જેમના ઘરમાંથી મોટા પ્રમાણમાં રોકડ મળ્યાનો આરોપ છે એ જસ્ટિસ યશવંત વર્મા કોણ છે?

ઇમેજ સ્રોત, ALLAHABADHIGHCOURT.IN/GETTY IMAGES
- લેેખક, અંશુલ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
જસ્ટિસ યશવંત વર્માનું નામ પાછલા કેટલાક સમયથી સમાચારમાં ચમકી રહ્યું છે. તેમના નવી દિલ્હીસ્થિત સરકારી મકાનમાંથી મોટા પ્રમાણમાં રોકડ મળી હોવાનો આરોપ છે.
દિલ્હી હાઇકોર્ટના જજના આવાસના સ્ટોર રૂમમાં 14 માર્ચે આગ લાગી હતી. એ દરમિયાન તેમના ઘરમાંથી કથિત રીતે મોટા પ્રમાણમાં રોકડ મળી આવી હતી.
જસ્ટિસ વર્માનો દાવો છે કે તેમણે કે તેમના પરિવારજનોએ સ્ટોર રૂમમાં ક્યારેય રોકડ રાખી નથી અને તેમના વિરુદ્ધ કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.
સુપ્રીમ કોર્ટના વડા ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાએ આ ઘટનાની તપાસ માટે ત્રણ ન્યાયમૂર્તિઓની એક સમિતિની રચના કરી છે. જસ્ટિસ વર્માને થોડા સમય સુધી કોઈ ન્યાયિક જવાબદારી નહીં સોંપવાનો નિર્ણય પણ તેમણે કર્યો છે.
સુપ્રીમ કોર્ટના કૉલેજિયમે પ્રસ્તાવ મૂક્યો છે કે જસ્ટિસ વર્માને દિલ્હીથી હઠાવીને પાછા અલાહાબાદ હાઇકોર્ટમાં મોકલી આપવામાં આવે. જોકે, અલાહાબાદ હાઇકોર્ટ બાર ઍસોસિયેશને આ નિર્ણય સામે વાંધો લીધો છે.
જે અલાહાબાદ હાઇકોર્ટ બાર ઍસોસિયેશનના વિરોધનો સામનો જસ્ટિસ વર્મા આજે કરી રહ્યા છે એ જ ઍસોસિયેશનનો ક્યારેક તેઓ એક હિસ્સો હતા.
જસ્ટિસ વર્માઃ વકીલથી જજ બનવા સુધી

ઇમેજ સ્રોત, Getty Images
1969ની છઠ્ઠી જાન્યુઆરીએ અલાહાબાદ(હવે પ્રયાગરાજ)માં જન્મેલા જસ્ટિસ યશવંત વર્મા 30થી વધુ વર્ષોથી કાયદાના વ્યવસાય સાથે જોડાયેલા છે.
તેમણે દિલ્હી યુનિવર્સિટીની હંસરાજ કૉલેજમાંથી બી.કોમ (ઑનર્સ)ની ડિગ્રી મેળવી છે. એ પછી તેમણે મધ્ય પ્રદેશની રીવા યુનિવર્સિટીમાંથી એલએલબીનો અભ્યાસ કર્યો હતો અને 1992ની આઠમી ઑગસ્ટથી વકીલ તરીકે કારકિર્દી શરૂ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અલાહાબાદ હાઇકોર્ટમાં વકીલ તરીકે તેઓ બંધારણીય, શ્રમ તથા ઔદ્યોગિક મામલાઓ, કૉર્પોરેટ કાયદાઓ, ટૅક્સેસન અને કાયદા સાથે જોડાયેલા અન્ય કેસો લડ્યા હતા.
જસ્ટિસ વર્મા 2014ની 13 ઑક્ટોબરે અલાહાબાદ હાઇકોર્ટમાં એડિશનલ જજ તરીકે જોડાયા હતા. લગભગ દોઢ વર્ષ પછી પહેલી ફેબ્રુઆરી, 2016ના રોજ તેમણે સ્થાયી જજ તરીકે સોગંદ લીધા હતા.
હાઇકોર્ટના જજ તરીકેનાં સાત વર્ષના કાર્યકાળમાં જસ્ટિસ વર્માએ બંધારણીય કાયદા, ટૅક્સેસન, મધ્યસ્થતા અને અપરાધિક મામલાઓ સહિતના અનેક કેસમાં અધ્યક્ષતા કરી હતી.
2006થી ઑક્ટોબર 2014માં એડિશનલ જજ બનવા પહેલાં સુધી જસ્ટિસ વર્મા અલાહાબાદ હાઇકોર્ટમાં ખાસ વકીલ હતા. દરમિયાન ઑગસ્ટ, 2013 સુધી તેમણે હાઇકોર્ટમાં ઉત્તર પ્રદેશના મુખ્ય સ્ટેન્ડિંગ કાઉન્સેલનું પદ સંભાળ્યું હતું.
અલાહાબાદ હાઇકોર્ટમાં જજ બન્યાનાં સાત વર્ષ પછી 2021ની 11 ઑક્ટોબરે તેમણે દિલ્હી હાઇકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા હતા.
જસ્ટિસ વર્મા દિલ્હી હાઇકોર્ટમાં વરિષ્ઠતાના ક્રમમાં વડા ન્યાયમૂર્તિ પછી બીજા સિનિયર જજ હતા. તેઓ ફરી અલાહાબાદ હાઇકોર્ટમાં જજ બનશે તો ત્યાં જસ્ટિસ વર્મા ચીફ જસ્ટિસ બાદ વરિષ્ઠતાના ક્રમમાં નવમા નંબરે હશે.
જસ્ટિસ વર્માના મહત્વના ચુકાદાઓ

ઇમેજ સ્રોત, Getty Images
જસ્ટિસ યશવંત વર્મા અલાહાબાદ અને દિલ્હી હાઇકોર્ટમાં પાછલાં લગભગ 11 વર્ષથી જજ તરીકે કાર્યરત રહ્યા છે. એ દરમિયાન તેમણે ઘણા મહત્ત્વના કેસોની સુનાવણી કરી છે અને ચુકાદા આપ્યા છે.
★ ડૉ. કફીલ ખાનને જામીન : 2018માં અલાહાબાદ હાઇકોર્ટમાં પોતાના કાર્યકાળ દરમિયાન જસ્ટિસ વર્માએ ડૉ. કફીલ ખાનને જામીન આપ્યા હતા.
ઑગસ્ટ, 2017માં ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ઓક્સિજનનો પુરવઠો કથિત રીતે ખોરવાઈ જવાને કારણે 60 બાળકોનાં મોત થયાં હતાં. એ કેસમાં ડૉ. કફીલ ખાન પર તબીબી બેદરકારી દાખવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેમણે સાત મહિના જેલમાં રહેવું પડ્યું હતું.
ડૉ. ખાનને જામીન આપતાં જસ્ટિસ વર્માએ કહ્યું હતું, "ઓન રેકૉર્ડ એવી કોઈ સામગ્રી મળી નથી, જેનાથી એવું સાબિત થાય કે અરજદારે (કફીલ ખાન) તબીબી બેદરકારી દાખવી હોય."
તેમના આ ચુકાદાએ તબીબી જવાબદારી, સરકારી બેદરકારી અને માનવાધિકારોના મુદ્દે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
★ કૉંગ્રેસની અરજી ફગાવીઃ કૉંગ્રેસ પાર્ટીએ ઇન્કમટૅક્સ બાબતે ગયા માર્ચમાં એક અરજી દાખલ કરી હતી. વાસ્તવમાં આવકવેરાવિભાગે કૉંગ્રેસ પાર્ટીને રૂ. 100 કરોડની બાકી ટૅક્સ વસૂલી માટે 2024ની 13 ફેબ્રુઆરીએ નોટિસ મોકલી હતી.
આવકવેરાવિભાગે કૉંગ્રેસને રૂ. 210 કરોડનો દંડ ફટકાર્યો હતો અને કૉંગ્રેસ પાર્ટીનો દાવો હતો કે તેના બૅન્ક એકાઉન્ટ્સ ફ્રીઝ કરી દેવામાં આવ્યાં હતાં. આ કાર્યવાહીના વિરોધમાં કૉંગ્રેસના નેતા અને વકીલ વિવેક તન્ખાએ ઇન્કમટૅક્સ એપલેટ ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી, પરંતુ તેને ફગાવી દેવામાં આવી હતી.
એ પછી કૉંગ્રેસે દિલ્હી હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. એ કેસની સુનાવણી જસ્ટિસ વર્મા અને જસ્ટિસ પુરુષેન્દ્રકુમાર કૌરવની ખંડપીઠે કરી હતી. હાઇકોર્ટે કૉંગ્રેસની અરજી ફગાવી દીધી હતી અને ઇન્કમટૅક્સ એપલેટ ટ્રિબ્યુનલના આદેશને યથાવત્ રાખ્યો હતો.
★ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)ની સત્તાઃ જસ્ટિસ વર્માની સિંગલ બેન્ચે જાન્યુઆરી, 2023માં એવો ચુકાદો આપ્યો હતો કે પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) સિવાયના અન્ય કોઈ પણ ગુનાની તપાસ ઇડી ન કરી શકે. તપાસ એજન્સી પોતાની રીતે એવું માની જ નથી શકતી કે કોઈ ગુનો આચરવામાં આવ્યો છે.
2023ની 24 જાન્યુઆરીએ આપેલા ચુકાદામાં જસ્ટિસ વર્માએ કહ્યું હતું, "પૂર્વયોજિત અપરાધની તપાસ અને સુનાવણી એ સંબંધી કાયદા દ્વારા સક્ષમ અધિકારીઓએ જ હાથ ધરવી જોઈએ."
આ ચુકાદાને લીધે ઇડીની સત્તાની મર્યાદા સ્પષ્ટ થઈ હતી અને તેને તપાસ સત્તાના દુરુપયોગને રોકવાનો પ્રયાસ ગણવામાં આવ્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
★ દિલ્હી એક્સાઈઝ નીતિ કેસનું મીડિયા રિપોર્ટિંગ : જસ્ટિસ વર્મા નવેમ્બર, 2022માં કથિત દિલ્હી દારૂ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના નેતા અને દારૂ નીતિ કેસના આરોપી વિજય નાયર દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજીની સુનાવણી કરી રહ્યા હતા.
એ દરમિયાન તેમણે કથિત ખોટા રિપોર્ટિંગ માટે કેટલીક ન્યૂઝ ચેનલો પાસે જવાબ માંગ્યા હતા.
નાયરે પોતાની અરજીમાં અદાલતને જણાવ્યું હતું કે તપાસ એજન્સીઓની સંવેદનશીલ માહિતી ન્યૂઝ ચેનલો દ્વારા જાહેરમાં લીક કરવામાં આવી છે.
એ પછી અદાલતે ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ !ન્ડ ડિજિટલ એસોસિએશન (એનબીડીએ)ને તેની સભ્ય મીડિયા કંપનીઓને બોલાવવા અને લીક થયેલી માહિતીના સ્રોત તેમજ અન્ય સમાન માહિતી વિશે પૂછપરછ કરવા જણાવ્યું હતું.
★ રેસ્ટોરાં બિલ પર સર્વિસ ચાર્જઃ જસ્ટિસ વર્માએ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઑથૉરિટી (સીસીપીએ)ની ગાઇડલાઇન્સ પર જુલાઈ, 2022માં રોક લગાવી દીધી હતી. એ ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું હતું કે રેસ્ટોરાં અને હોટેલોએ બિલમાં પોતાની રીતે સર્વિસ ચાર્જ ઉમેરવો જોઈએ નહીં અને અન્ય કોઈ નામે સર્વિસ ચાર્જ વસૂલવો જોઈએ નહીં.
જસ્ટિસ વર્મા નૅશનલ રેસ્ટોરાં ઍસોસિયેશન ઑફ ઈન્ડિયા અને ફેડરેશન ઑફ હોટેલ ઍન્ડ રેસ્ટોરાં ઍસોસિયેશન ઑફ ઈન્ડિયા (એફએચઆર) દ્વારા આ ગાઇડલાઇન્સને પડકારતી અરજીઓની સુનાવણી કરી રહ્યા હતા.
જસ્ટિસ વર્માનું કહેવું હતું કે આ પ્રકારના સર્વિસ ચાર્જ મેનુમાં મુખ્ય રીતે દર્શાવવા જોઈએ.
તેમણે આદેશ આપ્યો હતો કે "અરજદાર સંગઠનના સભ્યોએ સુનિશ્ચિત કરવું જોઈએ કે પ્રસ્તાવિત સર્વિસ ચાર્જીસ કિંમત અને કર ઉપરાંત વસૂલવામાં આવે. તે ચૂકવવાની ગ્રાહકોની જવાબદારીને મેનુ પર અથવા અન્યત્ર યોગ્ય તેમજ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવે."
જોકે, સપ્ટેમ્બર 2023માં જસ્ટિસ પ્રતિભાસિંહે તે આદેશને ઉલટાવી નાખ્યો હતો અને 'સર્વિસ ચાર્જ' શબ્દને બદલીને 'સ્ટાફ કોન્ટ્રિબ્યુશન' કરી નાખ્યો હતો. તેમણે એવું પણ જણાવ્યું હતું કે આ પ્રકારનું યોગદાન કુલ બિલના દસ ટકાથી વધારે હોવું ન જોઈએ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












