રાહુલ ગાંધીને સજા આપનારા સુરતના જજ હરીશ વર્માને મળેલા પ્રમોશન સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કેમ થઈ?

તાજેતરમાં જ રાહુલ ગાંધીનું લોકસભાનું સંસદસભ્યપદ જે સજાને કારણે થયું, તે સજા સંભળાવનારા સુરત કોર્ટના ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ હરીશ વર્માને પ્રમોશન આપવામાં આવ્યું છે. તેમની સાથે જ ખંડપીઠના અન્ય ચાર જજોની પણ બઢતી સાથે બદલી કરવામાં આવી છે.

વર્ષ 2019માં એક જાહેરસભામાં રાહુલ ગાંધીએ 'મોદી' અટકને લઈને કરેલી એક ટિપ્પણીના કેસમાં સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ હરીશ વર્માએ રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવી હતી.

તાજેતરમાં જ ગુજરાત સરકારના કાયદા વિભાગે કુલ 68 જજોની બઢતી અને બદલીની જાહેરાત કરી છે. તેમાં 43 વર્ષીય જજ હરીશ વર્માને બદલી સાથે બઢતી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

તેમની રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બઢતી કરવામાં આવી છે.

ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ વર્મા સહિત રાહુલ ગાંધીને સજા સંભળાવનારા અન્ય પાંચ જજોની પણ બઢતી સાથે બદલી કરવામાં આવી છે.

કોણ છે જજ હરીશ વર્મા?

સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના પાંચ જજો પૈકી હરીશ વર્મા મૂળ વડોદરાના વતની છે. કાયદા ક્ષેત્રે તેઓ દોઢ દાયકાનો બહોળો અનુભવ ધરાવે છે.

તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી એલએલબીનો અભ્યાસ કર્યો છે.

કારકિર્દીના પ્રારંભમાં તેઓ ગુજરાત સરકારના કાયદા સચિવ પણ રહ્યા હતા. ત્યાર પછી વર્ષ 2008માં તેઓ જ્યુડિશિયલ સર્વિસમાં આવ્યા હતા અને તે જ વર્ષે તેઓ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ બન્યા હતા.

સુરતમાં રાહુલ ગાંધીને સજા સંભળાવનારા તમામ પાંચ જજની બઢતી સાથે અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી છે. સુરતમાં તેમના સ્થાને જજ એમ.આર. ખેરને હવાલો સોંપવામાં આવ્યો છે.

બઢતી અને બદલીને પડકાર

ગુજરાત સરકારના આ ઑર્ડર બાદ સિનિયર સિવિલ જજ રવિકુમાર મહેતા અને પ્રતાપરાય મહેતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

તેમણે પોતાની અરજીમાં ગુજરાત સરકાર દ્વારા 65 ટકા ક્વોટા સિસ્ટમ અંતર્ગત કરવામાં આવેલી 68 જજોની બદલી પર વિરોધ વ્યક્ત કર્યો છે.

તેમણે જજ હરીશ વર્માની બઢતીના ઑર્ડરને રદ કરવા માટે પણ અરજી કરી છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટની ટૉપ કોર્ટ બૅન્ચ આઠમી મે, સોમવારના દિવસે સુનાવણી હાથ ધરશે.

અરજીમાં માગ કરવામાં આવી છે કે બઢતી અને બદલીની યાદી તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટ એક દિશાનિર્દેશ જાહેર કરે અને ગુજરાત હાઈકોર્ટ અને રાજ્ય સરકાર શૈક્ષણિક લાયકાત અને સિનિયૉરિટીના આધારે પ્રમોશન આપે.

  • ‘મોદી અટક’ મામલે રાહુલ ગાંધીના કેસની સુનાવણી કરનારા જજ એક સમયે હતા અમિત શાહના વકીલ

રાહુલ ગાંધી દોષિત સાબિત થતા, બે વર્ષની સજા સંભળાવી

23 માર્ચે સુરતની એક કોર્ટે 2019ના માનહાનિ મામલે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા.

સુરતના મુખ્ય ન્યાયિક મૅજિસ્ટ્રેટ એચ. એચ. વર્માએ કૉંગ્રેસ સાંસદને ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 અંતર્ગત માનહાનિના ગુના અંતર્ગત દોષિત ઠેરવતાં બે વર્ષની જેલની સજા કરાઈ હતી અને 15 હજાર રૂપિયાનો દંડ પણ કરાયો હતો.

રાહુલ ગાંધીએ વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલાં કર્ણાટકના કોલાર જિલ્લામાં પોતાના એક ભાષણમાં કહ્યું હતું કે, “નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી... આ બધાની અટક મોદી કેમ છે? તમામ ચોરોની અટક મોદી કેમ હોય છે?”

આ બાદ ભાજપના નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ ગુનાહિત મામલો દાખલ કરાવ્યો અને દાવો કર્યો કે રાહુલ ગાંધીએ પોતાના નિવેદનથી મોદી સમુદાયની બદનક્ષી કરી છે.

કોર્ટના નિર્ણય બાદ રાહુલ ગાંધીનું સાંસદપદ રદ થયું હતું. શરૂઆતના દિવસોમાં જ્યારે તેમના વિરુદ્ધ કેસ દાખલ કરાયો હતો, ત્યારે તેમણે કહ્યું હતું કે આ મોદી સરકારની તેમને ચૂપ કરાવાની કોશિશ છે.

રાહુલ ગાંધીનું સભ્યપદ ગયું ત્યારે કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, “રાહુલ ગાંધીનું સભ્યપદ ગુમાવ્યું એ દિવસે એ ભારતીય લોકશાહીના ઇતિહાસનો સૌથી કાળો દિવસ હતો. ટ્રાયલ કોર્ટના નિર્ણયમાં ઘણા કાયદાકીય મુદ્દા છે. જોકે, અમારી કાનૂની ટીમ દ્વારા યોગ્ય મંચ પર તેનો સામનો કરાશે.”

રાહુલ ગાંધીએ 3 એપ્રિલના રોજ સુરતમાં જજ મોગેરાની કોર્ટમાં અપીલ દાખલ કરી હતી.

જજે ‘મોદી સરનેમ’વાળા માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની અરજી પર એ જ દિવસે જાહેર કરાયેલા પોતાના આદેશમાં તેમની સજા સસ્પેન્ડ કરી દીધી હતી.

તેમને તેમની અપીલ અંગે પેન્ડિંગ સુનાવણી માટે જામીન પણ આપી દેવાયા હતા અને રાહુલ ગાંધી 15 હજાર રૂપિયાનું જામીન બૉન્ડ આપવાનું કહેવાયું હતું.