જાપાનમાં સળગતા વિમાનમાંથી 300થી વધુ મુસાફરોને મિનિટોમાં જ કેવી રીતે બચાવી લેવાયા?

ટોક્યોના હાનેડા ઍરપૉર્ટ પર જાપાન ઍરલાઇન્સના વિમાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.

ન્યૂઝ એજન્સી રૉયટર્સ અનુસાર એ વિમાનના રનવે પર પાર્ક કરેલા કૉસ્ટગાર્ડના અન્ય એક વિમાન સાથે સંભવિતપણે અથડાવાને કારણે આ દુર્ઘટના બની હતી.

વિમાનમાં આગ લાગવાની સાથે જ મુસાફરો જાણતા હતા કે તેમનું જીવન માત્ર અમુક સેંકડો પર નિર્ભર છે અને તેમની જિજીવિષાને કારણે તેમણે ઘુમાડાવાળી કેબિનમાંથી નીકળી જવાના પ્રયત્નો કર્યા અને સફળ રહ્યા.

જાપાનની ઍરલાઇન ફલાઇટ 516 માંથી બધા જ મુસાફરો સુરક્ષિત નીકળી ગયા એ અદ્ભુત છે. નિષ્ણાતો આ બચાવ માટે નવી ટેકનૉલૉજી અને બચાવના ચોક્કસ આયોજનને જવાબદાર માને છે.

જે લોકો નાના કોસ્ટ ગાર્ડના વિમાનમાં મુસાફરી કરી રહ્યાં હતા, તેઓ એટલા નસીબદાર નહોતા. તેમાં બેઠેલા પાંચ લોકોનાં મૃત્યુ થયાં અને પાઇલટને ગંભીર ઈજાઓ પહોંચી છે. કોસ્ટ ગાર્ડનું આ વિમાન જાપાનમાં નવા વર્ષે આવેલા ભૂકંપ પિડિતોને મદદ પહોંચાડવા માટે જવાની તૈયારી કરી રહ્યું હતું.

કૅબિનમાં નર્ક જેવું લાગતુ હતું

તપાસકર્તાઓએ મંગળવારે ટોક્યોનાં હાનેડા ઍરપૉર્ટ પર બન્ને વિમાનો રનવે પર કેવી રીતે અથડાયાં તે જાણવા માટે ઘટનાનું રિકંસ્ટ્રકશન કર્યું હતું.

હાલ તો, મુસાફરોના વીડિયો અને નિવેદનો તેમણે અનુભવેલા થોડીક મિનિટના આતંક અને આ અવિશ્વસનીય ઘટનાની ગવાહી આપે છે.

આ મુસાફરોમાં એક 17 વર્ષીય સ્વેડે એન્ટોન ડેઇબ આ ઘટના પછીની અફરાતફરીનો ચિતાર વર્ણવે છે.

તેમણે સ્વિડિશ સમાચારપત્ર ઍફ્ટોન્બ્લૅડેટ સાથે વાત કરતા જણાવ્યું કે આખી કૅબિનમાં મિનિટોની અંદર ધુમાડો ફેલાઈ ગયો હતો.

“આ ધુમાડાને લીધે કૅબિનમાં રહેલા બધા મુસાફરોને ખુબ જ તકલીફ પડી અને નર્ક જેવું લાગતુ હતું. અમે ગ્રાઉન્ડ પર ફસડાઈ પડ્યા અને ઇમર્જન્સી દરવાજા ખુલતાની સાથે જ અમે તે તરફ કૂદકો માર્યો.”

તેમણે ઉમેર્યું કે અમને કોઈ અંદાજ નહોતો કે અમે કઈ તરફ જઈ રહ્યા છીએ અને એકદમ અફરાતફરીનો માહોલ હતો.

તે, તેમનાં માતાપિતા અને બહેન કોઈપણ જાતની ઈજા વગર આ કાટમાળમાંથી નિકળવામાં સફળ રહ્યાં.

એક 59 વર્ષીય મુસાફર સાતોષી યામાકેએ ક્હ્યું કે તેમને લાગ્યું કે વિમાન એક તરફ ઝૂકી રહ્યું છે અને પ્રારંભિક અથડામણ પછી એક મોટો ધડાકો સાંભળ્યો.

અન્ય એક મુસાફરે જણાવ્યું, “એવું લાગ્યું કે લૅન્ડ થતી સમયે વિમાન કોઈ વસ્તુ સાથે અથડાયું. મેં બારીની બહાર તણખા જોયા અને તરત જ કૅબિન ધુમાડાથી ભરાઈ ગઈ હતી.”

ત્રીજા મુસાફરે ક્યોડો ન્યૂઝ સાથે વાત કરતા ક્હ્યું કે મને એવું લાગ્યું કે વિમાન ઊતરતાની સાથે જ કંઈક ભટકાયું અને વિમાન અચાનક જ થંભી ગયું.

મને લાગ્યું કે મારો જીવ નહીં બચે

અમુક લોકોએ આ દુર્ઘટનાની થોડીક ક્ષણો પોતાના ફોનમાં કેદ કરી લીધી.

કેટલાક મુસાફરોએ વિમાન થોભતાની સાથે જ સળગતા એન્જિનની લાલ ચમકનો વીડિયો ઉતાર્યો હતો.

અન્ય એક મુસાફરે વિમાનની અંદરના ભાગના ફોટો પાડ્યા હતા, જ્યાં ધુમાડાને કારણે કૅમેરાનો લેન્સ ધૂંધળો થઈ ગયો હતો. મુસાફરો ચીસો પાડી રહ્યા હતા જ્યારે કૅબિન ક્રૂ મુસાફરોને ઇમર્જન્સી દરવાજા તરફ દોરી રહ્યા હતા.

એક મુસાફરે કહ્યું કે વિમાનમાં એકદમ અંધારુ હતું કારણ કે લેન્ડિંગ થતા જ આગ એકદમ તીવ્ર બની ગઈ હતી.

તેણીએ જાપાનના બ્રોડકાસ્ટર એનએચકેને જણાવ્યું, “વિમાનની અંદર ભયંકર ગરમી હતી. સાચું કહું તો મને એમ લાગ્યું કે હું બચી નહીં શકું.”

અન્ય એક મુસાફર અનુસાર, બચાવનો પ્લાન થોડોક જટિલ હતો કારણ કે માત્ર એક જ આપાતકાલીન દ્વારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

તેમને સમજાવ્યું કે એવી જાહેરાત કરવામાં આવી હતી કે મધ્યનું અને અંતિમ આપાતકાલીન દ્વાર ખોલી નહીં શકાય. આ કારણે બધા મુસાફરો આગળના આપાતકાલીન દ્વાર તરફ ભાગ્યા.

વીડિયો અને તસવીરો બતાવે છે કે લોકોએ પ્લેનની ફ્લેટેબલ સ્લાઇડ્સથી નીચે કૂદવાનું શરૂ કર્યું. કોઈપણ મુસાફરે વિમાનમાંથી પોતાનો સામાન લીધો ન હતો જેથી કૅબિનને એકદમ ઝડપથી ખાલી કરી શક્યા.

ઉડ્ડયન વિશ્લેષક ઍલેક્સ માચેરસે બીબીસીને જણાવ્યું કે અગત્યની પ્રારંભિક મિનિટોમાં કૅબિન ક્રૂ એકદમ ચોક્કસ બચાવકાર્ય કરવામાં સફળ રહ્યું હતું.

મુસાફરોને માત્ર મિનિટોમાં જ બચાવી લેવામાં આવ્યા

ઍરબસ એ350 વિમાનમાં આગ શરૂઆતની 90 સેકંડ માટે માત્ર એક જ ભાગમાં ફેલાઈ હતી જેને લીધે મુસાફરોને બહાર કાઢવા માટે ટૂંકો સમય મળ્યો.

ઉડ્ડયન વિશ્લેષકે સમજાવ્યું કે ક્રૂ સ્પષ્ટપણે જાણતું હતું કે કયા આપાતકાલીન દરવાજા આગની લપટોથી દૂર છે અને એટલે જ તેમને મુસાફરોને નીકળવા માટે બધા જ દરવાજા ન ખોલ્યા.

તેમણે ઉમેર્યું કે ક્યારેક મુસાફરોના ગભરાટને કારણે બચાવકાર્યમાં સમય લાગે છે, જેમકે મુસાફરો આવી સ્થિતિમાં પોતાનો સામાન લેવાની કોશિશ કરે છે.

ઍરબસ એ350 કાર્બન ફાઇબર કમ્પોઝિટ મટીરિયલમાંથી બનાવેલ પ્રથમ કમર્શિયલ વિમાનોમાંનું એક હતું, જે દેખીતી રીતે પ્રારંભિક અથડામણ અને પરિણામે આગ સામે સારી રીતે ટકી શક્યું.

જોકે અમુક સમય પછી આગ સંપૂર્ણ વિમાનમાં ફેલાઈ ગઈ હતી.

વીડિયો ફૂટેજ દર્શાવે છે કે અગ્નિશામકો આગને કાબૂમાં લેવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે કારણ કે ફ્યુઝલેજ બે ભાગમાં વિભાજિત થવાનું શરૂ થયું હતું.

મુસાફર યામાકેએ જણાવ્યું હતું કે એકદમ અફરાતફરીનો માહોલ હોવા છતાં મુસાફરો અને ક્રૂને બહાર નીકળવા માટે અંદાજે પાંચ મિનિટ લાગી હતી. મેં જોયું કે આગને ફેલાતા દસથી પંદર મિનિટ લાગી હતી.

28 વર્ષીય સુબાસા સવાદાએ કહ્યું કે આ એક ચમત્કાર હતો, અમે કદાચ મૃત્યુ પામ્યા હોત.

સવાદાએ ઉમેર્યુ કે મારે એ જાણવું છે કે આગ કેવી રીતે લાગી અને જ્યાં સુધી મને તે વાતનો જવાબ નહીં મળે ત્યાં સુધી હું કોઈ ફલાઇટમાં મુસાફરી નહીં કરૂ.

આગને સંપૂર્ણપણે કાબૂમાં લાવવા માટે થોડ કલાકો લાગ્યા હતા. મુસાફરો અને ક્રૂનાં સભ્યોને મળીને કુલ 14 મુસાફરોની નાની-નાની ઈજાઓ માટે સારવાર કરવામાં આવી હતી.

મુસાફરોએ જે અનુભવ્યું હતું તેને પચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ તેમના મિત્રો અને પ્રિયજનોને કહી રહ્યા હતા કે તેઓ ઠીક છે અને આગળની તૈયારી કરી રહ્યા છે.