લોન ઍપ્લિકેશન્સની માયાજાળ પર બનેલી બીબીસીની ડૉક્યુમેન્ટરી ‘ધ ટ્રૅપ’ ઍમી ઍવૉર્ડ માટે નૉમિનેટ

બીબીસી ઇન્ડિયા આઈની ડૉક્યુમેન્ટરી ‘ધ ટ્રૅપ: ઇનસાઇડ ધ બ્લૅકમેઇલ સ્કૅમ ડિસ્ટ્રોયિંગ લાઇવ્સ અક્રૉસ ઇન્ડિયા’ને ઍમી ઍવૉર્ડ માટે નૉમિનેટ કરવામાં આવી છે.

આ ભારત તરફથી ઍમી ઍવૉર્ડમાં પહેલું નૉમિનેશન છે.

બીબીસીના ઇન્વેસ્ટિગેટિંગ યુનિટ ‘ઇન્ડિયા આઈ’ની આ ડૉક્યુમેન્ટરી લોન ઍપ્લિકેશન્સના માધ્યમથી લોકોને બ્લૅકમેઇલ કરવા પર આધારિત છે.

તરત લોન આપવાનો વાયદો કરતી આ ઍપ્લિકેશન આસાનીથી પૈસા ઉપલબ્ધ કરાવે છે. પરંતુ એક વાર તેમની પાસેથી લોન લીધા બાદ લોકો તેની માયાજાળમાં ફસાઈ જાય છે.

ભારતમાં લાખો લોકોએ આ ઍપ્લિકેશનથી લોન લીધી, પરંતુ અનેક લોકો આ જાળમાં અતિશય ખરાબ રીતે ફસાઈ ગયા હતા.

ઍમી ઍવૉર્ડ તરફથી જાહેર કરવામાં આવેલી પ્રેસનોટમાં કહેવામાં આવ્યું છે કે, “આ બીબીસી ઇન્ડિયા આઈ (વર્લ્ડ સર્વિસ) તરફથી ભારત માટે પહેલું નૉમિનેશન છે. આ ઇન્વેસ્ટિગેશનમાં એ સામે આવ્યું છે કે આ ઍપ્લિકેશનથી લોન લેનારા ઓછામાં ઓછા 60 લોકોએ બ્લૅકમેઇલિંગ અને શરમની મદદથી પોતાનો જીવ આપી દીધો છે.”

આ ડૉક્યુમેન્ટરીમાં દર્શાવવામાં આવ્યું છે કે આ લોન ઍપ્લિકેશન્સ કઈ રીતે કામ કરે છે અને અન્ય દેશોમાં રહેતાં લોકો કઈ રીતે ભારતના સામાન્ય માણસની મજબૂરીનો ફાયદો ઉઠાવીને પૈસા કમાઈ રહ્યા છે.

ઇન્ડિયા આઈના રિપોર્ટર અને ઇન્વેસ્ટિગેટિવ પત્રકાર પૂનમ અગ્રવાલે અંડરકવર જઈને આ ડૉક્યુમેન્ટરી તૈયાર કરી હતી.

પહેલું નૉમિનેશન

‘ધી ટ્રૅપ’ ડૉક્યુમેન્ટરીમાં એવાં પાત્રોને પણ દર્શાવવામાં આવ્યાં છે કે જેઓ આ પ્રકારની લોન ઍપ્લિકેશન્સ માટે કામ કરે છે. આ સિવાય તેમના કામ કરવાની રીત વિશે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી છે.

ઍમી ઍવૉર્ડ 2024ની ન્યૂઝ ઍન્ડ કરન્ટ અફેયર્સ શ્રેણી માટે આ ડૉક્યુમેન્ટરીને નૉમિનેટ કરવામાં આવી છે.

ભારતમાં બનેલી કોઈ ડૉક્યુમેન્ટરી આ શ્રેણીમાં નૉમિનેટ થઈ હોય તેવું પહેલી વાર બની રહ્યું છે.

આ ઍવૉર્ડ માટે કુલ છ દેશોની આઠ ફિલ્મોને નૉમિનેટ કરવામાં આવી છે. ભારત સિવાય બ્રાઝિલ, બલ્ગેરિયા, ઇઝરાયલ, કતાર અને બ્રિટનની ડૉક્યુમેન્ટરીને પણ ઍમી ઍવૉર્ડ માટે નૉમિનેશન મળ્યું છે.

બીબીસી ઇન્ડિયા આઈની આ ડૉક્યુમેન્ટરી સિવાય જે અન્ય ડૉક્યુમેન્ટરીને નૉમિનેટ કરવામાં આવી છે તેમાં ઇઝરાયલમાં સાત ઑક્ટોબરે થયેલો નરસંહાર, મ્યાનમારમાં ગૃહયુદ્ધ દરમિયાન ચાલી રહેલા એક ગુપ્ત હૉસ્પિટલ, તથા હમાસના બંધક તરીકે રહેલાં બે ભાઈ-બહેનોની કહાણી પણ સામેલ છે.

ઇન્ટરનેશનલ ઍકેડૅમી ઑફ ટેલિવિઝન આર્ટ્સ ઍન્ડ સાયન્સ અમેરિકા એ અન્ય દેશોમાં બનેલા ટીવી કાર્યક્રમો અને ફિલ્મોના પ્રતિષ્ઠિત ઍમી ઍવૉર્ડ પ્રદાન કરે છે.

આ ઍવૉર્ડ સમારોહ ન્યૂયૉર્કમાં દર વર્ષે નવેમ્બરમાં આયોજિત કરવામાં આવે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.