IPL: 'રિંકુ હોય એટલે મને ચિંતા નહોતી', KKRને 'બેસ્ટ ફિનિશનર' પર આટલો ભરોસો કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
“જે તે કર્યું છે, એ કદાચ જીવનમાં ઘણા, ઘણા, ઘણા પ્લેયર્સ કરી નહીં શકે.”
“જો તું એ કરી શકે છે, તો તું કંઈ પણ કરી શકે છે.”
નીતીશ રાણા મુજબ, કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ના નવા સ્ટાર રિંકુસિંહને દરેક મૅચ પહેલાં તેઓ આ જ વાતો કહે છે.
કેકેઆરએ સોમવારે પંજાબ કિંગ્સ સામેની મૅચના છેલ્લા બૉલ પર રોમાંચક જીત મેળવી હતી.
જ્યારે મૅચ અંતિમ બૉલ પર અટકતી હોય તેવું લાગતું હતું, ત્યારે રિંકુસિંહે કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર અર્શદીપસિંહના બોલને લેગ સાઇડ બાઉન્ડરીની પાર મોકલીને 'ઊલટફેર' થવાની સંભાવનાને સમાપ્ત કરી દીધી હતી.
કેકેઆરએ આ મૅચ પાંચ વિકેટે જીતી લીધી હતી.

આરઆરઆરનો કમાલ

ઇમેજ સ્રોત, Getty Images
કેકેઆર માટે સૌથી વધુ 51 રન કપ્તાન નીતીશ રાણાએ બનાવ્યા હતા. ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી માત્ર 23 બૉલમાં 42 રન બનાવનારા આંદ્રે રસેલ મૅન ઑફ ધ મૅચ રહ્યા હતા.
જોકે, મૅચ પૂરી થયા બાદ સૌથી વધુ ચર્ચા જીત પર મહોર લગાવનારા રિંકુસિંહની થઈ હતી. રિંકુસિંહનું નામ ટ્વિટરના ટૉપ ટ્રેન્ડમાં આવી ગયું હતું. કપ્તાન રાણા અને મૅન ઑફ ધ મૅચ રહેલા રસેલ માત્ર રિંકુનાં જ વખાણ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે રસપ્રદ વાત એ છે કે રિંકુ, રાણા અને રસેલના યોગદાનના કારણે કેકેઆરની આ જીતને આરઆરઆરની સફળતા કહેવામાં આવે છે.

કોલકાતા નાઇટ રાઇડર્સ સામે પંજાબ કિંગ્સ
- કેકેઆરએ પંજાબ કિંગ્સને પાંચ વિકેટે હરાવ્યું
- પંજાબ કિંગ્સ: 179/7, શિખર ધવન- 57 રન, વરુણ ચક્રવર્તી 3/26
- કેકેઆર: 182/5, નીતીશ રાણા-51 રન, રાહુલ ચાહર 2/23
- આંદ્રે રસેલ મૅન ઑફ ધ મૅચ

રિંકુની થઈ રહી છે ચર્ચા

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કપ્તાન રાણા જે કમાલની વાત કરી રહ્યા હતા, એ રિંકુસિંહે સોમવારે મૅચના એક મહિના પહેલાં એટલે કે નવ એપ્રિલે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામે કરી બતાવ્યો હતો.
ત્યારે તેઓએ અણનમ 48 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી.
તેમાંથી છેલ્લા 30 રન છેલ્લી ઓવરના છેલ્લા પાંચ બૉલ પર પાંચ છગ્ગા ફટકાર્યા હતા.
એ ઇનિંગ્સથી રિંકુસિંહનું નામ આઈપીએલ જોનારા દરેક ઘર સુધી પહોંચ્યું છે. નીતીશ રાણા અનુસાર તેઓ હજુ પણ એ ઇનિંગ્સને યાદ અપાવીને રિંકુસિંહને પ્રોત્સાહિત કરે છે.
જોકે હવે કહાણી એ મૅચથી ઘણી આગળ વધી ગઈ છે. તેનો ઇશારો કેકેઆરના કપ્તાન રાણાએ પણ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે, “જ્યારે તે બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે આખું મેદાન રિંકુ, રિંકુ કરી રહ્યું હતું. આ વર્ષે તેણે આજ કમાયું છે.”
“મને રમ્યાને 6 વર્ષ થઈ ગયાં છે. અગાઉ ચાહકો રસેલ-રસેલના નારા લગાવી રહ્યા હતા, ત્યારે સારું લાગતું હતું. અમને ખબર હતી કે રસેલે એ બધું જ કર્યું છે, જ્યારે રસેલની સાથે આખા મેદનમાં રિંકુ-રિંકુના અવાજ સંભળાયો છે ત્યારે મને ખૂબ ખુશી થાય છે.”

મૅચનો રસપ્રદ વળાંક

ઇમેજ સ્રોત, Getty Images
એવું નથી કે માત્ર રિંકુસિંહે જ મૅચમાં કરિશ્માઈ પ્રદર્શન કર્યું હતું. કેકેઆર માટે રાણા અને રસેલના બેટમાંથી નીકળેલા શૉટ્સની કિંમત પણ ઓછી નહોતી.
માત્ર 26 રનમાં ત્રણ મહત્ત્વની વિકેટ લેનાર સ્પિનર વરુણ ચક્રવર્તીએ પણ પંજાબ કિંગ્સને રોકવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
રિંકુએ કેકેઆર માટે 10 બૉલમાં અણનમ 21 રન બનાવ્યા હતા, જ્યારે યુવા શાહરુખ ખાને પંજાબ માટે તેના કરતા બે બૉલ ઓછા રમીને એટલા જ રન બનાવ્યા હતા.
રિંકુ વિશે સૌથી વધુ ચર્ચા થવાનું સૌથી મોટું કારણ દબાણની સ્થિતિમાં ટીમ અને ચાહકોની અપેક્ષાઓ પર ખરા ઊતરવાનું છે.
જ્યારે રિંકુ ક્રીઝ પર આવ્યા હતા, ત્યારે કેકેઆરને જીતવા માટે 28 બૉલમાં 56 રનની જરૂર હતી. બીજા છેડે હાજર આંદ્રે રસેલ સિઝનમાં પ્રથમ વખત તેમની સ્થિતિ અનુસાર બેટિંગ કરી રહ્યા હતા.
કેકેઆરની ઇનિંગ્સની 19મી ઓવરમાં રસેલે સૅમ કરનના બૉલ પર ત્રણ છગ્ગા ફટકાર્યા હતા અને મૅચને લગભગ પોતાની પકડમાં લાવી દીધી હતી.

છેલ્લી ઓવરનો રોમાંચ

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લી ઓવરમાં જીતવા માટે માત્ર છ રન બનાવવાના હતા. રસેલે ઓવરના ચાર બૉલ રમ્યા અને માત્ર ત્રણ રન જ બનાવી શક્યા હતા. તે પાંચમા બૉલ પર રન મેળવવાનો પ્રયાસ કરતા રનઆઉટ થયા હતા.
આ એ સમય હતો જ્યારે પંજાબ કિંગ્સની ટીમને લાગ્યું હતું કે તે પરિસ્થિતિને પલટી શકે છે. અર્શદીપસિંહે પાંચ બૉલમાં માત્ર ચાર રન જ આપ્યા હતા.
છેલ્લા બૉલ પર જો તેઓએ રન રોક્યા હોત તો પંજાબ જીતી ગયું હોત. જો તેમણે એક રન આપ્યો હોત તો મૅચ સુપર ઓવરમાં ગઈ હોત. અર્શદીપ પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અનુભવ છે, પરંતુ 'અનકૅપ્ટડ' રિંકુ તેમના પર ભારે પડ્યા હતા.

રસેલે રિંકુ વિશે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
મૅચ બાદ રસેલને પણ સવાલ પૂછવામાં આવ્યો હતો કે જ્યારે જીતવા માટે માત્ર બે રનની જરૂર હતી, ત્યારે પાંચમા બૉલ પર એક રન લેવાનો પ્રયાસ કરવાનો શું અર્થ છે?
આ અંગે રસેલે કહ્યું હતું કે, "જ્યારે રિંકુ બીજા છેડે હોય ત્યારે મને ચિંતા નહોતી. મને તેમના પર વિશ્વાસ છે. અર્શદીપ વાઇડ યૉર્કર નાખી રહ્યા હતા, જે રમવાનું તેમના માટે સરળ હોય છે. હું ખુશ છું."
રસેલે કહ્યું હતું કે, "હું જાણું છું કે તેઓ શું કરી શકે છે. તેઓ આજે જ્યાં છે, તેના માટે તેમણે મહેનત કરીને માર્ગ બનાવ્યો છે. હાલ તેમની પાસે (ટીમના યોગદાન)માં આપવા માટે ઘણું બધું છે."
રસેલે રિંકુ વિશે કહ્યું હતું કે, "તે ખૂબ જ અનુશાસિત છે, મહેનતુ છે. હું હંમેશાં તેમની નજીક રહેવાનો પ્રયત્ન કરું છું. અમે સારા મિત્રો છીએ."
રાણાના કહેવા પ્રમાણે, રિંકુ એક એવા ખેલાડી છે જે પ્લાન મુજબ રમે છે.
રાણાએ કહ્યું હતું કે, "મેં રિંકુને કહ્યું હતું કે જો હું આઉટ થઈશ તો તારે છેલ્લા બૉલ સુધી બેટિંગ કરવી પડશે અને તેણે તે નિભાવ્યું પણ."

કમાલના આંકડા, જબરદસ્ત પ્રોત્સાહન

ઇમેજ સ્રોત, Getty Images
રિંકુસિંહ આઈપીએલ 2023માં કેકેઆર માટે શું કમાલ કરી રહ્યા છે, તે આંકડાઓ પરથી પણ સ્પષ્ટ થાય છે.
વર્તમાન સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બૅટ્સમૅનોની યાદીમાં તેઓ 10મા નંબર પર છે. તેમની આગળના નવ બૅટ્સમૅન ટૉપ ઑર્ડરમાં રમે છે.
રિંકુએ આઈપીએલની 11 મૅચમાં 56.16ની એવરેજથી 337 રન બનાવ્યા છે. તેમનો સ્ટ્રાઈક રેટ 151.12 છે. તેમણે બે અડધી સદી ફટકારી છે અને અત્યાર સુધીમાં 21 ચોગ્ગા અને 21 છગ્ગા ફટકાર્યા છે.
રિંકુ અનુસાર, "આવી ઈનિંગને કારણે (સોમવારની જેમ) લોકો તેમને ઓળખવા લાગ્યા છે."
આઇપીએલના 'શ્રેષ્ઠ ફિનિશર્સ' તરીકે ઓળખાતા રિંકુ કહે છે કે, "તેઓ આવી પરિસ્થિતિથી ટેવાયેલા છે. પાંચ, છ કે સાતમાં નંબર પર બેટિંગ કરે છે... (ત્યારે આવી જ સ્થિતિ ઊભી થાય છે)"
કેકેઆરએ મૅચના છેલ્લા બૉલ પર રિંકુના શૉટથી પંજાબ કિંગ્સ સામેની મૅચ જીતી હતી, જે તેમના માટે 'કરો યા મરો'ની સ્થિતિ હતી.
આ જીત બાદ કેકેઆરની પ્લેઑફમાં પહોંચવાની આશા વધી ગઈ છે. હવે તેમના ખાતામાં 10 પૉઈન્ટ છે અને ટીમ પાંચમા સ્થાને છે.
તો શું આગળનો તબક્કો પાર થશે, આ ટીમ કદાચ એ જ વિચારી રહી છે કે રિંકુસિંહે સોમવારે કહ્યું હતું, "સાચા દિલથી મહેનત કરો. બધું જ પ્રાપ્ત થશે."














