ગુજરાતમાં ભારે વરસાદને કારણે મગફળીના પાકને થયેલું નુકસાન શું સિંગતેલના ભાવો વધારશે?

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી

હાલ ગુજરાતમાં પડેલા ભારેથી અતિભારે વરસાદે ઘણી જગ્યાએ ખેતરોમાં થયેલા વાવેતરને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં બિપરજોય વાવાઝોડાના મારની કળ હજુ ખેડૂતોને વળી નથી ત્યાં હાલમાં પડેલા મૂશળધાર વરસાદથી તેમની મુશ્કેલીઓમાં વધારો થયો હોય તેમ લાગે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કપાસ અને મગફળીના વાવેતરને જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં ઘણું નુકસાન થયું છે.

ઘણાં ખેતરોમાં હજુ પાણી ભરેલાં છે. જાણકારો કહે છે કે જો ખેડૂતો આ વધારાના પાણીનો નિકાલ નહીં કરે તો તેમનો પાક નિષ્ફળ જાય તેવી સંભાવના છે.

બીજી તરફ હવામાન વિભાગે 29 જુલાઈ સુધી ગુજરાતમાં હળવાથી મધ્યમ અથવા કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે.

આ સાથે હવામાન વિભાગે ખેડૂતો માટે એક ઍડ્વાઇઝરી પણ જારી કરી છે.

સરકાર ખેતરોમાંથી પાણી ઊતરે તેની રાહ જોઈ રહી છે, જેથી નુકસાનનો અંદાજ લગાવી શકાય. જોકે જાણકારો કહે છે કે સૌરાષ્ટ્રમાં જ્યાં એક જ દિવસમાં દસ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, ત્યાં મગફળી અને કપાસના વાવેતરને ભારે નુકસાન થઈ શકે છે.

જાણકારો એવી પણ સંભાવના વ્યક્ત કરી રહ્યા છે કે જો આ વરસે મગફળી અને કપાસના પાકના વાવેતરને ભારે નુકસાન જશે તો બંને પાકના ભાવોમાં તેજી જોવા મળી શકે છે.

જો વધુ નુકસાન જશે તો આવનારા દિવસોમાં સિંગતેલ મોંઘું થાય તેવી સંભાવના છે.

ખેડૂતોની વ્યથા : રોપાનું બાળમરણ અને છોડ પીળાં પડી ગયા

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગામ પીપળિયાના ખેડૂત ભરતભાઈ ગોરાસવાના ખેતરમાં પાણી ભરાઈ ગયું હતું. તેમના દાવા પ્રમાણે તેમને ત્રણ-ચાર લાખ રૂપિયાનું નુકસાન થયું છે.

ભરતભાઈ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, “15 વિઘા જમીનમાં આ વખતે કપાસ વાવ્યો હતો. બધું ખલાસ થઈ ગયું. અમારા જેવા ગરીબ માણસો ક્યાં જાય?”

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કિસાન સંઘના પ્રમુખ ભાનુભાઈ પાનસેરિયા બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા કહે છે કે આખા જિલ્લામાં મગફળી અને કપાસનાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે.

તેઓ નુકસાનીનો અંદાજ લગાવતા કહે છે, “રોપાનું બાળમરણ થયું છે. મગફળીના છોડ પીળાં પડી ગયા છે. જે પાક બચી જશે તેમાં પણ દાણા દળદાળ નહીં બને. કપાસનો પણ જે પાક બચી જશે તેમાં પણ ઉત્પાદન સારી ગુણવત્તાવાળું નહીં થાય.”

અન્ય એક ખેડૂત કાન્તાબહેન મોહનભાઈ પાનસેરિયા પણ જણાવે છે કે તેમની ત્રણ વિઘા જમીનમાં વાવેલો કપાસ ધોવાઈ ગયો. ખેતરમાં પાણી ફરી વળતા તેમના દાવા પ્રમાણે તમને અંદાજે એક લાખ રૂપિયાનું નુકસાન થયું છે.

તો જૂનાગઢના ઝાલસર ગામના ખેડૂત કિશોરભાઈ પોટોળિયાનો પણ મગફળીનો પાક ધોવાઈ ગયો છે.

તેમણે 40 વિઘા ખેતરમાં મગફળી અને કપાસનું વાવેતર કર્યું હતું.

તેઓ કહે છે, “કપાસ તો સાવ નિષ્ફળ છે અને મગફળીનો મોલ પણ હવે થાય એમ નથી. કારણકે છેલ્લા દોઢ મહિનાથી વરસાદ પડે છે. કાલે પણ વરસાદ પડ્યો. એક વિઘે 10-12 હજારનો ખર્ચો કરેલો માથે પડ્યો.”

“સરકારે કંઈક કરવું જોઈએ. નહીંતર જગતનો તાત જ નહીં રહે તો જગતને તારશે કોણ?”

નુકસાનના સર્વેક્ષણ માટે સરકાર વરસાદ અટકવાની રાહમાં

ભારતીય હવામાન વિભાગે દેશના ઘણા ભાગોમાં અતિભારે વરસાદ થતા ખેડૂતો માટે ઍડ્વાઇઝરી જાહેર કરી છે. તેમાં જણાવવામાં આવ્યુંં છે કે જ્યાં ભારે વરસાદ થયો છે ત્યાં ખેડૂતોને તેમના ખેતરમાંથી વધારાના પાણીના નિકાલ કરવાની સલાહ આપવામાં આવે છે.

જ્યાં સુધી વરસાદનું જોર ઓછું નહીં થાય ત્યાં સુધી હાલ ગુજરાતમાં ડાંગરની વાવણી ન કરવાની પણ સલાહ આપવામાં આવી રહી છે.

ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં તુવેર અને એરંડાનું વાવેતર હાલ ન કરવાની સલાહ આપવામાં આવી છે.

આ ઉપરાંત મગફળી, મકાઈ, કપાસના વાવેતરને પણ ટાળવાની સલાહ આપવામાં આવી છે.

નવસારીમાં પડેલા ભારે વરસાદને કારણે અહીં શેરડી પકવતા ખેડૂતો માટે પણ ખેતરોમાંથી વધારાના પાણીને દૂર કરવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે ખાતર અને અન્ય જંતુનાશક દવાઓના છંટકાવની પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

સરકાર હવે નુકસાનીના સર્વે માટે વરસાદના અટકવાની રાહ જોઈ રહી છે. જૂનાગઢ જિલ્લાના મુખ્ય કૃષિ અધિકારી જે. ડી. ગોંડલિયા બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, “હાલ તો મોટાભાગનાં ખેતરો પાણીથી ભરેલાં છે એટલે સર્વેની કામગીરી શક્ય નથી. પાણી ઊતરશે ત્યારે સર્વે કર્યા બાદ નુકસાનીનો અંદાજ આવી શકશે.”

જે. ડી. ગોંડલિયા વધુમાં જણાવે છે, “બિપરજોય વાવાઝોડા બાદ વાવણી લાયક વરસાદ થવાને કારણે મગફળીનું વાવેતર થઈ ગયું હતું. પણ જે પ્રકારે હાલમાં વરસાદ પડ્યો છે, તે જોતાં ઘણાં ખેતરોમાં પાકને નુકસાન થયું હોય તેવો અંદાજ છે.”

તેઓ કહે છે કે મગફળી, કપાસ અને સોયાબીનના પાકને વધારે નુકસાન થવાની સંભાવના છે. જોકે વધુ ચેતવણી આપતા તેઓ કહે છે કે જો વરસાદ આ જ પ્રકારે પડતો રહ્યો તો પાકને બચાવવો લગભગ અસંભવ છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. વી. પી. ચોવટિયા બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, “જો ત્રણ ચાર દિવસમાં ખેડૂત તેમના ખેતરમાં ભરાયેલા પાણીનો નિકાલ કરી શકે તો કદાચ મગફળીનો પાક બચવાની સંભાવના છે, પરંતુ કપાસના પાકનું નુકસાન વધારે છે.”

શું સિંગતેલ મોંઘુ થશે?

કોમોડિટી માર્કેટના જાણકારોનું કહેવું છે કે સૌરાષ્ટ્રમાં મગફળી, કપાસ અને તલના ઉત્પાદનમાં 25 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. આ પાકના ભાવોમાં તેજીની સંભાવના પણ કેટલાક જાણકારોએ વ્યક્ત કરી રહ્યા છે.

કોમોડિટી માર્કેટના જાણકાર બિરેન વકીલ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, “કપાસમાં જે વાવેતરો મોડાં થયાં છે તેવાં ખેતરોમાં પાણી જો નીકળી જશે તો પાક બચી શકે છે. કપાસમાં ફેર વાવેતર પણ થઈ શકે છે. મગફળીમાં નુકસાન વધારે છે.”

જોકે તેઓ મગફળી અને કપાસનું ઉત્પાદન ઓછું થાય તો ખાદ્યતેલોના ભાવોમાં ઉછાળો આવે તેવી સંભાવના વ્યક્ત કરતા નથી, પણ સિંગતેલ મોંઘું થઈ શકે છે.

તેઓ કહે છે કે તલના પાકને નુકસાન જવાથી તેના ભાવમાં વધુ ઉછાળો આવી શકે છે. તલના ભાવ હાલ ઊંચા જ છે.

તેઓ કહે છે, “ભારત ખાદ્યતેલોના મામલે આયાત પર નિર્ભર છે. વિશ્વ બજારમાં ખાદ્યતેલોની જોઈએ તેટલી માગ નથી. જોકે, ચોમાસાના દિવસો હજી બાકી છે, તેથી અત્યારથી અનુમાન લગાવવું મુશ્કેલ છે કે ખાદ્યતેલોના ભાવો વધશે જ.”

જથ્થાબંધ માર્કેટમાં મગફળીના ભાવો પ્રતિ મણ 1200થી 1700 રૂપિયા ચાલે છે. કપાસનો ભાવ પ્રતિ 20 કિલો 1300થી 1700 રૂપિયા છે, જ્યારે તલનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 18000 ચાલે છે.

સિંગતેલની કિંમત પ્રતિ દસ કિલો 1900 રૂપિયાની આસપાસ છે. જે છેલ્લા બે વર્ષની સર્વોચ્ચ સપાટીએ છે.

કપાસિયાના તેલની કિંમત પ્રતિ 10 કિલો 950 રૂપિયાની આસપાસ છે.

બિરેન વકીલ કહે છે કે ઑલિવ ઑઇલ અને સિંગતેલને બાદ કરતા અન્ય ખાદ્યતેલોના ભાવો બે વર્ષની નિચલી સપાટીએ છે.

જાણકારો શું કહે છે?

જાણકારો કહે છે કે જો મગફળીનું વાવેતર એક મહિના પહેલા થયું હોય તો હાલ તેના ફ્લાવરિંગની સિઝન હોય છે. વધારે વરસાદને કારણે જો છોડ ડૂબી જાય તો તેને ભયંકર નુકસાન થાય છે.

વળી મગફળી જમીનમાં થાય છે તેથી જો વરસાદી વહેણમાં જમીન વધારે પડતી ધોવાય જાય તો પણ તેના પાકને નુકસાન જવાની સંભાવના રહે છે. જો ખેતરમાં પાણી ભરાઈ રહે તો મગફળીના છોડના મૂળિયા કહોવાઈ જવાની સંભાવના છે.

કપાસમાં ભારે વરસાદને કારણે તેના છોડ ડૂબી જાય તો તેનો વિકાસ રૂંધાઈ શકે છે. તેમાં જીવાત કે ઇયળ લાગવાની સંભાવના પણ પૂરેપૂરી છે. કપાસના ઉત્પાદનમાં ઘટાડો પણ થઈ શકે છે.

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના વૈજ્ઞાનિક અને મગફળી પર રિસર્ચ કરનારા ડૉ. કોના પ્રવિણ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, “જેણે પહેલા વાવેતર કર્યું છે તે પાકના ફ્લાવરિંગને નુકસાન જશે જ્યારે જેણે પાછોતરા વાવેતર કર્યા છે તેમના ફ્લાવરિંગ મોડા થશે. મારા મતે લગભગ 20% નુકસાનીનો અંદાજ છે.”

પાક બચાવવાના ઉપાય બતાવતા તેઓ કહે છે કે, “પાણીનું લેવલિંગ કરવું અને જમીનમાં મોરમ નાખીને જમીનના ધોવાણની અસર નાબૂદ કરવા લૅન્ડ લેવલ કરવું. આમ કરવાથી પાકને બચાવી શકાય છે.”

નવસારી કૃષિ યુનિવર્સિટીના મગફળી પર સંશોધન કરનારા વૈજ્ઞાનિક ડૉ. પી. કે. પરમાર બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, “જે છોડ ડેવલપમૅન્ટ સ્ટેજમાં છે તેના કહોવાવાની સંભાવના વધી જાય છે. આવા સંજોગોમાં નુકસાનીની સંભાવના વધારે છે. જોકે તે પાછોતરા વરસાદના સંજોગો પર પણ આધાર રાખે છે. ભવિષ્યમાં પણ વરસાદની તિવ્રતા આટલી જ હોય તો નુકસાન વધી શકે છે.”

તેઓ આ પરિસ્થિતિ માટે ક્લાઇમેટ ચેન્જને જવાબદાર ગણે છે. તેઓ કહે છે, “હાલ આબોહવા પરિવર્તન પામી રહી છે. ક્લાઇમેટ વેરિયેબિલીટીની આ એક્સટ્રિમ ઇવેન્ટ છે. હવે આપણે ક્લાઇમેટ ચેન્જ પ્રમાણે કન્ટીજન્સી ક્રોપ પ્લાન બનાવવો રહ્યો.”

ગુજરાતમાં કપાસ અને મગફળીનું કેટલું થયું હતું વાવેતર?

મગફળી એ ગુજરાતનો મુખ્ય તેલીબિયાં પાક છે અને મહત્ત્વપૂર્ણ કૃષિ નિકાસ કોમોડિટી પણ છે. કચ્છ-સૌરાષ્ટ્ર ઑઇલ મિલ ઍસોસિયેશન અનુસાર ગુજરાતમાં આખા દેશમાં સૌથી વધુ મગફળી પાકે છે. મહદંશે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તેનું વાવેતર કરવામાં આવે છે. ભારત મગફળી ઉત્પાદનમાં વિશ્વમાં બીજા ક્રમે છે.

જ્યારે કપાસના ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં ચીન બાદ બીજું છે.

ભારતમાં મહારાષ્ટ્ર, ગુજરાત, આન્ધ્ર પ્રદેશ અને મધ્ય પ્રદેશ કપાસ પકવતાં મુખ્ય રાજ્યો છે.

ગુજરાત સરકારના આંકડા પ્રમાણે 17-07-2023ના રોજ ગુજરાતમાં મગફળીનું 15,235 હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું. કપાસનું 23,757 હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું.

જૂનાગઢ અને અમરેલી જિલ્લાની જો વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં મગફળી અને કપાસનું અનુક્રમે વાવેતર 1897 હેક્ટર જમીનમાં અને 542 હેક્ટર જમીનમાં થયું હતું જ્યારે કે અમરેલી જિલ્લામાં મગફળી અને કપાસનુ અનુક્રમે 1482 હેક્ટર જમીન અને 3547 હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું.