ગુજરાતમાં યુરિયાની અછત થઈ છે ખરી? કેટલાક જિલ્લામાં ખાતર ન મળવાથી ખેડૂતોનો હંગામો

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં ખેડૂતોને ખાતર મળતું ન હોવાની ફરિયાદો ઊઠી છે.

જામનગરમાં ખેડૂતોએ ખાતર ન મળતાં દેખાવો કર્યા. મોરબીમાં પણ ત્રણ દિવસ પહેલાં ખેડૂતોએ મોરબી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ઑફિસ સામે દેખાવો કર્યા હતા. ભરૂચના જંબુસરમાં પણ ખેડૂતોની પણ ફરિયાદ હતી કે યુરિયા નથી મળી રહ્યું. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ખાતર માટે ખેડૂતોની લાંબી કતાર લાગી હતી.

જાણકારોનું કહેવું છે કે ખરીફ પાકની સિઝનમાં યુરિયા ખાતરની અછત ખેડૂતોને નુકસાન કરાવી શકે છે.

સરકારનું કહેવું છે કે તેમની પાસે ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જોકે તેઓ કબૂલે છે કે હાલમાં ગુજરાતમાં પડેલા ભારે વરસાદને કારણે વિતરણ વ્યવસ્થાને ભારે અસર પહોંચી હતી.

સરકાર કહે છે કે ખાતરની રાજ્યમાં કોઈ અછત નથી.

આમછતાં ખેડૂતોની ફરિયાદો છે કે છેલ્લા ચાર-પાંચ વર્ષોથી ચોમાસાં વખતે આ સમસ્યા સર્જાય છે.

ખેડૂતોનો દાવો છે કે આ મામલે કૃષિ અધિકારીઓને વારંવાર રજૂઆત કરી હોવા છતાં પગલાં ભરાતાં નથી.

એવા પણ આરોપો થઈ રહ્યા છે કે કેટલાક લોકો સંગ્રહખોરી કરે છે તેને કારણે યુરિયા ખેડૂતોને મળતું નથી.

જોકે, સરકાર આ આરોપોનો રદિયો આપે છે. કૃષિ અધિકારીઓનું કહેવું છે કે ખેડૂતો જ જરૂર કરતાં વધારે ખાતર લઈ જાય છે તેને કારણે પણ આ સમસ્યા સર્જાઈ છે.

શું છે ખેડૂતોની ફરિયાદ?

જામનગરના ખેડૂતોની ફરિયાદ છે કે તેમને દસ દિવસથી યુરિયા ખાતર મળતું નથી. તેમનું કહેવું છે કે તેઓ જામનગરના રણજિતસાગર રોડ પર આવેલા લાલપુર બાયપાસ નજીક જીટીએલ કંપનીના સરદાર કૃષિ સુવિધા કેન્દ્ર ખાતે છેલ્લા દસ દિવસથી ખાતર મેળવવા ધક્કા ખાય છે.

ખાતર ન મળતા છેવટે તેમણે કૃષિ સુવિધા કેન્દ્ર સામે દેખાવો કર્યા હતા, એટલું જ નહીં પરંતુ તેમણે ચક્કાજામનો કાર્યક્રમ પણ આપ્યો હતો.

તેમનો આરોપ હતો કે હાલની સિઝન ખેડૂતો માટે ખેતરોમાં કામ કરવાની છે. હાલ ભારે વરસાદ પડી રહ્યો છે તેને કારણે વાવણીની સિઝન છે, પરંતુ યુરિયા તેમને મળતું નથી.

જામનગરના ખેડૂત નિકુંજ કારસરિયા બીબીસીના સહયોગી દર્શન ઠક્કર સાથેની વાતચીતમાં જણાવે છે, "દસ-દસ દિવસથી અમે ધક્કા ખાઈએ છીએ. આ કેન્દ્ર પર ખાતરની એક જ ગાડી આવે છે તેથી ખેડૂતોની માગ પ્રમાણે ખાતર મળતું નથી."

ખેડૂતોનો એવો પણ આરોપ છે કે હાલ તેમને ખેતરમાં કામ વધારે હોય છે તેની જગ્યાએ તેમને ખાતર લેવા માટે ધક્કા ખાવામાં સમય વ્યતિત થાય છે.

સરદાર કૃષિ સુવિધા કેન્દ્રના સંચાલક સંદીપ વામજા પણ કબૂલે છે કે કંપનીઓમાંથી તેમને ખાતરનો જથ્થો માગ પ્રમાણે મળતો નથી.

તેઓ કહે છે, "અત્યારે માલ જ નથી. દસેક દિવસથી આવી સ્થિતિ છે. હું સવારે પહોંચ્યો ત્યારે ખેડૂતોની લાઈન લાગી હતી. તેઓ હોબાળો કરતા હતા. તેમનાં નામો નોંધી લીધાં છે. માલ આવશે ત્યારે તેમને ક્રમ મુજબ ખાતર આપવામાં આવશે."

બીજી તરફ જામનગર જિલ્લાના નાયબ કૃષિ નિયામક(વિસ્તરણ) બી. એમ. આગઠ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "એક હજાર મેટ્રિક ટન યુરિયાનો જથ્થો હાલ જ રિલીઝ થયો છે. તે પહોંચશે એટલે જામનગર જિલ્લામાં ખાતર પૂરૂં પાડવામાં આવશે."

ખેડૂતોના આરોપ શું છે

ખેડૂતો અને ખેડૂત આગેવાનો સરકાર પર આરોપ છે કે સરકાર ખેડૂતોને જરૂર હોય ત્યારે ખાતર પૂરું પાડવામાં નિષ્ફળ રહી છે.

રાજકોટ ખાતેની ખેડૂત હિતરક્ષક સમિતિના પ્રમુખ રસીકભાઈ પરસાણા બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવે છે, "આખા રાજકોટમાં અછત છે. સરકાર કહે છે કે ખાતરનો જથ્થો રિલીઝ કર્યો છે. પણ તે પહોંચશે ક્યારે અને ખેડૂતોને મળશે ક્યારે?"

"ચોમાસાની સિઝનમાં ખેડૂતોને ખાતર નહીં મળે તો આ દિવસો પૂરા થઈ જશે."

રસીકભાઈ સરકાર પર ગંભીર આરોપ લગાવતા કહે છે, "ખાતર ખાનગી કેમિકલ કંપનીમાં જાય છે કારણકે આ યુરિયા સબસિડી રેટમાં તેમને સસ્તું પડે છે.”

સરકારી અધિકારીઓ આ આરોપોને પાયાવિહોણા ગણાવે છે. તેઓ કહે છે કે હવે આધાર લિંક કરાવવાની યોજના હોવાથી સબસિડી ધરાવતું ખાતર અન્ય કંપનીમાં જાય તેવું જવલ્લે જ બને છે.

ગુજરાતના કૃષિ નિયામક એસ. જે. સોલંકી બીબીસી ગુજરાતી સાથે આ આરોપોનો જવાબ આપતા કહે છે, "સંગ્રહખોરીની વાતો ખોટી છે. બીજી તરફ અમે ખાનગી કંપનીમાં લઈ જવાતા યુરિયા મામલે 11 લોકો સામે ફરિયાદો કરી છે. તેમની સામે સખત પગલાં ભરવામાં આવશે."

જૂનાગઢના ઝાલસર ગામના ખેડૂત કિશોર પોટાળિયા બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, "બધું લોલંલોલ ચાલે છે. ખાનગી ખાતર કંપનીઓને ફાયદો કરાવી આપવાનો આ કારસો છે."

તેઓ કહે છે કે હાલમાં ભારે વરસાદને કારણે ખેતરો ધોવાઈ ગયાં છે. રહ્યો સહ્યો પાક બચાવવો હશે તો તાત્કાલિક યુરિયા આપવાની જરૂર છે. પરંતુ જો ખાતર નહીં મળે તો ખેડૂતોનો પાક સાવ નહીં બચે.

તો સરકારી અધિકારીઓ જવાબમાં કહે છે કે ખેડૂતો જ પોતાની જરૂરત કરતાં વધારે યુરિયા ઉપાડી રહ્યા છે તેને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે.

રાજકોટ ખાતેના ખાતર વિતરણ કેન્દ્ર કુવાવડા મંડળીના મંત્રી અલ્પેશ વેકરિયા બીબીસી ગુજરાતીને જણાવે છે,"અમારી આસપાસનાં 40 ગામના ખેડૂતો ખાતર લેવા આવે. સ્ટૉક પૂરતો હતો પરંતુ ખાલી થઈ ગયો. હાલ માલ જ નથી."

રાજકોટના ખાતર વિક્રેતા અશ્વિનભાઈ વસાણી બીબીસી ગુજરાતીને કહે છે, 15 દિવસથી સમસ્યા છે. વરસાદને કારણે માલ મોડો આવે છે."

મોરબી જિલ્લામાં અને નર્મદાના દેડિયાપાડામાં પણ યુરિયાની અછત સર્જાઈ હતી. જોકે બંને જિલ્લામાં આ સમસ્યા હલ થઈ ગઈ હોવાનો દાવો કૃષિ અધિકારીઓએ કર્યો છે.

નર્મદા જિલ્લાના નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવે છે, "એક અઠવાડિયા પહેલાં દેડિયાપાડામાં યુરિયા મળવાની સમસ્યા હતી. પણ હવે ખાતરનો સપ્લાય મળી ગયો છે."

ખેતી નિયામક એસ. જે. સોલંકી કહે છે, "ખેડૂતોમાં એક ગેરસમજ છે કે યુરિયા આજે જ જોઈએ અને અહીંથી જ જોઈએ. હાલમાં જ 15 હજાર મેટ્રિક ટન ખાતરનો જથ્થો રિલીઝ થયો છે. અછત નથી."

યુરિયા સાથે નેનો યુરિયા ફરજિયાત લેવાનો આગ્રહ કરવાનો સરકાર પર આરોપ

ખેડૂતો સરકાર પર એવો પણ આરોપ લગાવી રહ્યા છે કે યુરિયાની સાથે નેનો યુરિયા લેવા માટે ખેડૂતો પર દબાણ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતો એવું પણ કહે છે કે જો તેઓ નેનો યુરિયા નહીં લે તો યુરિયા આપવામાં આવતું નથી.

કિશોરભાઈ પાટોળિયા આ મામલે સરકાર પર આરોપ લગાવતા કહે છે, "યુરિયાની બેગ સાથે નેનો યુરિયા લેવાનો આગ્રહ શા માટે? ખેડૂતોએ જે લેવું હોય તે લે. તમે જબરજસ્તી શા માટે કરો છો?"

તેઓ વધુમાં કહે છે કે સરકાર ખાનગી કંપનીને ફાયદો કરાવવા માટે ખેડૂતો પર દબાણ લાવે છે.

તેઓ કહે છે, "જો નેનો યુરિયાની ગુણવત્તા સારી હશે તો ખેડૂત તેને સામેથી માગશે. હાલ તે શા માટે નથી લઈ રહ્યો?"

જોકે સરકાર ખેડૂતોના આ આરોપોને રદિયો આપે છે.

સંદીપ વામજ કહે છે, "અમે કોઈ ખેડૂતને નેનો યુરિયા લેવાની ફરજ પાડી નથી રહ્યા."

એસ. જે. સોલંકી પણ કહે છે, "ખેડૂતો યુરિયાની અવેજીમાં નેનો યુરિયા પણ લઈ શકે છે. નેનો યુરિયા પણ યુરિયા જ છે. આ ગેરસમજ છે કે નેનો યુરિયા લેવાની ફરજ પાડવામાં આવી રહી છે."