You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વાપીમાં પત્ની સાથે મંદિર ગયેલા ભાજપ નેતાની ગોળી મારીને હત્યા, શું છે સમગ્ર મામલો?
દક્ષિણ ગુજરાતના વાપીમાં સોમવારે સવારે ભાજપના ઉપ-પ્રમુખ શૈલેષ પટેલની અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, શૈલેષ પટેલ પોતાનાં પત્ની સાથે વહેલી સવારે મંદિરે ગયા હતા. ત્યારે બાઇક પર આવેલા બે શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો.
ત્યાર પછી તેમને હૉસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
હત્યાની આ ઘટના બાદ તેમના પરિવારજનોએ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
'અમને એમ કે લગ્ન છે એટલે ફટાકડા ફૂટ્યા, પણ...'
જે સમયે શૈલેષ પટેલ પર હુમલો થયો, ત્યારે મંદિરના પૂજારી જિતુભાઈ પટેલ પણ ત્યાં હાજર હતા.
તેમણે કહ્યું, "રોજની જેમ આજે પણ હું મંદિરમાં આવ્યો ત્યારે શૈલેષ પટેલ અને તેમનાં પત્ની મંદિર આવ્યાં હતાં."
જિતુભાઈના કહેવા પ્રમાણે, "શૈલેષભાઈનાં પત્ની મંદિરમાં અંદર ગયા હતા. જ્યારે તેઓ બહાર પોતાની ગાડીમાં બેઠા હતા."
તેમણે આગળ કહ્યું, "હું મંદિરમાં હતો ત્યારે મને અચાનક ફટાકડા ફૂટવાનો અવાજ સંભળાયો. મને પહેલાં તો એમ લાગ્યું કે પાડોશમાં લગ્ન છે, ત્યાં ફટાકડા ફૂટ્યા હશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"પણ થોડીવારમાં શૈલેષભાઈનાં પત્ની બહાર ગયાં અને તેમણે ચીસો પાડવાની શરૂ કરી. જેથી હું પણ દોડી આવ્યો અને ગાડીમાં જોયું તો શૈલેષભાઈ લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા."
'2013ની દુશ્મની હતી, તેમણે જ આ કર્યું છે'
શૈલેષ પટેલના ભાઈ રજનીભાઈ પટેલે જણાવ્યું કે 'શૈલેષભાઈને લોહીલુહાણ હાલતમાં જોયા બાદ તેમનાં પત્નીએ તેમને ફોન કર્યો હતો અને તેઓ તાત્કાલિક મંદિરે પહોંચ્યા હતા.'
રજનીભાઈએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે "મારા ભાભીએ ત્યાંથી બે લોકોને ભાગતા જોયા હતા. આ સિવાય નજીકમાં એક ગાડીમાં પણ બે લોકો બેઠા હતા."
રજનીભાઈએ આક્ષેપ કર્યો છે કે ''વાપીમાં જ રહેતા કેટલાક લોકોએ આ હત્યા કરી છે. આ લોકોએ અગાઉ 2013માં પણ શૈલેષભાઈ સાથે ઝઘડો કર્યો હતો અને તે સમયે બંને પક્ષો વચ્ચે મારામારી પણ થઈ હતી.''
આ સિવાય 2014માં પણ એ જ લોકોએ ગોળીબાર કર્યો હોવાનો આક્ષેપ રજનીભાઈએ કર્યો હતો.
રજની પટેલે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે તેમણે આ તમામ લોકોના નામ પોલીસને આપ્યા છે અને પોલીસે તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ જણાવ્યું હતું કે 'આ મામલે ગૃહમંત્રીથી લઈને મુખ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવી છે અને આ ઘટનામાં સંડોવાયેલા એક પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે.'
પોલીસનું શું કહેવું છે?
આ ઘટના અંગે પોલીસે મૃતક શૈલેષભાઈનાં પત્નીએ નોંધાવેલી ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
વાપી ડીવાયએસપી બી. એન. દવેએ જણાવ્યું, "અમને ઘટનાસ્થળેથી એક ખાલી કાર્ટ્રિજ મળી આવ્યું છે. જેના પરથી લાગી રહ્યું છે કે કોઈ ઑટોમૅટિક હથિયારનો ઉપયોગ થયો હોઈ શકે છે."
તેમણે આગળ કહ્યું, "પરિવારજનોને શંકા છે કે આ હત્યા અગાઉની અદાવતના કારણે કરવામાં આવી છે. તેમણે કેટલાંક નામ પણ આપ્યાં છે."
ડીવાયએસપી દવેએ અંતે કહ્યું, "અમે સીસીટીવી ફૂટેજ તપાસવાની સાથેસાથે શકમંદોની તપાસ કરી રહ્યા છીએ અને અમને આશા છે કે અમે ઝડપથી હુમલાખોરોને પકડી લઈશું."