'દિત્વાહ' વાવાઝોડાથી શ્રીલંકામાં તબાહી, ચક્રવાત આગળ વધશે તો ક્યાં ક્યાં અતિભારે વરસાદ પડશે?

હિંદ મહાસાગરમાં સર્જાયેલું વાવાઝોડું 'દિત્વાહ' શ્રીલંકામાં ભારે તબાહી મચાવ્યા બાદ બંગાળની ખાડીમાં આગળ વધી રહ્યું છે.

ભારતના હવામાન વિભાગ અનુસાર શનિવારે સવારે અઢી વાગ્યા વાવાઝોડું દિત્વાહ બંગાળની ખાડીમાં ચેન્નાઈની દક્ષિણે 430 કિમીના અંતરે હતું.

હવામાન વિભાગના અહેવાલ અનુસાર, આ વાવાઝોડું શ્રીલંકાના ઉત્તર તરફના કાંઠા વિસ્તારો બંગાળની ખાડીના દક્ષિણપશ્ચિમમાં ઉત્તર દિશા તરફ આગળ વધીને આવતી કાલ સવાર સુધી ઉત્તર તામિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્ર પ્રદેશ પહોંચી શકે છે.

હવામાન વિભાગે દિત્વાહ વાવાઝોડાને પગલે આગામી થોડા દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે.

એ પહેલાં જોઈએ કે આ વાવાઝોડાએ શ્રીલંકામાં તબાહીનાં કેવાં દૃશ્યો સર્જ્યાં છે.

શ્રીલંકામાં દિત્વાહ વાવાઝોડામાં 123 લોકોનાં મોત

શ્રીલંકાના ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ સેન્ટર (ડીએમસી)એ શનિવારે જણાવ્યું કે શ્રીલંકામાં દિત્વાહ કારણે થયેલા ભારે વરસાદ અને પૂરને કારણે અત્યાર સુધી 123 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 130 લોકો હજુ પણ ગુમ છે.

ડીએમસીના ડાયરેક્ટર જનરલ સંપત કોટુવેગોડાએ કહ્યું કે રાહત અને બચાવ અભિયાન ચાલુ છે.

તેમના પ્રમાણે એક અઠવાડિયામાં થયેલા ભારે વરસાદમાં લોકોનાં ઘર નષ્ટ થઈ ગયાં, જે બાદ લગભગ 43,995 લોકોને સરકારી સેન્ટર્સમાં શિફ્ટ કરાયા છે.

કોટુવેગોડાએ કોલંબોમાં પત્રકારોને કહ્યું, "સૈન્યની મદદથી રાહત અભિયાન ચાલી રહ્યું છે."

ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

હવામાન વિભાગની આગાહી અનુસાર 29 નવેમ્બરે તામિલનાડુ અને પુડુચેરીના કડલોર, માઇલાદુથુરઈ, વિલ્લુપુરમ અને ચેંગલપટ્ટુ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે.

તામિલનાડુમાં પુડુકોટ્ટઈ, થંજાવુર, નાગપટ્ટિનમ, અરિયલુર, પેરમ્બલુર, ત્રિચી, સાલેમ, કલ્લાકુરિચી, તિરુવન્નામલાઈ, ચેન્નાઈ, કાંચીપુરમ, તિરુવલ્લુર, રાનીપેટ અને કરાઈકલ ખાતે અમુક જિલ્લામાં પણ 29 નવેમ્બરે ભારે વરસાદ પડવાની શક્યતા છે.

આ સિવાય 1 ડિસેમ્બરે પણ તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

ભારે વરસાદની સાથે ઝડપી પવનને પગલે આ રાજ્યોના ઘણા વિસ્તારોમાં ઍલર્ટ પણ જાહેર કરાયા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે દિત્વાહ વાવાઝોડું હજુ પણ થોડું તીવ્ર બની શકે છે.

જોકે, દિત્વાહ વાવાઝોડાની ગુજરાત પર અસર થવાની શક્યતા ખૂબ ઓછી છે, છતાં હવામાન વિભાગ તેની તીવ્રતા, દિશા અને ઝડપ પર સતત નજર રાખી રહ્યું છે.

ભારતે મદદ પહોંચાડી

ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે માહિતી આપી છે કે દિત્વાહ વાવાઝોડાથી અસરગ્રસ્ત શ્રીલંકા માટે ભારતે અત્યાર સુધી 12 ટન રાહતસામગ્રી પહોંચાડી છે.

એસ. જયશંકરે ઍક્સ પોસ્ટ પર લખ્યું, "ઑપરેશન સાગરબંધુ શરૂ થયું. ભારતીય વાયુસેનાનું સી-130 વિમાન લગભગ 12 ટન માનવીય મદદ લઈને કોલંબો પહોંચ્યું, જેમાં ટેન્ટ, તાડપત્રી, કંબલ, હાઇજીન કિટ અને ભોજનસામગ્રી સામેલ છે."

શ્રીલંકાના ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ સેન્ટર (ડીએમસી)એ શનિવારે સવારે છ વાગ્યા સુધી 69 લોકોનાં મૃત્યુની પુષ્ટિ કરી છે, જ્યારે ઓછામાં ઓછા 34 લોકો હજુ પણ ગુમ છે.

ડીએમસી પ્રમાણે આ આપત્તિથી લગભગ 61 હજાર પરિવારોના બે લાખ કરતાં વધુ લોકો પ્રભાવિત થયા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન