You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જામનગરઃ એ તરકીબ જેનાથી પોલીસે મૂક-બધિર સગીરાના બળાત્કારનો કેસ ઉકેલી નાખ્યો
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
જામનગરમાં જન્મથી બોલી અને સાંભળી શકવામાં અક્ષમ(મૂક-બધિર) સગીરાની શારીરિક અક્ષમતાનો લાભ લઇને એક શખસે સગીરા સાથે બળાત્કાર કર્યો હોવાની ઘટના પોલીસ સામે આવી હતી.
સગીરા ચાર મહિનાની ગર્ભવતી થઈ ત્યારે તેની સાથે બળાત્કાર થયો હોવાની પરિવારજનોને જાણ થઇ હતી.
જોકે, પરિવારના સભ્યોને આરોપી કોણ છે તે અંગે કોઇ જ જાણ ન હતી. સગીરાનાં માતાએ જામનગર જીલ્લાના મેઘપર પોલીસ સ્ટેશનમાં સગીરા સાથે બળાત્કાર થયાની ફરિયાદ નોંધાવી હતી.
આ પડકારજનક કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(એસઆઈટી)ની રચના કરવામાં આવી હતી.
પોલીસ મૂંઝવણમાં હતી કે પીડિતા બોલી શકતી નથી ન સાંંભળી શકે છે તેવા સંજોગોમાં આરોપીની શોધ કઈ રીતે કરવી? પણ પોલીસે એવી તરકીબ અજમાવી કે આરોપી ઝડપાઈ ગયો.
શનિવારના રોજ આરોપીની ધરપકરડ કરવામાં આવી હતી. કોર્ટે આરોપીના બે દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂરી થતા હાલમાં આરોપી જેલમાં છે.
પોલીસે કઈ તરકીબ અપનાવી?
મૂક-બધિર સગીરાએ કોઇ સાઇન લૅંગ્વેજનો અભ્યાસ કર્યો નહોતો કે તેની કોઈ તાલીમ પણ મેળવેલ ન હોવાથી પોલીસ માટે આ કેસ ખૂબ જ પડકારજનક હતો.
આખરે પોલીસે સાઇન લૅંગ્વેજના નિષ્ણાતની મદદ લઇ ને 32 વર્ષના આરોપીની ધરપકડ કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસ ઇન્સ્પેક્ટર પી. ટી. જયસ્વાલે બીબીસી ગુજરાતીને જણાવ્યું, ''પોલીસ માટે આ કેસ પડકારજનક હતો. અમે પીડિતા જે જગ્યા પર કાયમી અવરજવર કરતી હતી તેની આસપાસ તપાસ હાથ ધરી હતી. અમે એ જગ્યાની આસપાસ રહેતા લોકોનાં નિવેદનો લીધાં હતાં. નિવેદન દરમિયાન શંકાસ્પદ લાગતા ઇસમોના ફોટા પણ લેવામાં આવ્યા હતા.''
સગીરા મૂક-બધિર હોવાથી તેની સાથે વાતચીત કરવા માટે પોલીસે મૂક-બધિર વિદ્યાર્થીઓને ભણાવતાં એક શિક્ષિકાની મદદ લીધી હતી. આ શિક્ષિકાએ સગીરા સાથે સાઇન લૅંગ્વેજમાં વાત કરીને માહિતી મેળવી હતી.
પી. ટી. જયસ્વાલ કહે છે, ''શિક્ષિકાએ શંકાસ્પદ વ્યક્તિઓના ફોટા પીડિતાને બતાવ્યા હતા. આરોપીનો ફોટો જાઇને પીડિતા એકદમ ચોંકી ઊઠી હતી. પીડિતા પાસેથી જે સ્થળોએ બળાત્કાર કરવામાં આવ્યો હતો તે સ્થળો વિશેની માહિતી મેળવવામાં આવી હતી. માહિતી બાદ અમે તે સ્થળે તપાસ કરતાં જાણવા મળ્યું કે તે સ્થળો આરોપીની માલિકીનાં હતાં.''
સાઇન લૅંગ્વેજ સમજવા માટે પોલીસે જેની મદદ લીધી હતી તે શિક્ષિકા મીનાક્ષીબહેન જાની પીડિતાને 'દીકરી' તરીકે સંબોધે છે.
મીનાક્ષીબહેન જાનીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, ''દીકરીને તેની સાથે ખરાબ થયું છે તે અંગે ખ્યાલ હતો. પહેલા મેં તેની સાથે સામાન્ય વાતચીત કરીને તેને વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ સામાન્ય ઇશારામાં વાત કરવાની શરૂઆત કરી હતી.''
''વાતચીત દરમિયાન મેં દીકરીને શંકાસ્પદ લોકોના ફોટો દેખાડ્યા હતા. જયારે આરોપીનો ફોટો બતાવવામાં આવ્યો ત્યારે તે ‘હા’ નો ઇશારો કરવા લાગી.''
મીનાક્ષીબહેન જાની જણાવે છે કે આરોપીનો ફોટો જોયા બાદ દીકરીએ મને ઇશારાથી બધી વાત જણાવી હતી. જે જગ્યાએ તેની સાથે બળાત્કાર થયો હતો તે જગ્યા પણ તેણે અમને દેખાડી.
''આ કેસમાં મારુ મહત્ત્વનું કામ એ હતું કે પોલીસ જે પશ્નો કહે તે દીકરીને પૂછી તેના જવાબ લેવાનું તેમજ દીકરી ઇશારાથી જે કહેવા માગે તે પોલીસને સમજાવવાનું.''
પોલીસે આખરે આરોપીની ધરપકડ કરી
પોલીસે જે તરકીબ અજમાવી તે રંગ લાવી હતી અને ગણતરીના સમયમાં આરોપીને ઝડપી લીધો હતો.
પી. ટી. જયસ્વાલે વધુમાં જણાવ્યુ હતું કે “પીડિતાએ આપેલી માહિતી અને પુરાવા એકત્ર કર્યાં બાદ મામલતદાર સમક્ષ પીડિતાનું નિવેદન નોઁધાવામાં આવ્યું હતું. આરોપીની ઓળખવિધિમાં પીડિતાએ આરોપીને ઓળખી બતાવ્યો હતો. પછી અમે આરોપીની ધરપકડ કરી હતી.”
મીનાક્ષીબહેન જાનીએ વધુમાં જણાવ્યું, આ કેસમાં દીકરીએ કોઇપણ પ્રકારની તાલીમ કે શિક્ષણ મેળવ્યું ન હોવાથી મારા માટે આ કામ પડકારજનક હતું. જોકે, વર્ષોથી હું આ અંગે કામ કરતી હોવાથી સામાન્ય ઇશારા કે જેમાં તાલીમ ન લીધી હોય તેમ છતાં સમજી શકે તેવા ઇશારાથી વાત કરી શકતી હતી.”
8 ઑક્ટોબરના રોજ આરોપીના રીમાન્ડ સમાપ્ત થતા આરોપીને કોર્ટમાં રજૂ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલ છે.
આ અંગે પી. ટી. જયસ્વાલે વધુમાં જણાવ્યું હતું કે “કોર્ટના ઑર્ડર બાદ સગીરાનો ગર્ભપાત કરાવવામાં આવ્યો છે. તેમજ તેનાં ભ્રુણનાં નમુના ડીએનએ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલી આપવામાં આવ્યાં છે.તેમજ આરોપીનો મેડીકલ ટેસ્ટ કરવામાં આવ્યો છે. આરોપીના ડીએનએ ટેસ્ટ માટે સૅમ્પલ ગાંધીનગર એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે. અમે ડીએનએ ટેસ્ટના રીપોર્ટની રાહ જોઇ રહ્યા છીએ.”
હજારો મહિલાઓના બળાત્કાર છતાં વળતરનું પ્રમાણ 10 ટકાથી ઓછું
બીબીસી ગુજરાતીએ દેશનાં ત્રણ'વિકસિત રાજ્યો'ના 35 જિલ્લામાં મહિલાઓ સામે થયેલા અપરાધ બદલ ચૂકવાતા વળતરની ટકાવારી જાણવા માટે માહિતી અધિકારની અરજી કરી હતી.
જેના જવાબમાં સામે આવ્યું છે કે પાછલાં દસ વર્ષમાં મહિલાઓની સામે અપરાધની સંખ્યા હજારોમાં હોવા છતાં આ અપરાધ બાદ મહિલાઓને વળતરનું પ્રમાણ દસ ટકા કરતાં પણ ઓછું છે.
દિશા ફૉર વિક્ટિમ સંસ્થાના ડિરેક્ટર જ્યોતિ ખાંડપસોલે મહિલાઓ વિરુદ્ધ થતાં અપરાધના કિસ્સાઓમાં ગુનાના પીડિતોને મળનાર વળતરનું પ્રમાણ ઓછું હોવાની વાત સાથે સંમત થાય છે.
તેઓ આ માટેનાં કારણો અંગે વાત કરતાં કહે છે કે, "વળતર ચૂકવવા માટે બનાવાયેલ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઑથૉરિટીની સમિતિના સભ્યો એવા પૂર્વાગ્રહથી પીડાતા હોય છે કે મોટા ભાગના દુષ્કર્મના કિસ્સામાં આરોપી અને પીડિત વચ્ચે સંમતિથી સંબંધ સ્થાપવામાં આવ્યા હોય છે."
"તેમજ તેઓ એવું પણ માને છે કે આવા મોટા ભાગના કિસ્સાઓમાં ફરિયાદી અને આરોપી વચ્ચે અંતે સમાધાન થઈ જાય છે, તેથી ગુનાનાં સાચાં પીડિતાને પણ મદદ નથી મળી શકતી."
તેઓ આ સિવાયનાં કારણો અંગે જણાવતાં કહે છે કે આપણી ન્યાયપ્રણાલી હજુ પણ ગુનાના આરોપીને કેન્દ્રિત વલણ ધરાવે છે. ગુનાના પીડિતને કેન્દ્રિત વલણના અભાવના કારણે આ દશા છે.
જ્યોતિ આગળ જણાવે છે કે, "ઉપરોક્ત કારણો સિવાય ગુનાના પીડિતને એ વાતની જાણકારી પણ નથી હોતી કે આવું કોઈ સત્તામંડળ તેમને વળતર આપી શકે છે. તેથી ઘણા કિસ્સાઓમાં અરજી નથી થતી."
"પોલીસ અને ન્યાયતંત્રમાં પણ ગુનાના પીડિતો માટે સંવેદનશીલતાનો અભાવ જોવા મળે છે. તેઓ પણ પીડિતને તેમના અધિકારો અંગે જાણ કરતા નથી."
તેઓ એ વાત સાથે પણ સંમત થાય છે કે મહારાષ્ટ્ર, ગુજરાત કે દિલ્હીમાં જ નહીં, પરંતુ આવું જ વલણ દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પીડિતોને વળતરના મામલે જોઈ શકાય છે.
આ સિવાય મહિલા સાથે દુષ્કર્મના અનેક કેસોમાં તેમના વકીલ તરીકે હાજર રહી ચૂકેલા ઍડ્વોકેટ ઇદરીશ પઠાણ મહિલા સામેના અત્યાચારના કિસ્સામાં પીડિતને નહિવત્ કિસ્સાઓમાં વળતર મળતું હોવાની વાત જણાવે છે.
તેઓ આ વલણના કારણ અંગે વાત કરતાં કહે છે કે, "જિલ્લા કાનૂની સેવા સત્તામંડળની કચેરીમાં કામ કરતાં લોકો પીડિતોને વળતર મળે તે માટે ઉદાસીન વલણ ધરાવે છે. તેથી મોટા ભાગના કિસ્સામાં પીડિત વળતરથી વંચિત રહે છે."
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)