મ્યાનમાર: ભયંકર તબાહીમાં મુશ્કેલ બનેલા રાહત કાર્ય માટે ભારત સહિત દુનિયાના કેટલાય દેશોથી મદદ પહોંચી

ઇમેજ સ્રોત, Getty Images
મ્યાનમારમાં શુક્રવારે આવેલા ભયાનક ભૂકંપ બાદ થયેલી તબાહીને જોતાં દુનિયાભરના દેશના બચાવદળો મદદ માટે પહોંચી રહી છે.
મ્યાનમારને મદદ મોકલનારા દેશોમાં અમેરિકા, ચીન, રશિયા, ભારત, મલેશિયા, હૉંગકૉંગ, ફિલિપાઇન્સ, વિયતનામ, ઇંડોનેશિયા, આયરલૅન્ડ, દક્ષિણ કોરિયા અને ન્યૂઝીલૅન્ડ સામેલ છે.
હૉંગકૉંગથી સર્ચ અને રેસ્ક્યુ ડૉગ્સ, ખાસ પ્રકારનાં ઉપકરણો અને લાઇફ ડિટેક્ટર સાથે 51 લોકોની ટીમ રવિવારે મ્યાનમાર પહોંચી હતી.
મલેશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું કે તે રાહત કાર્યો માટે મ્યાનમારમાં 50 લોકોની ટીમ મોકલશે.
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અનુસાર 118 સભ્યોની ઇન્ડિયન આર્મી ફીલ્ડ હૉસ્પિટલ યુનિટ અને રાષ્ટ્રીય આપદા પ્રતિક્રિયા દળ (એનડીઆરએફ)ની 80 સભ્યોની ટીમ મ્યાનમાન મોકવામાં આવી છે.
ભારતીય નેવીના જહાજ આઈએનએસ સતપુરા અને આઈએનએસ સાવિત્રી મારફતે 40 ટન માનવીય સહાયતા મોકલવામાં આવી છે.
માંડલે પાસે 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, બચાવકાર્યમાં મુશ્કેલી વધી
મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર માંડલે પાસે રવિવારના દિવસે ફરીથી ભૂકંપ આવ્યો.
દુનિયામાં ભૂકંપ પર નજર રાખનાર યુએસ જિયોલૉજિકલ સરવે અનુસાર માંડલેના ઉત્તર-પશ્ચિમમાં 28 કિલોમીટર (17.4 માઇલ) દૂર, મટ્ટારા ટાઉનશિપમાં, 5.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મટ્ટારા પાસે અમરપુરાના એક નિવાસીએ બીબીસી બર્મીઝે જણાવ્યું કે 28 માર્ચના આવેલા ભૂકંપ પછી આ સૌથી શક્તિશાળી ભૂકંપ હતો.
જણાવી દઈએ કે મ્યાનમારમાં કાલે અડધી રાત્રે 4.2 તીવ્રતાનો એક વધુ ભૂકંપ નોંધાયો હતો.
તાજેતરમાં આવેલા ભૂકંપના કારણે બચાવકાર્ડમાં મુશ્કેલી આવી રહી છે.
આ દરમિયાન મ્યાનમારમાં ભૂકંપથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધી ગઈ છે. મ્યાનમારના સૈન્ય પ્રમુખે જણાવ્યું કે લગભગ 1,700 લોકોનાં મૃત્યુ થયાં છે અને લગભગ 3,400 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
મ્યાનમારમાં ભૂકંપ બાદ હવે કેવી સ્થિતિ છે, હાથેથી કાટમાળ હઠાવવા કેમ મજબૂર છે લોકો?

ઇમેજ સ્રોત, MANAN VATSYAYANA/AFP via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મ્યાનમાર અને થાઇલૅન્ડમાં આવેલા ભૂકંપને લગભગ બે દિવસ થઈ ચૂક્યા છે.
અત્યાર સુધી મ્યાનમારમાં આ ભયાનક આપત્તિમાં 1600 કરતાં વધુ લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.
બીજી તરફ થાઇલૅન્ડના પાટનગર બૅંગ્કોકમાં તૂટી પડેલી હાઇ રાઇઝ ઇમારતમાં શનિવારે 12 મૃતદેહો મળી આવ્યા હતા.
આ સાથે જ થાઇલૅન્ડમાં પણ ભૂકંપમાં થયેલા મૃત્યુનો આંક વધીને 17 થઈ ગયો હતો.
રવિવારે સવારે સંયુક્ત રાષ્ટ્રે મેડિકલ સપ્લાયની ભારે કમી હોવાની વાત કહી. જેના કારણે આપત્તિનો સામનો કરવામાં વધુ મુશ્કેલી પડી રહી છે.
બચાવકર્મીઓ કાટમાળની નીચે ફસાયેલા લોકોને કાઢવાના પ્રયાસમાં લાગેલા છે.
મ્યાનમારના સરકારી મીડિયાએ જણાવ્યું છે કે ચાઇનીઝ દૂતાવાસનું કહેવું છે કે ભૂકંપના કારણે તેના 12 નાગરિક ઘાયલ થયા છે.
અહીં નોંધનીય છે કે મ્યાનમાર અને થાઇલૅન્ડમાં પણ મૃતકો અને ઘાયલોની સંખ્યામાં વધારો થઈ શકે છે.
મ્યાનમારની મિલિટરી કાઉન્સિલે જણાવ્યું છે કે શુક્રવારે આવેલા શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 1644 થઈ ગઈ છે.
સૈન્યનેતાઓએ જણાવ્યું કે ભૂકંપમાં ઈજાગ્રસ્તોનો આંકડો પણ વધીને 3408 સુધી પહોંચી ગયો છે, તેમજ 139 લોકો હજુ પણ ગુમ છે.
ભૂકંપના કેન્દ્રની સૌથી નિકટના શહેર માંડલેમાં જ અત્યાર સુધી 694 કરતાં વધુ લોકોનાં મૃત્યુ થઈ ગયા છે. તેમજ પાટનગર નેપીડૉમાં 94 લોકોનાં મૃત્યુ થયાં છે.
મ્યાનમારમાં શુક્રવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 7.7 હતી. આ ભૂકંપના આંચકા પાડોશી દેશ થાઇલૅન્ડના પાટનગર બૅંગ્કોક સુધી અનુભવાયા હતા.
મ્યાનમાર : હાથેથી કાટમાળ હઠાવવા મજબૂર લોકો

ઇમેજ સ્રોત, Getty Images
ભૂકંપના આંચકાથી સેંકડો માઇલ દૂર થાઇલૅન્ડના પાટનગર બૅંગ્કોકમાં એક 30 માળની નિર્માણાધીન ઇમારત તૂટી પડી હતી. જેના કાટમાળ નીચે હજુ પણ મજૂરો ફસાયા હોવાની આશંકા છે.
યુએસ જિયૉલૉજિકલ સર્વે અનુસાર મ્યાનમારમાં ભૂકંપના પ્રથમ આંચકાની 12 મિનિટ બાદ જ બીજો આંચકો આવ્યો. બીજા ભૂકંપની તીવ્રતા 6.4 હતી. આ ભૂકંપનું કેન્દ્ર સાગાઇંગથી 18 કિમી દક્ષિણમાં હતું.
મ્યાનમારના બીજા મોટા શહેર માંડલેમાં બચાવદળના એક કર્મચારીએ બીબીસીને જણાવ્યું કે ભૂકંપથી ભારે બાહી થઈ છે અને સેંકડો લોકોનાં મૃત્યુ થયાંની આશંકા છે.
સમાચાર એજન્સી એપી અનુસાર, અમેરિકન જિયૉલૉજિકલ સર્વે અને જર્મનીના જીએફઝેડ સેન્ટર ફૉર જિયૉસાયન્સે કહ્યું છે કે ભૂકંપનું મ્યાનમારમાં હતું.

ઇમેજ સ્રોત, Getty Images
કેટલાક વિસ્તારોમાં બચાવકાર્યમાં લાગેલા લોકોએ બીબીસીને જણાવ્યું હતું કે તેમની પાસે કાટમાળ હઠાવીને લોકોને બચાવવા માટે કોઈ મશીનરી કે સાધન નથી, તેઓ પોતાના હાથ વડે જ કાટમાળ હઠાવવા મજબૂર છે.
મ્યાનમારમાં ભૂકંપે માંડલેમાં ભયાનક દૃશ્યો સર્જ્યાં છે.
નોંધનીય છે કે માંડલે એ એક ઐતિહાસિક પાટનગર હોવા ઉપરાંત મ્યાનમારનું બીજું સૌથી મોટું શહેર છે.
મશીનરી અને સાધનોની અછત, બિનકાર્યક્ષમ કૉમ્યુનિકેશન નેટવર્ક અને તૂટી ગયેલા રોડ-રસ્તા અને બ્રિજોને કારણે રાહતબચાવકાર્યમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી હોવાના અહેવાલ છે.
શુક્રવારથી જ દેશમાં રાહતબચાવકાર્ય ચાલી રહ્યું છે, તેમજ વિદેશી મદદ પણ હવે દેશમાં પહોંચવા લાગી છે. જોકે, હજુ સુધી ભૂકંપથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં આ મદદ પહોંચી નથી. આના કારણે સામાન્ય લોકો ફસાયેલા લોકોને બચાવવા માટે ખાલી હાથે જ જોતરાવા મજબૂર બન્યા છે.
ભારતે મોકલી મદદ

ઇમેજ સ્રોત, ANI
મ્યાનમારમાં આવેલા ભૂકંપ બાદ ભારત ઑપરેશન બ્રહ્મા અંતર્ગત મદદ મોકલી રહ્યું છે. ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરના જણાવ્યા પ્રમાણે 118 સભ્યોવાળી ઇન્ડિયન આર્મી ફિલ્ડ હૉસ્પિટલ યૂનિટ આગરાથી માંડલે માટે શનિવારે રવાના થઈ હતી.
આ ટીમ મ્યાનમારના લોકોનો ફર્સ્ટ એડ અને ઇમર્જન્સી મેડિકલ સેવા આપવામાં મદદ કરશે
ભારતીય નેવીના જહાજ આઇએનએસ સતપુરા અને આઇએનએસ સાવિત્રી દ્વારા 40 ટન માનવીય સહાય મોકલવામાં આવી છે.
મ્યાનમારમાં બચાવકાર્યમાં મદદ માટે ભારત તરફથી શનિવારે એનડીઆરએફની 80 સભ્યોની ટીમ મ્યાનમાર રવાના થઈ છે.
આ સિવાય ભારતીય વાયુસેનાના સી-130 વિમાનમાંથી ધાબળો, સ્વચ્છતા કિટ, સ્લીપિંગ બૅગ, સોલર લેમ્પ, ફૂડ પૅકેટ અને કિચન સેટ મ્યાનમાર મોકલવામાં આવ્યો છે.
અમેરિકન જિયૉલૉજિકલ સર્વે પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર ધરતીમાં દસ કિલોમીટર નીચે હતું.
ભૂકંપનું કેન્દ્ર બર્માના માંડલે શહેર પાસે હતું. તસ્વીરોમાં જોવા મળી રહ્યું છે કે ઇરાવજી નદી પર બનેલો વિશાળ પુલ તૂટી પડ્યો છે. મ્યાનમારની રાજધાની નેપિડોમાં રસ્તાઓ પર તિરાડો પડી છે.
જ્યારે થાઇલૅન્ડની રાજધાની બૅંગ્કોકમાં ભૂકંપના ઝટકા બાદ ધરાશાયી થઈ રહેલી ઇમારતોથી લોકો દૂર ભાગતા જોવા મળી રહ્યાં છે.
એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ઇમારતના સ્વિમિંગ પુલના પાણીમાં ઊંચી લહેરો ઊઠી રહી છે. સરકાર એક ઇમર્જન્સી મિટિંગ કરી રહી છે.
બૅંગ્કોકમાં તબાહી

ઇમેજ સ્રોત, Reuters
એમ પણ જણાવાઈ રહ્યું છે કે ભૂકંપના આંચકાઓ દક્ષિણપશ્ચિમ ચીનના યૂન્નાન પ્રાંત સુધી અનુભવાયા છે. કેટલીક તસ્વીરોમાં એક મોટો પુલ મ્યાનમારની મુખ્ય નદી ઇરાવજી નદીમાં પડી રહ્યો છે.
થાઇલૅન્ડની રાજધાની બૅંગ્કોક મ્યાનમારના ભૂકંપના કેન્દ્રવાળી જગ્યાથી અંદાજે 100 કિલોમીટર દૂર છે. જોકે, અહીં પણ એટલો જોરદાર આંચકો અનુભવાયો છે કે એક ઇમારત ધરાશાયી થયાના સમાચાર છે.
પોલીસે જણાવ્યું કે અહીં કેટલાય લોકો કાટમાળ નીચે દબાયેલા છે.
મ્યાનમારમાં ભૂકંપનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Reuters
મ્યાનમારમાં થાઇલૅન્ડની સરખામણીએ વધારે ભૂકંપ આવે છે. એએફપી ન્યૂઝ એજન્સી પ્રમાણે, અમેરિકન જિયૉલૉજિકલ સર્વેના રિપોર્ટ મુજબ વર્ષ 1930થી 1956 દરમિયાન સાગેંગ ફૉલ્ડ પાસે 7.0ની તીવ્રતાના છ ભૂકંપ આવ્યા હતા.
આ ફૉલ્ટ દેશની મધ્યમાંથી પસાર થાય છે. થાઇલૅન્ડ ભૂકંપ ઝોન નથી અને અહીં અનુભવાયેલા ભૂકંપનું કેન્દ્ર મ્યાનમાર છે.
બૅંગ્કોકમાં ભૂકંરપ્રુફ ટેકનિકનો ઉપયોગ નથી થતો એટલે અહીં નુકસાન વધારે થાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












