બાંગ્લાદેશને હરાવીને ભારતને ફાઇનલમાં પહોંચાડનાર ખેલાડી કોણ છે, ભારતનો પાકિસ્તાન સામે ફરી મુકાબલો થશે?

    • લેેખક, અભિજિત શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી હિન્દી માટે

બાંગ્લાદેશ પર ભારતની જીત પછી વીરેન્દ્ર સેહવાગે સુનીલ ગાવસ્કરે આપેલી સલાહનો ઉલ્લેખ કર્યો હતો.

ગાવસ્કરે તેમને કહ્યું હતું કે જો 70 કે 80ના સ્કોર સુધી પહોંચી જાઓ, તો 100 ચૂકશો નહીં.

અભિષેક શર્માએ એશિયા કપમાં સતત બીજી મૅચમાં 70થી વધુ રન બનાવ્યા અને તેમને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યા.

ભારતે એશિયા કપના સુપર-4 મૅચમાં બાંગ્લાદેશને 41 રનથી હરાવ્યું અને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.

એશિયા કપ 2025ની ફાઇનલમાં ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી એક ટીમનો સામનો કરશે.

શ્રીલંકાની ટીમ બે સુપર 4 મૅચ હાર્યા બાદ આ રેસમાંથી બહાર થઈ ગઈ છે.

મૅચ પછી અભિષેકનાં બહેન કોમલે કહ્યું, "સદી ચૂકી જવાનું દુઃખ છે, પરંતુ આ રમતનો એક ભાગ છે અને મને ખાતરી છે કે તે આ ટુર્નામેન્ટમાં ચોક્કસપણે સદી ફટકારશે."

અભિષેકનાં માતા મંજુ શર્મા પણ ફરી એક વાર સદી ચૂકી જવાથી દુઃખી છે.

મૅચ પછી તેમણે કહ્યું, "અભિષેક ફરીથી સારું રમ્યો, પણ સદી ચૂકી ગયો... કોઈ વાંધો નહીં, વધુ મૅચો આવશે."

અભિષેક પાકિસ્તાન સામે પણ સદી ચૂકી ગયા હતા.

હવે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મૅચની વિજેતા ટીમ રવિવારે એશિયા કપની ફાઇનલમાં ભારત સામે ટકરાશે.

ભારતનો છેલ્લો સુપર-4 મુકાબલો શુક્રવારે શ્રીલંકા સાથે રમવાનો છે, જેના પરિણામથી અંતિમ ટીમોમાં કોઈ ફેરફાર થશે નહીં.

બાંગ્લાદેશ સામેની મૅચમાં જીતના છ હીરો

અભિષેક શર્મા (75 રન), શુભમન ગિલ (29 રન), હાર્દિક પંડ્યા (38 રન), કુલદીપ યાદવ (ત્રણ વિકેટ), વરુણ ચક્રવર્તી અને જસપ્રીત બુમરાહ (બે-બે વિકેટ)એ બાંગ્લાદેશ સામે ભારતની જીતમાં ફાળો આપ્યો.

બાંગ્લાદેશ તરફથી સૈફ હસને સૌથી વધુ 69 રન બનાવ્યા, જ્યારે પરવેઝ હુસૈને 21 રનનું યોગદાન આપ્યું.

અન્ય કોઈ બૅટ્સમૅન બે આંકડા સુધી પહોંચી શક્યો નહીં અને આખી ટીમ 127 રનમાં આઉટ થઈ ગઈ.

ભારત પ્રથમ બેટિંગ કરવા આવ્યું ત્યારે અભિષેક અને શુભમને શાનદાર શરૂઆત કરી.

બંનેએ માત્ર 6.1 ઓવરમાં 77 રન કર્યા. જોકે, 12મી ઓવરના પહેલા બૉલ પર અભિષેક આઉટ થયો, તેમણે 37 બૉલમાં 75 રન કર્યા હતા.

ત્યાર બાદ બાંગ્લાદેશના બૉલરોએ ટીમ ઇન્ડિયાને થોડા સમય માટે રન બનાવતા અટકાવી દીધી.

અભિષેકના આઉટ થયા પછી ટીમ ઈન્ડિયા આગામી આઠ ઓવરમાં ફક્ત 56 રન જ બનાવી શકી.

જો હાર્દિકે અંતમાં 29 બૉલમાં 38 રન ન બનાવ્યા હોત, તો ભારત માટે 168 રન બનાવવા મુશ્કેલ હોત, તો વરુણ ચક્રવર્તીએ પણ આગામી ત્રણ ઓવરમાં શાનદાર બૉલિંગ કરી.

જસપ્રીત બુમરાહે બે અને કુલદીપ યાદવે ત્રણ વિકેટ લીધી.

અભિષેક શર્માની કમાલ

બાંગ્લાદેશના ઝાકર અલીને 75 રન કરનાર અભિષેક શર્માનો કૅચ છોડવાની ભારે કિંમત ચૂકવવી પડી, એ સમયે અભિષેકે માત્ર સાત રન બનાવ્યા હતા.

જોકે, ભારતીય ટીમે પણ ફિલ્ડિંગ કરતી વખતે પાંચ કૅચ છોડ્યા હતા.

પરંતુ બાંગ્લાદેશ પાસે કુલદીપ, વરુણ અને અક્ષર પટેલના સ્પિનનો કોઈ જવાબ નહોતો.

બાંગ્લાદેશના ઓપનર સૈફ હસને 51 બોલમાં 69 રનની શાનદાર ઇનિંગ રમી હતી, પરંતુ કુલદીપ યાદવે બાજી સંભાળ્યા પછી મૅચનો મિજાજ બદલાવા માંડ્યો.

કુલદીપે સાતમી ઓવરમાં પરવેઝ હુસૈન ઇમોનને આઉટ કરીને ખતરનાક ભાગીદારી તોડી.

કુલદીપે મૅચની 17મી ઓવરના પહેલા બૉલ પર રિશાદ હુસૈનને અને બીજા બૉલ પર તન્ઝીમ શાકીબને આઉટ કરીને ભારતને જીતની નજીક પહોંચાડી દીધું.

ફરી એક વાર, અભિષેક શર્માએ પોતાની બેટિંગથી એટલું સારું પ્રદર્શન કર્યું કે તેઓ સતત બીજી મૅચમાં 'પ્લેયર ઑફ ધ મૅચ' બન્યા

માત્ર 37 બૉલમાં 75 રનની પોતાની ઇનિંગ દરમિયાન અભિષેક આ વર્ષે 500 રન બનાવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યા અને બીજા ઘણા રેકૉર્ડ પણ બનાવ્યા.

અભિષેકે બાંગ્લાદેશ સામેની પોતાની 75 રનની ઇનિંગમાં પાંચ છગ્ગા ફટકાર્યા હતા. જુલાઈ 2024થી અભિષેકે તેમની આંતરરાષ્ટ્રીય ટી-20 કારકિર્દીમાં 58 છગ્ગા ફટકાર્યા છે.

જુલાઈ 2024થી આઇસીસી પૂર્ણ સભ્યદેશોના બૅટ્સમૅનોમાં તેઓ સૌથી વધુ છગ્ગા (58) ફટકારનાર ક્રિકેટર છે.

ભારતના સંજુ સેમસન 37 છગ્ગા સાથે બીજા ક્રમે છે. ટી-20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ છગ્ગા મારનારા ભારતીય બૅટ્સમૅનોમાં અભિષેક સાતમા ક્રમે છે.

ફાઇનલમાં ફરીથી ભારતનો પાકિસ્તાન સાથે સામનો થશે?

અભિષેક શર્માએ એશિયા કપ 2025માં યુએઇ સાથે પોતાના બેટિંગ પ્રદર્શનની શરૂઆત 187.50ના સ્ટ્રાઇક રેટ સાથે 16 બૉલમાં 30 રન બનાવીને કરી હતી.

તેમના સ્કોર દરેક મૅચમાં વધતા રહ્યા. ગ્રૂપ સ્ટેજમાં તેમણે પાકિસ્તાન સામે 13 બૉલમાં 31 અને ઓમાન સામે 15 બૉલમાં 38 રન બનાવ્યા.

તેમણે સુપર ફોરમાં પાકિસ્તાન સામે 39 બૉલમાં 74 રન બનાવ્યા હતા અને ગઈ કાલે બાંગ્લાદેશ સામે તેમણે માત્ર 37 બૉલમાં 75 રન બનાવ્યા હતા.

અભિષેકે એશિયા કપ 2025માં અત્યાર સુધી સૌથી વધુ- 248 રન બનાવ્યા છે.

જુલાઈ 2024થી પોતાની આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટ કારકિર્દી શરૂ કરનાર અભિષેક આ વર્ષે ટી-20 ક્રિકેટમાં 500 રન બનાવનાર એકમાત્ર ભારતીય બૅટ્સમૅન છે.

અભિષેકે અત્યાર સુધીમાં ફક્ત 22 મૅચ રમી છે. તેમણે બે સદી અને ચાર અડધી સદી ફટકારી છે, જેનો સ્ટ્રાઇક રેટ 197.72 છે.

જોકે, તેમણે 19 મૅચમાં ઇનિંગ્સની શરૂઆત કરી છે, તેમનો સ્ટ્રાઇક રેટ 201થી વધુ થઈ ગયો છે.

આ ટુર્નામેન્ટમાં અભિષેક જે રીતે બેટિંગ કરે છે, એ જોતા તેમના પ્રદર્શનની તુલના ક્રિસ ગેઇલ, ટ્રેવિસ હેડ, બ્રેન્ડન મેક્કુલમ અને તેમના માર્ગદર્શક યુવરાજસિંહ સાથે કરાઈ રહી છે.

ઇરફાન પઠાણે ટ્વીટ કર્યું, "અભિષેક શર્મા હાલમાં આંતરરાષ્ટ્રીય ટી-20માં સૌથી ખતરનાક ઓપનર છે."

પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની આજની સુપર ફોર મૅચને સેમિફાઇનલ તરીકે જોવામાં આવી રહી છે. વિજેતા ટીમ રવિવારે ફાઇનલમાં ભારત સામે ટકરાશે.

જો પાકિસ્તાન ફાઇનલમાં પહોંચે છે, તો બંને ટીમો આ ટુર્નામેન્ટમાં ત્રીજી વખત એકબીજા સામે ટકરાશે.

ભારતે પાકિસ્તાન સામેની બંને મૅચ જીતી છે. બંને દેશો વચ્ચે રમાયેલી 15 ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચોમાંથી પાકિસ્તાન ફક્ત ત્રણ જ જીતી શક્યું છે.

બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન