You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનમાં માનવો દ્વારા કરાયેલ કચરાનું શું થાય છે?
- લેેખક, ડૉ. ટી. વી. વેંકટેશ્વરન
- પદ, પ્રોફેસર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ ઍજ્યુકેશન ઍન્ડ રિસર્ચ
- દ્વારા રિપોર્ટિંગ, મોહાલી
હાલ સુનીતા વિલિયમ્સ નવ મહિના સુધી જે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર રહ્યાં તેની અને સ્પેસમાં આ લાંબા રોકાણની તેમના સ્વાસ્થ્ય પર પડનારી સંભવિત અસરો અંગે ઘણી ચર્ચા છે.
આ ચર્ચાની વચ્ચે અન્ય પણ કેટલાક સવાલ ઊભા થઈ રહ્યા છે.
જેમ કે ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન પર માનવીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલાં કપડાં, આંતર્વસ્ત્રો, પાણી, કૉફી અને અન્ય કચરાનું તેઓ શું કરશે?
અવકાશયાત્રીઓ કેટલો કચરો પેદા કરે?
સ્પેસ સ્ટેશનમાં ગંદા કપડાંને ધોવાની કે ફરીથી ઉપયોગમાં લેવા માટેની કોઈ વ્યવસ્થા નથી. તેથી એક વખત ઉપયોગમાં લેવાયા બાદ કપડાં કચરો બની જાય છે.
આ સિવાય પાણી, કૉફી અને ભોજન લેવા માટે તેઓ જે વસ્તુઓનો ઉપયોગ કરે છે એ બધું પણ કચરામાં જ પરિણમે છે.
અવકાશયાત્રીઓને ઍરટાઇટ, સીલ કરાયેલી બૅગમાં સ્ટ્રો (નળી) સાથે પાણી અપાય છે. આ નળી વડે જ અવકાશયાત્રીઓએ પાણી પીવાનું હોય છે. આવાં પાઉચનો ઉપયોગ અવકાશમાં પાણી, કૉફી અને જ્યુસ જેવા પ્રવાહી માટે કરવામાં આવે છે.
પરંતુ આ બધી વસ્તુઓ ડિસ્પોઝેબલ હોવાને કારણે કચરામાં રૂપાંતરિત થઈ જાય છે.
એવી જ રીતે ભોજન પણ લાંબા સમય સુધી ટકી રહે એ હેતુથી ઍરટાઇટ કન્ટેનરોમાં જ મોકલવામાં આવે છે, તેથી ભોજન લેવાઈ ગયા બાદ એ પણ કચરામાં જ જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વધુમાં અવકાશયાત્રીઓનાં મળમૂત્ર પણ કચરામાં જાય છે. જે પૈકી અવકાશયાત્રીઓનું મૂત્ર શુદ્ધ કરીને પાણી તરીકે ફરીથી ઉપયોગમાં લેવાય છે. પરંતુ મળને કચરા સ્વરૂપે જ સંગ્રહાય છે.
નાસા પ્રમાણે એક વર્ષ સુધી અવકાશમાં રહેનારા ચાર અવકાશયાત્રી 2500 કિગ્રા કચરો પેદા કરે છે. તો આટલા બધા કચરાનું આખરે થાય છે શું?
અવકાશયાત્રી કેવાં કપડાં પહેરે છે?
આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં ઘણો બધો કચરો પેદા થાય છે, જેમાં અવકાશયાત્રીઓનાં કપડાં, વધેલું ભોજન, તેમનું મળ, જૂની બૅટરી અને તેમના દ્વારા નકામી ગણી મૂકી દેવાતી અન્ય વસ્તુઓ.
તેઓ આ બધી વસ્તુઓનું શું કરે છે?
ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનમાં રહેતા અવકાશયાત્રીઓ માટે તેમની જરૂરિયાતની વસ્તુઓ કાર્ગો સ્પેસક્રાફ્ટ મારફતે તેમના સુધી સમયાંતરે મોકલવામાં આવે છે.
આ સ્પેસક્રાફ્ટ જ્યારે બધો સામાન પહોંચાડીને ખાલી થઈ જાય છે, ત્યારે તેમાં કચરો ભરી દેવામાં આવે છે અને બાદમાં તે સ્પેસ સ્ટેશનથી છૂટું પડી જાય છે.
આવી રીતે કચરો ભરીને છૂટા પડેલા સ્પેસક્રાફ્ટ પૃથ્વીની આસપાસ સતત પ્રદક્ષિણા કરવા લાગે છે. અમુક વખત એ વાતાવરણમાં ફરી પ્રવેશી પૃથ્વી પર જ પડે છે. કંઈક આવી જ એક ઘટના ગત વર્ષે બની હતી.
ગત વર્ષે આઠ માર્ચે ઇટાલીના એલેહાન્દ્રો ઓટેરાના ઘરની છત પર આકાશમાંથી કંઈક પડ્યું. જેના કારણે તેમના ઘરની છત તૂટી ગઈ. તપાસ બાદ ખબર પડી કે આ વસ્તુ ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનમાંથી કચરા સ્વરૂપે ફેંકી દેવાયેલી બૅટરી છે. જે પૃથ્વીથી 400 કિમીની ઊંચાઈએ પ્રદક્ષિણા કરી રહી હતી.
આવી જ રીતે સ્પેસમાં કચરાના હજારો ટુકડા તરી રહ્યા છે, જેનું સમાધાન શોધવું એ મોટો પડકાર બની રહ્યો છે.
અવકાશમાંથી પડતો કચરો
4 ઑક્ટોબર, 1957ના રોજ અવકાશમાં પ્રથમ રૉકેટ લૉન્ચ કરાયું હતું. સ્પુતનિક 1 સેટેલાઇટના લૉન્ચથી અવકાશયુગની શરૂઆત થઈ.
અત્યાર સુધી અવકાશમાં દસ હજાર અવકાશયાન મોકલાયાં છે. જેટલી વખત આ લૉન્ચ થાય છે એટલો જ વધુ કચરો અવકાશમાં ઠલવાય છે.
આના કારણે એવો પણ ભય પેદા થયો કે જો અવકાશમાં કચરાની સમસ્યા વધુ વિકટ બનશે તો એ અકસ્માતનું કારણ બનશે. અને એવું જ થયું પણ. 11 ફેબ્રુઆરી 2001માં કૉસ્મો 2251 અને ઇરિડિયમ 33 ઉપગ્રહો એકબીજાં સાથે ટકારાયાં.
અવકાશમાં જ્યારે પણ એક નવું રૉકેટ લૉન્ચ કરવામાં આવે છે, ત્યારે અવકાશમાં ઘણો બધો કચરો ઠલવાય છે.
આ વાતને ઉદાહરણ સ્વરૂપે સમજવા માટે ભારતના પીએસએલવીનું ઉદાહરણ લઈએ.
રૉકેટને ધક્કો આપનાર પાર્ટ્સ તેના સ્પેસમાં ગયા બાદ છૂટા પડી પડવા લાગે છે. બાદમાં રૉકેટની ઉપર મુકાયેલું સ્પેસક્રાફ્ટ છૂટું પડતાં ઉપરના ભાગો પણ પડવા લાગે છે.
છેલ્લે સ્પેસક્રાફ્ટના કૅમેરા પરનાં કવર અલગ પડી જાય છે. આ બધા પાર્ટ્સ ધરતીની કક્ષામાં ફરી રહેલા કરોડો આવા જ કચરાના ભાગોમાં સામેલ થઈ જશે.
માત્ર આટલું જ નહીં, ધરતીની કક્ષામાં હજારો ઉપગ્રહો પણ ભંગારની માફક પ્રદક્ષિણા કરી રહ્યા છે. અવકાશમાં તરતા મુકાયેલા દરેક ઉપગ્રહનું એક આયુષ્ય હોય છે. આ આયુષ્ય પૂરું થાય તે બાદ એ ભંગાર સ્વરૂપે ત્યાં ફર્યા કરે છે.
અમેરિકાએ વર્ષ 1958માં વેનગાર્ડ-2 નામક ઉપગ્રહ લૉન્ચ કર્યો હતો. એ હજુ પણ અવકાશમાં ભંગાર સ્વરૂપે પ્રદક્ષિણા કરી રહ્યો છે.
અવકાશયાત્રીઓએ પણ ઘણી વાર મેન્ટનન્સના કામ માટે સ્પેસ સ્ટેશનની બહાર જવું પડે છે. જ્યારે તેઓ આવું કરે છે ત્યારે તેમની પાસે રહેલા અમુક ટૂલ પડી જાય છે. એ પણ પૃથ્વીની આસપાસ ફરી રહેલા આ કચરામાં જ ભેળવાઈ જાય છે.
અત્યાર સુધી લગભગ 30 હજાર જેટલા ક્રિકેટ બૉલની સાઇઝના ટુકડા અવકાશમાં ફરી રહ્યા છે. ઉપરાંત આ કચરામાં 6.7 લાખ એક સેન્ટિમિટર સાઇઝના ટુકડા અને 1.7 કરોડ એક મિલિમિટર સાઇઝના ટુકડા છે.
અવકાશના કચરાને ઘટાડવા ઇસરો શું પગલાં લઈ રહી છે?
આપણે અવકાશમાં તરી રહેલા આ કરોડો કચરાના ટુકડા અંગે શું કરીએ?
ઇસરોએ આ અંગે પહેલ કરી છે. ઇસરોએ વિચાર્યું છે કે આપણે શું કામ રૉકેટને પ્રોપલ્શન એટલે કે ધક્કો પૂરો પાડતા ભાગને કચરામાં નાખવા જોઈએ?
આના સ્થાને તેમણે તેમાં અમુક સંશોધન માટેની વસ્તુઓ મૂકીને તેને રિસર્ચ સ્ટેશન તરીકે ઉપયોગમાં લેવાનો પ્રયાસ કર્યો.
તેમણે પીએસએલવીસી - 37 અને પીએસએલવીસી - 38માં આવું કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયોગો આધારે તેઓ પીએસએલવીસી - 44 રૉકેટમાં આનો ઉપયોગ કરી શક્યા.
ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન પર આ કચરાનો કેટલો ખતરો?
અવકાશમાં કચરાના લાખો ટુકડા તરી રહ્યા હોઈ, એવી પણ શક્યતા છે કે ક્યારેક એ એકબીજા સાથે અથડાઈને અકસ્માત સર્જી શકે.
આ પ્રકારના અકસ્માત અવકાશમાં સેટેલાઇટ ઑપરેટિંગ પર અસર કરી શકે. ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન પર મનુષ્યો છે. એવો પણ ભય છે કે આ ટુકડા ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન સાથે પણ અથડાઈ શકે.
આ બધી વાતો ધ્યાને રાખીને અવકાશમાંના આ કચરાને કઈ રીતે મૅનેજ કરવો એ અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા થઈ હતી. વધુ ચોકસાઈપૂર્વક વાત કરીએ તો ભંગાર બની ગયેલા કે પોતાના જીવનકાળના અંત ભાગમાં પહોંચેલા ઉપગ્રહોનું શું કરવું એ અંગે ચર્ચા થઈ હતી.
આ ચર્ચામાં સામે આવેલાં સમાધાનો નીચે પ્રમાણે હતાં.
પૃથ્વીના વાતાવરણમાં ઉપગ્રહને લૉન્ચ કરવામાં આવે, જ્યાં તેઓ સતત ઘર્ષણનો સામનો કરીને સમયાંતરે બળીને ખાખ થઈ જશે. અને બીજું સંભવિત સમાધાન હતું કે તેને અવકાશમાં દૂર ફેંકી દેવાય.
આ સિવાય આગળ અવકાશમાંથી કચરો ભેગો કરવા અને દૂર કરવા માટે જાળ જેવી સિસ્ટમ રચવા પર કામ કરાઈ રહ્યું છે.
એક તરફ સરકારી સ્પેસ એજન્સીઓ જેમ કે અમેરિકાની નાસા, રશિયાની રોસ્કોસ્મોસ અને ભારતની ઇસરોએ આ બાબતે આંતરરાષ્ટ્રીય નિયમો અને માર્ગદર્શિકાને અનુસરવા માટે તત્પર છે, ત્યાં જ બીજી તરફ ખાનગી ક્ષેત્ર દ્વારા પણ આગામી દસ વર્ષોમાં લગભગ 50 હજાર જેટલા નાના નેનોસેટેલાઇટ લૉન્ચ કરાય તેવી અપેક્ષા છે. હવે ખાનગી ક્ષેત્ર પણ સ્પેસ મિશન અને પ્રોજેક્ટોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
પાછલાં 70 વર્ષમાં માનવોએ ન માત્ર પૃથ્વી પરંતુ અવકાશમાં પણ કચરો ફેલાવીને એક રેકૉર્ડ સ્થાપ્યો છે. પરંતુ સૌથી મોટો પડકાર હવે એ છે કે આપણે આ બધા કચરાનું હવે શું કરશું.
હવે જ્યારે અવકાશમાં કરોડો ટન કચરો ફરી રહ્યો છે ત્યારે સરકારી એજન્સીઓ અને ખાનગી સ્પેસ કંપનીઓ આ પડકારનો સામનો કરવા શું પ્રયત્નો કરી રહી છે એ હજુ સવાલ છે?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન