You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના : વડા પ્રધાને મોદીએ કહ્યું કે 'કોરોના હજુ ખતમ થયો નથી', ગુજરાત કેટલું તૈયાર?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી.
પીએમઓ તરફથી એક પ્રેસ રિલીઝમાં કહેવાયું કે "વડા પ્રધાને સખત નિરીક્ષણ રાખવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે કોવિડ હજુ ખતમ થયો નથી અને અધિકારીઓને સતર્ક રહેવા કહ્યું છે. ખાસ કરીને હવાઈમથક પર."
વડા પ્રધાને રાજ્યોને કહ્યું કે તે સુનિશ્ચિત કરે કે હૉસ્પિટલ, વૅન્ટિલેટર, ઓક્સિજન સિલિન્ડર, પીએસએ પ્લાન્ટ અને સ્વાસ્થ્યસેવા સાથે જોડાયેલા લોકો તૈયાર રહે.
આ વર્ચ્યુઅલ મિટિંગમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા, ગૃહમંત્રી અમિત શાહ, નાગરિક ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ ભાગ લીધો હતો.
આ મિટિંગ પહેલાં લોકસભામાં આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, “આગામી તહેવારો અને નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને રાજ્યોને ઍલર્ટ રહેવા, માસ્ક પહેરવા માટે જાગરૂકતા અભિયાન, હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે.”
આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ગુરુવારે માહિતી આપી હતી કે આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર રૅન્ડમ આરટી-પીસીઆર સૅપ્લિંગ શરૂ કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું હતું કે, “અન્ય દેશોમાંથી આવતાં લોકોના આરટી-પીસીઆર સૅપ્લિંગ શરૂ કરવામાં આવ્યા છે. અમે મહામારીનો સામનો કરવા માટે જરૂરી પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છીએ.”
માંડવિયાએ કહ્યું હતું કે, “રાજ્યોએ સુનિશ્ચિત કરવું જોઈએ કે તહેવાર અને નવા વર્ષની ઉજવણી દરમિયાન લોકો માસ્ક પહેરે છે, સેનિટાઇઝરનો ઉપયોગ કરે છે અને સામાજિક અંતરનું ધ્યાન રાખે છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર, બુધવારે આરોગ્યમંત્રીએ પણ સ્થિતિની સમીક્ષા કરી હતી. આ દરમિયાન ચીન અને અન્ય દેશોમાંથી આવતા યાત્રીઓનો ઍરપૉર્ટ પર રૅન્ડમ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, તેઓ ચીનની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
ગુજરાતમાં કેવી છે તૈયારી?
ગુજરાતમાં કોરોનાની સ્થિતિને લઈને યોજાયેલી કૅબિનેટ મીટિંગ બાદ પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં નોંધાયેલા ઓમિક્રૉનના સબવૅરિયન્ટ BF.7ના ત્રણેય દર્દીઓ હોમ આઇસોલેશનમાં જ સ્વસ્થ થઈ ગયા હતા.
તેમણે જણાવ્યું, "અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે. દેશમાં હાલ 3402 ઍક્ટિવ કેસ છે. જેમાંથી ગુજરાતમાં માત્ર 23 ઍક્ટિવ કેસ છે."
"રાજ્યભરની હૉસ્પિટલોમાં આવેલા ઓક્સિજન પ્લાન્ટને ચકાસવા માટે શુક્રવારે એક મોકડ્રીલ યોજાશે અને જરૂર પડે તેને વધારવામાં આવશે."
તેમણે આગળ કહ્યું, "રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં 1.04 લાખથી વધુ સામાન્ય બેડ, 15 હજારથી વધુ ઓક્સિજન બૅડ અને 9,700 જેટલા વૅન્ટિલેટર બેડ ઉપલબ્ધ છે."
જિનોમ સિક્વન્સિંગ અંગે તેમણે જણાવ્યું, "ગાંધીનગર ખાતે આવેલી જીબીઆરસીમાં આરટીપીસીઆર પૉઝિટિવ દર્દીઓના સૅમ્પલનું જિનોમ સિક્વન્સિંગ કરવામાં આવે છે. આપણી પાસે દર મહિને ચાર હજાર સૅમ્પલનું સિક્વન્સિંગ થઈ શકે તેટલી વ્યવસ્થા છે."
ઋષિકેશ પટેલે અંતે કહ્યું, "કેન્દ્ર અને રાજ્ય સરકારના અથાગ પ્રયત્નોના કારણે જ ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં છે."
તેમણે એમ પણ કહ્યું કે તમામ લોકોએ જાતે જ કોરોના સંબંધિત વ્યવહારને અનુસરીને કોરોના સંદર્ભે જાહેર કરાયેલા સરકારી દિશાનિર્દેશોનું પાલન કરવું જોઈએ.
ચીનમાં કોરોનાના દર્દીઓથી હૉસ્પિટલ ઉભરાઈ, WHOએ ચિંતા વ્યક્ત કરી
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનનું કહેવું છે કે, “ચીનમાં કોવિડ-19ની નવી લહેર વચ્ચે હૉસ્પિટલ દર્દીઓથી ઊભરાઈ રહી છે.”
ડબ્લ્યૂએચઓના ઇમરજન્સી ચીફ ડૉક્ટર માઇકલ રેયાને કહ્યું છે કે, “ભલે અધિકારી દર્દીઓની સંખ્યા ઓછી બતાવી રહ્યા છે, પરંતુ ઇન્ટેસિવ કેર યુનિટ્સ (આઈસીયુ) ભરેલાં છે.
ચીનનાં આંકડા દર્શાવે છે કે, બુધવારે કોવિડના કારણે કોઈનું મૃત્યુ થયું નથી, પરંતુ મહામારીના વાસ્તવિક પ્રભાવને લઈને શંકા છે.
ચીનમાં કોરોના મહામારી વધવાની સાથે તાજેતરના દિવસોમાં રાજધાની બીજિંગ અને અન્ય શહેરોની હૉસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે.
વર્ષ 2020થી ચીને કહેવાતી ઝીરો કોવિડ નીતિ હેઠળ વિવિધ આરોગ્ય નિયંત્રણો લાદ્યા છે.
જોકે, અર્થવ્યવસ્થા પર આ નીતિની આડઅસર જોતા સરકારે બે અઠવાડિયા પહેલાં કેટલાક નિયમોમાં છૂટછાટ પણ આપી હતી.
ત્યારથી કોરોનાની સંખ્યામાં વધારો થયો છે. સાથે જ વૃદ્ધોમાં મોતના કેસ વધવાનો ડર પણ ઊભો થઈ ગયો છે.
આ સ્થિતિ બાદ પણ ચીનના અધિકૃત આંકડા મુજબ, કોરોનાના કારણે મંગળવારે પાંચ અને સોમવારે બે લોકો મૃત્યુ પામ્યાં છે.
ડૉક્ટર રેયાને ચીનને કોરોના મહામારીની વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપવા કહ્યું છે.
તેઓએ કહ્યું હતું કે, “ચીનમાં આઈસીયુમાં ઘણી ઓછી હોવાનું કહેવાય છે, પરંતુ હકીકતમાં આઈસીયુ ઊભરાઈ રહ્યાં છે.”
“અમે અઠવાડિયાથી કહી રહ્યા છીએ કે, માત્ર જાહેર આરોગ્ય અને સામાજિક અંતર દ્વારા આ અત્યંત ચેપી વાઇરસને સંપૂર્ણ રોકવો ખૂબ મુશ્કેલ છે.”
ડૉક્ટર રેયાને જેનેવામાં કહ્યું કે, “વૅક્સિનેશન આમાંથી બહાર કાઢવાનો માર્ગ હોઈ શકે છે.”
કેવી તકેદારી રાખવાની સલાહ આપે છે નિષ્ણાતો?
ચીનમાં કોરોના વાઇરસને કારણે વકરેલી પરિસ્થિતિને જોતાં ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં ચિંતા વધી ગઈ છે. જોકે ભારતમાં હાલ કોરોના વાઇરસ સંક્રમણની પરિસ્થિતિ કાબૂમાં છે.
મંગળવારે નીતિ આયોગના સભ્ય ડૉ.વી કે ગોયલે કહ્યું હતું કે ભીડભાડવાળી જગ્યા પર માસ્ક પહેરવો જોઈએ. અને કોરોના રસીનો બુસ્ટર ડોઝ લેવો જોઈએ.
ત્યારે નિષ્ણાતોનું કહેવું છે કે ભારતમાં પરિસ્થિતિ કાબૂમાં છે. જોકે આરોગ્ય મંત્રાલયે બેઠક કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
ગુજરાતમાં પણ બે કેસ સામે આવ્યા હતા જેમાં જિનોમ સિક્વન્સિંગમાં નવો બીએફ.7 વૅરિયન્ટની પુષ્ટિ થઈ હતી. જોકે સરકારીતંત્રે સ્પષ્ટતા કરી હતી કે આ દર્દીઓ હોમ આઇસોલેશનમાં હતા અને સાજા થઈ ગયા હતા. ભારતમાં પણ કોરોના સંક્રમણને લઈને ચિંતા વધી છે.
ત્યારે સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડૉ અનિલ ગોયલે કહ્યું હતું કે, "દેશમાં લૉકડાઉનની પરિસ્થિતિ નહીં ઊભી થાય કારણ કે 95 ટકા લોકોએ કોરોનાની રસી લીધી છે. ભારતીયોની રોગપ્રતિકારક શક્તિ ચીનના લોકો કરતા મજબૂત છે...ભારતે કોવિડના પાયાના નિયમો પર પાછા ફરવું પડશે..ટેસ્ટિંગ, ટ્રીટિંગ અને ટ્રેસિંગ."
એએનઆઈ અનુસાર વરિષ્ઠ કન્સલટન્ટ ફિઝિશિયન ડૉ રાજીવ બન્સલે કહ્યું હતું કે, "ગંભીર બીમારીઓ (કોમૉર્બિડિટીઝ) ધરાવતા દર્દીઓએ કોવિડ સંક્રમણ વધવાની પરિસ્થિતિમાં આવનારા દિવસોમાં ખૂબ કાળજી લેવાની રહેશે. નિયમિત રીતે ગ્લૂકોઝ લેવલ, બ્લડ પ્રેશરની તપાસ કરાવવી અને કોરોના પ્રોટોકૉલ જેમકે માસ્ક, સૅનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઈએ."