સ્વામીનાથન : IPS બનવાની તક મૂકી વિજ્ઞાનમાં ઝંપલાવ્યું અને ભારતીયોને ભૂખમરાથી બચાવ્યા

    • લેેખક, મુરલીધરન કાસીવિશ્વનાથન
    • પદ, બીબીસી તામિલ

સ્વતંત્રતા બાદ ભારતમાં ખેતીક્ષેત્રે સતત સંશોધનકાર્ય અને અમૂલ્ય પ્રદાન કરનારા વૈજ્ઞાનિકોમાં એમ. એસ. સ્વામીનાથનનું નામ આગળ પડતું હતું. ભારતમાં 60-70ના દાયકામાં ભૂખમરાની સમસ્યાની તીવ્રતા ઘટાડવામાં તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે.

આઝાદી સમયેય વર્ષ 1943ના બંગાળ દુષ્કાળના ઉઝરડા તાજા હતા. ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ ખેતી ક્ષેત્રને પ્રાધાન્ય આપવા માટે ઘણાં પગલાં લીધેલાં. ભારતીય ખેતી સંશોધન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના (આઈએઆરઆઈ) વૈજ્ઞાનિકો વધુ ઉત્પાદન આપતી પાકની જાતો વિકસાવવાની દિશામાં કાર્યરત હતા.

બરાબર આ જ અણીના સમયે ડૉ. મંકોંબુ સંબસિવમ સ્વામીનાથન ઉર્ફે એમ. એસ. સ્વામીનાથનનું સંશોધનકાર્ય વેગવંતું બનવાની શરૂઆત થઈ ચૂકી હતી. તિરુવનંતપુરમ્ ખાતે મહારાજાઝ કૉલેજ, મદ્રાસ યુનિવર્સિટીમાંથી પોતાનો અભ્યાસ ખતમ કરીને સ્વામીનાથન વર્ષ 1947માં જનીનશાસ્ત્ર અને પ્લાન્ટ બ્રીડિંગના અભ્યાસ માટે ભારતીય ખેતી સંશોધન ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા.

વર્ષ 1949માં તેમણે સાઇટોજિનેટિક્સમાં માસ્ટર ડિગ્રી મેળવી. જે જનીનશાસ્ત્રની એક ગહન શાખા છે.

આ દરમિયાન તેમની ભારતીય પોલીસ સર્વિસ માટે પસંદગી થઈ હતી. સાથે જ તેમને નેધરલૅન્ડ્સ ખાતે જનીનશાસ્ત્રનો અભ્યાસ કરવાની પણ તક પ્રાપ્ત થઈ હતી. તેમણે પોલીસ સેવામાં જોડાવાને સ્થાને જનીનશાસ્ત્રમાં અભ્યાસમાં ઝંપલાવવાનું પસંદ કર્યું. જે બાદ તેઓ કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ડૉક્ટોરેટ પણ થયા.

અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ વર્ષ 1954માં આઇએઆરઆઇમાં જૂનિયર સાયન્ટિસ્ટ તરીકે જોડાયા.

આ સમયગાળા દરમિયાન ભારત અનાજની ભારે કટોકટી તરફ આગળ વધી રહ્યું હતું. પીએલ-480 કૉન્ટ્રેક્ટ અંતર્ગત ભારે પ્રમાણમાં ઘઉંની આયાત કરાઈ હતી.

સ્વામીનાથનની પહેલે ‘બદલ્યું ભારતનું નસીબ’

આ ગાળામાં અમેરિકન કૃષિશાસ્ત્રી નૉર્મન બોર્લોગે ઘઉંની નવી જાત વિકસાવી હતી. એમ. એસ. સ્વામીનાથને તેમનો સંપર્ક સાધ્યો અને નવી જાતના નમૂના માટે વિનંતી કરી.

જ્યારે નૉર્મન બોર્લોગે વર્ષ 1963માં ભારતની મુલાકાત લીધી ત્યારે તેમને લાગ્યું કે તેમણે વિકસાવેલી ઘઉંની ‘શૉર્ટ બ્રીડ’ ભારત માટે લાભદાયી સાબિત થઈ શકે છે, તેથી તેઓ એમ. એસ. સ્વામીનાથનને નમૂના આપવા માટે તૈયાર થઈ ગયા.

નહેરુના મૃત્યુના થોડા સમય બાદ લાલ બહાદુર શાસ્ત્રી ભારતના વડા પ્રધાન બન્યા. એ સમયે સી. સુબ્રમણ્યમની કૃષિમંત્રી તરીકે નિમણૂક થઈ હતી. આ સાથે જ ભારતની હરિત ક્રાંતિનાં પ્રથમ બીજ વવાઈ ગયાં.

એમ. એસ. સ્વામીનાથનના વિદ્યાર્થી અને સાથી વૈજ્ઞાનિક સી. આર. કેશવન પ્રમાણે એક સમય હતો જ્યારે ભારત વિશ્વનો ‘ભીખનો કટોરો’ કહેવાતું. એમ. એસ. સ્વામીનાથનના પ્રયત્નોને કારણે એ વિશ્વનો ‘અનાજનો કટોરો’ બન્યું.

એમ. એસ. સ્વામીનાથન એ એક આગળ પડતા વૈજ્ઞાનિક હતા. તેઓ માત્ર કૃષિક્ષેત્રે જ નહીં પરંતુ અન્ય ક્ષેત્રોના પણ જ્ઞાતા હતા. વિદેશની યુનિવર્સિટીમાં પ્રોફેસરની નોકરી માટેની તક પડતી મૂકી તેઓ ભારત આવી ગયેલા.

આઈએઆરઆઈમાં જોડાયા બાદ તેમણે ઘણું સંશોધનકાર્ય કર્યું. ખાસ કરીને સાઇટોજિનેટિક્સ અને રેડિયોબાયૉલૉજી ક્ષેત્રે તેમણે ઘણું ખેડાણ કર્યું.

60ના દાયકામાં ભારતને અનાજની કટોકટીનો સામનો કરી રહ્યું હતું. ઘણા અમેરિકન અર્થશાસ્ત્રીઓએ લખ્યું કે, "ભારતીયો જીવડાં માફક વધતા જઈ રહ્યાં છે અને અમે તેમને આપણું અનાજ આપીને ન બચાવી શકીએ."

‘ભૂખથી ટળવળતા ભારત’ની સમગ્ર વિશ્વમાં ફજેતી થઈ રહી હતી. બરાબર આ જ સમયે સ્વામીનાથને જિનેટિકલી મૉડિફાઇડ (જીએમ) બિયારણ થકી હરિત ક્રાંતિની દિશામાં ઝંપલાવ્યું.

સ્વામીનાથનની સલાહ પર અમલ કરાતાં અનાજના ભંડાર ઊભરાવા લાગ્યા

વર્ષ 1967માં જિનેટિકલી મૉડિફાઇડ ઘઉંનાં બિયારણ રજૂ કરાયાં. તે બાદ જીએમ મકાઈ બિયારણ વિકસિત કરાયું, જે વધુ પાક મેળવવા સમર્થ હતું.

સી. આર. કેશવને કહ્યું, "અમુક વર્ષોમાં જ પરિસ્થિતિ બદલાવા લાગી. હવે ભારત અનાજનું સ્વર્ગ બની ગયેલું."

એમ. એસ. સ્વામીનાથને જિનેટિકલી મૉડિફાઇડ એવી ઘઉંની ‘શૉર્ટ બ્રીડ’નો ઉપયોગ કરવાની સલાહ આપી, જે વધુ ઉત્પાદન આપી શકવા સમર્થ હતી.

પરંતુ આ સલાહ સામે સરકારની અંદર અને બહાર બંને બાજુએથી વિરોધના સૂર ઊઠ્યા. સવાલ ઊઠવા લાગ્યા કે આ નવી જાત ભારતની સ્થિતિમાં સફળ નીવડશે કે કેમ. ઉપરાંત એવો પણ ભય વ્યક્ત કરાયો કે ક્યાંક આના કારણે મોટા પ્રમાણમાં ખાતરની આયાત તો નહીં કરવી પડે ને.

આ સિવાય ખેડૂતોય આ નવાં બિયારણોનો ઉપયોગ કરવાથી ખચકાઈ રહ્યા હતા. તેથી સ્વામીનાથને પહેલાં એક નાની જમીન પર તેનું વાવેતર કર્યું. જે બાદ ખેડૂતોએ મોટા પ્રમાણમાં આ બિયારણ વડે ખેતી કરવાનું સ્વીકાર્યું.

શરૂઆતમાં પંજાબ અને હરિયાણામાં ભારે પ્રમાણમાં તેનો ઉપયોગ શરૂ કરાયો. આશા મુજબ સારાં પરિણામોય મળ્યાં. 1965-66માં જ્યાં એક સમયે પંજાબમાં 33.89 લાખ ટન ઘઉંનું ઉત્પાદન થતું, તેની સામે 1985-86માં 172.21 લાખ ટનનું ઉત્પાદન થયું.

આ હરિત ક્રાંતિને પરિણામે અનાજના ભંડાર ઊભરાઈ ગયા. પરંતુ સામાન્ય માણસો પાસે અનાજ ખરીદવા પૂરતાંય પૈસા નહોતા. જેના કારણે ઉત્પાદનમાં વધારો થવા છતાં લોકો ભૂખે ટળવળી રહ્યા હતા.

સ્વામીનાથનને 20 વગદાર એશિયનોમાં કરાયા સામેલ

આમ, સ્વામીનાથનને સમજાયું કે માત્ર હરિત ક્રાંતિ દ્વારા ભારત ભૂખમરાના પડકારનો સામનો નહીં કરી શકે. વધુમાં તેમણે એવી પણ આગાહી કરી કે હરિત ક્રાંતિ એ લાંબા ગાળા માટનું ટકાઉ મૉડલ નથી.

80-90ના દાયકામાં તેમણે આ દિશામાં વધુ સૂચનો આપ્યાં. જેને એવરગ્રીન રિવૉલ્યૂશન કહેવાય છે. સી. આર. કેશવન પ્રમાણે, "આ રીત પ્રમાણે ભારે પ્રમાણમાં ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવાની જરૂર નહીં રહે."

જુલાઈ, 1966માં એમ. એસ. સ્વામીનાથન આઈએઆરઆઈના નિદેશક બન્યા. સ્વામીનાથના હાથમાં સંસ્થાની ધુરા આવ્યા બાદ તેનો વ્યાપ ખૂબ ઝડપથી વધવા લાગ્યો. સંસ્થા અગાઉ છ ડિવિઝનો સાથે કામ કરતી હતી, જેની સંખ્યા વધીને બાદમાં 23 થઈ ગઈ.

સંસ્થાનાં સંશોધનોનો વ્યાપ વધ્યો. જેમાં ચોખા, ઘઉં, અન્ય પ્રકારનાં અનાજ, પાણી અંગેનું સંશોધન અને પાણી સંબંધિત તકનીકો અંગેનાં સંશોધનો સામેલ કરાયાં.

જે બાદ 1972માં સ્વામીનાથન ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રિકલ્ચર રિસર્ચ (આઇસીએઆર)ના ડાયરેક્ટર જનરલ અને કેન્દ્ર સરકારના કૃષિ સચિવ બન્યા.

વર્ષ 1979માં તેઓ સ્વામીનાથન કેન્દ્ર સરકારના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા. જે બાદનાં વર્ષે તેમની કેન્દ્રીય આયોજનપંચના સભ્ય તરીકે નિમણૂક થઈ હતી.

ટાઇમ મૅગેઝિન દ્વારા 20મી સદીના 20 સૌથી વગદાર એશિયનોની યાદીમાં તેમનું નામ સામેલ કરાયું હતું.

આ યાદીમાં ભારતમાંથી ત્રણ જ નામ હતાં. જે પૈકી અન્ય બે મહાત્મા ગાંધી અને રવીન્દ્રનાથ ટાગોર હતા.

તેમણે વર્ષ 1982-88 દરમિયાન ફિલિપાઇન્સમાં ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર જનરલ તરીકે ફરજ બજાવી.

વર્ષ 1987માં તેમને વર્લ્ડ ફૂડ પ્રાઇઝથી નવાજવામાં આવ્યા. આ સન્માન સાથે મળેલ ઇનામની રકમથી તેમણે એમ. એસ. સ્વામીનાથન રિસર્ચ ફાઉન્ડેશનની (એમએસએસઆરએફ) સ્થાપના કરી.

સ્વામીનાથન રિપોર્ટ

સી. આર. કેશવન જણાવે છે કે, "અનાજના ઉત્પાદનમાં વધારો થયા બાદ, તેમને લાગ્યું કે લોકો માટે રોજગારીની સ્થિતિ સુધારવા માટે કંઈક કરવું જોઈએ. આ આશય સાથે તેમણે આ સંસ્થાની શરૂઆત કરેલી. આ ફાઉન્ડેશન થકી સેલ્ફ હેલ્પ ગ્રૂપ દ્વારા મહિલાઓને ખેતપેદાશોમાંથી મૂલ્યવર્ધક પેદાશો બનાવવાની તાલીમ અપાતી હતી."

વરિષ્ઠ પત્રકાર પી. સાંઈનાથ કહે છે કે, "એમ. એસ. સ્વામીનાથન એ માત્ર ભારતના સૌથી મહાન કૃષિ નિષ્ણાત નહોતા. તેઓ એક મહાન વ્યક્તિ પણ હતા."

વર્ષ 2004માં તેઓ ભારતના કૃષિપંચના ચૅરમૅન તરીકે નિમાયા. આ કમિશને કુલ પાંચ રિપોર્ટ સબમિટ કર્યા હતા.

"બાદમાં તેમને ખેડૂતો માટેના રાષ્ટ્રીય આયોગના ચૅરમૅન બનાવાયા હતા. રિપોર્ટેય તેમના નામે જ ઓળખાતો – ‘સ્વામીનાથન રિપોર્ટ’. આ રિપોર્ટે જુદા જુદા પાકો માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમએસપી) નક્કી કરવા મામલે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ. તેમણે પાકોના ઉત્પાદનખર્ચ કરતાં 50 ટકા વધુ કિંમત ચૂકવવાની ભલામણ કરી હતી."

આ રિપોર્ટનો પ્રથમ ભાગ ડિસેમ્બર, 2004 અને અંતિમ ઑક્ટોબર, 2006માં સબમિટ કરાયો હતો. પરંતુ સમયાંતરે આવેલી સરકારોએ કમિશનના રિપોર્ટની ભલામણો તરફ ધ્યાન આપ્યું નથી.

સાંઈનાથે જણાવ્યું કે સ્વામીનાથને પ્રતિબદ્ધતા સાથે રિપોર્ટ તૈયાર કર્યો હોવા છતાં, કોઈ પણ સરકારે સંસદમાં તેના પર ચર્ચા કરવા માટે એક કલાકેય ફાળવ્યો નથી.

હાલની કેન્દ્ર સરકારે સ્વામીનાથન કમિશનના રિપોર્ટમાં કરાયેલ ભલામણોની મોટાં પાસાં લાગુ કરવાનું વચન આપ્યં હતું. પરંતુ હજુ સુધી આ વચન તેમણે પાળ્યું નથી.

પી. સાંઈનાથ જણાવે છે કે, "રિપોર્ટની ભલામણો લાગુ કરવાની વાત તો દૂર આ સરકારે ઊલટાનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું કરીને કહ્યું છે કે આ ભલામણો લાગુ ન થઈ શકે. આવું કરવાથી હાલની બજારકિંમત પર નકારાત્મક અસર પડશે."

સાંઈનાથ કહે છે કે એમ. એસ. સ્વામીનાથન મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રમાં ખેડૂતોની સ્થિતિ જોઈને રડી પડેલા.

સાંઈનાથ આ બનાવ યાદ કરતાં કહે છે કે, "જ્યારે હું તેમને એક વખત ચેન્નાઈ ખાતે મળ્યો ત્યારે તેમણે કહેલું કે, ‘તમે જે વિદર્ભ ક્ષેત્ર વિશે લખો છો એ ખૂબ ચોંકાવનારું છે.’ મેં એમને ક્ષેત્રની મુલાકાત લેવા આમંત્રિત કર્યા. તેઓ કમિશનના બીજા બે સભ્યો સાથે ક્ષેત્રની મુલાકાતે પહોંચ્યા. એ સમયની વિલાસરાવ દેશમુખની રાજ્ય સરકારે તેઓ ક્ષેત્રની મુલાકાત ન લઈ શકે એ માટેના ભરપૂર પ્રયાસ કર્યા. પરંતુ તેઓ બે દિવસ સુધી મારી સાથે ત્યાં જ રહ્યા અને આત્મહત્યા કરનાર ત્રણ-ચાર ખેડૂતોના પરિવારોને મળ્યા. એ સમયે તેમની ઉંમર 80 વર્ષ કરતાં વધુ હતી. જ્યારે તેઓ બીજા ઘરે મુલાકાત માટે જઈ રહ્યા હતા, ત્યારે તેઓ વચ્ચે જ રડી પડ્યા. તેમણે પોતાના ચહેરા પર હાથ મૂકી દીધો અને રડવા લાગ્યા. હું એ દૃશ્ય ન ભૂલી શકું."

સ્વામીનાથનની હરિત ક્રાંતિની ટીકા

2007માં તત્કાલીન કેન્દ્ર સરકારે તેમને રાજ્યસભામાં નામાંકિત કર્યા.

તેમણે એમ. એસ. સ્વામીનાથ રિસર્ચ ફાઉન્ડેશનની રચના કરી, જે ટકાઉ ઊર્જા અને કૃષિક્ષેત્રની વૃદ્ધિની દિશામાં સંશોધન ક્ષેત્રે સક્રિય છે.

બાદમાં એમ. એસ. સ્વામીનાથનની હરિત ક્રાંતિની ખૂબ ટીકા પણ થઈ.

પર્યાવરણવિદો ખાતરના અતિરેક અને જમીન પ્રદૂષણ માટે હરિત ક્રાંતિને દોષિત ઠેરવે છે.

સાંઈનાથ જણાવે છે કે, "હરિત ક્રાંતિ અંગે તેઓ વિચારતા કે સમૃદ્ધ ખેડૂતોએ તેનો લાભ ઉઠાવ્યો છે. ખાતર અને જંતુનાશકના ઉપયોગને લઈને તેમનો મતેય બદલાયો હતો. તેમણે ક્યારેય મતપરિવર્તન સંકોચ ન અનુભવ્યું. આના કારણે જ તેઓ સૌથી મહાન વ્યક્તિઓ પૈકી એક છે."

સાંઈનાથ જણાવે છે કે આવી જ રીતે તેમણે બાદમાં જિનેટિકલી મોડિફાઇડ બિયારણોને લઈને પણ પોતાનો મત બદલ્યો હતો.

એમ. એસ. સ્વામીનાથનનાં પત્ની મીના સ્વામીનાથનનુંય માર્ચ, 2022માં મૃત્યુ થયું હતું. તેમનાં, સૌમ્યા સ્વામીનાથન, મથુરા સ્વામીનાથન અને નિત્યા સ્વામીનાથન એમ કુલ ત્રણ દીકરી છે.