મહારાષ્ટ્ર : ગુજરાતની જેમ ભાજપે કોઈ નવા ચહેરાને મુખ્ય મંત્રી કેમ ન બનાવ્યા?

    • લેેખક, વિનાયક હોગાડે
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં 2022ની ચૂંટણી પહેલાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું હતું અને ચૂંટણી બાદ વિજય રૂપાણીને સ્થાને પહેલી વાર ધારાસભ્ય બનેલા ભૂપેન્દ્ર પટેલને મુખ્ય મંત્રી બનાવ્યા હતા.

એવી જ રીતે રાજસ્થાનમાં પૂર્વ મુખ્ય મંત્રી વસુંધરા રાજેને સ્થાને ભાજપે ભજનલાલ શર્માને, તો મધ્ય પ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણને સ્થાને મોહનલાલ યાદવને મુખ્ય મંત્રી બનાવ્યા હતા.

ભારતીય જનતા પાર્ટીની રણનીતિને જોતા એવું જણાઈ આવે છે કે ભાજપ મુખ્ય મંત્રી તરીકે કોની પસંદગી કરશે એ છેલ્લે સુધી સ્પષ્ટ નથી હોતું અને પછી કોઈને નવા ચહેરાને તક મળે છે.

જોકે મહારાષ્ટ્રમાં એવું નથી થયું. ભારતીય જનતા પાર્ટીએ કરેલી જાહેરાત અનુસાર, દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે.

મહાયુતિને નિર્વિવાદ બહુમતી મળ્યા પછી અને ખાસ કરીને ભાજપને બહુમતી નજીકનો આંકડો મળ્યા પછી પણ દસ દિવસ સુધી મુખ્ય મંત્રીપદનું કોકડું ગૂંચવાયેલું રહ્યું હતું.

આ દસ દિવસોમાં અનેક પ્રકારના તર્ક-વિતર્ક થયા હતા. એક તરફ એકનાથ શિંદે મુખ્ય મંત્રીપદ માટે જીદ પકડીને બેઠા હોવાની અને બીજી તરફ ભાજપ દ્વારા દેવેન્દ્ર ફડણવીસ સિવાયના અન્ય નામ બાબતે વિચારણા કરવામાં આવી રહ્યો હોવાની વાતો ચાલી હતી.

આ સંબંધે ભલે ગમે તેટલી ચર્ચા કે દલીલો થઈ હોય, પરંતુ ભાજપ દેવેન્દ્ર ફડણવીસને જ મુખ્ય મંત્રી બનાવવા ઇચ્છતો હતો તો આ જાહેરાત કરવામાં દસ દિવસ કેમ લાગ્યા?

વળી, નવા ચહેરા સાથે પ્રયોગ કર્યા વિના દેવેન્દ્ર ફડણવીસને ફરીથી મુખ્ય મંત્રી બનાવવાના નિર્ણય પાછળ ભાજપની ચોક્કસ ગણતરી શું છે?

આ બે સવાલોના જવાબ, ભાજપ આગામી પાંચ વર્ષ સત્તા પર રહેવા માટે કઈ વ્યૂહરચના ઘડે છે તેમાં સમાયેલા છે.

છેલ્લાં દસ દિવસથી મહારાષ્ટ્રના રાજકીય મંચ પર ચાલી રહેલા પાવર ડ્રામાને વિશ્લેષકોના દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ આ અહેવાલમાં કરવામાં આવ્યો છે.

'હું ફરી આવીશ'થી 'હું પાછો આવ્યો' સુધી

છેલ્લા દસ દિવસમાં શું થયું હતું તેનો શાંતિપૂર્વક વિચાર કરીએ તો બે બાબતો સામે આવે છે.

એક તો એકનાથ શિંદે મુખ્ય મંત્રીપદ માટે જીદ પકડીને બેઠા હોવાની, ફોટામાં પણ તેમના દ્વારા સ્મિત ન કરવાની અને વતન ગયા પછી બીમાર પડવાની વાતોથી તેમની નારાજગીના સમાચાર વધુ ચગ્યા હતા.

બીજી બાજુ, ભાજપમાં મુરલીધર મોહોલ અને રવીન્દ્ર ચવ્હાણ જેવા નવા ચહેરાનાં નામોની ચર્ચા પણ થવા લાગી હતી. અલબત્ત, આ બાબતે બન્નેએ સ્પષ્ટતા કરી હોવા છતાં 'હું ફરી આવીશ' એવી જાહેરાત કરનાર દેવેન્દ્ર ફડણવીસનું નામ ચર્ચામાંથી હટતું જોવા મળ્યું હતું.

લોકસભાની ચૂંટણીમાં મહાયુતિને મોટો ફટકો પડ્યો હતો. એ માટે દેવેન્દ્ર ફડણવીસને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસને દિલ્હી મોકલવામાં આવશે, તેમને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવશે અથવા તો તેમને કેન્દ્રીય પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવશે, એવી ચર્ચા શરૂ થઈ હતી.

જોકે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું 23 નવેમ્બરે જાહેર થયેલું પરિણામ શાસક અને વિપક્ષ બન્ને માટે અણધાર્યું હતું.

આ ચૂંટણી કસોકસની હશે અને બન્નેમાંથી એક યુતિને પાતળી સરસાઈ મળશે, એવી આગાહી કરવામાં આવી હતી.

એ સ્થિતિમાં મહાયુતિની પ્રચંડ અને એકતરફી જીત એ વાતનો સંકેત હતી કે મહારાષ્ટ્રની 15મી વિધાનસભામાં કોઈ પણ અવરોધ વિના સરકાર રચાશે.

મહાયુતિમાં સામેલ મુખ્ય ત્રણ પક્ષોમાંથી એકલા ભાજપે જ 132 બેઠકો જીતી હતી. 2014માં 122 અને 2019માં 105 બેઠકો જીતનાર ભાજપની સ્થિતિ આ પરિણામથી મજબૂત થઈ હતી.

આ સંજોગોમાં પણ દેવેન્દ્ર ફડણવીસ ફરીથી મુખ્ય મંત્રી બનશે એવી સર્વસંમતિ હોવા છતાં ભાજપને આ નિર્ણય લેવામાં આટલો સમય કેમ લાગ્યો? ભાજપના આ દસ દિવસના વિચારમંથન પાછળનાં કારણો શું છે?

નિર્ણય માટે આટલો સમય કેમ?

આ બાબતે અમે રાજકીય વિશ્લેષક સુધીર સૂર્યવંશી સાથે ચર્ચા કરી હતી. તેમના જણાવ્યા મુજબ, દેવેન્દ્ર ફડણવીસ સિવાયનાં નામોની શક્યતાની ચકાસણી અને એકનાથ શિંદે સાથેની વાટાઘાટને કારણે આ વિલંબ થયો હતો.

બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું, “દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્ય મંત્રી બનવા જોઈએ, તેવી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપના વિધાનસભ્યોની ઇચ્છા હોવા છતાં દેવેન્દ્રને જ ફરી મુખ્ય મંત્રી બનાવવા કે નવા ચહેરાને તક આપવી એ સવાલ ભાજપ સમક્ષ હતો.”

તેમના કહેવા મુજબ, “દેવેન્દ્રને મુખ્ય મંત્રી અથવા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની વિચારણા થતી હોવાની ચર્ચા પણ થઈ હતી. ત્રીજી વાત એ છે કે મહાયુતિને પ્રચંડ લોકચુકાદો ઓબીસી અને મરાઠા મતોને કારણે મળ્યો હોવાથી કોઈ ઓબીસી કે મરાઠા નેતાને મુખ્ય મંત્રી બનાવવા કે કેમ તેની ચકાસણી પણ પક્ષનું વરિષ્ઠ નેતૃત્વ કરતું હતું.”

તેમના જણાવ્યા મુજબ, આ સંદર્ભે ભાજપના રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી મુરલીધર મોહોલ અથવા ડોમ્બિવલીના વિધાનસભ્ય રવીન્દ્ર ચવ્હાણના નામની ચર્ચા મુખ્ય મંત્રીપદ માટે કરવામાં આવી હતી.

ફડણવીસ સિવાયનાં નામોની શક્યતાની ચકાસણી બાબતે ચર્ચા થતી હોવાને લીધે વિલંબ થયાનું સુધીર સૂર્યવંશી જણાવે છે ત્યારે વરિષ્ઠ પત્રકાર દીપક ભાટુસેએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા અન્ય નામો બાબતે વિચારણા કરવામાં આવી રહી હોવાની વાત સંપૂર્ણપણે ખોટી છે.

બીબીસી સાથે વાત કરતાં દીપક ભાટુસેએ કહ્યું હતું, “અન્ય નામોની ચર્ચાને કારણે વિલંબ થયાની વાતનો કોઈ અર્થ નથી, કારણ કે ભાજપનો જ મુખ્ય મંત્રી બનશે એ બાબતે ભાજપ હાઈકમાન્ડે સ્પષ્ટ કરી દીધું હતું. એ ઉપરાંત પ્રચારસભાઓમાં પણ અમિત શાહે સંકેત આપ્યો હતો કે ફડણવીસ જ મુખ્ય મંત્રી બનશે.”

પત્રકાર વિનયા દેશપાંડે એક અન્ય મુદ્દો જણાવે છે. તેમના કહેવા મુજબ, ભાજપને આટલી બેઠકો મળવાની આશા ન હતી એટલે આટલો વિલંબ થયો હતો.

તેમણે કહ્યું હતું, “આટલી બધી બેઠકો જીત્યા પછી વિવિધ જૂથોને કેવી રીતે સમાવવા અને તેમને કેવી રીતે પ્રતિનિધિત્વ આપવું તે વિશેની વાટાઘાટમાં સમય ગયો હતો. મુખ્ય મંત્રીપદ માટે કેટલાંક અન્ય નામોની ચર્ચા થયાનું આપણે જોયું છે, પરંતુ કાસ્ટ કૉમ્બિનેશનમાં ફેરફાર કે અન્ય કોઈ ફૉર્મ્યૂલા લાગુ કરી શકાય કે કેમ તેની ચકાસણી પણ કરવામાં આવી હતી. સંઘનો સંપૂર્ણ ટેકો હોવાને કારણે ફડણવીસનો માર્ગ મોકળો થઈ ગયો.”

'એક ઘા બે કટકા' ને બદલે 'ઠંડા કર કે ખાઓ'

સુધીર સૂર્યવંશી અને દીપક ભાટુસે બંને ભારપૂર્વક જણાવ્યું હતું કે એકનાથ શિંદે સાથેની વાટાઘાટને કારણે જ વિલંબ થયો હતો.

એકનાથ શિંદે નાયબ મુખ્ય મંત્રી તરીકે શપથ લેવા હજુ પણ મક્કમ જણાતા નથી. તેઓ નાયબ મુખ્ય મંત્રી બનશે, તેવી જાહેરાત ગઈ કાલની પત્રકારપરિષદમાં પણ કરવામાં આવી ન હતી. એટલે કે આ બાબતે નિર્ણય થવાનો બાકી છે, એવું દીપક ભાટુસેએ ભારપૂર્વક જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું, “મહાયુતિ પાસે પ્રચંડ બહુમતી હોવાથી તે અગાઉ જ સરકાર બનાવવાનો દાવો કરી શકી હોત, પણ એવું થયું નહીં. તેનું કારણ એકનાથ શિંદે સાથેની વાટાઘાટ હતી. પહેલાં તેમણે મુખ્ય મંત્રીપદ માટે જીદ પકડી હતી. અમિત શાહ સાથે ચર્ચા કર્યા પછી તેમણે એ જીદ છોડી દીધી અને ગૃહમંત્રીપદની જીદ પકડી.”

“અન્યથા અમે સરકારમાં સામેલ થઈશું નહીં, તેવી પૉઝિશન શિંદેએ લીધી હશે. તેમને મનાવવાના પ્રયાસોને કારણે આ વિલંબ થયો હોવાની શક્યતા વધુ છે,” એમ તેમણે ઉમેર્યું હતું.

સુધીર સૂર્યવંશીના જણાવ્યા મુજબ, એકનાથ શિંદે સાથેના વ્યવહાર દરમિયાન 'એક ઘા બે કટકા'ને બદલે 'ઠંડા કર કે ખાઓ'નો અભિગમ જોવા મળ્યો હતો.

ભાજપ માટે ઝડપથી નિર્ણય લેવામાં એકનાથ શિંદે ફેક્ટર મુખ્ય અવરોધ હતું, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે તેમણે મુખ્ય મંત્રીપદ માટે જીદ પકડી હતી.

એ પછી તેમણે અઢી વર્ષ માટે મુખ્ય મંત્રીપદ માટે જીદ પકડી હતી. એ શક્ય ન હોય તો શરૂઆતના એક વર્ષ માટે મુખ્ય મંત્રીપદ આપો અથવા ગૃહમંત્રીપદ જેવું મોટું ખાતું આપો, એવા અનેક વિકલ્પોની ચર્ચા એ દરમિયાન થઈ હતી.

બધું બરાબર છે, એવું એકનાથ શિંદેએ પત્રકારપરિષદમાં ભલે કહ્યું હોય, પરંતુ મહાયુતિમાં બધું બરાબર નથી, તે સ્પષ્ટ છે. બધું ઠીક હોત તો નિર્ણય વહેલો લેવાઈ ગયો હોત.

આ સંદર્ભે વિગતવાર વાત કરતાં સૂર્યવંશીએ કહ્યું હતું, “ભાજપ પાસે આજે મોટી બહુમતી હોય અને શિંદે જૂથની જરૂર ન હોય તો પણ તેમને બાજુ પર મૂકી દેવાય નહીં. ઉદ્ધવ ઠાકરેને રાજકીય રીતે બેઅસર કરવા માટે ભાજપે શિંદે સાથે હાથ મિલાવ્યા હતા. તેથી, અત્યારે જ શિંદેનું રાજકીય વજન ઓછું કરવામાં આવે તો ખોટો મૅસેજ જઈ શકે છે. તેથી જ નિર્ણય માટે સમય ગયો હતો.”

“ભાજપ કહે છે કે શિંદેએ સરકારમાં નાયબ મુખ્ય મંત્રી બનવું જોઈએ. તેથી સરકાર મજબૂત રહેશે અને તેમના પક્ષને પણ મજબૂતી મળશે. તેમ છતાં શિંદે હજુ પણ પૂર્ણપણે રાજી ન હોવાનો સંકેત ગઈકાલની પત્રકારપરિષદમાં જોવા મળ્યો હતો. પોતે સરકારમાં રહેશે કે નહીં તેની ખાતરી તેમણે આપી નથી,” એવું સૂર્યવંશીએ ઉમેર્યું હતું.

ફડણવીસ ફરીથી મુખ્ય મંત્રી શા માટે બન્યા?

વિનયા દેશપાંડેના કહેવા મુજબ, સંઘના સંપૂર્ણ સમર્થનને કારણે દેવેન્દ્ર ફડણવીસનું નામ સરળતાથી આગળ વધ્યું છે.

સુધીર સૂર્યવંશીએ પણ જણાવ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્ય મંત્રી બનવા જોઈએ, તેવો સંઘનો આગ્રહ છે.

તેમણે કહ્યું હતું, “સંઘના વડા મોહન ભાગવત અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે મતદાનના દિવસે જ 20-25 મિનિટની બેઠક થઈ હતી. સંઘનો આગ્રહ ફડણવીસને જ મુખ્ય મંત્રી બનાવવાનો હતો, પરંતુ પક્ષનું નેતૃત્વ અલગ રીતે વિચારી રહ્યું હતું. 2014માં મુખ્ય મત્રી તરીકે એકનાથ ખડસેનું નામ ચર્ચાયું હતું, પરંતુ સંઘે પોતાની વગ વાપરી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જણાવીને દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય મંત્રી બનાવ્યા હતા. આ વખતે પણ તેનું પુનરાવર્તન થયું છે.”

દીપક ભાટુસેએ કહ્યું હતું, “2022માં એકનાથ શિંદે સાથે ભાજપે હાથ મિલાવ્યા ત્યારે પણ ફડણવીસ જ મુખ્ય મંત્રી બનવાના હતા, પરંતુ એ વખતે તેમણે ત્યાગ કર્યો હતો. એકનાથ શિંદેને મોટા બનાવવા માટે ભાજપે મુખ્ય મંત્રીપદ છોડ્યું હતું. તેની ભરપાઈ આ વખતે દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય મંત્રી બનાવીને કરવામાં આવી છે તે સ્પષ્ટ છે. ફડણવીસને કેન્દ્રમાં મોકલવામાં આવશે કે બીજા કોઈને મુખ્ય મંત્રી બનાવવામાં આવશે એવી ચર્ચા અર્થહીન હતી.”

તેમણે ઉમેર્યું હતું, “બીજા કોઈ નેતાની સરખામણીએ દેવેન્દ્ર ફડણવીસની પક્ષ પરની પકડ અજોડ છે. ભાજપે અન્ય રાજ્યોમાં નવા ચહેરાનો જે પ્રયોગ કર્યા તેવો પ્રયોગ મહારાષ્ટ્રમાં કરવાનું શક્ય ન હતું. મહારાષ્ટ્રમાં ભાજપનું નેતૃત્વ કરી શકે તેવો ફડણવીસ સિવાયનો બીજો કોઈ ચહેરો નથી.”

વિનયા દેશપાંડેના જણાવ્યા મુજબ, રાજ્યના સંચાલનનો અનુભવ અને સમન્વયની ક્ષમતા એ બે માપડંદને આધારે જ ફડણવીસને ફરી મુખ્ય મંત્રી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે કહ્યું હતું, “ત્રણ પક્ષોની સરકાર હોવાને કારણે અન્ય બે પક્ષ સાથે સમન્વય સાધી શકે અને આવો રાજકીય અનુભવ હોય તેવા નેતાની અહીં જરૂર હતી. આવો અનુભવ માત્ર ફડણવીસ જ ધરાવતા હોવાને કારણે તેમનો ભારપૂર્વક વિચાર કરવામાં આવ્યો હતો.”

એ ઉપરાંત મહારાષ્ટ્ર આપણા નિયંત્રણમાં ન હોય તો શું થાય તેનો સ્પષ્ટ અનુભવ ભાજપને લોકસભાની ચૂંટણીમાં થઈ ગયો હતો. તેથી, સરકાર કોઈ સમસ્યા વિના પાંચ વર્ષ ચલાવવી હોય તો અનુભવી અને દમદાર નેતૃત્વ હોવું જરૂરી છે, એવા દૃષ્ટિકોણથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું વિનયા દેશપાંડેએ ઉમેર્યું હતું.

આ નિર્ણય પાછળની ભાજપની રાજનીતિ સમજાવતાં સુધીર સૂર્યવંશીએ કહ્યું હતું, “ફડણવીસને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની વાતો ચાલી રહી હતી. એવું થાય તો ફડણવીસ સીધા રાષ્ટ્રીય નેતૃત્વની રેસમાં ઊતરી શકે. તેથી તેમને રાજ્યમાં રાખવાનું બહેતર હશે એવું વિચારવામાં આવ્યું હશે. એ ઉપરાંત સંઘ તેના અસ્તિત્વની શતાબ્દી પૂર્ણ કરી રહ્યો છે ત્યારે સંઘના આંગણામાં ઉછરેલો બ્રાહ્મણ ચહેરો મુખ્ય મંત્રી બનવો જોઈએ, એવું તેમને લાગ્યું હશે.”

વિલંબ પાછળના અન્ય રાજકીય સંદેશ શું છે?

આ વિલંબ પાછળ કેટલાક અન્ય રાજકીય સંદેશાઓ પણ હોવાનું સુધીર સૂર્યવંશીએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું, “સંઘના કહેવાથી ફડણવીસને જ મુખ્ય મંત્રી બનાવવાની ઇચ્છા હોવા છતાં ભાજપનું નેતૃત્વ એવું દેખાડવા ઇચ્છતું હતું કે હાઈકમાન્ડ તો અમે જ છીએ. મુખ્ય મંત્રી બનાવવાની આ પદ્ધતિ સંઘને તે વાકેફ કરવાની રીત છે.”

તેમણે ઉમેર્યું હતું, “રાજ્યનો નેતા ભલે ગમે તેટલો મોટો હોય, પરંતુ દિલ્હીમાં તેણે બે કલાક રાહ જોવી જ પડે છે. કૉંગ્રેસમાં હતું તેવું અહીં પણ જોવા મળે છે. એ મારફત એવો મૅસેજ આપવામાં આવે છે કે તમે ભલે ગમે તેટલી બહુમતીથી સત્તા લાવ્યા હો, પરંતુ વરિષ્ઠ નેતાઓ અમે જ છીએ.”

તેમણે કહ્યું હતું, “એ ઉપરાંત અમે એકનાથ શિંદેની બાજુ પણ સાંભળી છે. તેમને સીધા હટાવવામાં આવ્યા નથી, એવું લોકોને સમજાવવાનો પ્રયાસ લાંબા સમય સુધી ચાલેલી આ વાટાઘાટ દ્વારા કરવામાં આવ્યો હતો.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.