરેક જગ્યાએ ખેડૂતો પોતાની આવી જ દુર્દશા હોવાની ફરિયાદ કરે છે.

ગુજરાતમાં સારી એવી સંખ્યામાં નીલગાયની હાજરી ધરાવતા વિસ્તારોમાં ખેડૂતો સતત નીલગાયના ‘ઉપદ્રવ’ની ફરિયાદ કરતા જોવા મળે છે. ખેડૂતોની ફરિયાદ અનુસાર ખેતર ફરતે ફેન્સિંગ કર્યા છતાં નીલગાયના કારણે સર્જાતી મુશ્કેલીને પગલે ખેડૂતોએ લગભગ આખો દિવસ ખેતરની રખેવાળી કરવી પડે છે.

ખેડૂતોની ફરિયાદ છે કે નીલગાય તેમના ખેતરમાં ઊભા પાકને કચડીને હજારો રૂપિયાનું નુકસાન કરે છે. ખેડૂતો આ ‘ઉપદ્રવ’ને ડામવા સરકારને અસરકારક નીતિ બનાવી પગલાં લેવાની અરજ કરતા જોવા મળ્યા હતા.

ખેડૂતો નીલગાયને કારણે સર્જાતી મુશ્કેલીનો ઉપાય કરવા માટે સરકારને પ્રાણીઓના ખસીકરણ જેવા પગલાં લેવાની માગ કરે છે. તો બીજી તરફ સરકારી અધિકારી આ કામને ‘મુશ્કેલ અને અશક્ય’ ગણાવે છે.

ગુજરાત સરકારે જાહેર કરેલી માહિતી અનુસાર રાજ્યના કચ્છ, દેવભૂમિ-દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને વડોદરા અને આણંદ જેવા 17 જિલ્લામાં નીલગાયનો ભય પ્રવર્તે છે.

નીલગાય પાકને કેવી રીતે નુકસાન પહોંચાડે છે?

નીલગાય અને તેના કારણે ખેડૂતોને થતા નુકસાનથી સાવ અજાણ હોય એવી વ્યક્તિના મનમાં એ પ્રશ્ન જરૂર થઈ શકે કે - આખરે કોઈ જાનવરને કારણે ખેડૂતોને ‘હજારોનું નુકસાન’ કેવી રીતે થઈ શકે?

ગીર સોમનાથના ખેડૂત આગેવાન સૂરપાલ બારડ નીલગાયની પાકને નુકસાન પહોંચાડવાની રીતો વિશે વાત કરતાં કહે છે કે, "જો નીલગાય ખેતરમાં આવી જાય તો આખા પાકનો નાશ કરીને જાય છે. તે ખેતરમાં આરામ કરે છે, વાવેતરનાં કૂણાં બીજ ખાઈ જાય છે અને આખા ખેતરમાં આળોટે છે. ખેતરમાં તેના ફક્ત હલનચલનથી જ આખા પાકનો નાશ થઈ જાય છે."

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રિકલ્ચર રિસર્ચ (આઈસીએઆર)ના અહેવાલો પ્રમાણે મુખ્યત્વે નુકસાન નીલગાય દ્વારા ખેતરમાં આરામ અને હલનચલન દરમિયાન ઘાસચારો અને પાકને કચડી નાખવાને કારણે થાય છે.

અહેવાલમાં એવું પણ જણાવ્યું છે કે જ્યાં નીલગાયની સંખ્યા ઓછી છે ત્યાં ઘઉંના પાકને 20-30 ટકા નુકસાન, કઠોળને 40-50 ટકા સુધી અને કપાસને 25-40 ટકા સુધી નુકસાન થાય છે. પણ જ્યાં નીલગાયની સંખ્યા વધુ છે ત્યાં તે પાકને 60 ટકા સુધી પણ નુકસાન કરી શકે છે.

નિષ્ણાતોનું શું કહે છે?

સી. કે. બોરડ આણંદ કૃષિ યુનિવર્સિટીમાં રિસર્ચ સાયન્ટિસ્ટ છે. તેમણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં નીલગાય અને તેના કારણે ખેડૂતોને ભોગવવી પડતી હાલાકીની વાત કરી હતી.

તેઓ કહે છે કે જેમ જેમ રાજ્યમાં સિંચાઈમાં સુધારો થાય છે તેમ તેમ પાક વધે છે અને તે પાક ઉપર ઊછરતી પ્રજાતિઓના વિકાસ માટે સારું રહેઠાણ બની જાય છે.

પંચમહાલમાં પણ એ જ થયું છે, વનસંવર્ધનના વિશેષ પ્રયાસોને કારણે આ સ્થળ નીલગાય માટે સારું ઉછેરસ્થળ બની ગયું અને તેની સંખ્યામાં વધારો થતો ગયો.

તેઓ આગળ નીલગાયની વર્તણૂક અને ટેવો અંગ સમજાવતાં કહે છે કે, "નીલગાય બધો પાક ખાઈને નુકસાન નથી કરતી, પરંતુ તે જયારે ખેતરમાં આવે છે ત્યારે પાક પર ફરીને નુકસાન કરે છે. આ ઉપરાંત તે વાવેતરનાં કૂણાં બીજ ખાઈ જાય છે, જેથી આખો પાક નાશ પામે છે.”"

આઈસીએઆરના અહેવાલો પણ દર્શાવે છે કે નીલગાયની સંખ્યા સંવર્ધનની પ્રવૃત્તિ, તેના જન્મનો ઊંચો દર અને શિકારીઓનો અભાવના કારણે પૂરઝડપે વધી છે.

નિષ્ણાતો મુજબ મોટો પડકાર એ છે કે સરકાર નીલગાય અને તેનાથી પાકને થતા નુકસાનનો યોગ્ય અંદાજ લગાવી શકતી નથી. અને તેથી સૌથી મોટું નુકસાન એ થાય છે કે ખેડૂતો રાત્રે શાંતિથી સૂઈ પણ શકતા નથી.

સૂરપાલ બારડ ખેડૂતોએ નીલગાયના ‘આતંક’ને કારણે ભોગવવી પડતી હાલાકી વિશે વાત કરતાં કહે છે કે, “નીલગાયને કારણે અમારા ગામના ખેડૂતોએ તોબા પોકારી લીધી છે. આ બધાં જંગલી જાનવરો ફેન્સિંગ તોડીનેય ખેતરમાં પ્રવેશી જાય છે.”

તેઓ ફરિયાદ કરતાં કહે છ કે જો ખેડૂત આખો દિવસ મજૂરી કરે અને રાત્રે પણ એને જાગવું પડે તો આરામ ક્યારે કરે?

તેમની માંગણી છે કે સરકારે નીલગાયનું ખસીકરણ કરવું જોઈએ.

સૂરપાલ બારડ માગણી કરતા કહે છે કે, "એક બાજુ અતિવૃષ્ટિના કારણે મગફળી અને બીજા પાકમાં નુકસાન થયું છે અને એમાં નીલગાયના ત્રાસના લીધે ખેડૂત તોબા પોકારી ગયા છે. અમારી માગ છે કે સરકાર ખેડૂતના હિતમાં વિચારે અને ખસીકરણ જેવાં પગલાં લે."

જાણો ખેતરના શેઢેથી નીલગાયને દૂર કેવી રીતે રાખવી

નીલગાયને ખેતરમાં પ્રવેશતા રોકવાની નવીન રીતો શોધવા માટે કરવામાં આવેલા સંશોધનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જંગલ વિસ્તારના વિનાશને કારણે નીલગાયનાં ટોળાંએ ખેતરો પર હુમલા કરવાનું શરૂ કર્યું છે.

સંશોધનમાં નીલગાયની ‘વિનાશક’ આદતોનોય ઉલ્લેખ જોવા મળે છે.

આઇસીએઆર અને અમુક સંશોધનપત્રોએ નીલગાયના ‘ઉપદ્રવ’થી બચવાની નવીન રીતો જણાવી છે. સંશોધનો અનુસાર આ રીતો નીલગાયને ખેતરથી દૂર રાખવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આ રીતો નીચે પ્રમાણે છે.

  • ખેતરની સીમાએ મનુષ્યનાં મળમૂત્રનો છંટકાવ કરવાથી નીલગાય દૂર રહે છે. એવું જોવા મળ્યું છે કે મનુષ્યનાં મળમૂત્રની અપ્રિય ગંધથી નીલગાય દૂર ભાગે છે.
  • આ ઉપરાંત નીલગાયનાં મળમૂત્રનો છંટકાવ કરવાથીય નીલગાય દૂર રહે છે. આનું કારણ એ છે કે નીલગાયનાં મળમૂત્રની દુર્ગંધથી જો નીલગાયનું ટોળું ખેતર તરફ આવી રહ્યું હોય ત્યારે તેમને એવું લાગે છે કે નીલગાયનું અન્ય ટોળું આ બાજુ હશે. તેથી તે એ બાજુ નહીં આવે.
  • નીલગાય એવી વસ્તુઓથી ડરે છે જે ચળકતી હોય અને દૂરથી જ પ્રતિબિંબિત થતી હોય. તેથી ખેડૂતો ખેતરમાં ચારે બાજુ ઑડિયો અને વીડિયો ટેપ બાંધે છે. દિવસના સમયે, સૂર્યપ્રકાશને કારણે ટેપ ચમકે છે અને રાત્રે તે અંધારામાં પ્રતિબિંબિત થાય છે. આ રીત નીલગાયને દૂર રાખવામાં સફળ સાબિત થઈ છે.
  • નીલગાયને અણગમો પેદા કરનાર-પ્રત્યાકર્ષક (પદાર્થ)નો છંટકાવ કરવો જેમ કે, ઈંડાંનું દ્રાવણ, એરંડાનું તેલ અને ફિનાઇલ સૉલ્યુશન.
  • ઉચ્ચ ઘનતાવાળા એરંડાનું વાવેતર અવરોધક પાક તરીકે કામ કરે છે.
  • બાયો-ઍકૉસ્ટિક્સ : આ રીતમાં જે પશુથી નીલગાય ડરતી હોય તેમનો અવાજ રેકૉર્ડ કરીને રાત્રે સ્પીકર મારફતે એ ખેતરમાં વગાડાય છે. આખી રાત ચાલતા અવાજને કારણે નીલગાયને ભ્રમ પેદા થાય છે કે આસપાસ શિકારી છે. જેના કારણે એ ખેતરથી દૂર રહે છે.
  • અન્ય એક રીતમાં ઘંટડી વગાડાય છે. ખેડૂતો પથ્થર અને દોરડાને એક ખાલી તેલના ડબ્બા સાથે બાંધી શકે છે અને જ્યારે પણ તેઓ નીલગાયને જુએ ત્યારે દોરડું ખેંચી શકે છે. આના કારણે ઘંટડી જેવો અવાજ થતાં નીલગાય ભાગી જાય છે. રાત્રિના સમયે ખેડૂતો તેમની કમર સાથે દોરડું બાંધી શકે છે જેથી તેઓ જ્યારે પણ પડખું ફેરવે ત્યારે આપોઆપ ઘંટડી વાગશે.
  • આ સિવાય પરંપરાગત ફેન્સિંગનો ઉપયોગ દુનિયાભરમાં સફળ રહ્યો છે.

સર્વેક્ષણો પ્રમાણે ખેડૂતો માટે જંગલમાં સિંહ અને દીપડાની હાજરી જરૂરી છે, કારણ કે તે નીલગાય અને ભૂંડની વસ્તીને કાબૂમાં રાખે છે અને તેમના આર્થિક નુકસાનને ઘટાડે છે.

નીલગાયને રોકવા માટેની સરકારી યોજના

અમદાવાદ જિલ્લા ખેતીવાડી અધિકારી હિતેશ પટેલએ અગાઉ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહેલું કે જંગલી પ્રાણીઓને રોકવા માટે સરકારે તાર ફેન્સિંગ યોજના શરૂ કરી હતી.

આ યોજના પહેલાં ગુજરાત વનવિભાગ પાસે હતી પરંતુ હવે તેને વધુ અસરકારક બનાવવાના હેતુથી યોજના ખેતીવાડી વિભાગને સોંપાઈ છે.

તેઓ કહે છે કે તાર ફેન્સિંગ યોજનામાં ચાલુ વર્ષે નાના ખેડૂતોને ધ્યાનમાં રાખીને નોંધપાત્ર ફેરફારો કરાયા છે.

હિતેશ પટેલ યોજના વિશે વાત કરતાં કહે છે કે, "આ યોજના અંતર્ગત ખેતી વિભાગ કુલ 350 કરોડની અંદાજપત્રીય મર્યાદામાં ખર્ચ કરશે. આ યોજના હેઠળ ખેડૂતો જૂથમાં ઓછામાં ઓછું બે હેક્ટરના વિસ્તારનું ક્લસ્ટર બનાવી ફેન્સિંગ બનાવવા અરજી કરી શકે છે."

"પહેલાં ઓછામાં ઓછા પાંચ હેક્ટર વિસ્તારમાં કાંટાળા તાર ફેન્સિંગ બનાવવા માટે સહાય અપાતી. આ યોજનામાં ફેરફાર કર્યા બાદ હવે ન્યૂનતમ બે હેક્ટર વિસ્તારમાં પણ ખેડૂતને સહાય આપવામાં આવશે. દરેક ક્લસ્ટર માટે ખેડૂતો દ્વારા ગ્રૂપ લીડર નક્કી કરવાના રહેશે."

આ યોજના અન્વયે અરજી મુજબ રનિંગ મીટર દીઠ 200 રૂપિયા અથવા થનાર ખર્ચના 50 ટકા બંનેમાંથી જે ઓછું હોય, તે મુજબ સહાય મળવાપાત્ર થશે.

ખેડૂતએ i -khedut પોર્ટલ ઉપર ઑનલાઇન અરજી કરવાની રેહશે.

આ યોજનાનું અમલીકરણ ખેતી નિયામકની કચેરી દ્વારા થશે.

યોજનાનો અમલ સમગ્ર રાજ્યમાં કરાશે. વાડ બનાવતા પહેલાં સરકાર દ્વારા ઇન્સ્પેકશન કરવામાં આવશે કે પહેલથી તે સ્થળ પર વાડ છે કે નહીં.

અહીં નોંધનીય છે કે તાર ફેન્સિંગ યોજના લાગુ હોવા છતાં ખેડૂતો કહે છે કે આ યોજના તેમના માટે બહુ ફળદાયી નથી.

સૂરપાળભાઈ કહે છે કે, "અમે વાડ લગાવ્યા બાદ પણ એક ક્ષણ માટેય ખેતરો છોડી શકતા નથી. જો અમે ખેતર થોડી વાર માટે પણ છોડીએ તો નીલગાય અને બીજાં જાનવરો વાડ તોડીને અંદર આવી જાય છે અને પાકને નુકસાન કરે છે."

ખેડૂતોના પ્રશ્નો અંગે ગુજરાત સરકારના કૃષિ નિયામક એસ.જે. સોલંકી સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.

તેમણે આ પ્રશ્નોના જવાબમાં કહેલું કે, "વાડ એ જંગલી પ્રાણીઓને ખેતરોમાં પ્રવેશતા અટકાવવાની શ્રેષ્ઠ સંભવિત પદ્ધતિ છે."

આ સિવાય જંગલી પ્રાણીઓના લીધે થતા પાકના નુકસાનને લઈને વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "પ્રાણીઓના હુમલાને કારણે થયેલા નુકસાનની ગણતરી કરવી શક્ય નથી. દરેક ખેડૂત માટે અમુક જોખમી પરિબળો હોય છે."

"સરકાર દરેક જોખમી પરિબળ માટે સહાય આપી શકે નહીં. દરેક ખેડૂત જાણે છે કે તે જે વાવે છે તેમાંથી સો ટકા નહીં ઊપજે, આ દરેક વસ્તુ માટે સહાય આપવી સરકાર માટે શક્ય નથી."