10મા ધોરણમાં હકની લડાઈ માટે બંદૂક પકડી, હવે કૅબિનેટ મંત્રી બન્યાં

દસમા ધોરણમાં અભ્યાસ કરતાં હતાં ત્યારે નક્સલી આંદોલનમાં સામેલ થનારાં ધનસારી અનસૂયા સીતાક્કાએ હૈદરાબાદના લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં મુખ્ય મંત્રી રેવંત રેડ્ડીના મંત્રીમંડળમાં હર્ષભેર કૅબિનેટ મંત્રીના શપથ લીધા.

રેવંત રેડ્ડીએ હૈદરાબાદના લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં પોતાના 11 મંત્રીઓ સાથે તેલંગણાના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા છે.

તેલંગણાની રચના પછી સતત સત્તામાં રહેલી ચંદ્રશેખર રાવની સત્તાને માત આપી કૉંગ્રેસ પહેલી વાર સત્તામાં આવી છે.

મુખ્ય મંત્રી રેવંત રેડ્ડીએ શપથ લીધા પછી તેમના મંત્રીમંડળના નેતાઓએ શપથ લીધા.

મલ્લૂ ભટ્ટી વિક્રમાર્કે તેલંગણાના પહેલા દલિત ઉપમુખ્ય મંત્રી તરીકે શપથ લીધા. પણ સૌથી વધારે આનંદની ક્ષણ ત્યારે આવી જ્યારે ધનસારી અનસૂયા સીતાક્કા શપથ લેવા મંચ પર આવ્યાં.

તેઓ શપથ લે એની 20 સેકન્ડ અગાઉ જ ત્યાં હાજર ભીડ તેમના નામના નારા પોકારી રહી હતી.

મુખ્ય મંત્રી રેવંત રેડ્ડીના શપથગ્રહણ વખતે પણ જોવા ના મળ્યો તેટલો ઉત્સાહ એ સમયે જોવા મળ્યો જ્યારે અનસૂયા સીતાક્કાએ શપથગ્રહણ કર્યાય

કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય નેતાઓની ઉપસ્થિતિમાં તેલંગણાના મતદારોનો આવો અભૂતપૂર્વ ઉત્સાહ ધ્યાન ખેંચનારો હતો.

આ નજારો જોઈને તેલંગણાના રાજકારણ વિશે અવગત ના હોય એવા લોકોને એ સવાલ ચોક્કસ થયો કે આખરે આટલાં લોકપ્રિય આ મહિલા નેતા છે કોણ?

ધનસારી અનસૂયા સીતાક્કા ત્રણ વાર મુલુગુ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય રહી ચૂક્યાં છે અને ત્યાંથી તેલંગણાનાં મંત્રી સુધીની તેમની સફર રસપ્રદ છે.

દસમા ધોરણમાં બંદૂક પકડી અને નક્સલવાદી આંદોલનમાં સામેલ થયાં

ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર સીતાક્કા 14 વર્ષની વયે જનશક્તિ નક્સલી આંદોલનમાં સામેલ થયાં હતાં.

આદિવાસી જનજાતિ ‘ગોટી કોયા’માં જન્મેલાં સીતાક્કાએ નાની ઉંમરે જ વંચિતો માટેના અધિકારોની લડાઈ શરૂ કરી દીધી હતી.

નક્સલી આંદોલનમાં સામેલ થવા વિશે તેઓ કહે છે, “મેં આ નિર્ણય મારી આસપાસ ચાલી રહેલા આંદોલનથી પ્રેરાઈને કરેલો.”

આંદોલન દરમિયાન જ તેમનાં લગ્ન શ્રીરામ સાથે થયાં. પણ પછી તેઓ અલગ થઈ ગયાં.

આશરે બે દાયકા સુધી નક્સલી આંદોલનમાં સક્રિય રહ્યાં પછી અંતે 1997માં તેમણે આત્મસમર્પણ કરી દીધું. પછી તેમણે કાયદાનો અભ્યાસ કરી ડિગ્રી મેળવી. આજીવિકા માટે તેમણે એનજીઓમાં કામ શરૂ કર્યું.

વારંગલ જિલ્લા અદાલતમાં એક વકીલ તરીકે કામ કરતાં તેમણે તેમના સમુદાયના ગરીબ અને વંચિત આદિવાસીઓને કાયદાકીય મદદ કરવાનું શરૂ કર્યું.

વધુમાં તેઓ જણાવે છે કે સમાજના વંચિત વર્ગોની મદદ કરવા જ તેમણે 2004માં ચૂંટણી લડી હતી.

રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે સીતાક્કાને તેલુગુ દેશમ પાર્ટીના નેતા અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુ રાજકારણમાં લાવ્યાં હતાં.

સીતાક્કાએ પહેલી ચૂંટણી તેલુગુ દેશમ પાર્ટીમાંથી લડી હતી પણ એ તેઓ જીત્યા ન હતાં.

કૉંગ્રેસના ઉમેદવાર પોડેમ વીરૈયાએ તેમને હરાવ્યાં હતાં. તે પછીની ચૂંટણીઓમાં સીતાક્કાએ પોડેમ વીરૈયાને હરાવ્યા અને પહેલી વાર ધારાસભ્ય બન્યાં.

2014માં તેમણે ફરી વાર ટીડીપીમાંથી વિધાનસભા ચૂંટણી લડી પણ તેલંગણા રાષ્ટ્રસમિતિના ઉમેદવાર ચંદુલાલ સામે હારી ગયાં.

2018ની ચૂંટણીમાં સીતાક્કા કૉંગ્રેસમાં સામેલ થયાં. સીતાક્કા રેવંત રેડ્ડીના નેતૃત્વમાં કૉંગ્રેસમાં આવ્યાં હતાં.

બંને ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટીમાં સહયોગી હતાં. સીતાક્કાએ 2018માં તેલંગણા વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ સામે જીત મેળવી.

ધારાસભ્ય સીતાક્કા બન્યા ડૉ. સીતાક્કા

રાજકારણમાં આગળ વધતી વખતે પણ સીતાક્કાએ અભ્યાસ ચાલુ રાખ્યો હતો.

તેમણે 2022માં ઉસ્માનિયા વિશ્વવિદ્યાલય, હૈદરાબાદથી રાજકીય વિજ્ઞાનમાં પીએચ.ડી. પૂર્ણ કર્યું.

તેમનો પીએચ.ડી.નો વિષય ‘પૂર્વ આંધ્રપ્રદેશ રાજ્યમાં પ્રવાસી આદિવાસીઓનો સામાજિક બહિષ્કાર-વારંગલ અને ખમ્મમ જિલ્લામાં ગોટી કોયા જનજાતિઓનું એક અધ્યયન’ છે.

કોરોનાકાળમાં તેમણે કરેલાં કાર્યોની પ્રશંસા થઈ.

લૉકડાઉનને કારણે લોકો ઘરોમાં ફસાયેલા હતા ત્યારે અંતરિયાળ આદિવાસી વિસ્તારો સુધી પહોંચી સીતાક્કાએ કેટલાય લોકોને સહાય કરી હતી.

તેમણે આ વિસ્તારોમાં અનાજ પહોંચાડવા ક્યારેક પગપાળા તો ક્યારેક ટ્રૅક્ટર પર યાત્રા કરી અને એ રાહતકાર્યોના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા.

જોકે વિરોધીઓએ સીતાક્કાની ટીકા કરતા કહ્યું કે આ બધું તો માત્ર પ્રચાર માટે કરાઈ રહ્યું હતું.

સીતાક્કા હંમેશાં કહેતાં રહ્યાં કે તેમનો ઉદ્દેશ્ય આદિવાસીઓને ‘ભોજન, કપડાં અને આશ્રય’ આપવાનો હતો.

...અને સીતાક્કા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યાં

આ વર્ષે જુલાઈ મહિનામાં તેલંગણામાં જળપ્રલય આવ્યો હતો.

મુલુગુ જિલ્લામાં કોંડઈ ગામની સ્થિતિ જોઈને તેઓ ભાવુક થઈ ગયાં અને ગામલોકોને બચાવવા માટે હેલિકૉપ્ટર મોકલવાની અરજી કરતાં તેઓ મીડિયા સામે રડી પડ્યાં હતાં.

સીતાક્કાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયો.

આ વખતે સીતાક્કાએ મુલુગુ ચૂંટણીમાં ભારત રાષ્ટ્રસમિતિના ઉમેદવાર મોટા નાગજ્યોતિને 33,000 મતોથી હરાવ્યાં.

નાગજ્યોતિ મુલુગુ જિલ્લા પરિષદનાં અધ્યક્ષ છે અને માઓવાદી નેતા મોટા નાગેશ્વર રાવ અને રાજેશ્વરીનાં પુત્રી છે.

સીતાક્કાએ મંત્રીપદના શપથગ્રહણ કર્યા તે પછી કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ તેમની પ્રશંસા કરી. સીતાક્કાએ રાહુલ ગાંધીની ‘ભારત જોડો’માં પણ ભાગ લીધો હતો.