You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'મારા રૂમમાં કોઈ પુરુષ સૂતો છે, પોલીસ બોલાવો', માણસ બધું ભૂલી જાય એ બીમારી કોને થઈ શકે?
- લેેખક, નેહા કશ્યપ
- પદ, બીબીસી હિન્દી માટે
તમને સાંભળવું અજબ લાગશે, પરંતુ વિજ્ઞાનીઓનું કહેવું છે કે ધીમી ગતિ અને સંતુલિત રીતે શ્વાસ લેવાથી ફાયદો તો થાય જ છે, એ ઉપરાંત અલ્ઝાઇમરની બીમારી સામે પણ રક્ષણ મળે છે.
અલ્ઝાઇમર એ બીમારી છે, જેમાં વ્યક્તિ પોતાની યાદશક્તિ ધીમે ધીમે ગુમાવતી જાય છે. જોકે, અલ્ઝાઇમર થવાનું કોઈ એક નિશ્ચિત કારણ નથી. તેનું મહત્ત્વનું એક કારણ રોગીના શરીરમાં એમિલોયડ બીટા પ્રોટિનની હાજરી હોય છે. તેને પ્લેક્સ પણ કહેવામાં આવે છે.
ડૉક્ટરોના જણાવ્યા મુજબ, આ બીમારીનો દર્દી યોગ્ય રીતે વાત કરી શકતો નથી, કારણ કે પોતે કઈ ભાષામાં વાત કરી રહ્યો છે એ તેને યાદ રહેતું નથી. તેના લક્ષણ ધીમે ધીમે આકાર પામે છે.
આવું જ કંઈક રોહન (સાંકેતિક નામ)ની મમ્મી સાથે થયું હતું.
રોહન કહે છે, “મારી મમ્મી અડધી રાતે ઊંઘમાંથી જાગી જતી હતી. થોડી વાર આંટાફેરા કરતી અને પછી પાછી ઊંઘી જતી હતી. પહેલાં તો અમને આ વાત સામાન્ય લાગી હતી, પરંતુ એક દિવસ અજબ ઘટના બની હતી.”
રોહનના કહેવા મુજબ, “એ રાતે મારી મમ્મી જાગી ગઈ અને મને કહ્યું કે તેના રૂમમાં કોઈ માણસ સૂતો છે. એ કોણ છે? પોલીસ બોલાવો અને તેને ઘરમાંથી બહાર કાઢો. વાસ્તવમાં મમ્મીની બાજુમાં પપ્પા સૂતા હતા. એ દિવસે અમને અહેસાસ થયો કે કોઈ ગડબડ છે.”
રોહનના પરિવારે તબીબી સલાહ લીધી હતી અને તપાસમાં જાણવા મળ્યું હતું કે તેમના મમ્મી અલ્ઝાઇમરના પ્રારંભિક તબક્કામાં છે.
ડૉક્ટર શું કહે છે?
ઋષિકેશસ્થિત ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઇમ્સ)માં ન્યૂરોલૉજિસ્ટ તરીકે કાર્યરત ડૉ. અરવિંદ માધવ આ બીમારીની વાત કરતાં કહે છે, “આપણા મસ્તકમાંના એક હિસ્સો સ્મૃતિનો સંગ્રહ કરતો હોય છે, પરંતુ અલ્ઝાઇમરની અસર થવા લાગે ત્યારે એ ભાગના ન્યૂરોન્સ નષ્ટ થવા લાગે છે અને વ્યક્તિની સ્મૃતિ ક્ષીણ થવા લાગે છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“કેટલાક દર્દીઓમાં આ પ્રક્રિયા ઝડપભેર થાય છે, જ્યારે કેટલાકમાં ધીરે-ધીરે. તેથી લોકો નાનામાં નાની વાતો ભૂલી જાય છે, જેમ કે કોઈ વસ્તુ ક્યાં રાખી હતી તે ભૂલી જાય છે. ડૉક્ટર્સ તેને ફાસ્ટ એજિંગ પણ કહે છે.”
તેઓ ઉમેરે છે, “અલ્ઝાઇમરનો કોઈ ઇલાજ નથી. જે દવાઓ આપવામાં આવે છે તે આ બીમારીને ધીમી પાડી દે છે અને દર્દીને આગલા તબક્કા સુધીનો સમય મળી જાય છે, પરંતુ ઘણી વાર દર્દીઓમાં એ દવાઓની આભાસ અથવા અસામાન્ય મૂંઝવણ જેવી આડઅસર જોવા મળે છે.”
શ્વસનપ્રક્રિયાની અસર
તાજેતરના દાયકાઓમાં વિજ્ઞાનીઓને જાણવા મળ્યું છે કે ધીમે-ધીમે શ્વાસ લેવામાં આવે તો તે આરોગ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. આવા અભ્યાસ એશિયાના દેશોમાં લાંબા સમયથી કરવામાં આવી રહ્યો છે.
ભારતમાં અનુલોમ-વિલોમ જેવા પ્રાણાયામના સ્વરૂપમાં આ યોગાભ્યાસનો એક પ્રાચીન હિસ્સો છે.
જોકે, સંશોધનમાં શ્વાસ લેવાની વિવિધ રીતની તુલના કરવામાં આવી નથી. તેથી કઈ રીતે શ્વાસ લેવામાં આવે તો વધારે ફાયદો થાય તેની વાત તેઓ કરતા નથી. તેઓ એક તરકીબ જરૂર સૂચવે છે.
તેઓ કહે છે, “ધીમે-ધીમે શ્વાસ લેવાની પ્રક્રિયામાં માણસની છાતી ફૂલે છે. એક, બે, ત્રણ, ચાર અને પાંચ સુધી ગણતરી કરો અને પછી એ જ ક્રમમાં ધીમેથી શ્વાસ છોડો. 10 સેકન્ડની આ પ્રક્રિયામાં વ્યક્તિને તત્કાળ રાહત મળે છે.”
“એક દિવસમાં આવું 20 મિનિટ અને સપ્તાહમાં આવું કમસે કમ પાંચ દિવસ કરો તો તેનાથી રાહત, શાંતિ તથા તણાવમાંથી મુક્તિ મળે છે, એવું સંશોધન જણાવે છે. તાજેતરના એક સંશોધન મુજબ, આ પ્રક્રિયા અનેક બીમારીમાં પ્રતિરોધક તરીકે પણ કામ કરે છે. અલ્ઝાઇમરમાં પણ તે બહુ ઉપયોગી છે.”
આ પ્રક્રિયા અપનાવવાથી હાઈ બ્લડપ્રેશર, તણાવ અને જૂના દર્દ જેવા રોગમાં સુધારો જોવા મળ્યો હોવાનું પણ સંશોધનમાં જણાવવામાં આવ્યું છે.
સંશોધનમાં શું જાણવા મળ્યું?
એક નવા રિસર્ચમાં સંશોધનકર્તાઓએ અલ્ઝાઇમર થવાના સૌથી મોટા જોખમ બાયોમાર્કરના બ્લડ પ્લાઝમાને તપાસ્યું હતું.
આ રિસર્ચનાં લેખિકા મારા મેથર છે. તેઓ યુનિવર્સિટી ઑફ સધર્ન કૅલિફોર્નિયામાં મનોવિજ્ઞાન તથા બાયૉમેડિકલ એન્જિનિયરિંગનાં પ્રોફેસર છે.
તેમના જણાવ્યા મુજબ, જે 108 લોકો પર આ સંશોધન કરવામાં આવ્યું હતું એ પૈકીના અડધા લોકોના સમૂહને એવી જગ્યાએ જવાનું કહેવામાં આવ્યું હતું, જ્યાં તેમને શાંતિ મળે. તેમને ગમતાં ગીતો સાંભળવાનું અથવા આંખ બંધ કરીને ધ્યાન કરવાનું કહેવામાં આવ્યું હતું. તેનો હેતુ તેમના હૃદયના ધબકારાની ગતિ ધીમી કરવાનો અને તેને નિયમિત કરવાનો હતો.
બાકીના લોકોને કમ્પ્યુટર સ્ક્રીન સામે બેસાડવામાં આવ્યા હતા. તેમની સામેના સ્ક્રીન પર પ્રત્યેક પાંચ સેકન્ડે એક ફૂલનું ચિત્ર આવતું હતું. ફૂલ સ્ક્રીન પર દેખાય ત્યારે તેમણે પાંચ સેકન્ડ શ્વાસ લેવાનો હતો અને ફૂલ સ્ક્રીન પરથી ગાયબ થઈ જાય ત્યારે તેમણે શ્વાસ છોડવાનો હતો. આ રીતે ઊંડા અને ધીમી ગતિએ શ્વાસ લેવાથી તેમના હૃદયની ગતિમાં વૃદ્ધિ જોવા મળી હતી.
બન્ને જૂથને આ પ્રક્રિયા પાંચ સપ્તાહ, 20થી 40 મિનિટ સુધી કરવાનું કહેવામાં આવ્યું હતું.
પ્રોફેસર મારા મેથરના જણાવ્યા મુજબ, બન્ને જૂથમાંના લોકોના બ્લડ સૅમ્પલ પાંચ સપ્તાહ પછી ચકાસવામાં આવ્યા ત્યારે ચોંકાવનારું પરિણામ મળ્યું હતું.
તેમણે કહ્યું હતું કે અલ્ઝાઇમરના કોઈ ચોક્કસ કારણની ખબર તો ન પડી, પરંતુ આ બીમારીનું એકમુખ્ય કારણ એમિલોયડ બીટા પ્રોટીનના સમૂહ અથવા પ્લેક્સ હોવાનું જાણવા મળ્યું હતું.
મસ્તકમાં ગુચ્છાના સ્વરૂપમાં આકાર પામે છે ત્યારે આ પ્રોટીન ઝેરીલું બની જાય છે અને તેને લીધે વ્યક્તિ રાબેતા મુજબ, સામાન્ય રીતે કામ કરી શકતી નથી.
પ્રોફેસર મારા મેથરે જણાવ્યું હતું કે આ પ્રોટીન એક સાથે મસ્તકના ન્યૂરોન્સની અંદર ચોંટી જાય ત્યારે બહુ ખતરનાક બની જાય છે. તેનાથી કોષોને નુકસાન થાય છે, જે મગજની સામાન્ય કામગીરીને અસર કરે છે અને તેને કારણે વ્યક્તિની સ્મૃતિ નબળી પડતી જાય છે. તે બ્રેન ડેડ થવાનું કારણ પણ બની શકે છે.
મારા માથર અને તેમની ટીમના જણાવ્યા અનુસાર, એક સ્વસ્થ યુવા વ્યક્તિમાં એમીલોયડ બીટાનું પ્રમાણ ઓછું હોય તો તેને અલ્ઝાઇમર થવાનું જોખમ પણ ઓછું હોય છે.
ગાઢ ઊંઘના ફાયદા
વાસ્તવમાં આવું શા માટે થાય છે તે વિશે સંશોધનકર્તાઓ સ્પષ્ટ નથી, પરંતુ એક ધારણા એવી છે કે ધીમેથી, સ્થિર શ્વાસ લેવાથી ગાઢ ઊંઘના કેટલાક ફાયદા મળી શકે. તેનાથી બ્રેન અને નર્વસ સિસ્ટમમાંથી ન્યુરોટોક્સિક કચરો ઝડપથી સાફ કરી શકાય છે.
એ કચરો અલ્ઝાઇમરના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવતો હોય છે, એવું સંશોધનમાં જાણવા મળ્યુ હતું.
આ પ્રકારની શારીરિક અને માનસિક કસરત હૃદયના ધબકારાને પ્રભાવિત કરતી હોય છે. સંશોધનમાંથી એવો સંકેત મળ્યો છે કે હૃદયના ધબકારામાંનો ફેરફાર નર્વ સિસ્ટમના કામકાજને માપવાનો એક સારો માપદંડ છે. તેથી તે ડિપ્રેશન કે ક્રોનિક સ્ટ્રેસથી માંડીને વાઇરલ ઇન્ફેક્શન સુધીની અનેક તકલીફોનો એક સંકેત પણ છે.
કેટલું ‘બ્રીધવર્ક’ ફાયદાકારક?
મારા મેથરના જણાવ્યા મુજબ, સટીક બોડી-બ્રેન મિકેનિઝમ હોવા છતાં, ધીમી ગતિએ શ્વાસ લેવાનો નિયમિત અભ્યાસ કરવાથી મોટા ભાગના લોકોને ફાયદો થઈ શકે છે.
તેમણે કહ્યું હતું કે “શ્વાસ લેવાનો કેટલો અભ્યાસ કરવો યોગ્ય છે એ અમે નથી જાણતા, પરંતુ કદાચ તે અભ્યાસ રોજ ન કરવો જોઈએ. હું માનું છું કે તે સપ્તાહમાં ચાર કે પાંચ દિવસ, 20-20 મિનિટ કરવાથી લાભ થશે.”
બ્રીધિંગ એક્સસાઈઝ લાંબા સમય સુધી અસરકારક છે એ જાણવા માટે અલ્ઝાઇમરથી પીડિત સંખ્યાબંધ લોકો પર તેનું પુનરાવર્તન બાકી છે.
મેડિકલ ટ્રીટમેન્ટની સરખામણીએ શ્વાસ લેવાની આ ટેકનિક લાભકારક હોવા બાબતે ઘણા વિજ્ઞાનીઓએ શંકા વ્યક્ત કરી છે.
શ્વાસનો વ્યાયામ ફાયદાકારક છે?
ડૉ. અરવિંદ માધવ અલ્ઝાઇમરની સારવારની આ નવી થિયરીને સામાન્ય માને છે.
તેમના જણાવ્યા મુજબ, શ્વાસના વ્યાયામથી માઈગ્રેન જેવી બીમારીનો ઇલાજ કરી શકાય, પરંતુ અલ્ઝાઇમરમાં તે સીધી રીતે મદદરૂપ નથી.
સાથે તેઓ એવું પણ જણાવે છે કે ધ્યાન, વ્યાયામ અને બહેતર જીવનશૈલીની સમગ્ર શરીર પર હકારાત્મક અસર થાય છે અને દરેક બીમારીને દૂર રાખી શકાય છે.
તેઓ કહે છે, “સ્મૃતિલોપની દરેક સમસ્યાનું કારણ અલ્ઝાઇમર કે ડિમેન્શિયા જ હોય તે જરૂરી નથી. ડિપ્રેશન, સ્ટ્રોક, માઇગ્રેન, વિટામિનની કમી, થાઇરોઇડ, બ્લડપ્રેશર વગેરેની સમસ્યા પણ યાદશક્તિ ઓછી થવાનું કારણ હોય છે.”
“અત્યારે અલ્ઝાઇમરનો ઇલાજ ભલે શક્ય ન હોય, પરંતુ તેના જેવી બીમારીની સારવાર બિલકુલ શક્ય છે. તેથી કોઈને યાદશક્તિની તકલીફ હોય ચો તેને ડિમેન્શિયા સમજીને બહુ ડરવાની કે હતાશ થવાની જરૂર નથી. ડરવાને બદલે ન્યૂરો ફિઝિશિયનને મળીને સલાહ લેવી વધારે જરૂરી છે.”