You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Cyclone Dana: બંગાળની ખાડીનું વાવાઝોડું વધારે ખતરનાક બનશે, ગુજરાત સુધી તેની અસર પહોંચશે?
આ વર્ષનું ચોમાસા બાદનું પ્રથમ વાવાઝોડું બંગાળની ખાડીમાં સર્જાયું છે અને હાલ તે દરિયામાં આગળ વધી રહ્યું છે.
આ વાવાઝોડું હજી પણ આગળ વધવાની સાથે વધારે મજબૂત થશે અને તે એક 'ગંભીર ચક્રવાત'માં ફેરવાય તેવી શક્યતા છે. જે બાદ તે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકિનારે ત્રાટકશે.
આ વાવાઝોડું નામ 'દાના' રાખવામાં આવ્યું છે અને તે કતાર નામના દેશે આપેલું છે. જેનો અર્થ 'ઉમદાપણું' એવું થાય છે.
વાવાઝોડાની સ્થિતિને જોતાં ઓડિશા અને પશ્વિમ બંગાળમાં તંત્રએ તકેદારીનાં પગલાં લેવાનાં શરૂ કરી દીધાં છે. જેના કારણે સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે અને કેટલીક ટ્રેનો પણ કૅન્સલ કરવામાં આવી છે.
આ વાવાઝોડાં પહેલાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બે ડીપ્રેશન બન્યાં હતાં પરંતુ બંને સિસ્ટમો વધારે મજબૂત બની ન હતી. આ બંને સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ પડ્યો હતો.
વાવાઝોડું ક્યાં ત્રાટકશે અને કેટલી ગતિથી પવન ફૂંકાશે?
23 ઑક્ટોબરના રોજ વાવાઝોડું બન્યા બાદ આ સિસ્ટમ હજી વધારે મજબૂત થશે અને 24 ઑક્ટોબરના રોજે તે ગંભીર ચક્રવાતમાં ફેરવાય તેવી શક્યતા છે.
આ વાવાઝોડું આગળ વધીને વાવાઝોડું ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકિનારે 25 ઑક્ટોબરના રોજ ટકરાશે. જ્યારે આ વાવાઝોડું દરિયાકાંઠે પહોંચશે ત્યારે તે વધારે મજબૂત બની ગયું હશે.
હાલની સ્થિતિ પ્રમાણે વાવાઝોડું જ્યારે દરિયાકિનારે ત્રાટકશે ત્યારે વાવાઝોડાના પવનની ગતિ 100-110 કિમી પ્રતિકલાક અને મહત્તમ 120 કિમી પ્રતિકલાક સુધી પહોંચે તેવી શક્યતા દેખાઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વાવાઝોડાના કારણે આગામી ત્રણથી ચાર દિવસ સુધી ઓડિશા અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે 24 અને 25 ઑક્ટોબરના રોજ વાવાઝોડાની જે વિસ્તારોમાં અસર થશે ત્યાં અત્યંત ભારે વરસાદ થવાની આગાહી પણ કરવામાં આવી છે.
ભારતમાં ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ વાવાઝોડાં સર્જાતાં હોય છે, સામાન્ય રીતે એક વર્ષમાં સરેરાશ ત્રણથી ચાર વાવાઝોડાં સર્જાય છે. જેમાં અરબી સમુદ્ર કરતાં બંગાળની ખાડીમાં વધારે વાવાઝોડાં સર્જાય છે.
દાના વાવાઝોડું 23 ઑક્ટોબરના બપોરે ઓડિશાના પારાદ્વીપથી 500 કિલોમીટર દૂર અને પશ્ચિમ બંગાળના સાગર ટાપુથી 600 કિલોમીટર દૂર હતું.
ગુજરાત પર આ વાવાઝોડાની અસર થશે?
ભારતમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડી એમ બે દરિયામાં સર્જાનારાં વાવાઝોડાં સીધી અસર કરતાં હોય છે. જેમાં ગુજરાત પર અરબી સમુદ્રમાં બનનારાં વાવાઝોડાંની સીધી અસર થતી હોય છે.
બંગાળની ખાડીમાં સર્જાનારાં વાવાઝોડાંની સીધી અસર ગુજરાત પર થતી નથી, તેની સીધી અસર ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ અને તામિલનાડુને થાય છે.
જોકે, ઘણી વખત એવું બન્યું છે કે બંગાળની ખાડીમાંથી વાવાઝોડું પૂર્વના કિનારે ત્રાટક્યા બાદ તેની નબળી પડેલી સિસ્ટમ ગુજરાત તરફ આવે અને તેના કારણે રાજ્યમાં વરસાદ થતો હોય છે.
હાલ આ દાના વાવાઝોડાની પણ ગુજરાતને સીધી અસર થવાની નથી, પરંતુ આ વાવાઝોડું મતજબૂત બનતા સેંકડો કિલોમીટર સુધીનો ભેજ પોતાની તરફ ખેંચી લેશે એટલે ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જશે.
ગુજરાતમાં પણ હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આગામી ચારથી પાંચ દિવસ સુધી વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું થઈ જશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કોઈ એકાદ બે વિસ્તારોમાં છુટોછવાયો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થવાની સંભાવના છે.
આ વાવાઝોડું ગુજરાતથી સેંકડો કિલોમીટરો દૂર છે અને તે ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર ત્રાટકશે. હાલ હવામાનનાં વિવિધ મૉડલો જે પ્રમાણે દર્શાવી રહ્યાં છે તે પ્રમાણે વાવાઝોડાના બાદની નબળી પડેલી સિસ્ટમ ગુજરાત પર આવે તેવી શક્યતા ખૂબ ઓછી છે.
જ્યારે હવામાન વિભાગના મૉડલ પ્રમાણે વાવાઝોડા બાદ તેની નબળી પડેલી સિસ્ટમ પશ્ચિમ તરફ વળીને મહારાષ્ટ્ર પરથી થઈ અરબી સમુદ્રમાં પહોંચે તેવી શક્યતા છે. જેના કારણે આ મહિનાના અંતમાં અને આગામી મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં હવામાન પલટાઈ શકે છે.
જોકે, હવામાનનાં વિવિધ મૉડલો આગામી ત્રણથી ચાર દિવસ સુધીની સટીક માહિતી આપી શકે છે, લાંબાગાળાની આગાહીમાં ફેરફાર થતા હોય છે. જ્યારે વાવાઝોડાનો ટ્રેક પણ ઘણી વખત સતત બદલાતો હોય છે. જેથી ગુજરાતમાં ફરીથી વરસાદ થશે કે નહીં તે માટે આગામી દિવસોમાં સતત આ સિસ્ટમનું નિરીક્ષણ કરવું જરૂરી છે.
'દાના' વાવાઝોડાને કારણે કેટલું નુકસાન થવાની શક્યતા?
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આ વાવાઝોડાને કારણે વધારે નુકસાન ઓડિશા અને પશ્ચિમ બંગાળના વિસ્તારોમાં થવાની શક્યતા છે.
હવામાન વિભાગ પ્રમાણે જ્યાં વાવાઝોડું ત્રાટકશે ત્યાં અને તેની આસપાસના વિસ્તારોમાં ઝૂંપડીઓ, કાચાં મકાનોને વધારે નુકસાન થશે. કેટલાંક મકાનો પડી પણ શકે છે. શેડ કે ઘર પર લગાવેલાં પતરાં ઊડી શકે છે. આ વિસ્તારોમાં રહેલાં વૃક્ષો પડી શકે છે અને મોટાં વૃક્ષોની ડાળીઓ તૂટી શકે છે.
ઝડપી પવનને કારણે દરિયો ખૂબ તોફાની હશે અને ઊંચા મોજાં ઉછળવાની શક્યતા છે, જેથી માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગે કહ્યું છે કે વીજળીના થાંભલા અને વીજ લાઇનોને પણ નુકસાન થઈ શકે છે. ઘણા વિસ્તારોમાં વાવાઝોડાને કારણે વીજપૂરવઠો ખોરવાઈ શકે છે.
બાગાયતી પાકો અને ખેતરમાં ઊભેલા ઊંચા પાકોને વધારે નુકસાન થવાની સંભાવના છે, ખેતરમાં ઊભેલા કેટલાક પાકો પડી જવાની પણ સંભાવના છે.
દરિયાકાંઠે રહેતા લોકોને સલામતસ્થળે ખસી જવાની સલાહ આપવામાં આવી છે અને વાવાઝોડું જ્યારે ત્રાટકે ત્યારે લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.
આ ઉપરાંત ભારેથી અતિભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ પણ પેદા થઈ શકે છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન