ગ્રીન કાર્ડધારકો માટે પણ અમેરિકાની સિટીઝનશિપ મેળવવી વધુ મુશ્કેલ બનશે, નાગરિકતા માટે લેવાતી પરીક્ષામાં કેવા ફેરફાર થયા?

અમેરિકાનું નાગરિકત્વ મેળવવું એ હંમેશાથી મુશ્કેલ કામ રહ્યું છે અને હવે તે કદાચ વધારે મુશ્કેલ બને તેવી શક્યતા છે.

યુએસ સિટીઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસિસે (USCIS) જાહેરાત કરી છે કે અમેરિકાની સિટીઝનશિપ માટે જે પરીક્ષા આપવી પડે છે, તેનું નવું વર્ઝન આવશે. આ નવી કસોટી પાસ કરવી વધારે અઘરી હશે એમ માનવામાં આવે છે.

20 ઑક્ટોબર, 2025થી જે લોકોએ અમેરિકાના નાગરિક બનવા (નેચરલાઇઝેશન) માટે ફૉર્મ એન-400 ફાઇલ કર્યું હશે તેમણે 2025 નેચરલાઈઝેશન સિવિક્સ ટેસ્ટ આપવી પડશે.

યુએસસીઆઈએસે એક પ્રેસ રિલિઝમાં સિવિક્સ ટેસ્ટ વિશે જાણકારી આપી છે.

અમેરિકન ગ્રીન કાર્ડધારકોએ આ ટેસ્ટ પાસ કરવી પડશે. તેની સાથે સાથે અંગ્રેજીનું સારું એવું જ્ઞાન હોવું પણ જરૂરી છે.

અમેરિકાના નાગરિક બનવા માટે ઇમિગ્રન્ટ્સે આ કસોટી પાસ કરવી જરૂરી છે. તેમાં અરજકર્તાઓને અમેરિકાનાં ઇતિહાસ અને સરકારી સિસ્ટમ વિશે સવાલો પૂછવામાં આવશે અને તેઓ અમેરિકા વિશે કેટલું જ્ઞાન ધરાવે છે તેની ચકાસણી કરવામાં આવશે.

યુએસસીઆઈએસ કહે છે કે નેચરલાઇઝેશન એક એવો વિશેષાધિકાર છે જેનાથી વિદેશીઓ અમેરિકન સમાજના પૂર્ણ સભ્ય બની શકે છે. તેમાં તેમને મહત્ત્વનાં અધિકારો અને જવાબદારીઓ મળે છે જેનો દરેક નાગરિકે આદર કરવો જોઈએ.

અમેરિકન નાગરિકતા માટેની ટેસ્ટ વિશે USCIS શું કહે છે?

યુએસસીઆઈએસના પ્રવક્તા મેથ્યુ ટ્રેગેસરે કહ્યું કે "અમેરિકન નાગરિકત્વ એ દુનિયામાં સૌથી પવિત્ર નાગરિકત્વ છે અને તે માત્ર એવા લોકોને મળવું જોઈએ જેઓ એક દેશ તરીકે આપણાં મૂલ્યો અને સિદ્ધાંતોને સંપૂર્ણ રીતે અપનાવી શકે."

તેમણે કહ્યું હતું કે "જે વિદેશીઓ અંગ્રેજી વાંચવા, લખવા અને બોલવાની કુશળતા ધરાવતા હોય, અમેરિકન સરકાર વિશે સમજણ ધરાવતા હોય, તેમને જ નાગરિકત્વ મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે. તેનાથી અમેરિકન લોકોને ખાતરી થશે કે નાગરિક બનતા લોકો અમેરિકામાં સંપૂર્ણ ભળી જશે અને અમેરિકાની મહાનતામાં યોગદાન આપશે."

ટેસ્ટમાં કેટલા સવાલના જવાબ આપવા પડે?

અમેરિકાનું ગ્રીન કાર્ડ ધરાવતા લોકો યુએસ સિટિઝન બનવા માટે ટેસ્ટ આપે ત્યારે તેમાં નાગરિકશાસ્ત્ર વિશે ઘણા સવાલો પૂછાય છે.

લોકોને અમેરિકાનાં ઇતિહાસ અને વહીવટીતંત્ર વિશે પાયાની માહિતી હોય તેવી અપેક્ષા રાખવામાં આવે છે. આ માટે યુએસસીઆઈએસ દ્વારા 128 પ્રશ્નો અને તેના જવાબની યાદી બહાર પાડવામાં આવી છે.

આ એક મૌખિક ટેસ્ટ હોય છે જેમાં 128 સિવિક ટેસ્ટના પ્રશ્નોમાંથી ઑફિસર 20 પ્રશ્નો પૂછી શકે છે. તેમાંથી ઓછામાં ઓછા 12 પ્રશ્નોના સાચા જવાબ આપે તેઓ સિવિક્સ ટેસ્ટ પાસ કરી શકશે. જો 20માંથી 9 ખોટા જવાબ આપવામાં આવશે તો તે જ સમયે ટેસ્ટ અટકી જશે અને ઉમેદવારને નાપાસ જાહેર કરાશે.

જો કોઈ વ્યક્તિ 65 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરની હોય અને અમેરિકામાં કાયદેસર પર્મેનન્ટ રેસિડન્ટ તરીકે 20 વર્ષ અથવા વધુ સમયથી વસવાટ કરતી હોય તો સ્ટારની નિશાની કરેલા માત્ર 20 પ્રશ્નોના જવાબ જાણવા જરૂરી છે. આને 65/20નું સ્પેશિયલ કન્સિડરેશન ગણવામાં આવે છે.

આવા તારાંકિત 20 પ્રશ્નોમાંથી કોઈ પણ 10 પ્રશ્ન પૂછાય છે અને તેમાંથી ઓછામાં ઓછા 6 પ્રશ્નના ખરા જવાબ આપનારને સિવિક્સની કસોટીમાં પાસ કરવામાં આવે છે. એટલે કે 65/20 હેઠળ નાગરિકત્વ મેળવવું વધારે સરળ છે.

અમેરિકાનું નાગરિકત્વ મેળવવાની ટેસ્ટમાં કેવા પ્રશ્નો પૂછાય છે?

યુએસસીઆઈએસ દ્વારા 128 પ્રશ્નો બહાર પાડવામાં આવ્યા તેની સાથે જવાબ પણ આપવામાં આવ્યા છે. તેનાં કેટલાંક ઉદાહરણો જોવામાં આવે તો,

  • અમેરિકામાં સરકાર કેવા પ્રકારની છે?
  • અમેરિકામાં સર્વોચ્ચ કાયદો કયો છે?
  • અમેરિકાના બંધારણમાં કઈ રીતે ફેરફાર કરી શકાય?
  • બિલ ઑફ રાઇટ્સ શું હોય છે?
  • અમેરિકાની ઇકૉનોમિક સિસ્ટમ કેવી છે?
  • અમેરિકન સરકારની ત્રણ શાખાઓ કઈ છે?
  • યુએસ કૉંગ્રેસના બે ભાગ ગયા છે?
  • અમેરિકામાં કેટલા સેનેટર હોય છે?
  • તમારા વિસ્તારમાં કોણ પ્રતિનિધિ છે?
  • અમેરિકામાં હાલમાં રાષ્ટ્રપતિ કોણ છે?

આ ઉપરાંત યુએસ મિલિટરી, ન્યાય તંત્ર, કૅબિનેટ, અધિકારો, જવાબદારીઓ, યુએસનો ઇતિહાસ, દ્વિતિય વિશ્વયુદ્ધ વગેરે વિશે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે.

ઇંગ્લિશ ટેસ્ટમાં શું પૂછાય છે?

વિદેશથી યુએસ વસવાટ માટે આવેલા લોકો અમેરિકાના કલ્ચરમાં સંપૂર્ણરીતે ભળી જાય તે માટે તેઓ અંગ્રેજીનું જ્ઞાન ધરાવતા હોય તે જરૂરી માનવામાં આવે છે.

અમેરિકન નાગરિક બનવા માટે અંગ્રેજી ભાષાની ટેસ્ટમાં વાંચન, લેખન અને બોલવાની ક્ષમતા જરૂરી છે.

અરજકર્તાને કેવું અંગ્રેજી બોલતા આવડે છે તે USCIS અધિકારી દ્વારા નક્કી કરવામાં આવે છે.

સામાન્ય રીતે વાંચનની કસોટીમાં ત્રણ વાક્યો આપવામાં આવે છે જેમાંથી એક વાક્ય ઊંચા અવાજે વાંચી સંભળાવવાનું હોય છે. લેખિત કસોટીમાં ત્રણમાંથી એક વાક્ય ખરી રીતે લખવાનું હોય છે.

કેવી રીતે અમેરિકાનું નાગરિકત્વ જતું રહે?

USCIS દ્વારા કેટલાક એવા ફેરફાર કરવામાં આવ્યા છે જેના કારણે નેચરલાઇઝેશનની પ્રક્રિયા મુશ્કેલ બની છે. જેમ કે, હવે નૈતિક ચારિત્ર્ય પર પણ ધ્યાન આપવામાં આવે છે અને અમેરિકન સમાજ માટે કેવું હકારાત્મક યોગદાન આપ્યું તે જોવામાં આવે છે.

ગ્રીન કાર્ડધારકનું નેબરહૂડ ઇન્વેસ્ટીગેશન કરવામાં આવે છે. એટલેકે વ્યક્તિના પડોશીઓ, ઍમ્પ્લૉયર્સ, કો-વર્કર્સ વગેરે પાસેથી જે તે વ્યક્તિ વિશે પ્રમાણપત્રો લેવામાં આવશે.

મહત્ત્વની વાત એ છે કે અમેરિકામાં વર્ષોથી વસતા અને ગ્રીન કાર્ડના રૂટથી અમેરિકાના નાગરિક બનેલા નાગરિકો પણ પોતાની સિટીઝનશિપ ગુમાવી શકે છે. કેટલાક અમેરિકનોની સિટીઝનશિપ રદ કરવા જસ્ટિસ ડિપાર્ટમેન્ટ કામ કરી રહ્યું છે.

જસ્ટિસ ડિપાર્ટમેન્ટે એક મેમો બહાર પાડીને સિવિલ ડિવિઝન એમ્પ્લૉય્ઝને ઑથોરિટી આપી હતી કે ખોટી માહિતી આપીને અથવા માહિતી છુપાવીને કોઈએ અમેરિકન નાગરિકત્વ મેળવ્યું હોય, તો તેને રદ કરવામાં આવે. કોઈએ ટૅક્સ રિટર્નમાં પોતાની વાસ્તવિક કરતાં ઓછી આવક દર્શાવી હોય તો તેની સિટીઝનશિપ પણ રદ કરી શકાય છે.

દર વર્ષે કેટલા ભારતીયો અમેરિકાના નાગરિક બને છે?

USCISની વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે અમેરિકામાં વર્ષ 2024 (પહેલી ઑક્ટોબર 2023થી 30 સપ્ટેમ્બર 2024)માં 8,18,500 લોકો નેચરલાઇઝેશનથી અમેરિકાના નવા નાગરિક બન્યા હતા. છેલ્લાં ત્રણ વર્ષમાં 26 લાખથી વધુ નવા અમેરિકન નાગરિકો બન્યા છે.

આ પૈકી 13.1 ટકા લોકો મૂળ મૅક્સિકોના અને 6.1 ટકા લોકો ભારતીયો હતા. ત્યાર બાદ ફિલિપીન્ઝ, ડોમિનિકન રિપબ્લિક અને વિયેતનામના લોકોનો નંબર આવે છે.

અમેરિકન સિટીઝનશિપની અરજી કરનારાઓમાં સૌથી વધુ ફેવરિટ રાજ્ય કૅલિફોર્નિયા છે. ત્યાર બાદ ફ્લૉરિડા, ન્યૂ યૉર્ક, ટૅક્સાસ અને ન્યૂજર્સી ટોપ ફાઇવમાં સામેલ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન