ગુજરાતમાં પરિવાર મજૂરી કરવા જતો, વેઈટર તરીકે કામ કર્યું, હવે ધારાસભ્ય બન્યા

    • લેેખક, શુરૈહ નિયાઝી
    • પદ, બીબીસી સંવાદદાતા

મજૂરીકામ કરતા 34 વર્ષીય કમલેશ્વર ડોડિયાર મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

તેઓ રતલામની સૈલાના વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા છે.

ચૂંટણી જીત્યા પછી જ્યારે કમલેશ્વરને ભોપાલ પહોંચવા કાર ના મળી ત્યારે તેમણે તેમના સાળાની બાઇક પર ભોપાલ પહોંચવાનું વિચાર્યું.

કમલેશ્વરે તેમના ગામથી ભોપાલ સુધીની 330 કિલોમીટરની યાત્રા 9 કલાકમાં બાઇક ઉપર પૂર્ણ કરી.

જ્યારે તેઓ ભોપાલ પહોંચ્યા ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને બાઇક ઉપર આટલું અંતર કાપવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો? તેમણે કહ્યું કે તેમને આ પ્રકારની મુસાફરીની આદત છે.

હવે તેઓ રાજધાની ભોપાલમાં લોકોને મળી રહ્યા છે. ગુરુવારે રાત્રે તેઓ મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણને મળ્યા હતા. શુક્રવારે તેઓ ઘણા અધિકારીઓને પણ મળ્યા હતા.

શિવરાજસિંહ ચૌહાણે કમલેશ્વરને મીઠાઈ ખવડાવીને અભિનંદન પાઠવ્યાં. તેમણે શિવરાજસિંહ ચૌહાણને કૅબિનેટમાં સામેલ કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.

વિધાનસભા પહોંચી સૌથી પહેલા તેમણે વિધાનસભાનાં દ્વાર પર પ્રણામ કર્યાં. પછી તેમણે વિધાનસભાની ચૂંટણી સંબંધિત પ્રક્રિયા પૂરી કરી.

સંઘર્ષપૂર્ણ જીવન

કમલેશ્વર ભારતીય આદિવાસી પાર્ટીની ટિકિટ પર જીત્યા છે.

આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવારો સિવાય તેઓ એકમાત્ર એવી વ્યક્તિ છે જે જીત્યા છે.

તેઓ રતલામ જિલ્લામાં આદિવાસીઓ માટે અનામત સૈલાના વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા.

તેમણે કૉંગ્રેસના ઉમેદવાર હર્ષવિજય ગેહલોતને 4,618 મતોથી હરાવ્યા છે.

કમલેશ્વરનું જીવન સંઘર્ષથી ભરેલું રહ્યું છે. તેમનાં માતા-પિતા મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. કમલેશ્વરે મજૂર તરીકે પણ કામ કર્યું છે.

3 ડિસેમ્બરે જ્યારે ચૂંટણીનાં પરિણામો આવતાં હતાં ત્યારે કમલેશ્વરનાં માતા સીતાબાઈ મજૂરીકામે ગયાં હતાં.

આ દિવસોમાં તેમના પિતાએ હાથમાં ઈજાને કારણે મજૂર તરીકે કામ કરવાનું બંધ કરી દીધું છે.

પરંતુ ચૂંટણી જીત્યા બાદ કમલેશ્વરે માતાનું મજૂરીકામે જવાનું બંધ કરાવી દીધું છે.

તેમણે બીબીસીને કહ્યું, "જે દિવસે હું જીતી ગયો એ દિવસે મેં નક્કી કરી લીધું હતું કે મારાં માતા હવે કામ નહીં કરે. હવે તેમણે કામ છોડી દીધું છે.”

વેઇટર તરીકે પણ કામ કર્યું

પરિવારમાં છ ભાઈ અને ત્રણ બહેનોમાં કમલેશ્વર સૌથી નાના છે. પરિવારના તમામ સભ્યો મજૂરીકામ કરે છે. તેમનો પરિવાર પણ ગુજરાત અને રાજસ્થાન જેવાં રાજ્યોમાં મજૂરીકામ કરવા જાય છે.

તેમણે પાંચમા ધોરણ સુધી અભ્યાસ પોતાના ગામમાં જ કર્યો હતો. તેમણે સૈલાનામાં આઠ ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. તેમણે 12મા ધોરણનો અભ્યાસ રતલામથી કર્યો હતો. ત્યાંથી તેમણે અંગ્રેજીમાં બીએ કર્યું અને પછી એલએલબી કરવા દિલ્હી યુનિવર્સિટી ગયા.

તેમણે કહ્યું, "અભ્યાસમાં જે કંઈ અડચણ હતી તે માત્ર નાણાકીય કારણસર હતી. પરિવારના દરેક સભ્ય પાસે માત્ર 1.25 વીઘા જમીન છે, જેનાથી કશું કરી શકાતું નથી. તેથી, મજૂર તરીકે કામ કરવું એ મજબૂરી છે.”

કમલેશ્વરનાં માતાને રોજિંદી મજૂરી માટે માત્ર 200 રૂપિયા મળતા હતા, કેટલીકવાર 300 રૂપિયા સુધી પણ મળતા.

કમલેશ્વરે 11માની પરીક્ષા બાદ 2006માં પહેલી વાર મજૂર તરીકે કામ કર્યું હતું. તે સમયે તેઓ તેમનાં માતા સાથે રાજસ્થાનના કોટામાં મજૂરીકામ કરવા ગયા હતા. એ વખતે તેમણે આશરે ત્રણેક મહિના મજૂર તરીકે કામ કર્યું હતું.

આ પછી તેમણે રતલામની એક હોટલમાં વેઇટર તરીકે પણ કામ કર્યું. તેમણે અન્ય ઘણી જગ્યાએ મજૂર તરીકે પણ કામ કર્યું છે.

કમલેશ્વર તેમના પરિવાર સાથે પતરાંના મકાનમાં રહે છે. વરસાદ દરમિયાન તેમના ઘરમાં પાણી ટપકે છે.

બરાક ઓબામાથી પ્રભાવિત

કમલેશ્વર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાથી ખાસ પ્રભાવિત છે.

કમલેશ્વર કહે છે, "મને તેમનો સંઘર્ષ મારા જેવો જ લાગે છે. તેમનો પરિવાર પણ કેન્યાથી આવીને અમેરિકામાં સ્થાયી થયો હતો અને તેમણે તમામ પ્રકારના ભેદભાવનો સામનો કર્યો હતો અને ત્યાર બાદ તેઓ આ પદ પર પહોંચ્યા હતા."

જેલ પણ જઈ ચૂક્યા છે કમલેશ્વર

કમલેશ્વર વિધાનસભામાં જતાં પહેલાં 11 વખત જેલમાં જઈ ચૂક્યા છે. તેમની સામે 16 કેસ નોંધાયેલા છે.

તેમનો દાવો છે કે તેમની વિરુદ્ધ રાજકીય કારણસર આ કેસ નોંધવામાં આવ્યા છે.

કમલેશ્વરે 2018ની વિધાનસભા ચૂંટણી અપક્ષ ઉમેદવાર તરીકે લડી હતી. ચૂંટણીમાં તેમને 18,800 મત મળ્યા હતા. તેમણે ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર તરીકે 2019ની લોકસભા ચૂંટણી લડી હતી અને 15,000થી વધુ મત મેળવ્યા હતા.

આ સાથે જ કમલેશ્વરે નક્કી કર્યું હતું કે તેઓ આગામી વિધાનસભાની ચૂંટણી ન માત્ર લડશે પણ જીત પણ મેળવશે. તેમનું કહેવું છે કે તેમણે દાન થકી ચૂંટણી લડવા જરૂરી નાણાં એકઠાં કર્યાં હતાં.

કમલેશ્વર કહે છે કે તેઓ ભવિષ્યમાં પણ આદિવાસીઓ માટે લડતા રહેશે અને તેમનાં કલ્યાણ માટે કામ કરશે.

રતલામના સ્થાનિક વરિષ્ઠ પત્રકાર રિતેશ મહેતા કહે છે, "કમલેશ્વર મક્કમ છે અને પોતાના સમાજની પીડા અનુભવે છે અને તેમાં પરિવર્તન લાવવા માગે છે." આ માટે તેઓ લડાઈથી પણ બચતા નથી. આ જ કારણ છે કે આદિવાસી સમુદાયના અધિકારોની લડાઈમાં તેમની સામે કેટલાક ફોજદારી કેસ પણ નોંધવામાં આવ્યા હતા.

મહેતા કહે છે કે કમલેશ્વર ધારાસભ્ય તરીકે તેમના સમાજ માટે કેટલું સારું કરી શકશે તે તો સમય જ કહેશે.