ખાલિસ્તાની અલગતાવાદી નિજ્જરની હત્યા બાદ હવે પન્નુની હત્યાના કાવતરાનો મામલો, અમેરિકા સાથે તણાવ વધશે?

અમેરિકામાં રહેતા એક ખાલિસ્તાન સમર્થક અલગતાવાદીની હત્યાના નિષ્ફળ પ્રયાસ બાબતે કરવામાં આવતા આક્ષેપોનો ભારતે જવાબ આપ્યો છે.

ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, "અમેરિકાએ કેટલાક ગુનેગારો અને આતંકવાદીઓ સહિતના અન્ય કેટલાક લોકો વિશે જે માહિતી શેર કરી હતી તેની તપાસ ચાલી રહી છે."

વાસ્તવમાં બ્રિટિશ અખબાર ફાઇનાન્શિઅલ ટાઇમ્સે કેટલાક સૂત્રોને ટાંકીને દાવો કર્યો હતો કે અમેરિકામાં રહેતા એક શીખ અલગતાવાદીની હત્યાના કાવતરાને અમેરિકાએ નિષ્ફળ બનાવ્યું છે અને આ કાવતરામાં ભારત સરકારના સામેલ હોવા સંબંધી ચિંતા બાબતે ચેતવણી આપી છે.

એ અહેવાલમાં કરવામાં આવેલા આક્ષેપોની પુષ્ટિ અમેરિકા તરફથી સત્તાવાર રીતે હજુ સુધી કરવામાં આવી નથી.

અખબારના જણાવ્યા અનુસાર, તે કાવતરામાં અમેરિકા તથા કેનેડાના નાગરિક ગુરપતવંત સિંહ પન્નુ નિશાન હતા, જેઓ સ્વતંત્ર શીખ દેશ ખાલિસ્તાનની માગ કરતા સંગઠન સિખ્સ ફૉર જસ્ટિસના વકીલ છે.

પન્નુને ભારત સરકારે 2020માં ‘આતંકવાદી’ જાહેર કર્યા હતા.

કૅનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સપ્ટેમ્બરમાં જણાવ્યું હતું કે નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો "વિશ્વસનીય આરોપ" છે.

ભારતે તે આરોપને પાયાવિહોણો તથા વાહિયાત ગણાવ્યા હતા. જોકે, આ વખતે અમેરિકામાં કથિત રીતે નિષ્ફળ કાવતરા બાબતે આવેલા સમાચાર સંબંધે ભારતે તપાસની વાત કરી છે.

શું છે આરોપ અને અમેરિકાએ શું કહ્યું છે?

ફાઇનાન્શિઅલ ટાઇમ્સના જણાવ્યા મુજબ, કૅનેડામાં શીખ અલગતાવાદી હરદીપસિંહ નિજ્જરની જૂનમાં હત્યા બાદ અમેરિકાએ પન્નુની હત્યાના કાવતરાની જાણકારી પોતાના સહયોગીઓ સાથે શેર કરી હતી.

જૂનમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સત્તાવાર વૉશિંગ્ટન મુલાકાત પછી અમેરિકાએ આ બાબતે વાંધો ઉઠાવ્યો હતો.

અખબારે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ભારતને રાજદ્વારી સ્તરે ચેતવણી આપવા ઉપરાંત અમેરિકાના ફેડરલ પ્રૉસિક્યુટર્સે કથિત કાવતરાખોર સામે કાર્યવાહી કરવા માટે ન્યૂયૉર્ક ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સીલબંધ કવરમાં કેસ દાખલ કર્યો છે.

આ કેસની વિગત જાહેર કરવી કે પછી કેનેડા નિજ્જરના મોતની તપાસ પૂર્ણ કરી લે ત્યાં સુધી રાહ જોવી એ બાબતે અમેરિકાના ન્યાય વિભાગમાં હાલ ચર્ચા ચાલી રહી છે.

ટ્રુડોએ વૅનકુવરમાં નિજ્જરની હત્યા બાબતે આક્ષેપ કર્યા ત્યારે અમેરિકાએ આ વિશેની વિગતવાર માહિતી તેના સહયોગી દેશો સાથે શેર કરી હતી. અખબારના જણાવ્યા મુજબ, આ મામલાઓમાં એકસમાન પેટર્ન હોવાની શક્યતા બાબતે આ દેશોએ ચિંતા વ્યક્ત કરી છે.

બ્રિટિશ અખબારે એમ પણ જણાવ્યું હતું કે અમેરિકાના ન્યાયવિભાગ અને એફબીઆઈએ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કર્યો છે.

તેમણે રાષ્ટ્રીય સલામતી પરિષદમાં પણ એવું કહીને ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો કે તે ''કાયદાકીય મામલાઓ'' અને ''ગુપ્ત રાજકીય સંવાદ'' બાબતે જાહેર ટિપ્પણી કરતું નથી.

અખબારનું કહેવું છે કે ભારત સમક્ષ આ બાબતે વાંધો લીધા બાદ કાવતરાખોરોએ પોતાની યોજના બદલી હતી કે એફબીઆઈએ દખલ કરીને કાવતરાના નિષ્ફળ બનાવ્યું હતું, એ વિશે આ મામલાથી વાકેફ સૂત્રોએ કશું જણાવ્યું નથી.

કોન છે પન્નુ અને તેમણે શું કહ્યું?

ગુરપતવંત સિંહ પન્નુ ખાલિસ્તાન સમર્થક અમેરિકન વકીલ છે. તેમની વય 40થી 50 વર્ષની વચ્ચેની છે. તેઓ અમૃતસર નજીકના ખાનકોટ ગામના છે. તેમના પિતા મહિંદરસિંહ પંજાબ સ્ટેટ ઍગ્રીકલ્ચર માર્કેટિંગ બોર્ડના કર્મચારી હતા.

પન્નુએ 1990ના દાયકામાં પંજાબ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કર્યો હતો અને હવે અમેરિકામાં વકીલ છે. તેઓ કૅનેડામાં ખાલિસ્તાન સમર્થક કાર્યક્રમો અને પ્રદર્શનોમાં વારંવાર જોવા મળે છે.

તેઓ ન્યૂ યૉર્કમાંથી સંચાલિત ખાલિસ્તાન સમર્થક સંગઠન સિખ્સ ફૉર જસ્ટિસના સ્થાપક તથા નેતા તરીકે જાણીતા છે.

ફાઇનાન્શિઅલ ટાઇમ્સના અહેવાલ અનુસાર, પન્નુએ એ જણાવવાનો ઇન્કાર કર્યો હતો કે અમેરિકન વહીવટીતંત્રએ તેમની હત્યાના કાવતરાની માહિતી તેમને આપી હતી કે નહીં. તેમણે કહ્યું હતું, "અમેરિકાની ધરતી પર મારા જીવ પર ભારતીય એજન્ટોના જોખમના મામલે અમેરિકન સરકારને જવાબ આપવા દો."

પન્નુએ કહ્યું હતું, "અમેરિકાની ધરતી પર અમેરિકન નાગરિકોના જીવ પરનું જોખમ અમેરિકાના સાર્વભૌમત્વ પરનું જોખમ છે અને મને ખાતરી છે કે બાઇડન વહીવટીતંત્ર આવા પડકારોનો સામનો કરવા સક્ષમ છે."

ઍર ઇન્ડિયાના વિમાનોમાં પ્રવાસ ન કરવાની ચેતવણી આપતાં પન્નુએ ગયા સપ્તાહમાં શીખોને કહ્યું હતું કે આવું કરવાનું જીવલેણ સાબિત થઈ શકે છે.

આ મામલે ભારતમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન ઍજન્સીએ પન્નુ સામે એફઆઈઆર પણ નોંધી છે.

અહેવાલ વિશે ભારતનો જવાબ

બ્રિટિશ અખબારના અહેવાલ બાદ ઉઠાવવવામાં આવી રહેલા સવાલો બાબતે ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી દ્વારા બહાર પાડવામાં આવેલા આ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે "ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ સહયોગ બાબતે તાજેતરમાં થયેલી મંત્રણા દરમિયાન અમેરિકાએ સંગઠિત અપરાધીઓ, બંદૂકોના ગેરકાયદે વેપારીઓ, આતંકવાદીઓ અને અન્યો બાબતે ભારત સાથે કેટલીક માહિતી શેર કરી હતી."

"એ માહિતી બન્ને દેશ માટે ચિંતાનો વિષય છે અને તેમણે નિર્ણય કર્યો છે કે તેઓ આ બાબતે જરૂરી પગલાં લેશે."

બાગચીએ કહ્યું હતું કે "ભારતે પોતાના સ્તરે આ માહિતીની ગંભીર નોંધ લીધી છે, કારણ કે તે અમારા રાષ્ટ્રીય હિત માટે પણ નુકસાનકારક છે."

નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે "અમેરિકા દ્વારા આપવામાં આવેલી માહિતીની તપાસ સંબંધિત વિભાગ પહેલેથી જ કરી રહ્યો છે."

અમેરિકા અને કૅનેડા માટે અલગ-અલગ પ્રતિભાવ

જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આક્ષેપ ભારત પર કરતાં તપાસમાં સહયોગની માગણી કરી ત્યારે ભારતે આકરો પ્રતિભાવ આપ્યો હતો.

ભારતે તે આક્ષેપને ફગાવી દીધા હતા એટલું જ નહીં, કેટલાંક એવા પગલાં પણ લીધાં હતાં જેનાથી સ્પષ્ટ થઈ ગયું હતું કે બન્ને દેશ વચ્ચેનો સંબંધ અત્યંત ખરાબ સ્તરે પહોંચી ગયો છે.

ભારતે દિલ્હીમાં કૅનેડાના હાઈ કમિશનમાં રાજદ્વારીઓની સંખ્યા સામે વાંધો ઉઠાવ્યો હતો. ભારતે જણાવ્યું હતું કે તેમની સંખ્યા કૅનેડાસ્થિત ભારતીય હાઈ કમિશનમાં કાર્યરત ભારતીય રાજદ્વારીઓ કરતાં વધારે છે.

કૅનેડાએ ભારતના વલણને આંતરરાષ્ટ્રીય સંધિઓનું ઉલ્લંઘન ગણાવ્યું હતું અને પોતાના 41 રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા હતા.

ભારતે કૅનેડાના લોકો માટે ઈ-વિઝા સર્વિસ પણ બંધ કરી દીધી હતી, જેને બે મહિના પછી હાલમાં ફરી શરૂ કરવામાં આવી છે.

કૅનેડાએ કરેલા આક્ષેપ સંદર્ભે ભારતે જેવું વલણ અપનાવ્યું હતું તેવું વલણ અમેરિકા દ્વારા કરવામાં આવેલા તાજેતરના આક્ષેપ સંદર્ભ ભારતે અપનાવ્યું હોય તેવું લાગતું નથી.

નોંધપાત્ર વાત એ છે કે અમેરિકાએ આ પ્રકારના આક્ષેપ સાર્વજનિક રીતે કર્યા નથી. નિજ્જર સંબંધે કેનેડાના આક્ષેપો બાબતે પણ અમેરિકાએ ભારતને તપાસમાં સહકાર આપવા જણાવ્યું હતું, પરંતુ જાહેરમાં ટીકા કરી ન હતી.

વાસ્તવમાં તાજેતરનાં વર્ષોમાં ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી તથા વ્યૂહાત્મક ભાગીદારી વધી છે.

ભારત, અમેરિકા, જાપાન અને ઑસ્ટ્રેલિયા એ ક્વૉડ સંગઠનનો હિસ્સો છે, જેની રચના ચીનના દબદબાને પડકારવાના હેતુસર સંરક્ષણ સહકાર ગાઢ બનાવવા માટે કરવામાં આવી છે.

આ મહિને નવી દિલ્હીમાં ભારત અને અમેરિકા વચ્ચે પાંચમી વાર્ષિક ટુ પ્લસ ટુ પ્રધાન સ્તરની બેઠક યોજાઈ હતી. તેમાં બન્ને દેશના વિદેશ તથા સંરક્ષણ પ્રધાનોએ ભાગ લીધો હતો. એ બેઠક દરમિયાન અનેક મહત્ત્વના નિર્ણય કરવામાં આવ્યા હતા. તેને બન્ને દેશ વચ્ચેના સંબંધ માટે મોટા સિદ્ધિ ગણાવવામાં આવે છે.

આ સંદર્ભમાં બ્રિટિશ અખબારના અહેવાલ બાદ અલગ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી જોવા મળે છે.

નિષ્ણાતો શું કહે છે?

વરિષ્ઠ પત્રકાર અને ધ હિન્દુ અખબારના રાજકીય બાબતોના સંપાદક સુહાસિની હૈદરે ઍક્સ (અગાઉનું ટ્વિટર) પર લખ્યું હતું, "પન્નુ સંબંધી ફાઇનાન્શિઅલ ટાઇમ્સના અહેવાલ બાબતે વિદેશ મંત્રાલયનો પ્રતિભાવ બહુ મહત્ત્વનો છે અને નિજ્જર સંબંધે કૅનેડાના આક્ષેપ બાબતે આપવામાં આવેલા જવાબથી બિલકુલ અલગ છે."

યુનિવર્સિટી ઑફ લંડન (એસઓએસ) સાથે સંકળાયેલા આંતરરાષ્ટ્રીય મામલાઓના જાણકાર અવિનાશ પાલીવાલે ઍક્સ પર લખ્યું હતું, "આની ગંભીર અસર થવાની છે. ભારતે અમેરિકાની ધરતી પર ગુપ્ત રીતે એક આક્રમક અભિયાન ચલાવ્યું છે. આવું પહેલાં ક્યારેય થયું ન હતું અથવા કમસેકમ પહેલાં ક્યારેય બહાર આવ્યું ન હતું."

તેમણે લખ્યું હતું, "ભારતે ફાઇનાન્શિઅલ ટાઇમ્સના સમાચારને લગભગ સમર્થન આપી દીધું છે. અમેરિકા આ મામલે બહુ ગંભીર વલણ લેશે અને ભારત, તેણે કૅનેડાને જવાબ આપ્યો હતો તેવો જ જવાબ અમેરિકાને આપશે એવું ભાગ્યે જ બનશે. આ મામલો જલદી શાંત થવાનો નથી."

રેન્ડ કૉર્પોરેશનમાં રાષ્ટ્રીય સલામતી અને ઇન્ડો-પેસિફિક મામલાઓના જાણકાર ડૅરેક જે ગ્રોસમન લખે છે, "ભારતને લાગ્યું હશે કે કૅનેડા વાર્તા કરી રહ્યું છે, પરંતુ અમેરિકા પણ તેને ત્યાં ભારતીય એજન્ટો દ્વારા શીખ અલગતાવાદીઓ, આતંકવાદીઓની હત્યાના કાવતરાથી ચિંતિત છે. અમેરિકાએ કાવતરાનો પર્દાફાશ કર્યો છે અને પ્રૉસીક્યુટર્સે ન્યૂયૉર્ક કોર્ટમાં કેસ દાખલ કર્યો છે."

ધ વિલ્સન સેન્ટરના સાઉથ એશિયા ઈન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર માઇકલ કુગલમેને એક્સ પરની એક પોસ્ટમાં જણાવ્યું છે કે "ખાલિસ્તાનના મુદ્દે અમેરિકાનું વલણ કૅનેડા કરતાં ઘણું વધારે કડક રહ્યું છે. અમેરિકાના અધિકારીઓએ હિંસાના મામલાઓ(દાખલા તરીકે, સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બે ઘટના)ની ટીકા કરી હતી અને તેમણે અમેરિકાની ધરતી પર ભારતની કાર્યવાહી સંબંધી પોતાની ચિંતા સાર્વજનિક રીતે નહીં, પરંતુ ગુપ્ત રીતે વ્યક્ત કરી છે."

તેમણે લખ્યું છે, "ભારત ઇચ્છશે કે અમેરિકા વધુ કાર્યવાહી કરે, જ્યારે અમેરિકાનું તેને ત્યાં રહેતા શીખો વિરુદ્ધની ભારતની કાર્યવાહી કે ખતરા બાબતે ચિંતિત થવું વાજબી પણ છે. જોકે, કૅનેડાની સરખામણીએ (સાર્વજનિક આક્ષેપ ન કરવાની) અમેરિકાની રીત અને ભારત-કૅનેડા સંબંધની સરખામણીએ ભારત-અમેરિકા સંબંધ મજબૂત હોવાથી ફાઇનાન્શિઅલ ટાઇમ્સના અહેવાલથી ભાગ્યે જ કોઈ મોટું સંકટ સર્જાશે."

જાણીતા વ્યૂહાત્મક નિષ્ણાત બ્રહ્મા ચેલાનીએ એક્સ પર લખ્યું છે, "અમેરિકામાં રહેતા જે શીખ ઉગ્રવાદીએ હાલમાં જ ઍર ઇન્ડિયા વિરુદ્ધ આતંકવાદી ધમકી આપી હતી, તેને અમેરિકાની એ ગુપ્તચર એજન્સીઓનું સંરક્ષણ મળેલું છે, જેમણે ટ્રુડો દ્વારા ભારત પર પુરાવાવિહોણા આક્ષેપો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી."

તેમણે લખ્યું છે, "પરિસ્થિતિ વધારે ખરાબ કરતી વાત એ છે કે જે શીખ ઉગ્રવાદીની હત્યાને કારણે ભારત-કૅનેડા વચ્ચે વિવાદ છે, તેને કૅનેડાની ગુપ્તચર એજન્સી સીએસઆઈએસ સાથે સાંઠગાંઠ હતી. કૅનેડિયન મીડિયાના જણાવ્યા અનુસાર, હત્યાના મહિનાઓ પહેલાંથી સીએસઆઈએસને અધિકારીઓ તેને મળી રહ્યા હતા."

ભૂતપૂર્વ ભારતીય વિદેશ સચિવ કંવલ સિબ્બલે ફાઈનાન્શિઅલ ટાઈમ્સના રિપોર્ટરે ઍક્સ પર મૂકેલી પોસ્ટને ટાંકતા લખ્યું છે, "ચીન સાથે ગાઢ સંબંધ ધરાવતા સંદિગ્ધ પત્રકારે આ સ્ટોરી પ્લાન્ટ (ઘડી કાઢી) છે. નિજ્જર પ્રકરણ સંબંધે ભારત પર અમેરિકાની નારાજગીની અસર હજુ સુધી ઓછી થઈ નથી."

"એ પછી ભારત એક અમેરિકન નાગરિકની હત્યાનું કાવતરું રચીને પરિસ્થિતિને વધુ બગાડી શકે? આ વાતનો કોઈ અર્થ છે? ક્યાંક ભારતવિરોધી કાવતરું રચવામાં આવી રહ્યું છે."