વેનેઝુએલા અંગે કૉંગ્રેસ સહિત ડાબેરી પક્ષોએ શું કહ્યું ?- ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI
વેનેઝુએલામાં અમેરિકાની કાર્યવાહી અંગે કૉંગ્રેસે ચિંતા વ્યક્ત કરી છે. પાર્ટીના નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર એક પોસ્ટ મૂકીને તેમાં લખ્યું:
"ગત 24 કલાક દરમિયાન અમેરિકાએ વેનેઝુએલામાં જે કાર્યવાહી કરી છે, તેના વિશે કૉંગ્રેસ અત્યંત ગંભીર ચિંતા વ્યક્ત કરે છે. આંતરરાષ્ટ્રીય કાયદા તથા સ્થાપિત સિદ્ધાંતોનો એકતરફી ભંગ ન કરી શકાય."
ભારતના ડાબેરી પક્ષોએ પણ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો તથા તેમનાં પત્નીને 'પકડવા'ની કાર્યવાહીની ટીકા કરી છે અને દિલ્હીમાં દેખાવો યોજ્યા હતા.
ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટીએ (માર્કસવાદી) ઍક્સ ઉપર નિવેદન મૂક્યું, જે સીપીઆઈ, સીપીઆઈ (એમએલ) – લિબ્રેશન, આરએસપી (રિવૉલ્યુશનરી સોશિયલ પાર્ટી), એઆઈએફબી (ઑલ ઇન્ડિયા ફૉરવર્ડ બ્લૉક) દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
જેમાં લખ્યું છે, "અમેરિકાની આક્રમકતા સામે ડાબેરીપક્ષો વિરોધપ્રદર્શનનું આહ્વાન કરે છે."
નિવેદનમાં જણાવાયા મુજબ, "અમે વેનેઝુએલા વિરુદ્ધ અમેરિકાની આક્રમકતા અને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો તથા તેમનાં પત્ની સિલિયા ફ્લોરેશનાં અપહરણની કડક શબ્દોમાં ટીકા કરીએ છીએ. તે સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટનો ખુલ્લેઆમ ભંગ છે તથા એક સંપ્રભૂ રાષ્ટ્ર ઉપર કરવામાં આવેલો હુમલો છે."

ઇમેજ સ્રોત, ANI
નિવેદનમાં જણાવવામાં આવ્યું છે, "અમે ડાબેરી પક્ષો અમેરિકાની આક્રમકતા વિરુદ્ધ તથા લેટિન અમેરિકાના લોકો સાથે એકજૂટતા દાખવવા દેશવ્યાપી વિરોધપ્રદર્શનોનું આહ્વાન કરીએ છીએ."
"વિશ્વભરના જે દેશો અમેરિકાની આક્રમકતાની ટીકા કરી રહ્યા છે તથા વેનેઝુએલા સાથે મક્કમપણે ઊભા છે, તેમને ભારત સરકારે સમર્થન આપવું જોઈએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોપ લિયોએ વેનેઝુએલાની સંપ્રભૂતાની ગૅરંટી આપવાની વાત કહી છે. સાથે જ વેનેઝુએલાના લોકો સહિત અન્ય હિતને જાળવવા માટે કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે પોપ લિયો અમેરિકન મૂળના પ્રથમ પોપ છે અને તેમણે લગભગ બે દાયકા સુધી દક્ષિણ અમેરિકામાં કામ કર્યું છે.
વેનેઝુએલામાં અમેરિકાની કાર્યવાહી બાદ ભારતે પ્રતિક્રિયા આપી, કહી આ વાત

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો તથા તેમનાં પત્નીને 'પકડવા'ની જાહેરાત કરી છે એ પછી ભારતે નિવેદન બહાર પાડીને પ્રતિક્રિયા આપી છે.
ભારતના વિદેશ મંત્રાલયે બહાર પાડેલા નિવેદનમાં કહ્યું છે, "વેનેઝુએલામાં તાજેતરનો ઘટનાક્રમ ઊંડી ચિંતાનો વિષય છે. અમે ત્યાંની બદલાતી પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છીએ."
નિવેદનમાં જણાવ્યું હતું, "વેનેઝુએલાના લોકોની સુરક્ષા તથા તેમની ભલાઈને માટેનાં સમર્થનનો ભારત પુનર્રોચ્ચાર કરે છે. અમે સંબંધિત પક્ષોને અપીલ કરીએ છીએ કે તમામ મુદ્દાનો ઉકેલ વાતચીત દ્વારા શાંતિપૂર્વક કરવામાં આવે, જેથી કરીને તે પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા જળવાય રહે."
"કારાકાસસ્થિત ભારતીય દૂતાવાસ ભારતીય સમુદાયના લોકો સાથે સંપર્કમાં છે તથા શક્ય તમામ મદદ ઉપલબ્ધ કરાવતું રહેશે."
આ પહેલાં શનિવારે રાત્રે ભારતે તેના નાગરિકો માટે વેનેઝુએલાના પ્રવાસ સંબંધે ઍડ્વાઇઝરી બહાર પાડી હતી, જેમાં ભારત સરકારે તેના નાગરિકોને કહ્યું હતું કે વેનેઝુએલાના બિનજરૂરી પ્રવાસ ટાળે.
શનિવારે વેનેઝુએલાના પાટનગરમાં ધડાકા સંભળાયા હતા, એ પછી અમેરિકાએ જાહેરાત કરી હતી કે રાષ્ટ્રપતિ અને તેમનાં પત્નીને અમેરિકા લાવવામાં આવ્યાં છે.
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ સામે ડોનાલ્ડ ટ્રમ્પની કાર્યવાહી બાદ ઓવૈસીએ વડા પ્રધાન મોદી પર શું કટાક્ષ કર્યો?

ઇમેજ સ્રોત, ANI
ઑલ ઇન્ડિયા મજલિસ-એ- ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોના 'પકડાવા' અંગે પ્રતિક્રિયા આપી છે.
તેમનું કહેવું છે કે જો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવું કરી શકે છે તો ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ પાકિસ્તાન જઈને '26/11ના હુમલાનું કાવતરું કરનારાને ભારત લાવી શકે છે.'
મુંબઈના ગોવંડીમાં જનતાને સંબોધિત કરતા ઓવૈસીએ કહ્યું, "આપણે જોયું કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું સૈન્ય મોકલીને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને તેમના જ દેશમાંથી ઉઠાવીને અમેરિકા લઈને જતા રહ્યા."
"મોદીજી હું તમને કહી રહ્યો છું કે મુંબઈની સડકો પર ષડ્યંત્ર રચનારા જાલિમ લોકોને તમે પાકિસ્તાનમાં (સૈન્ય) મોકલીને ભારત લાવો."
તેમણે કહ્યું, "જો રાષ્ટ્રપતિ ટ્રમ્પ વેનેઝુએલામાંથી ત્યાંના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને લાવી શકે છે તો પછી તમારે (વડા પ્રધાન મોદી) પણ કરવું પડશે."
વેનેઝુએલાના પાટનગર કારાકાસમાં શનિવારે ધડાકા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કરીને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને 'પકડી લીધા છે.' રવિવારે તેમને અમેરિકા લવાયા.
ટ્રમ્પે માદુરોની ધરપકડ બાદની તસવીર જાહેર કરી, પ્રેસ કૉન્ફરન્સમાં અમેરિકાના ઑપરેશનની વિગતો

ઇમેજ સ્રોત, Truth Social
વેનેઝુએલાના પાટનગર કારાકાસ ખાતે શનિવારે ધડાકા થયા બાદ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કરીને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને 'પકડી લીધા છે.'
આ સાથે જ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર નિકોલસ માદુરોની એક તસવીર શૅર કરી છે. સાથે જ ફ્લોરિડા ખાતે એક પ્રેસ કૉન્ફરન્સ પણ યોજી, જેમાં તેમણે જણાવ્યું કે કે આગળ વેનેઝુએલામાં અમેરિકાની શું ભૂમિકા રહેશે.
તેમજ, અમેરિકાના ઍટર્ની જનરલે જણાવ્યું છે કે ન્યૂયૉર્ક સિટીના સધર્ન ડિસ્ટ્રિક્ટમાં માદુરો અને તેમનાં પત્ની વિરુદ્ધ ખટલો ચાલશે.
વેનેઝુએલાનાં ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે દેશના રાષ્ટ્રપતિ જીવિત હોવાનો પુરાવો માગ્યો છે. તેમણે કહ્યું છે કે માદુરો અને તેમનાં પત્ની વિશે અત્યાર સુધી કંઈ ખબર નથી.
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, "આ ઑપરેશન અમેરિકન લૉ ઍન્ફોર્સમેન્ટ સાથે મળીને કરાયું હતું. તેની જાણકારી ટૂંક સમયમાં અપાશે. આજે સવારે 11 વાગ્યે માર-એ-લાગો ખાતે એક પ્રેસ કૉન્ફરન્સ થશે."
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો પર અમેરિકામાં માદક પદાર્થોની તસ્કરી અપરાધ ફેલાવવામાં સામેલ હોવાના આરોપ લાગડતા રહ્યા છે.
અમેરિકન અધિકારીઓએ બીબીસી સહયોગી સીબીએસ ન્યૂઝને જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ માદુરો અને તેમનાં પત્નીને અમેરિકન સૈન્યના ડેલ્ટા ફોર્સે પકડ્યાં છે.
ડેલ્ટા ફોર્સ અમેરિકન સૈન્યનો સૌથી મોટો આતંકવાદ વિરોધી યુનિટ છે.
ઝોહરાન મમદાણીએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોના 'પકડાવા'મામલે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના ન્યૂયૉર્ક સિટીના મેયર ઝોહરાન મમદાણીએ શનિવારે કહ્યું કે તેમને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમનાં પત્નીને ન્યૂયૉર્ક ખાતે કેદ કરવાની યોજના અંગે માહિતગાર કરાયા છે.
તેમણે આને 'યુદ્ધની કાર્યવાહી' અને 'સંઘીય અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન' ગણાવ્યું છે.
વેનેઝુએલાના પાટનગર કારાકાસમાં શનિવારે ધડાકા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કરીને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને 'પકડી લીધા છે.'
આ કાર્યવાહી વેનેઝુએલા સરકાર સાથે કથિતપણે સંકળાયેલા માદક પદાર્થોની તસ્કરી કરનારાં જહાજો પર મહિનાઓથી ચાલી રહેલા હુમલા બાદ કરાઈ.
મેયર મમદાણીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું, "સત્તાપરિવર્તનની આ ખુલ્લી કોશિશ ન્યૂયૉર્કના લોકો અને શહેરમાં રહેતા વેનેઝુએલાના લોકો પર સીધી અસર કરશે."
તેમણે કહ્યું, "મારી પ્રાથમિકતા તેમની અને દરેક ન્યૂયૉર્કવાસીની સુરક્ષાની છે. મારું વહીવટી તંત્ર સ્થિતિ પર સતત નજર રાખશે અને જરૂર પ્રમાણે દિશા-નિર્દેશ જાહેર કરતું રહેશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












