આકાશ મધવાલ : એ ખેલાડી જેણે પાંચ રનમાં પાંચ વિકેટ લઈ લખનૌનું IPL જીતવાનું સપનું તોડી નાખ્યું

ઇમેજ સ્રોત, ANI
આકાશ મધવાલની શાનદાર બૉલિંગને કારણે મુંબઈ ઇન્ડિયન્સે લખનૌ સુપર જાયન્ટન્સને 81 રનથી હરાવ્યું હતું.
આ જીત સાથે મુંબઈ ઇન્ડિયન્સે બીજા ક્વૉલિફાયરમાં ગુજરાત ટાઇટન્સ સાથે રમવાનો હક મેળવી લીધો છે, જ્યારે લખનૌની યાત્રાનો અંત આવ્યો છે.
જીત માટે 183 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી લખનૌની ટીમ 16.3 ઓવરમાં માત્ર 101 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.
મુંબઈ તરફથી આકાશ મધવાલે માત્ર પાંચ રનમાં પાંચ વિકેટ લીધી હતી. તેમણે પ્રેરક માંકડ, આયુષ બડોની, નિકોલસ પૂરન, રવિ બિશ્નોઈ અને મોહસીન ખાનની વિકેટ લીધી હતી.

લખનૌની ઇનિંગ્સ

ઇમેજ સ્રોત, Getty Images
મુંબઈ સામે જીતવા માટે 183 રનના ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલી લખનૌની ટીમની શરૂઆત સારી રહી ન હતી.
બીજી ઓવરમાં આકાશ મધવાલે લખનૌને પહેલો ઝટકો આપ્યો હતો. તેમણે પ્રેરક માંકડ (3 રન)ને ઋતિક શૌકીનના હાથે કૅચઆઉટ કરાવ્યા હતા.
બીજા ઓપનર કાયલ માયર્સ ચોથી ઓવરમાં ક્રૅમરુન ગ્રીનને ક્રિસ જૉર્ડનના હાથે કૅચઆઉટ કરી દીધા હતા. માયર્સે 13 બૉલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 18 રન બનાવ્યા હતા. બીજી વિકેટ 23 રનના સ્કોર પર પડી હતી.
ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા કપ્તાન કૃણાલ પંડ્યા પણ મોટી ઇનિંગ્સ રમી શક્યા નહોતા. તેમણે માર્કસ સ્ટોઇનિસ સાથે ત્રીજી વિકેટ માટે 46 રન જોડ્યા હતા, પરંતુ આ ભાગીદારીમાં કૃણાલ પંડ્યાએ માત્ર આઠ રન જ બનાવ્યા હતા. તેમને પીયૂષ ચાવલાએ આઉટ કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દસમી ઓવરમાં આકાશ મધવાલે લખનૌને ચોથો ઝટકો આપ્યો હતો. તેમણે આયુષ બડોનીને આઉટ કર્યા હતા. તેઓ માત્ર એક રન બનાવી શક્યા હતા.
તેમણે બીજા બૉલ પર લખનૌને મોટો ઝટકો આપ્યો હતો. મધવાલે નિકોલસ પૂરનને ઈશાન કિશનના હાથે કૅચ આઉટ કરાવ્યા હતા અને તેઓ ખાતું પણ ખોલાવી શક્યા નહોતા.
હવે લખનૌની તમામ આશાઓ સ્ટોઇનિસ પર ટકી હતી. તેઓ 12મી ઓવરમાં રનઆઉટ થયા હતા. કૃષ્ણાપ્પા ગૌતમ અને દીપક હુડ્ડા પણ રનઆઉટ થયા હતા.
15મી ઓવરમાં લખનૌની ટીમે 100 રનના સ્કોર પર નવ વિકેટ ગુમાવી દીધી હતી. 17મી ઓવરમાં આકાશ મધવાલે તેમની પાંચમી વિકેટ લઈને લખનૌની ઇનિંગ્સને 101 રનમાં સમેટી લીધી હતી.

મુંબઈની ઇનિંગ્સ
આ પહેલાં મુંબઈએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં આઠ વિકેટે 182 રન બનાવ્યા હતા.
મુંબઈ તરફથી કૅમરુન ગ્રીને 41 અને સૂર્યકુમાર યાદવે 33 રન બનાવ્યા હતા. લખનૌ માટે નવીલ ઉલ હકે 38 રનમાં ચાર વિકેટ લીધી હતી.
તેમણે મુંબઈના કપ્તાન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, કૅમરુન ગ્રીન અને તિલક વર્માની વિકેટ લીધી હતી.

મુંબઈ ઇન્ડિયન્સ સામે લખનૌ સુપર જાયન્ટ્સ
- મુંબઈએ લખનૌને 81 રને હરાવ્યું
- મુંબઈ ઇન્ડિયન્સ: 182/8 (20 ઓવર), કૅમરુન ગ્રીન- 41 રન, નવીન ઉલ હક -38/4
- લખનૌ સુપર જાયન્ટ્સ: 101 /10 (16.3 ઓવર), માર્કસ સ્ટોઇનિસ -40 રન, આકાશ મધવાલ 5/5
- આકાશ મધવાલ મૅન ઑફ ધ મૅચ રહ્યા હતા

રોહિત-ઈશાનનું ન ચાલ્યું બૅટ

ઇમેજ સ્રોત, Getty Images
મુંબઈની શરૂઆત ખાસ રહી ન હતી. ઓપનિંગ કરવા આવેલા કપ્તાન રોહિત શર્મા અને તેમના ઓપનિંગ પાર્ટનર ઈશાન કિશન મોટી ઇનિંગ્સ રમી શક્યા ન હતા.
ઈશાને મૅચના પહેલા જ બૉલમાં ચોગ્ગો ફટકારીને સ્પષ્ટ કરી દીધું હતું કે મુંબઈ ઇન્ડિયન્સનો ગેમપ્લાન શું છે. લખનૌના કપ્તાન કૃણાલ પંડ્યા બૉલિંગ કરી રહ્યા હતા. બીજી ઓવરમાં કૃષ્ણાપ્પા ગૌતમ બૉલિંગ માટે આવ્યા હતા, આ ઓવરમાં ઈશાને બે ચોગ્ગા ફટકાર્યા હતા.
મુંબઈના કપ્તાન રોહિત શર્માએ ત્રીજી ઓવરમાં કૃણાલ પંડ્યાના બૉલ પર છગ્ગો ફટકારીને ખાતું ખોલ્યું હતું. આ ઓવરના ત્રીજા બૉલ પર રોહિતે સ્વીપ કરીને ચોગ્ગો ફટકાર્યો હતો. ગૌતમની ઓવરમાં કુલ 16 રન થયા હતા.
જોકે ત્યારબાદ રોહિત શર્મા લાંબો સમય સુધી ટકી શક્યા નહોતા. ચોથી ઓવરમાં નવીન ઉલ હકના બૉલ પર તેઓ આયુષ બડોનીના હાથે કૅચઆઉટ થઈ ગયા હતા. રોહિત શર્માએ 10 બૉલ પર 11 રન બનાવ્યા હતા.
પાંચમી ઓવરમાં બૉલિંગ માટે આવેલા યશ ઠાકુરે ઈશાન કિશનને આઉટ કર્યા હતા. ઈશાને 12 બૉલમાં 15 રન બનાવ્યા હતા. જ્યારે બીજી વિકેટ પડી ત્યારે મુંબઈનો સ્કોર 38 રન હતો.

ગ્રીન અને સૂર્યકુમાર યાદવની ભાગીદારી

ઇમેજ સ્રોત, Getty Images
ત્યારબાદ કૅમરુન ગ્રીન અને સૂર્યકુમાર યાદવે માત્ર 38 બૉલમાં 66 રન જોડ્યા હતા. બંને બૅટ્સમૅન સારી લયમાં જોવા મળી રહ્યા હતા.
મુંબઈની છેલ્લી મૅચમાં હૈદરાબાદ સામે સદી ફટકારનાર ગ્રીને નવીન ઉલ હકના બૉલ પર ચોગ્ગો ફટકારીને ખાતું ખોલાવ્યું હતું. સાથે સૂર્યકુમાર યાદવે પાંચમી ઓવરમાં યશ ઠાકુરના બૉલ પર છગ્ગો ફટકાર્યો હતો.
છઠ્ઠી ઓવરમાં કૃણાલ પંડ્યા બૉલિંગ માટે આવ્યા હતા. ગ્રીને પહેલા જ બૉલમાં ચોગ્ગો ફટકાર્યો અને મુંબઈના પચાસ રન પૂરા થઈ ગયા. ગ્રીને આ ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઓવરમાં કુલ 16 રન બન્યા હતા.
નવમી ઓવરમાં મોહસીન ખાનના બૉલ પર સૂર્યકુમાર યાદવ અને કૅમરુન ગ્રીને એક-એક છગ્ગો ફટકાર્યો હતો અને આ ઓવરમાં કુલ 14 રન બનાવ્યા હતા.
દસમી ઓવરમાં સૂર્યકુમાર યાદવે રવિ બિશ્નોઈના બૉલને બાઉન્ડરીની બહાર પહોંચાડ્યો હતો. પછીની ઓવરમાં નવીન ઉલ હકના પહેલા જ બૉલ પર સૂર્યકુમાર યાદવે ચોગ્ગો ફટકાર્યો હતો, ત્યારે મુંબઈના 100 રન પૂરા થઈ ગયા હતા.

નવીને કરાવી લખનૌની વાપસી

ઇમેજ સ્રોત, Getty Images
જોકે ત્યારબાદ નવીન ઉલ હકે શાનદાર વાપસી કરી હતી. તેમણે સૂર્યકુમાર યાદવ અને ગ્રીનની ખતરનાક જોડી તોડી હતી.
તેમણે સૂર્યકુમાર યાદવને ઓવરના ચોથા બૉલ પર કૃષ્ણાપ્પા ગૌતમના હાથે કૅચઆઉટ કરાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે 20 બૉલમાં 33 રન બનાવ્યા હતા.
તેમણે ઓવરના છેલ્લા બૉલમાં ગ્રીનને બૉલ્ડ કર્યા હતા. કૅમરુન ગ્રીને 23 બૉલ પર 41 રન બનાવ્યા હતા. સાથે તેમણે છ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.
ચોથી વિકેટ પડી ત્યારે મુંબઈનો સ્કોર 105 રન હતો. એક જ ઓવરમાં એક રનમાં બે વિકેટ પડવાથી મુંબઈની ટીમ પર દબાણ આવ્યું હતું અને રનની ઝડપ ધીમી થઈ ગઈ હતી.

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મુંબઈની આશા તિલક વર્મા અને ટિમ ડેવિડની જોડી પર ટકેલી હતી. બંને બૅટ્સમૅન સાચવીને રમી રહ્યા હતા, પરંતુ તિલક રન બનાવવાની તક પણ છોડતા નહોતા. તેમણે રવિ બિશ્નોઈની ઓવરમાં છગ્ગા ફટકાર્યા હતા. આ 12મી ઓવર હતી. ત્યારબાદ આગામી ત્રણ ઓવરમાં મુંબઈના બૅટ્સમૅન બૉલને બાઉન્ડરીની બહાર પહોંચાડી શક્યા નહોતા.
16મી ઓવરમાં તિલકે નવીનના બૉલ પર તેમનો બીજો છગ્ગો ફટકાર્યો હતો. યશ ઠાકુર 17મી ઓવરમાં બૉલિંગ કરવા આવ્યા અને તેની ઓવરના બીજા બૉલ પર ટિમ ડેવિડે તેમની ઇનિંગનો પહેલો ચોગ્ગો ફટકાર્યો હતો.
ડેવિડ ઓવરના ત્રીજા બૉલ પર આઉટ થયા હતા. તેમણે 13 બૉલમાં 13 રન બનાવ્યા હતા. આ બૉલ ફુલ ટૉસ હતો અને અમ્પાયરે તેની સમીક્ષા કરી હતી, પરંતુ આ બૉલને નો બૉલ આપવામાં આવ્યો ન હતો. ડેવિડ આ નિર્ણયથી નિરાશ દેખાતા હતા. જ્યારે પાંચમી વિકેટ પડી ત્યારે મુંબઈનો સ્કોર 148 રન હતો. તિલક અને ડેવિડ વચ્ચે પાંચમી વિકેટ માટે 43 રનની ભાગીદારી થઈ હતી.
આ પછી નેહલ વાઢેરા વિકેટ પર આવ્યા હતા. નવીન ઉલ હક 18મી ઓવરમાં બૉલિંગ કરવા આવ્યા હતા. વાઢેરાએ પહેલા જ બૉલ પર છગ્ગો ફટકાર્યો હતો.
તિલક વર્મા ઓવરના ત્રીજા બૉલ પર આઉટ થયા હતા. તેમણે 22 બૉલમાં 26 રન બનાવ્યા હતા. નવીનની આ ચોથી વિકેટ હતી. મુંબઈ ઇન્ડિયન્સને 19મી ઓવરમાં સાતમો ઝટકો લાગ્યો હતો. ક્રિસ જૉર્ડને સાત બૉલમાં ચાર રન બનાવીને મોહસીન ખાનના હાથે આઉટ થયા હતા. આ ઓવરમાં માત્ર છ રન જ બન્યા હતા.
નેહલ વાઢેરાએ છેલ્લી ઓવરમાં યશ ઠાકુરના બૉલ પર બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. તેઓ 12 બૉલમાં 23 રન બનાવીને છેલ્લા બૉલ પર આઉટ થયા હતા.














