નેપાળમાં અચાનક એવું શું થયું કે લોકો રાજાશાહી માટે રસ્તા પર ઊતરી આવ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
શુક્રવારે નેપાળમાં રાજાશાહી સમર્થકો દ્વારા એક મોટું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન, કાઠમંડુમાં પ્રદર્શનકર્તાઓએ ઘણી જગ્યાએ તોડફોડ અને આગચંપીનો સહારો પણ લીધો છે.
પોલીસ અને વિરોધપ્રદર્શન વચ્ચે થયેલી હિંસક અથડામણમાં એક પત્રકાર સહિત બે લોકોનાં મોત થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયા હતા.
આ પ્રદર્શન રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી (RPP) દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું જેને નેપાળના ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહનું સમર્થન છે અને આ પાર્ટી દેશમાં રાજાશાહી સ્થાપિત કરવાની માંગ કરી રહી છે.
બીબીસી નેપાળી સેવા અનુસાર, કાઠમંડુ પોલીસે આરપીપીના મહાસચિવ અને સાંસદ ધવલ શમશેર રાણા અને પાર્ટીના વરિષ્ઠ ઉપપ્રમુખ રવીન્દ્ર મિશ્રા સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે.
નેપાળ પોલીસના ડીઆઈજી દિનેશ આચાર્યએ જણાવ્યું હતું કે રાજાશાહી તરફી પ્રદર્શનમાં સામેલ થવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી. પ્રદર્શન દરમિયાન કાઠમંડુના તિનકુનેમાં ભારે હિંસા થઈ હતી.
સરકારે રાજાશાહી તરફી વિરોધપ્રદર્શનોની કડક ટીકા કરી છે.
બીબીસી નેપાળી સેવા અનુસાર, શુક્રવારે મળેલી કૅબિનેટની બેઠકમાં વિરોધપ્રદર્શન દરમિયાન થયેલી તોડફોડ, આગચંપી, લૂંટફાટ અને મૃત્યુની તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
નેપાળ સરકારના પ્રવક્તા પૃથ્વી સુબ્બા ગુરુંગે જણાવ્યું હતું કે વડા પ્રધાનના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં ઘાયલોને મફત સારવાર આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કાઠમંડુમાં કેટલીક જગ્યાએ શનિવાર સવાર સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો.
પોલીસે કહ્યું છે કે શનિવાર સવારથી કાઠમંડુ ખીણમાં પરિસ્થિતિ સામાન્ય છે.
હાલમાં પરિસ્થિતિ કેવી છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસી નેપાળી સેવા અનુસાર, પોલીસે જણાવ્યું હતું કે શનિવાર સવાર સુધીમાં કાઠમંડુમાં પરિસ્થિતિ સામાન્ય થઈ રહી હતી.
એડિશનલ ચીફ ડિસ્ટ્રિક્ટ ઑફિસરે બીબીસી નેપાળી સેવાને જણાવ્યું હતું કે, "શનિવાર સવારથી કર્ફ્યૂ પણ ઉઠાવી દેવામાં આવ્યો છે. જોકે, આનો અર્થ એ નથી કે સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે. આ એક સચેતતા માટેનો નિર્ણય છે."
શુક્રવારની હિંસાથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન વહીવટીતંત્ર કરી રહ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારના વિરોધપ્રદર્શન દરમિયાન 53 પોલીસકર્મીઓ અને 24 સશસ્ત્ર દળોના સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા.
નેપાળી પોલીસનું કહેવું છે કે, 'વિરોધ કરનારા લોકોએ આગચંપી, તોડફોડ અને લૂંટફાટનો આશરો લીધો હતો.'
જોકે, રાજાશાહીની પુનઃસ્થાપનાના સમર્થકો દ્વારા રચાયેલી યુનાઇટેડ પીપલ્સ મૂવમેન્ટ કમિટીએ શાંતિપૂર્ણ પ્રદર્શન દરમિયાન પોલીસ પર અતિશય બળપ્રયોગનો આરોપ લગાવ્યો હતો.
સમિતિના કન્વીનર નવરાજ સુબેદીએ શનિવારે એક નિવેદન બહાર પાડીને દાવો કર્યો હતો કે "પોલીસ દમનને કારણે આ અપ્રિય ઘટના બની છે."
નવરાજ સુબેદીએ કહ્યું હતું કે તેમને નજરકેદ કરવામાં આવ્યા છે.
પોલીસ દુર્ગા પ્રસાઈને શોધી રહી છે

ઇમેજ સ્રોત, EPA
બીબીસી નેપાળી સેવા અનુસાર, નેપાળના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે રાજાશાહી તરફી પ્રદર્શનમાં અંદાજે 10 હજારથી 12 હજાર લોકો એકઠા થયા હતા.
ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ છબી રિજાલે જણાવ્યું હતું કે સુરક્ષા એજન્સીઓનો અંદાજ છે કે ભૃકુટીમંડપ ખાતે તે જ દિવસે યોજાયેલા સોશિયાલિસ્ટ ફ્રન્ટના પ્રદર્શનમાં લગભગ 35 હજાર લોકો એકઠા થયા હતા.
શુક્રવારે, તિનકુને અને ભૃકુટી મંડપોમાં પાંચ હજાર સુરક્ષા કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા હતા.
મીડિયા અહેવાલોમાં જણાવાયું છે કે વિરોધીઓએ તિનકુનેમાં અનેક ઘરોમાં તોડફોડ કરી, એક ઘરને આગ લગાવી અને આલોકનગરમાં કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ નેપાળ (યુનાઇટેડ સોશિયાલિસ્ટ) પાર્ટી ઑફિસમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો.
વિરોધીઓએ પેરિસદંદામાં કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ નેપાળ (માઓઇસ્ટ સેન્ટર) ના કાર્યાલયમાં ઘૂસવાનો પણ પ્રયાસ કર્યો અને અનેક સરકારી વાહનોને આગ ચાંપી દીધી.
મંત્રાલયની પત્રકાર પરિષદમાં બોલતા રિજાલે કહ્યું, "દુર્ગા પ્રસાઈએ આંદોલનનું નેતૃત્વ કર્યું હોવાથી, તેઓ જ મુખ્યત્વે આ ઘટના માટે જવાબદાર છે. જે પણ નુકસાન થયું હોય તેની સંપૂર્ણ જવાબદારી આયોજકોએ લેવી જોઈએ."
તેમણે કહ્યું કે 'રાજાશાહી સમર્થકોએ તિનકુને વિસ્તારમાં અનેક ખાનગી ઘરોમાં તોડફોડ કરી અને એક હર્બલ પ્રોસેસિંગ ફેકટરી અને તેના પરિસરમાં હાજર વાહનોને આગ ચાંપી દીધી.'
તેમણે કહ્યું, "તેમણે (રાજશાહી સમર્થકોએ) નેપાળના બંધારણમાં આપવામાં આવેલા સ્વતંત્રતાના અધિકારનો દુરુપયોગ કર્યો. પ્રદર્શનકારી નેતા દુર્ગા પ્રસાઈએ પોલીસ બૅરિકેડમાં તોડીને કાર ચલાવી હતી. એવું લાગતું હતું કે તેમનો ઇરાદો સુરક્ષાદળોને મારવાનો હતો. ત્યાર પછી જ પરિસ્થિતિ વધુ વણસી."
એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં દુર્ગા પ્રસાઈ કારને ઝડપથી ચલાવતા અને બૅરિકેડ તોડવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.
આમાં તેઓ બૅરિકેડ તોડીને વિરોધીઓને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરતા પણ જોવા મળ્યા હતા.
આ વિરોધ પ્રદર્શનના એક દિવસ પહેલાં, પ્રસાઈ ગુરુવારે ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહને મળ્યા હતા અને રાજાશાહી અને 'હિન્દુ રાજ્યની સ્થાપના'ને તેમનો 'ધર્મ' ગણાવ્યો હતો.
રાજાશાહી સમર્થકોને કમાન્ડર પ્રસાઈને શોધી રહ્યા છે, પરંતુ તેઓ લાપતા છે.
રાજાશાહી પુનઃસ્થાપિત કરવાની ચળવળ શા માટે શરૂ થઈ?

ઇમેજ સ્રોત, Getty Images
રાજકીય અસ્થિરતા વચ્ચે, નેપાળમાં છેલ્લા કેટલાક સમયથી રાજાશાહીની પુનઃસ્થાપના માટે ગતિવિધિઓ વધી રહી છે.
છેલ્લા કેટલાક દિવસોમાં, આવી ઘણી રેલીઓ અને દેખાવો થયા છે જેમાં રાજાશાહીને નેપાળમાં પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી હતી. તાજેતરમાં, નેપાળના ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્રની સક્રિયતા પણ જોવા મળી છે.
આ મહિને 5 માર્ચે, રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીએ કાઠમંડુમાં એક બાઇક રેલીનું આયોજન કર્યું હતું જેમાં લોકોએ નેપાળના રાષ્ટ્રધ્વજ સાથે ભાગ લીધો હતો.
6 માર્ચના રોજ, જ્ઞાનેન્દ્રએ પોખરામાં ભૂતપૂર્વ રાજા બિરેન્દ્રની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું જ્યારે હાજર સેંકડો લોકોએ રાજાશાહીનું રાષ્ટ્રગીત ગાયું હતું.
નેપાળમાં લોકશાહી આવ્યા પછી જ્ઞાનેન્દ્ર બીર બિક્રમ શાહ ભાગ્યે જ આ રીતે જાહેરમાં જોવા મળ્યા હતા. કેટલાક ખાસ પ્રસંગોએ તેઓ ખૂબ જ ઔપચારિક નિવેદનો આપતા હતા.
9 માર્ચે, તેઓ પોખરાથી કાઠમંડુ પહોંચ્યા, જ્યાં તેમના સ્વાગત માટે હજારો લોકોની ભીડ એકઠી થઈ હતી.
એ જ ભીડમાં એક વ્યક્તિ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ફોટા સાથે જ્ઞાનેન્દ્રનો ફોટો લઈને ઊભો હતો.
શાસક કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ નેપાળ (યુનિફાઇડ માર્ક્સવાદી-લેનિનિસ્ટ) ની કેન્દ્રીય સમિતિના સભ્ય વિષ્ણુ રિજાલે જ્ઞાનેન્દ્ર પર "રાજા બનવા માટે વિદેશીઓની દલાલી કરવાનો" આરોપ મૂક્યો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે નેપાળમાં લોકો સરકારથી ખૂબ જ નિરાશ છે અને આનાથી રાજાશાહીના સમર્થકોને તક મળી છે.
નેપાળમાં છેલ્લા કેટલાક દિવસોથી હિન્દુરાષ્ટ્રની માંગને લઈને હોબાળો મચી ગયો છે. માર્ચ 2023માં, નેપાળના જનકપુરમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા દરમિયાન હોબાળો થતાં સાંપ્રદાયિક તણાવ ફાટી નીકળ્યો હતો .

ઇમેજ સ્રોત, Getty Images
હકીકતમાં, જાનકી મંદિરની નજીક એક મસ્જિદ છે જ્યાં શોભાયાત્રામાં સામેલ લોકોએ હોબાળો મચાવ્યો હતો. નેપાળમાં આવું પહેલી વાર બન્યું. વહીવટીતંત્રે જણાવ્યું હતું કે આ શોભાયાત્રા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત કરવામાં આવી હતી.
માર્ચ 2023 માં બીબીસી સંવાદદાતા રજનીશ કુમારના અહેવાલ મુજબ , વરિષ્ઠ નેપાળી પત્રકાર સીકે લાલ કહે છે કે 2014 પછી નેપાળના મધેસ ક્ષેત્રમાં આરએસએસ અને હિન્દુત્વનું રાજકારણ વધુ મજબૂત બન્યું છે.
આ અહેવાલ મુજબ, જનકપુર વિભાગમાં હિન્દુ સ્વયંસેવક સંઘના કાર્યકર્તા રણજીત સાહે દાવો કર્યો હતો કે તેઓ નેપાળને ફરીથી 'હિન્દુ રાષ્ટ્ર' બનાવવા માંગે છે.
યોગી આદિત્યનાથનો નેપાળના તરાઈ ક્ષેત્રમાં પણ પ્રભાવ છે કારણ કે તેમનો મતવિસ્તાર ગોરખપુર નેપાળની સરહદની નજીક આવે છે.
વર્ષ 2018 માં, યોગી આદિત્યનાથ પણ એક વરઘોડા સાથે જનકપુર પહોંચ્યા હતા.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં, ભાજપ અને આરએસએસના નેતાઓ કાઠમંડુની ઘણી મુલાકાતો કરી રહ્યા છે.
માર્ચ 2023 માં, ભાજપના વિદેશી બાબતોના પ્રમુખ વિજય ચૌથાઈવાલેએ કાઠમંડુ અને નેપાળના દૂરના વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેઓ કાઠમંડુમાં ટોચના નેતાઓને મળ્યા.
ભાજપ વિદેશમાં 'ભાજપને જાણો' નામનો એક કાર્યક્રમ ચલાવી રહ્યું છે અને 2022માં, ભૂતપૂર્વ વડા પ્રધાન પ્રચંડે આવા જ એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
માઓવાદીઓ સાથેના દસ વર્ષના સંઘર્ષ દરમિયાન નેપાળમાં ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ હતી.
2007 માં, રાજકીય પક્ષો વચ્ચે 240 વર્ષ જૂની રાજાશાહીનો અંત લાવવા અને લોકશાહી અપનાવવા માટે સર્વસંમતિ બની હતી.
જોકે, ગૃહયુદ્ધના અંત પછી, બંધારણ નિર્માણની પ્રક્રિયા આઠ વર્ષ સુધી ચાલી અને તેના પ્રસ્તાવો પર લાંબી મડાગાંઠ રહી.
આ સમયગાળા દરમિયાન, બંધારણીય દરખાસ્તો સામે થયેલા મોટા વિરોધ પ્રદર્શનોમાં 40 થી વધુ લોકો માર્યા ગયા હતા. 20 સપ્ટેમ્બર, 2015 ના રોજ પણ, જ્યારે નવું ધર્મનિરપેક્ષ બંધારણ અમલમાં આવ્યું, ત્યારે કાઠમંડુમાં હિંસક વિરોધ પ્રદર્શન થયા હતા અને આ દરમિયાન એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
આખરે, નવું બંધારણ 2015 માં અમલમાં આવ્યું અને આ સાથે નેપાળ એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર બન્યું.
પરંતુ જ્યારથી નેપાળ એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર બન્યું છે, ત્યારથી નેપાળી કૉંગ્રેસના કેટલાક નેતાઓ હિન્દુ રાષ્ટ્રની પુનઃસ્થાપના માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે.
ગયા વર્ષે નેપાળી કૉંગ્રેસની જનરલ કમિટીની બેઠક પહેલાં , નેપાળને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માંગણીના મુદ્દાએ વધુ વેગ પકડ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












