ટંડેલઃ આંધ્ર પ્રદેશના માછીમારોની કથા કહેતી ફિલ્મથી વિવાદ કેમ સર્જાયો?

બીબીસી ગુજરાતી, ગુજરાત, આંધ્ર પ્રદેશ, ટંડેલ, ફિલ્મ, તેલુગુ ફિલ્મ, માછીમારોની સમસ્યા અને જેટી
ઇમેજ કૅપ્શન, ટંડેલ ફિલ્મમાં કે. મત્સ્યલેશમ ગામનાં રામા રાવ અને નૂકમ્માની ભૂમિકા નાગા ચૈતન્ય અને સાઈ પલ્લવીએ ભજવી છે
    • લેેખક, લાક્કોજુ શ્રીનિવાસ
    • પદ, બીબીસી માટે

ફિલ્મનું યુનિટ દાવો કરે છે કે તેલુગુ ફિલ્મ 'ટંડેલ' આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના મત્સ્યલેશમ ગામમાં બનેલી વાસ્તવિક ઘટનાઓ પર આધારિત છે.

ગ્રામજનોનું કહેવું છે કે માછીમારી કરવા જતાં પાકિસ્તાની નૌકાદળ દ્વારા પકડી પાડવામાં આવેલા મત્સ્યલેશમના કેટલાક રહેવાસીઓની 14 મહિના પછીની મુક્તિની અને તેમના પરિવારોએ સહન કરેલી પીડાની કથા આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે.

ગ્રામજનોના કહેવા મુજબ, આ ફિલ્મને લીધે હવે દરેક વ્યક્તિ તેમના ગામના નામથી પરિચિત થઈ ગઈ છે અને આ ફિલ્મના બધાં મુખ્ય પાત્રો ગામના જ હોવાથી તેઓ નાનકડા સૅલિબ્રિટી બની ગયા છે.

ટંડેલ ફિલ્મને કારણે લોકો હવે મત્સ્યશેલમ ગામને ટંડેલ ગામ કહી રહ્યા છે.

આ ગામ વિશે મીડિયામાં ઘણી કથાઓ પ્રકાશિત થઈ છે અને એ કથાઓ ટંડેલ ફિલ્મની મૂળ વાર્તાનો આધાર છે.

ટંડેલ શબ્દનો અર્થ શું છે? ટંડેલ ગામ તરીકે ઓળખાતા મત્સ્યશેલમ ગામની હાલત અત્યારે કેવી છે?

ટંડેલ ફિલ્મની વાર્તા વિશે સ્થાનિક લોકો શું કહે છે? આ સવાલોના જવાબ મેળવવાની સાથે ટંડેલ ફિલ્મના અનુસંધાને સર્જાયેલા રાજકીય વિવાદ પર પણ નજર નાખીએ.

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

ટંડેલ એટલે શું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, આંધ્ર પ્રદેશ, ટંડેલ, ફિલ્મ, તેલુગુ ફિલ્મ, માછીમારોની સમસ્યા અને જેટી
ઇમેજ કૅપ્શન, કે. મત્સ્યલેશમ ગામ

ટંડેલ ગુજરાતી શબ્દ છે અને વહાણના મુખ્ય ખલાસીને ટંડેલ કહેવામાં આવે છે. આ ટંડેલ દરિયામાં જતા માછીમારોના જૂથનું નેતૃત્વ કરે છે.

મત્સ્યશેલમ ગામના ઘણા માછીમારો ટંડેલ સાથે માછીમારી કરવા દરિયો ખેડે છે. તેથી તેઓ ટંડેલ શબ્દથી પરિચિત છે. ટંડેલ શબ્દનો ધ્વનિ રસપ્રદ હોવાથી તેલુગુ માછીમારોને પણ તેમના જૂથનું નેતૃત્વ કરતી વ્યક્તિને ટંડેલ કહેવાની આદત પડી ગઈ છે.

ગુજરાતના વેરાવળ નજીકના દરિયામાં છેલ્લા 20 વર્ષથી માછીમારી કરતા સિનિયર ટંડેલ રામા રાવે બીબીસીને જણાવ્યું હતું કે ટંડેલ જુનિયર અને સિનિયર પણ હોય છે. તેમને તેમની વય તથા માછીમારીના અનુભવને આધારે આ રીતે બોલાવવામાં આવે છે.

રામા રાવે કહ્યું હતું, "ગુજરાતમાં ટંડેલ એવી વ્યક્તિ છે, જે માછીમારોના જૂથ અને વહાણની ચાલક ટુકડીનું નેતૃત્વ કરે છે. ગુજરાતમાં ઘણા બધા ટંડેલ હોવાથી અમે આ શબ્દથી ટેવાઈ ગયા છીએ. મને અહીં અને ત્યાં ટંડેલ કહેવામાં આવે છે."

ફિલ્મની ટીમે કરેલી જાહેરાત મુજબ, ટંડેલ ફિલ્મમાં નાગચૈતન્ય રામા રાવની ભૂમિકા ભજવે છે, જ્યારે સાઈ પલ્લવી રામા રાવનાં પત્ની નૂકમ્માનું પાત્ર ભજવે છે.

ટંડેલની કથા કેવી રીતે શરૂ થઈ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, આંધ્ર પ્રદેશ, ટંડેલ, ફિલ્મ, તેલુગુ ફિલ્મ, માછીમારોની સમસ્યા અને જેટી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શ્રીકાકુલમ જિલ્લાના માછીમારો માછીમારી કરવા માટે ગુજરાત, કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં જાય છે.

માછીમારી દરમિયાન જીપીએસ (ગ્લોબલ પૉઝિશનિંગ સિસ્ટમ) કામ ન કરે અથવા હવામાન પ્રતિકૂળ હોય, ત્યારે તેઓ દરિયામાં ખોવાઈ જાય છે અને અજાણતાં જ પાકિસ્તાન, બાંગ્લાદેશ કે શ્રીલંકાની જળસીમામાં પ્રવેશ કરે છે.

જ્યાં સંબંધિત દેશના કોસ્ટ ગાર્ડ અથવા નૌકાદળ દ્વારા તેમને પકડીને કેદ કરવામાં આવે છે.

ટંડેલ ફિલ્મની વાર્તા શ્રીકાકુલમ જિલ્લાના મત્સ્યશેલમ ગામથી શરૂ થાય છે.

અહીંના સેંકડો માછીમારો ગુજરાન ચલાવવા માટે દર વર્ષે માછીમારીની મોસમમાં એટલે કે જુલાઈથી ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના વેરાવળના દરિયાકાંઠે સ્થળાંતર કરે છે.

તેઓ ત્યાં તેમના પરિવારોથી દૂર સાતથી આઠ મહિના રહે છે.

મત્સ્યશેલમના માછીમારો નવેમ્બર-2018માં માછીમારી કરવા ગુજરાત ગયા હતા. એ પૈકીના 22 માછીમારોને પાકિસ્તાન કોસ્ટ ગાર્ડે અણઘાર્યા સંજોગોમાં પકડી લીધા હતા.

એ ઘટનાના કેટલાક સાક્ષી માછીમારોએ આ બાબતની જાણ તેમના પરિવારોને તથા ભારતીય અધિકારીઓને કરી હતી.

પાકિસ્તાની કોસ્ટ ગાર્ડ દ્વારા પકડવામાં આવેલા માછીમારોને કરાચીની જેલમાં લઈ જવામાં આવ્યા હતા.

વી. રામુ નામના એક માછીમારે કહ્યું હતું, "તેમણે અમારા આધાર કાર્ડ અને સેલફોન લઈ લીધા હતા. અમે ત્યાં 14 મહિના રહ્યા હતા. અમે ક્યારેય ઘરે પાછી ફરીશું એવું લાગતું ન હતું. સરકારો, જનપ્રતિનિધિઓ અને મીડિયાના સમર્થનને કારણે અમે 14 મહિના પછી ભારતમાં ફરી પ્રવેશી શક્યા હતા."

"એ સમયે અમે અને અમારા પરિવારોએ પારાવાર પીડા ભોગવી હતી. ફિલ્મમાં આ બધું દર્શાવવામાં આવ્યું છે. સરકાર પરવા કરે કે ન કરે, પરંતુ જેટી બનાવવામાં આવે તો આપણા માછીમારોએ આવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે, તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે."

'ટંડેલ' પછી ગામમાં શું સ્થિતિ છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, આંધ્ર પ્રદેશ, ટંડેલ, ફિલ્મ, તેલુગુ ફિલ્મ, માછીમારોની સમસ્યા અને જેટી

ફિલ્મના શૂટિંગ પહેલાં હીરો નાગા ચૈતન્ય અને ફિલ્મનું યુનિટ માછીમારો સાથે વાત કરતા મત્સ્યશેલમ ગામ આવ્યું ત્યારે આ ગામ ધ્યાનમાં આવ્યું હતું.

ફિલ્મ પ્રદર્શિત થયા પછી મત્સ્યશેલમ ગામમાં કંઈક અંશે ખુશનુમા વાતાવરણ છે.

નાગા ચૈતન્યના માછીમારો સાથેના ફોટોગ્રાફ્સવાળા બેનર્સ અહીં જોવા મળે છે. આ ફિલ્મ દ્વારા પોતાનું ગામ જાણીતું થયું હોવાથી ગામના લગભગ બધા જ માછીમારો ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

ટંડેલ ફિલ્મમાં સાઈ પલ્લવીએ જે નૂકમ્માની ભૂમિકા ભજવી છે તે નૂકમ્માએ બીબીસીને કહ્યું હતું, "ફિલ્મ જોયા પછી હું રાજી થઈ. એ આપણા માછીમારોની વાસ્તવિક વાર્તા છે. અમારા દૂરના ગામની કથા એ ભારતીય ફિલ્મમાં દર્શાવવામાં આવી એ બહુ જ સારી વાત છે."

નૂકામ્માએ ઉમેર્યું હતું, "અમે આસપાસના ગામડાઓમાં કે શ્રીકુલમ જઈએ છીએ તો પણ બધા મને અસલી ટંડેલ અને અસલી સાઈ પલ્લવી કહે છે. લોકો અમારી સાથે પાકિસ્તાનમાં ફસાયેલા બધા માછીમારોને હીરો ગણાવીને વાત કરે છે."

ફિલ્મના પગલે પ્રખ્યાત થયું ગામ

બીબીસી ગુજરાતી, ગુજરાત, આંધ્ર પ્રદેશ, ટંડેલ, ફિલ્મ, તેલુગુ ફિલ્મ, માછીમારોની સમસ્યા અને જેટી
ઇમેજ કૅપ્શન, વિશાખાપટ્ટનમ બંદર ખાતે જેટ્ટી

કેટલાક માછીમારોના કહેવા મુજબ, ટંડેલ ફિલ્મને કારણે ગામને ખ્યાતિ પ્રાપ્ત થઈ છે, પણ તેઓ આવું ઇચ્છતા ન હતા.

અપન્ના નામનાં એક મહિલાએ બીબીસીને કહ્યું હતું, "પાકિસ્તાને અમને પકડ્યા પછી અમારી મુક્તિમાં સરકારોએ બહુ મદદ કરી હતી. ફિલ્મના કલાકારોએ પણ બહુ મદદ કરી છે, પરંતુ માછીમારી કરવા માટે ગુજરાત કે અન્ય કોઈ દેશમાં શા માટે જવું પડે?"

"અમારા ગામમાં કે નજીકમાં જેટીનું નિર્માણ કરવામાં આવે તો અમે અહીં જ માછીમારી કરી શકીએ, ખરુંને?"

અપન્નાએ ઉમેર્યું હતું, "આ ફિલ્મ બનાવવામાં આવી એટલે તમે બધા અમારા ગામમાં આવી રહ્યા છો, પરંતુ અમારા ગામમાં શું ચાલી રહ્યું છે એ તમે જોયું છે?"

"દિવસમાં ત્રણ વખત ભોજન કરતા અને સારા કપડાં પહેરતા લોકોને અહીં શ્રીમંત માનવામાં આવે છે, પરંતુ અમારા ગામમાં એવી પરિસ્થિતિ નથી. અમે ગરીબીમાં જીવીએ છીએ."

માછીમાર રામા રાવે કહ્યું હતું, "ફિલ્મની વાત બાજુ પર રાખો. ચંદ્રાબાબુ, જગન અને પવન કલ્યાણ બધાએ ભૂતકાળમા વચન આપ્યું હતું કે તેઓ અહીં જેટી બનાવશે અને સ્થળાંતર અટકાવશે. કોઈ કૃપા કરીને અહીં જેટી બનાવશે અને અમારા રહેવાની વ્યવસ્થા કરશે તો બહુ સારું થશે."

'ટંડેલ' અને રાજકારણ

બીબીસી ગુજરાતી, ગુજરાત, આંધ્ર પ્રદેશ, ટંડેલ, ફિલ્મ, તેલુગુ ફિલ્મ, માછીમારોની સમસ્યા અને જેટી

નવેમ્બર-2018માં મત્સ્યશેલમના માછીમારોને પાકિસ્તાને પકડ્યા ત્યારે રાજ્યમાં તેલુગુ દેશમ્ પાર્ટીની સરકાર હતી અને તેમને જાન્યુઆરી-2020માં મુક્ત કરવામાં આવ્યા ત્યારે રાજ્યમાં વાયએસઆર કૉંગ્રેસ પાર્ટીની સરકાર હતી.

માછીમારોના કહેવા મુજબ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બન્નેએ તેમની સલામત મુક્તિમાં બહુ મદદ કરી હતી તેમજ તેઓ મુશ્કેલીમાં હતા ત્યારે નાણાકીય સહાય પણ આપી હતી.

જોકે, વાયએસઆર કૉંગ્રેસ પાર્ટીની સરકારે માછીમારોની મુક્તિ માટે પ્રયાસો કર્યા હતા, પરંતુ તે ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું ન હોવાનું કેટલાક ગ્રામજનોએ જણાવ્યું હતું.

બીજા કેટલાકે જણાવ્યું હતું કે તે સમયે રામમોહન નાયડુ શ્રીકાકુલમના સંસદસભ્ય હતા અને તેમણે કેન્દ્ર સરકાર સાથે કરેલી વાટાઘાટોને કારણે માછીમારોની મુક્તિ શક્ય બની હતી.

આ મુદ્દે ગ્રામજનોમાં ભાગલા પડી ગયા છે અને સોશિયલ મીડિયામાં પણ આ જ ચર્ચા ચાલી રહી છે.

જેટી એટલે શું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, આંધ્ર પ્રદેશ, ટંડેલ, ફિલ્મ, તેલુગુ ફિલ્મ, માછીમારોની સમસ્યા અને જેટી

ઇમેજ સ્રોત, X/taran_adarsh

ઇમેજ કૅપ્શન, ટંડેલ ફિલ્મનું પોસ્ટર

જેટી એટલે બારાનું કે કિનારાનું રક્ષણ કરવા માટે બાંધેલો બંધ. જેટી એટલે એવું માળખું, જે દરિયાકાંઠાને મોજાં અને પાણીના પ્રવાહના પ્રભાવથી મુક્ત રાખે.

જેટી સામાન્ય રીતે પથ્થર અથવા કૉંક્રિટ વડે બનાવવામાં આવે છે. જેટીનો ઉપયોગ માછીમારો તેમની હોડીઓને લાંગરવા માટે કરતા હોય છે. જેટી કિનારાથી થોડે દૂર દરિયામાં બાંધવામાં આવે છે.

માછીમારોના જણાવ્યા મુજબ, ગુજરાત, કેરળ અને તમિલનાડુના દરિયાકાંઠે દર 20થી 30 કિલોમીટરના અંતરે જેટીઓ છે. શ્રીકાકુલમ જિલ્લાની વાત કરીએ તો વિશાખાપટ્ટનમ પછી એ વિસ્તારમાં ક્યાંય જેટી નથી.

નુકા રાજુ નામના માછીમારે કહ્યું હતું, "જેટીના અભાવે મોજાં તથા ભરતીને કારણે બોટ પલટી જવાની અને માછીમારોના મૃત્યુની ઘણી ઘટનાઓ બને છે. જેટી હોય તો આવી પરિસ્થિતિ ન સર્જાય. વરસાદ હોય કે તોફાન, માછીમારો તેમની બોટ જેટી પાસે લાંગરી શકે."

"જેટી ન હોવાને કારણે દરિયામાં તોફાન દરમિયાન ઘણીબધી બોટનો નાશ થાય છે. ગુજરાતમાં દરેક જગ્યાએ જેટી છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.