અમેરિકાનાં પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટને કર્યું કમલા હૅરિસનું સમર્થન - ન્યૂઝ અપડેટ

અમેરિકાનાં પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટને રાષ્ટ્રપતિપદ માટે કમલા હૅરિસનું સમર્થન કર્યું છે.

હિલેરી ક્લિન્ટન પણ ડેમૉક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિપદના ઉમેદવાર રહી ચુક્યાં છે.

હિલેરી ક્લિન્ટને સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, “હું કમલા હૅરિસને લાંબા સમયથી ઓળખું છું. તેઓ પ્રતિભાશાળી વકીલ છે. તેઓ દોષિત સાબિત થયેલા અપરાધી, ડોનાલ્ડ ટ્રમ્પ અને આપણી આઝાદી છીનવી લેવાના ‘પ્રોજેક્ટ 2025’ ઍજેન્ડા સામે લડશે. પરંતુ તેઓ આ કામ એકલાં નહીં કરી શકે.”

હિલેરી ક્લિન્ટને લોકોને આ ઐતિહાસીક લડાઈમાં કમલા હૅરિસનો સાથ આપવા અપીલ કરી છે.

વર્ષ 2016માં હિલેરી ક્લિન્ટન અમેરિકામાં કોઈ પ્રમુખ રાજકીય પક્ષ તરફથી રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણીની ઉમેદવારી કરનારાં પહેલા મહિલા ઉમેદવાર બન્યાં હતાં. તે વર્ષે અમેરિકાની રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં હિલેરી ક્લિન્ટનનો મુકાબલો રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે હતો. ટ્રમ્પ એ ચૂંટણી જીતી ગયા હતા.

હાર્દિકને બદલે સૂર્યકુમારને કૅપ્ટન કેમ બનાવ્યા, અજીત અગરકરે શું ખુલાસો કર્યો?

ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર અજીત આગરકરે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યકુમાર યાદવને શ્રીલંકા ટૂર માટે ભારતીય ટી20 ટીમના કૅપ્ટન બનાવવાનાં કારણો વિશે વાત કરી.

આગરકરે કહ્યું કે સૂર્યાને કૅપ્ટન એટલા માટે બનાવવામાં આવ્યા કારણકે તેઓ યોગ્ય ઉમેદવાર છે. તેમની પાસે જબરદસ્ત ક્રિકેટિંગ બ્રેઇન છે. તેમણે વધુમાં કહ્યું કે તેઓ દુનિયામાં શાનદાર બૅટ્સમૅનો પૈકીના એક છે.

આગરકરે હાર્દિક પંડ્યા વિશે કહ્યું કે તેઓ મહત્ત્વપૂર્ણ ખેલાડી છે જેમની પ્રતિભા મળવી મુશ્કેલ છે. તેમની ફિટનેસને લઈને સમસ્યા રહી છે અને સૂર્યાને કૅપ્ટન બનાવવા પાછળ આ વિચાર પણ છે.

તેમણે કહ્યું, “અમને એવા ખેલાડીની શોધ હતી જેઓ હરહંમેશ ઉપલબ્ધ રહે. સૂર્યા પાસે આ ગુણ છે. તેમની પાસે એ ગુણ છે જે એક કૅપ્ટન તરીકે સફળ હોવા માટે જોઈએ છે.”

ભાજપે મમતા બેનરજીને પૂછ્યું, ‘શું તમે ભારતને તોડવા માગો છો?’

બાંગ્લાદેશમાં અનામત મુદ્દે થયેલી હિંસા બાદ પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ આપેલા નિવેદનની ભાજપે ટીકા કરી છે.

ભાજપ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું છે કે "મમતા બેનરજીએ કહ્યું છે કે તેઓ બાંગ્લાદેશના લોકોને પશ્ચિમ બંગાળમાં શરણ આપશે પણ આ એ જ મમતા બેનરજી છે જેમણે સીએએ વેળા કહ્યું હતું કે તેઓ કોઈ હિન્દુ, શિખ, પારસી અને ખ્રિસ્તી શરણાર્થીને બંગાળમાં ઘૂસવા નહીં દે."

રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યું, “મમતાજીએ હંમેશા સીએએનો વિરોધ કર્યો છે. જ્યારે કે સીએએનો સંબંધ ભારતના નાગરિકો સાથે નહોતો. આજે તેઓ કહે છે કે અમે તેમને શરણ આપીશું, તો તેનો શો અર્થ છે?”

તેમણે વધુમાં કહ્યું, “મમતાજીને હું યાદ અપાવવા માગુ છું કે 1971 વખતે જે વિસ્થાપિતો ભારત આવ્યા હતા તેમને કેન્દ્ર સરકારે શરણ આપ્યું હતું પરંતુ મુખ્ય મંત્રી આ પ્રકારે શરણ આપવાની ઘોષણા કઈ રીતે કરી શકે? શું આપ ભારતને તોડવા માગો છે?”

ઉત્તર પ્રદેશ: મુઝફ્ફરનગરમાં દુકાનદારોનાં નામ લખવાના આદેશ પર સુપ્રીમ કોર્ટે વચગાળાની રોક લગાવી

કાવડ યાત્રાના રૂટ પર દુકાનદારોનાં નામ સાર્વજનિક રૂપે લખવા અંગેના મુઝફ્ફરનગર એએસપીના આદેશ પર સુપ્રીમ કોર્ટે વચગાળાની રોક લગાવી છે.

બીબીસી સંવાદદાતા ઉમંગ પોદ્દારે આપેલી માહિતી અનુસાર, જસ્ટિસ ઋષિકેશ રૉય અને જસ્ટિસ એસવીએન ભટ્ટીની બે જજોની ખંડપીઠે આ આદેશ આપ્યો છે.

આ સાથે જ પીઠે કાવડ યાત્રાના રૂટ પર દુકાનદારોના નામ સાર્વજનિક કરવાને લઈને મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સરકારને પણ નોટિસ આપી છે.

આ મામલે હવે પછીની સુનાવણી શુક્રવારે 25 જુલાઈના રોજ થશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તે આ આદેશને અમલમાં લાવવા પર રોક લગાવી રહી છે. અન્ય શબ્દોમાં કહીએ તો ખાવાનું વેચનાર લોકોએ એ દર્શાવવું જરૂરી છે કે તેઓ ક્યા પ્રકારનું ખાવાનું આપી રહ્યા છે. પરંતુ તેમના પર માલિક કે સ્ટાફનું નામ સાર્વજનિક કરવા અંગે દબાણ ન મૂકી શકાય.

બજેટ સત્ર પહેલાં વડા પ્રધાન મોદીએ કહ્યું- "વડા પ્રધાનના અવાજને દબાવવાની કોશિશ કરવામાં આવી છે"

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ સત્ર પહેલાં સંસદની બહાર કહ્યું કે ગત સંસદસત્ર દરમિયાન વિપક્ષે તેમનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો હતો.

વડા પ્રધાન મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે "60 વર્ષ બાદ કોઈ સરકાર સતત ત્રીજી વખત સત્તામાં આવી છે અને ત્રીજા સત્રનું પહેલું બજેટ રજૂ કરી રહી છે."

તેમણે કહ્યું કે, "આ બજેટ અમૃતકાળનું મહત્ત્વપૂર્ણ બજેટ છે. આ બજેટ આગામી પાંચ વર્ષ માટે અમારા કામની દિશા નક્કી કરશે. આ બજેટ 2047માં વિકસિત ભારતના આમારા સપનાનો પાયો નાખશે."

વડા પ્રધાને કહ્યું કે તમામ દેશવાસીઓ માટે એ ગર્વની વાત છે કે ભારત મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશોમાં સૌથી ઝડપથી વિકસતો દેશ છે.

તેમણે કહ્યું કે, "હું દેશના તમામ સાંસદોને વિનંતી કરવા માંગુ છું કે આપણે જે લડાઈ લડવાની હતી તે લડી લીધી, જનતા એ જનાદેશ આપી દીધો છે, હવે આપણે આવનારાં પાંચ વર્ષ માટે દેશ માટે લડવાનું છે."

તેમણે કહ્યું કે, "હું તમામ પક્ષોને કહેવા માંગુ છું કે આગામી ચૂંટણી સુધી આપણે જનભાગીદારીનું આંદોલન ઊભું કરવું જોઈએ અને દેશના ખેડૂતો, મહિલાઓ, ગરીબો અને યુવાનોના સશક્તિકરણ માટે તમારી તમામ તાકાતનો ઉપયોગ કરો."

વડા પ્રધાનએ કહ્યું કે, "હું અફસોસ સાથે કહેવા માગું છું કે કેટલાક સાંસદોને તેમના મુદ્દા રજૂ કરવાની તક મળી નથી કારણ કે કેટલાક રાજકીય પક્ષોએ તેમની રાજકીય નિષ્ફળતાઓ ઢાંકવા માટે દેશની સંસદના મહત્ત્વપૂર્ણ સમયનો દુરુપયોગ કર્યો છે."

તેમણે કહ્યું કે, "નવી સંસદની રચના બાદ પ્રથમ સત્રમાં ચૂંટાયેલી સરકારનો અવાજ દબાવવાનો અલોકતાંત્રિક પ્રયાસ કરવામાં આવ્યો. 2.5 કલાક સુધી દેશના વડા પ્રધાનનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લોકશાહી પરંપરાઓમાં આને કોઈ સ્થાન ન હોઈ શકે."

તેમણે કહ્યું કે દેશવાસીઓએ અમને અહીંયા દેશ માટે મોકલ્યા છે, દળ માટે નથી મોકલ્યા, આ સદન દળ માટે નથી, દેશ માટે છે.

ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસના 13 નવા શંકાસ્પદ કેસો નોંધાયા, પાંચનાં મોત

ગુજરાતના સ્વાસ્થ્ય વિભાગે જાણકારી આપી હતી કે રાજ્યમાં રવિવારે શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસના 13 કેસો નોંધાયા હતા, જ્યારે શંકાસ્પદ વાઇરસને કારણે પાંચ લોકોના મોત થયા હતા.

ઇકોનૉમિક ટાઇમ્સ અખબાર અનુસાર સમાચાર એજન્સી પીટીઆઈના એક અહેવાલ પ્રમાણે, આ 13 નવા કેસો સાથે રાજ્યમાં ચાંદીપુરના કુલ કેસોની સંખ્યા 84 પહોંચી ગઈ છે, જ્યારે મૃત્યુઆંક 32 સુધી પહોંચી ગયો.

રવિવારે નોંધાયેલા 13 નવા શંકાસ્પદ કેસો પૈકી બે કેસ અમદાવાદ, અરવલ્લી અને બનાસકાંઠામાં બે-બે કેસો નોંધાયા છે. જ્યારે સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, મહેસાણા, નર્મદા, વડોદરા અને રાજકોટમાં એક-એક નવા કેસો નોંધાયા છે.

ગુજરાત સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસને કારણે બનાસકાંઠામાં બે અને મહિસાગર, ખેડા અને વડોદરમાં એક-એક મૃત્યુ નોંધાયા હતા.

પુણેસ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલોજીએ શનિવારે ગુજરાતમાં ચાંદીપુરાના નવ કેસોની પુષ્ટિ કરી હતી.

સ્વાસ્થ્ય વિભાગે નિવેદનમાં જણાવ્યું કે સ્વાસ્થ્ય વિભાગની ટીમોએ 19 હજાર ઘરોની આસપાસ સર્વે કર્યો હતો અને અસરગ્રસ્ત વિસ્તારોના એક લાખ 16 હજાર ઘરોમાં દવા છાંટવામાં આવી છે.

સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે રેપિડ રિસ્પૉન્સ ટીમ દરેક કેસને તપાસી રહી છે અને લોકોને વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

બાંગ્લાદેશમાં તણાવની વચ્ચે પાંચ હજારથી વધારે વિદ્યાર્થીઓને સુરક્ષિત ભારત લવાયા

ભારતના વિદેશ મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે, બાંગ્લાદેશથી ચાર હજાર 500થી વધારે વિદ્યાર્થીઓને ભારત લવાયા છે.

વિદેશ મંત્રાલયના એક નિવેદન પ્રમાણે, ભારતીય વિદ્યાર્થીઓની સાથે નેપાળના 500, ભૂટાનના 38 અને માલદીવના એક વિદ્યાર્થીને પણ સુરક્ષિત ભારત લવાયા હતા.

બાંગ્લાદેશસ્થિત ભારતીય દૂતાવાસ ત્યાં ફસાયેલા વિદ્યાર્થીને સુરક્ષિત રીતે ભારત લાવવા માટે વ્યવસ્થા કરી રહ્યું છે.

ભારતીય દૂતાવાસે આપેલી માહિતી પ્રમાણે, છેલ્લા બે દિવસોમાં ભારતે પાંચ હજારથી વધારે વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ભારત પહોંચાડ્યા છે.

જે વિદ્યાર્થીઓ હજુ પણ બાંગ્લાદેશમાં છે તેની સાથે દૂતાવાસના અધિકારીઓ સતત સંપર્ક કરી રહ્યા છે.

બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત વ્યવસ્થા વિરુદ્ધ વિદ્યાર્થીઓના પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસાની ઘટનાઓને કારણે ત્યાં સ્થિતિ તણાવપૂર્ણ છે. ત્યારબાદ ભારત સરકારે ભારતીય વિદ્યાર્થીઓને દેશ પરત ફરવાની સલાહ આપી હતી.

બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં 100થી વધારે લોકોનાં મોત થયાં હતાં.

બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે રવિવારે અનામતની આ વ્યવસ્થામાં ફેરફાર કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે બાંગ્લાદેશમાં 1971ના સ્વતંત્રતા આંદોલનમાં સામેલ સૈનિકોના પરિવારોને મળતા 30 ટકા અનામતને ઘટાડીને પાંચ ટકા કરી દીધું હતું.

વિદ્યાર્થીઓ આ અરક્ષણને ખતમ કરવાની માંગણી કરી રહ્યા હતા.

હસન અલી : ભારત નહીં આવે તો અમે તેમના વગર રમીશું

પાકિસ્તાન 2025માં આઈસીસી ચૅમ્પિયનશ ટ્રૉફીની યજમાની કરવા માટે તૈયાર છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા રાજકીય તણાવને કારણે ભારત પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તેવા સમાચારો સામે આવી રહ્યા છે. આ કારણે આયોજકોને મોટો ફટકો લાગી શકે છે.

ભારત પાકિસ્તાન પ્રવાસ નહીં કરે એવા અહેવાલો પર પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડી હસન અલીએ તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે અમે ભારતની વગર જ રમીશું.

સમા ટીવી સાથે વાત કરતા તેમણે કહ્યું, “અમે જેમ ભારત રમવા માટે જઇએ છીએ તેમ તેમને પણ પાકિસ્તાન આવવું જોઇએ. ઘણા લોકોએ અગણિત વાર કહ્યું છે કે રમતને રાજકારણથી દૂર રાખવું જોઇએ. તમે બીજી નજરે જોશો તો કેટલાય ભારતીય ખેલાડીઓ પણ પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે તેઓ પાકિસ્તાનમાં રમવા ઇચ્છે છે.”

હસન અલીએ કહ્યું કે ભારતીય ટીમ તો પાકિસ્તાન આવીને રમવા માંગે છે, પરંતુ ટીમને પોતાના દેશ અને બોર્ડના નિર્ણય વિશે પણ જોવું પડશે.

આઈસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફીની શરૂઆત 19 ફેબ્રુઆરી 2025થી શરૂ થષે અને નવ માર્ચ 2025નાં રોજ ફાઇનલ રમાશે. ચૅમ્પિયનશ ટ્રૉફીનો ફાઇનલ મુકાબલો લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે.

અંગ્રેજી સમાચાર પત્ર ધી હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, બીસીસીઆઈએ કથિતપણે ભારતના મૅચો દુબઈ અથવા શ્રીલંકા શિફ્ટ કરવા માટે માંગણી કરશે.

આ અહેવાલો પર પ્રતિક્રિયા આપતા પાકિસ્તાનના ક્રિકેટર હસન અલીએ કહ્યું કે જો ભારત પાકિસ્તાન આવવાની ના પાડે છે તો ભારત વગર જ આ ટુર્નામેન્ટ થશે.