You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'હું 10 વર્ષની હતી અને ડૉક્ટરે કહ્યું કે તારું લીવર દારૂડિયાના લીવર જેવું છે'
- લેેખક, એલીન મોયનાઘ
- પદ, બીબીસી ન્યૂઝ
એક મેડિકલ સ્ટુડન્ટ 10 વર્ષની હતી ત્યારે તેને કહેવામાં આવ્યું હતું કે તેનું લીવર એક દારૂડિયાના લીવર જેવું છે. એ વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે રોવિંગની, નૌકાયનની રમતને લીધે તેનું લીવર ટ્રાન્સપ્લાન્ટ પાછું ઠેલી શકાયું છે.
મેગન મેકગિલિનને સિરોસિસ ઑફ લીવર એટલે કે યકૃત પર સોજો હોવાનું નિદાન 11 વર્ષ પહેલાં થયું હતું. એ કારણે તેનું લીવર યોગ્ય રીતે કામ કરતું ન હતું.
બાળકોમાં લીવરનો રોગ દુર્લભ હોય છે. લીવરના એક નિષ્ણાતે જણાવ્યું હતું કે ચુસ્ત અને સ્વસ્થ રહેવાથી લીવરની તંદુરસ્તી જાળવી શકાય છે.
સિરોસિસનો કોઈ ઈલાજ નથી કે તેને ઉલટાવી શકાતું નથી અને બાળકોમાં સિરોસિસનું કારણ બનતી લીવરની ઘણી વિકૃતિ અટકાવી શકાતી નથી.
મેગનના કિસ્સામાં ડૉક્ટરો જાણતા ન હતા કે તેનું લીવર આવું શા માટે હતું. ડૉક્ટરના જણાવ્યા મુજબ, આલ્કોહોલિક લીવરને કારણે એટલું વ્યાપક નુકસાન થાય છે કે લીવર કામ કરતું બંધ થઈ જાય છે.
મેગને કહ્યું હતું, “મારું નિદાન થયું ત્યારે ડૉક્ટરોએ મને જણાવ્યું હતું કે, 18 વર્ષની વયે મારું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરી શકાશે, પરંતુ હું ચુસ્ત અને સ્વસ્થ રહીશ.”
“હું 16 કે 17 વર્ષની થઈ ત્યારે ડૉક્ટરોએ મને કહેલું કે 21 વર્ષની વયે મારે નિશ્ચિત રીતે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે. નવેમ્બરમાં હું 21 વર્ષની થઈ ત્યારે મારા જન્મદિવસે પણ ટ્રાન્સપ્લાન્ટ થયું નહીં.”
“હું સ્વસ્થતાથી આગળ વધી રહી છું એટલે હવે ડૉક્ટરોએ સમયમર્યાદા હટાવી લીધી છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સિરોસિસ જેવા લીવરના રોગ 'પોર્ટલ હાયપરટેન્શન'માં પરિણમી શકે છે અને તેનાથી બરોળનો વિસ્તાર થઈ શકે છે.
મેગનના કિસ્સામાં આ સ્થિતિનો અર્થ એ હતો કે તેમણે તેની પ્રિય કોન્ટેક્ટ સ્પૉર્ટ્સમાં ભાગ લેવાનું છોડી દેવું પડશે.
બાદમાં મેગન નૌકાયન એટલે કે હલેસાં વડે હોડી ચલાવવાની રમતમાં ઝંપલાવ્યું હતું અને સ્કૂલમાં અભ્યાસ દરમિયાન તેણે બે વર્ષ સુધી આઈરિશ હાઈ-પર્ફૉર્મન્સ ટીમ માટે રોવિંગ કર્યું હતું.
મેગનના કહેવા મુજબ, રોવિંગને કારણે તે એકદમ ચુસ્ત રહી હતી. “રોવિંગમાં ઉચ્ચ પ્રકારની શારીરિક સજ્જતા જરૂરી હોય છે. મને લાગે છે કે એ કારણે હું આટલાં બધાં વર્ષ તંદુરસ્ત રહી શકી. હું સતત તાલીમ લેતી હતી અને મારી જાતની અંદરથી સંભાળ રાખતી હતી.”
મેગન માને છે કે ચુસ્ત રહેવાથી તેનું લીવર લાંબા સમય સુધી બરાબર કામ કરતું રહ્યું છે.
બ્રિટનસ્થિત બર્મિંઘમ વીમેન ઍન્ડ ચિલ્ડ્રન્સ હૉસ્પિટલના કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક લીવર સ્પેશિયાલિસ્ટ ડૉ. ગિરીશ ગુપ્તે બીમાર બાળકો માટે વર્ષમાં છ વખત રોયલ બેલફાસ્ટ હૉસ્પિટલમાં આઉટરીચ ક્લિનિક ચલાવે છે.
તેમણે કહ્યું હતું, “બાળકોમાં યકૃતની બીમારી અત્યંત દુર્લભ હોય છે. તેથી જ આપણા પૈકીના મોટા ભાગના લોકોએ બાળકોને લીવરની ક્રોનિક બીમારી હોવાનું ક્યારેય સાંભળ્યું નથી.”
“બ્રિટનમાં પ્રત્યેક 10,000 લોકોમાંથી એકને લીવરની વિવિધ બીમારી હોઈ શકે છે. લીવરના અન્ય કેટલાક રોગનું પ્રમાણ તો પ્રતિ દસ લાખ વ્યક્તિએ એકનું હોઈ શકે.”
ડૉ. ગુપ્તેએ જણાવ્યું હતું કે તાજેતરના દાયકાઓમાં લીવરની ક્રોનિક બીમારીના કેસમાં વધારો થયો છે. તેનું આંશિક કારણ ટેસ્ટિંગમાં થયેલી પ્રગતિ છે. બાળકોમાં લીવરની બીમારીના વધતા કિસ્સામાં પર્યાવરણીય પરિબળો અને જીવનશૈલી ભૂમિકા ભજવતી હોય એવું તેઓ માને છે.
તેમણે કહ્યું હતું, “લીવરની બીમારી હોય તેવાં તમામ બાળકોને ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોતી નથી. મોટા ભાગના કિસ્સામાં સારી તબીબી સારવાર અને તંદુરસ્ત જીવનશૈલી વડે તેનો ઇલાજ કરી શકાય છે.”
“અલબત્ત, કેટલાંક બાળકોમાં લીવરની બીમારીના અંતિમ તબક્કામાં રોગ વકરે છે અને એવાં બાળકોને, બાળવયમાં કે પુખ્ત વયે લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે.”
તેમણે એમ પણ કહ્યું હતું, “મને લાગે છે કે ચુસ્ત અને સ્વસ્થ રહેવાથી, હેલ્ધી ડાયટથી, લીવરમાં ફેટના સંચયને અટકાવવાથી લીવરને લાંબા ગાળા સુધી સ્વસ્થ રાખી શકાય છે. એ રીતે લીવર ટ્રાન્સપ્લાન્ટ લંબાવી કે ટાળી પણ શકાય.”
આલ્કોહોલિકનું લીવર
લોકો એવું માનતા હોય છે કે લાંબા સમય સુધી વધુ પડતું મદ્યપાન કરવાથી સિસોરિસ ઑફ લીવરની બીમારી થાય છે.
પુખ્ત વયના લોકોમાં આ એક કારણ હોઈ શકે છે, પરંતુ બાળકોને સિરોસિસ ઘણી વાર લીવરની વિવિધ વિકૃતિઓને કારણે થતું હોય છે.
મેગનની સ્થિતિની ગંભીરતા સમજાવતાં ડૉક્ટરોએ તેને જણાવ્યું હતું કે તેને “આલ્કોહોલિક લીવર છે,” પરંતુ 10 વર્ષની વયે મેગનને એ સમજાયું ન હતું.
મેગને બીબીસી ન્યૂઝ એનઆઈને કહ્યું હતું, “મેં દેખીતી રીતે ક્યારેય દારૂ પીધો ન હતો અને મને આલ્કોહોલિકનું લીવર છે એવું ડૉક્ટરે જણાવ્યું તેથી મારી મમ્મી ગભરાઈ ગઈ હતી.”
મેગને ઉમેર્યું હતું, “તે લીવરનો રોગ ધરાવતા લોકો અને એવું મદ્યપાનને કારણે થાય છે એવી ધારણા વચ્ચેના સંબંધને દર્શાવે છે.”
21 વર્ષની મેગને ક્યારેય મદ્યપાન કર્યું ન હતું અને ભવિષ્યમાં કરવાની પણ નથી, કારણ કે એમ કરવાથી તેના લીવરને માઠી અસર થશે.
મેગને જણાવ્યું હતું કે, મને લીવરની બીમારી છે એટલે હું દારૂ પીતી નથી એવું હું લોકોને કહેતી ત્યારે લોકો મિશ્ર પ્રતિભાવ આપતા હતા.
“હે ભગવાન, તેં આ શું કર્યું? તું નાની હતી ત્યારે શું કરતી હતી? આટલી નાની વયમાં દારૂ પીવાનું કેમ શરૂ કર્યું હતું? આલ્કોહોલ કે ડ્રગ્ઝની બાબતમાં તારી સાથે કશું અણછાજતું થયું હતું કે તારું લીવર આટલું બધું ખરાબ થઈ ગયું?” લોકો આવા પ્રતિભાવ આપતા હતા, જે મેગનને જરાય ગમતું ન હતું.
મેગને જણાવ્યું હતું કે “લીવરની બીમારીને દારૂ પીવા કે અતિશય મદ્યપાન સાથે સંબંધ નથી એ વાતની સમજ લોકોને આપવાની તક મને આ કારણે મળી છે.”
‘મારું નૉર્મલ અલગ છે’
મેગનના જણાવ્યા મુજબ, તેનું નિદાન ડરામણું હતું, પરંતુ તે જાણતી હતી કે લીવરની બીમારીને લીધે અત્યંત થાકી જવા જેવી મર્યાદાઓ હોવા છતાં તે આ બીમારી સાથે જીવી શકશે.
મેગને કહ્યું હતું, “હું બહારથી નૉર્મલ દેખાઉં છું. હું નૉર્મલ લોકોની માફક જ કામકાજ કરું છું. હવે હું જેને મારા માટે નૉર્મલ કહું છું તે મારા સમવયસ્કોના નૉર્મલ કરતાં અલગ છે. હું શું કરી શકું અને શું ન કરી શકું એ સંદર્ભમાં મારે મારી જાતને અંકુશમાં રાખવી પડે છે.”
મેગન ભવિષ્ય બાબતે પૉઝિટિવ છે, પણ કહે છે, લીવરની બીમારી હોય ત્યારે ભવિષ્યની કોઈ યોજના બનાવી શકાતી નથી.
મેગનના કહેવા મુજબ, “આવતી કાલે સવારે હું જાગીશ ત્યારે મારી ત્વચા સંપૂર્ણપણે પીળી, એટલે કે કમળાને લીધે થઈ જાય તેવી પીળી થઈ ગઈ હશે તો મને ખબર પડી જશે કે મારું લીવર ફેઇલ થવા લાગ્યું છે.”
મેગને ઉમેર્યું હતું, “એવું આવતી કાલે, એક સપ્તાહ પછી, પાંચ વર્ષ કે 10 વર્ષ પછી થઈ શકે. હું કશું જ જાણતી નથી.”
મેગનના જણાવ્યા મુજબ, એવો સમય આવશે ત્યારે તે જરાય અચકાશે નહીં, કારણ કે “કોઈ અન્ય પાસેથી અંગદાન મેળવવાની તક પ્રાપ્ત થાય તે ખરેખર આશ્ચર્યજનક છે.”
મેગને ઉમેર્યું હતું, “અંગદાન ખરેખર જીવનદાન છે, પરંતુ તે ડરામણો નિર્ણય હોઈ શકે છે, કારણ કે શું થશે એની તમને ખબર હોતી નથી.”
“તમારી હાલત સુધરશે કે બગડશે એની તમને ખબર હોતી નથી. તમારું શરીર તેને સ્વીકારશે કે પછી સર્જરી કર્યા પછી તમને એ સેકન્ડરી રોગ થશે કે ચેપ લાગશે એ પણ ખબર નથી હોતી, કારણ કે આ એક મોટી સર્જરી હોય છે.”
“મારું લીવર સંપૂર્ણ ક્ષમતાથી કામ નથી કરતું, પરંતુ તે જે રીતે કામ કરી રહ્યું છે તે યોગ્ય છે,” એમ કહેતાં મેગને ઉમેર્યું હતું, “લીવર ચોક્કસ સ્તર સુધી કામ ન કરે અથવા તમારી જીવનશૈલી પર માઠી અસર થાય એવી પરિસ્થિતિ સર્જાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ, પરંતુ હું જે લીવર સાથે જન્મી હતી તે લીવર શક્ય હોય તેટલો વધુ સમય મારા શરીરમાં રહે તો વધારે સારું થશે.”