ગુજરાતની આસપાસ એક નવી સિસ્ટમ બની, હવે કયા જિલ્લામાં અતિભારે વરસાદ પડશે?

અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં અત્યંત ભારે વરસાદ પડ્યો છે.

આ ઉપરાંત સાબરકાંઠા, મહેસાણા અને સુરત જિલ્લાના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે.

ખેડા, તાપી, ડાંગ, અને વડોદરા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. ગુજરાતના આ સિવાયના ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે.

તો હજુ પણ હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

ગુજરાતની આસપાસ ચોમાસાની કેવી સિસ્ટમ રચાઈ છે?

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા જોવામાં આવે તો ગુજરાતમાં 20.20 મિમી સરેરાશ વરસાદ પડ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 342.50 મિમી વરસાદ પડી ગયો છે જે સિઝનના કુલ વરસાદના 38 ટકા જેટલો થાય છે.

ઉત્તર ગુજરાતમાં 33 ટકાથી વધારે વરસાદ પડ્યો છે જ્યારે કચ્છમાં હજુ 37 ટકા વરસાદ થયો છે.

સાઉથ ગુજરાતમાં સૌથી વધુ 41 ટકા વરસાદ પડી ગયો છે જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં 39 ટકા અને સૌરાષ્ટ્રમાં સિઝનનો 40 ટકા વરસાદ પડી ગયો છે.

હવામાન વિભાગ અનુસાર, પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારમાં સમુદ્રની સપાટીથી 0.9 કિલોમીટરની ઊંચાઈએ સાઇક્લૉનિક સર્ક્યુલેશનની સિસ્ટમ રચાઈ છે. તેના કારણે અરબી સમુદ્રથી લઈને ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ થઈને અરબી સમુદ્ર સુધી એક ટ્રોફ સર્જાયો છે.

આગાહી અનુસાર, આ સિસ્ટમથી ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી શું કહે છે?

હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે ચોથી જુલાઈએ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, અને દમણ દાદરા અને નગરહવેલી, અમરેલી, ભાવનગરમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડવાની આગાહી છે.

આ ઉપરાંત 4 જુલાઈએ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર જિલ્લામાં કેટલીક જગ્યાએ વરસાદ વરસી શકે છે.

આ સિવાય નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડી શકે છે જે દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે.

ગુજરાતમાં હવે કયા જિલ્લામાં વરસાદની આગાહી છે?

પાંચમી જુલાઈએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે, જ્યારે બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડવાની શક્યતા છે.

રાજ્યના અન્ય ભાગોમાં પાંચમી જુલાઈએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.

છ જુલાઈએ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

છ જુલાઈએ પાટણ, મહેસાણા, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.

7મી જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી છે.

8 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન