You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સ્પીડ બ્રૅકરના આંચકાથી મૃત વૃદ્ધ જીવિત થયા, શું છે હકીકત?
- લેેખક, પ્રિયંકા જગતાપ
- પદ, બીબીસી મરાઠી માટે
હૉસ્પિટલમાં તબીબોએ એક વૃદ્ધને મૃત જાહેર કરી દીધા. ઘરે પરિવારજનો દ્વારા તેમના અંતિમસંસ્કારની તૈયારીઓ હાથ ધરવામાં આવી. તેમને ઍમ્બુલન્સમાં ઘરે લઈ જવામાં આવી રહ્યા હતા, એવામાં રસ્તા ઉપર સ્પીડ બ્રૅકર આવ્યું હતું અને તેના ઝાટકાથી વૃદ્ધ બેઠા થઈ ગયા હતા.
આવી જ એક ઘટના મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ઘટી છે. જ્યાં વૃદ્ધના બેઠા થઈ જવાથી શોકાતુર લોકો ચોંકી ગયા હતા.
પરિવારજનો માને છે કે ચમત્કાર થયો છે અને તેઓ મરણપથારીએ જઈને પરત ફર્યા છે. આ વૃદ્ધનો કિસ્સો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થઈ ગયો છે.
જોકે, આ મામલો ઊંડી તપાસ માગી લે એવી તબીબી બેકાળજીનો પણ છે.
જીવિત થયેલા 'મૃત' વૃદ્ધ
કોલ્હાપુરના કસબા-બાવડામાં 65 વર્ષીય પાંડુરંગ ઉલપે તેમના બૃહદ પરિવાર સાથે રહે છે. તેમને હૃદયમાં દુખાવો થતાં હૉસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.
કોઈ ફિલ્મી દૃશ્યની જેમ અહીં તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા. આ સમાચાર સાંભળીને પરિવાર શોકાતુર થઈ ગયો હતો અને રૂદન શરૂ થઈ ગયું હતું.
પરિવારજનોએ પાડોશીઓ અને સગા-સંબંધીઓને જાણ કરી દીધી હતી. લોકો તેમના ઘરે એકઠા થવા લાગ્યા હતા.
પાંડુરંગની સાથે સારવાર માટે હૉસ્પિટલે ગયેલા પરિવારજનો 'મૃતદેહ'ને લઈને પરત આવી રહ્યા હતા. ત્યારે સ્પીડ બ્રૅકર પર આંચકો આવતા પાંડુરંગના શરીરમાં સળવળાટ શરૂ થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એટલે પરિવારજનો તેમને ફરી હૉસ્પિટલે લઈ ગયા હતા. અહીં તેઓ જીવિત હોવાનું બહાર આવ્યું હતું અને તેમની સારવાર હાથ ધરવામાં આવી હતી.
એ પછી હૉસ્પિટલે તેમની સારવાર શરૂ કરી અને સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યા.
જિલ્લા સિવિલ સર્જનનું કહેવું છે કે આ મામલો તબીબી બેકાળજીનો છે અને જો ફરિયાદ મળશે તો કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
મૃત્યુના મુખની 'અંદર' અને 'બહાર'
પાંડુરંગના દોહિત્ર ઓમકાર રમાનેએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે તા. 16મી ડિસેમ્બરની સાંજે પાંડુરંગ ઉલપે અસહજતા અનુભવી રહ્યા હતા.
આથી, પરિવાર સાંજે સાડા છ વાગ્યા આસપાસ તેમને એક ખાનગી હૉસ્પિટલમાં સારવારઅર્થે લઈ ગયો હતો. જ્યાં તબીબોએ પાંડુરંગને હાર્ટઍટેક આવ્યો હોવાનું જણાવ્યું હતું. તેમની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી.
હૉસ્પિટલમાં સારવાર બાદ પણ તેમની તબિયત કથળી રહી હતી. આથી તેમનાં એકમાત્ર દીકરી અને જમાઈને પણ બોલાવી લેવામાં આવ્યાં હતાં.
દરમિયાન પાંડુરંગના શરીરે હલચલ બંધ કરી દીધી, તેમનાં હૃદયના ધબકારા અટકી ગયા. રાત્રે લગભગ સાડા બાર વાગ્યે સારવાર કરી રહેલા તબીબોએ તેમને ઘરે લઈ જવા કહ્યું હતું.
ઓમકારના જણાવ્યા પ્રમાણે, ઘરે પરિવારજનો 'મૃતદેહ'ની રાહ જોઈ રહ્યા હતા, એવામાં સ્પીડ બ્રૅકર આવ્યું અને આખી કહાણી પલટાઈ ગઈ.
ઓમકારે જોયું કે પાંડુરંગની આંગળીઓમાં સળવળાટ થઈ રહ્યો છે. તેમણે પોતાની પાસે રહેલાં ઑક્સિમીટરથી પાંડુરંગના શરીરમાં ઑક્સિજનનું પ્રમાણ ચકાસ્યું.
તરત જ ઍમ્બુલન્સને ડી. વાય. પાટિલ હૉસ્પિટલ લઈ જવામાં આવી. જ્યાં તબીબોએ પાંડુરંગને બચાવવા માટેના ઉપાયો શરૂ કરી દીધા.
પાંડુરંગે તા. 17 ડિસેમ્બરના બપોરે સાડા ત્રણ વાગ્યા આસપાસ આંખો ખોલી. એ પછી તા. 30મી ડિસેમ્બર સુધી તેમની સારવાર ચાલતી રહી.
પાંડુરંગ જ્યારે સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેમનો પરત ફરવાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયો હતો.
પાંડુરંગને કઈ હૉસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને કયા તબીબે 'અંતકાળ' વિશે કહ્યું હતું, તેના વિશે પરિવાર કશું નથી કહી રહ્યો.
તબીબી બેકાળજીનો મામલો
બીબીસીએ કોલ્હાપુરના સિવિલ સર્જન ડૉ. સુપ્રિયા દેશમુખ સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે આ અંગે પાંડુરંગ ઉલપેના પરિવાર પાસેથી વિગતો મંગાવવામાં આવી છે.
ડૉ. દેશમુખના જણાવ્યા પ્રમાણે, "ડૉ. રામનેએ અમને એક પત્ર લખ્યો છે, જેમાં જણાવ્યું છે કે પાંડુરંગના મૃત્યુ પછી ઈસીજીમાં એકદમ સીધી લીટી જ જોવા મળી હતી."
ડૉ. દેશમુખ જણાવે છે કે નિયમ પ્રમાણે, કોઈપણ વ્યક્તિને તરત જ મૃત જાહેર કરવામાં નથી આવતી. દર્દીને ઇમર્જન્સી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને પછી એકાદ કલાક પછી મૃત જાહેર કરવામાં આવે છે.
ડૉ. દેશમુખના જણાવ્યા પ્રમાણે, "પાંડુરંગના કિસ્સામાં આવું કશું નહોતું કરવામાં આવ્યું. પાંડુરંગને મૃત જાહેર કરીને તેમને જે ઍમ્બુલન્સમાં તેમને લાવવામાં આવ્યા હતા, તેમાં જ સંબંધીઓ સાથે પરત મોકલી દેવામાં આવ્યા હતા."
ડૉ. દેશમુખ ઉમેરે છે, "સંબંધિત ડૉક્ટર દ્વારા બે ભૂલ કરવામાં આવી હતી. એક તો હૃદય અટકતા જ તેમણે દર્દીને મૃત જાહેર કરી દીધા. બીજું કે તેમને મૃત માની લેવા છતાં તેમનું પોસ્ટમૉર્ટમ ન કરાવ્યું. મૃત્યુનું કારણ જાણવા માટે તે જરૂરી હતું."
જો કોઈનું હૃદય અચાનક જ બંધ પડી જાય તો તેને ફરી ધબકlતું કરવા માટે કાર્ડિયાક મસાજ આપવામાં આવે છે અથવા તો સીધું જ હૃદયમાં ઇન્જેક્શન આપવું જોઈએ.
ડૉ. દેશમુખ માને છે કે સ્પીડ બ્રૅકર પર આંચકો લાગવાને કારણે પાંડુરંગનું હૃદય ફરીથી ધબકતું થઈ ગયું હશે.
ડૉ. દેશમુખના જણાવ્યા પ્રમાણે, માત્ર હૃદય ચાલતું ન હોવાથી કોઈને મૃત જાહેર કરીને ડેથ સર્ટિફિકેટ આપી દેવું એ ગંભીર બેદરકારી છે.
સ્પીડ બ્રૅકરે પાંડુરંગના જીવનની ગાડીને પૂરપાટ દોડતી કરી દીધી છે, પરંતુ જો તે ન આવ્યો હોત તો? 'એ' તબીબને કારણે ચોક્કસથી તેમના પરિવાર ઉપર દુખનો પહાડ તૂટી પડ્યો હોત.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન