You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અરુંધતી રૉયને 'દમદાર લેખન' બદલ મળ્યો 2024નો પેન પિંટર પુરસ્કાર
ભારતીય લેખિકા અરુંધતી રૉયને વર્ષ 2024ના પેન પિંટર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં છે. તેમણે કહ્યું કે તેઓ આ પુરસ્કાર મેળવીને ખુશ છે.
વર્ષ 2009થી આ ઍવૉર્ડ નોબલ વિજેતા તથા પ્લૅ રાઇટર હેરોલ્ડ પિંટરની યાદમાં આપવામાં આવે છે. 10 ઑક્ટોબર, 2024ના રોજ આ પુરસ્કાર અરુંધતી રૉયને આપવામાં આવશે.
આ ઍવોર્ડ દર વર્ષે બ્રિટન અને કૉમનવેલ્થ દેશોના નાગરિક લેખકોને આપવામાં આવે છે જેમનું દુનિયા પર એક અડગ તથા સાહસી વલણ હોય અને જેમના લેખનમાં સમાજના વાસ્તવિક સત્યને પરિભાષિત કરવાનો બૌદ્ધિક દૃઢ સંકલ્પ છલકતો હોય.
આ ઍવૉર્ડની આ વર્ષની જ્યૂરીમાં પેન સંસ્થાનાં અધ્યક્ષા રુથ બૉર્થવિક, અભિનેતા ખાલિદ અબદલ્લા અને લેખક રોજર રૉબિન્સન હતાં.
આ ઍવૉર્ડ અરુંધતીને એ સમયે આપવામાં આવી રહ્યો છે જ્યારે દિલ્હીમાં ઉપરાજ્યપાલ વી. કે. સક્સેનાએ તેમની સામે યુએપીએ હેઠળ કેસ ચલાવવાની મંજૂરી આપી છે.
ઇંગ્લિશ પેનનાં અધ્યક્ષા રુથ બૉર્થવિકે અરુંધતી રૉયનાં વખાણ કરતાં કહ્યું કે તેમણે ઘણા અનોખા અંદાજમાં સુંદરતા સાથે અન્યાયની સાથે જોડાયેલી કહાણીઓ વર્ણવી છે.
બૉથવિકે કહ્યું, “ભારત ચર્ચામાં છે, રૉય એક આંતરરાષ્ટ્રીય વિચારક છે અને તેમના શક્તિશાળી અવાજને દબાવી શકાય નહીં.”
62 વર્ષનાં અરુંધતી રૉય મોદી સરકારની જાહેરમાં ટીકા કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ પોતાનાં લેખન, ભાષણ અને વિચારને લઈને દક્ષિણપંથી સમૂહોના નિશાન પર રહે છે.
આ ઍવૉર્ડ ભૂતકાળમાં માઇકલ રોસેન, મેલોરી બ્લૅકમેન, માર્ગારેટ એટ્વુડ, સલમાન રશ્દી, ટૉમ સ્ટૉપર્ડ તથા કેરોલ એન ડફી જેવા લેખકોને મળી ચૂક્યો છે.
આ સન્માનની જાહેરાત બાદ અરુંધતીએ કહ્યું, “કદાચ હેરોલ્ડ પંટર જો આપણા વચ્ચે હોત તો તેઓ દુનિયા જે પ્રકારે સમજથી દૂર જઈ રહી છે તેના વિશે તે લખત. જોકે, તેઓ હવે આપણા વચ્ચે નથી તેથી અમારા પૈકી કેટલાક લોકોએ તે વિશે જરૂરથી લખવું જોઈએ.”
અરુંધતી સામે કેસ ચલાવવાનો આદેશ
અરુંધતી રૉયને તેમના પુસ્તક ‘ધ ગોડ ઑફ સ્મોલ થિંગ્સ’ને 1997માં બુકર પુરસ્કાર મળી ચૂક્યો છે.
તેમના પર આ મહિને જ દિલ્હીના ઉપરાજ્યપાલ તરફથી યૂએપીએ અંતર્ગત કેસ ચલાવવાની મંજૂરી મળી છે.
તેમની સામે નોંધાયેલી એફઆઈઆર પ્રમાણે, આ કેસમાં અનલોફુલ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ (યુએપીએ)ના 45 (1) હેઠળ ઉપરાજ્યપાલે કાર્યવાહીને મંજૂરી આપી છે.
એફઆઈઆરમાં આઈપીસીની કલમો 124-એ, 153-એ, 153-બી/504 અને 505 લગાવવામાં આવી છે.
28 ઑક્ટોબર, 2010ના રોજ સુશીલ પંડિત દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી હતી.
અરુંધતી રૉય અને ડૉ. હુસૈને 21 ઑક્ટોબર, 2010ના રોજ એલટીજી ઑડિટોરિયમ, કૉપરનિકસ માર્ગ, નવી દિલ્હી ખાતે "આઝાદી - ધ ઓન્લી વે"ના બેનર હેઠળ આયોજિત એક કૉન્ફરન્સમાં કથિત રીતે ઉશ્કેરણીજનક ભાષણો કર્યાં હતાં. આ કૉન્ફરન્સમાં જે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તેમાં 'ભારતથી કાશ્મીરને અલગ કરવાની વાત'નો પ્રચાર થઈ રહ્યો હતો.
કૉન્ફરન્સમાં ભાષણ આપનારામાં સૈયદ અલી શાહ ગિલાની, એસએઆર ગિલાની (કૉન્ફરન્સના આયોજક અને સંસદ હુમલા કેસના મુખ્ય આરોપી), અરુંધતી રૉય, ડૉ. શેખ શોકત હુસૈન અને માઓવાદી તરફ સહાનુભૂતિ ધરાવતા વરવરા રાવનો સમાવેશ થાય છે.
એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગિલાની અને અરુંધતી રૉયે ભારપૂર્વક એ પ્રચાર કર્યો હતો કે કાશ્મીર ક્યારેય ભારતનો ભાગ નહોતું અને તેના પર ભારતનાં સશસ્ત્ર દળોએ બળજબરીથી કબજો મેળવ્યો હતો.
ફરિયાદ કરનારા વ્યક્તિએ તેના રેકૉર્ડિંગ્સ પણ ઉપલબ્ધ કરાવ્યા હતા. ફરિયાદીએ સીઆરપીસીની કલમ 156(3) હેઠળ એમએમ કોર્ટ, નવી દિલ્હી સમક્ષ ફરિયાદ રજૂ કરી હતી. તેના આધારે એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી.
કોણ છે અરુંધતી રૉય?
અરુંધતી રૉય જાણીતાં લેખિકા છે અને તેમને બુકર પુરસ્કાર પણ મળેલો છે.
તેમણે 2010માં માઓવાદી પ્રભાવિત મધ્ય ભારતના વિસ્તારની મુલાકાત લીધી હતી. ત્યારે તેમણે વૉકિંગ વિધ ધ કૉમરેડ્સ નામનું પુસ્તક લખ્યું હતું.
આ પુસ્તકમાં તેમણે માઓવાદીઓના અનુભવો જણાવ્યા હતા અને એવી પળોની શોધ કરી હતી, તેમાં જણાવ્યું હતું કે માઓવાદીને કેમ હથિયાર ઉપાડવાં પડ્યાં.
2015માં જ્યારે સરકારના વિરોધમાં પુરસ્કારો પાછા અપાઈ રહ્યા હતા, ત્યારે પુરસ્કાર પાછો આપવામાં અરુંધતિ રૉય પણ સામેલ હતાં.
આ નેશનલ ઍવૉર્ડ તેમને 1989માં સર્વશ્રેષ્ઠ પટકથા માટે અપાયો હતો.
અરુંધતી રોયે 'ધી ગોડ ઑફ ધી સ્મોલ થિંગ્ઝ' અને 'મિનિસ્ટ્રી ઑફ અટમોસ્ટ હેપ્પિનેસ' નામે બે વિશ્વપ્રસિદ્ધ નવલકથાઓ લખી છે.
યુએપીએ કાયદો શું છે?
યુએપીએ અધિનિયમની કલમ 15 મુજબ ભારતની એકતા, અખંડિતતા, સુરક્ષા, આર્થિક સુરક્ષા અથવા સાર્વભૌમત્વને જોખમમાં મૂકવાના અથવા જોખમમાં મૂકવાની સંભાવનાના ઈરાદાથી ભારતમાં કે વિદેશમાં પ્રજા અથવા પ્રજાના કોઈ પણ વર્ગમાં આતંક ફેલાવવો અથવા આતંક ફેલાવવાની સંભાવનાના ઈરાદાથી કરવામાં આવેલ કૃત્ય એ 'આતંકવાદી કૃત્ય' છે.
આ વ્યાખ્યામાં બૉમ્બવિસ્ફોટથી લઈને નકલી નોટોના કારોબાર સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે.
આતંકવાદ અને આતંકવાદીની સ્પષ્ટ વ્યાખ્યા આપવાને બદલે યુએપીએ ઍક્ટ માત્ર એટલું જ કહે છે કે તેનો અર્થ કલમ 15માં આપવામાં આવેલી 'આતંકવાદી કાર્ય'ની વ્યાખ્યા મુજબ હશે.
કલમ 35માં સરકારને કેસનો નિર્ણય આવે તે પહેલાં જ કોઈ પણ વ્યક્તિ અથવા સંગઠનને 'આતંકવાદી' જાહેર કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.