You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલાં જેમની હત્યા થઈ એ બાબા સિદ્દીકી કોણ છે અને તેમનું બોલીવૂડ કનેક્શન શું છે?
અજિત પવારની આગેવાની હેઠળના પક્ષ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.
શનિવારે મોડી રાત્રે મુંબઈના બાંદ્રા પૂર્વમાં તેમના પર અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને ગંભીર હાલતમાં લીલાવતી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
આ ઘટના પછી થોડી જ વારમાં મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ પ્રેસ કૉન્ફરન્સમાં બાબા સિદ્દીકીના નિધનની પુષ્ટિ કરી હતી.
મુખ્ય મંત્રી શિંદેએ જણાવ્યું હતું કે આ મામલામાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે અને એક વ્યક્તિ ફરાર છે. જેની ધરપકડ થઈ એમાંથી એક વ્યક્તિ હરિયાણાનો અને એક ઉત્તર પ્રદેશનો છે.
અંદાજે 48 વર્ષ સુઝી કૉંગ્રેસમાં રહેલા બાબા સિદ્દીકી આ જ વર્ષે ફેબ્રુઆરીમાં એનસીપી(અજિત પવાર) જૂથમાં સામેલ થયા હતા.
ઘટના અંગે માહિતી આપતાં મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, “પૂર્વ મંત્રી બાબા સિદ્દીકી પર જીવલેણ હુમલો થયો હતો. કમનસીબે તેમનું મૃત્યુ થયું છે. આ ખૂબ જ કમનસીબ અને દુઃખદ ઘટના છે. પોલીસ કમિશનરે મને કહ્યું છે કે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી ફરાર છે. પકડાયેલા આરોપીઓ હરિયાણા અને ઉત્તર પ્રદેશના છે. ત્રીજા આરોપીને પકડવા પોલીસની ટીમ કામે લાગી છે. ત્રણેય સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.”
રાજ્યના ઉપમુખ્ય મંત્રી અજિત પવારે પણ ઍક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરીને બાબા સિદ્દીકીને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે કહ્યું હતું કે, “મેં મારો એક સારો સહયોગી અને મિત્ર ગુમાવ્યો છે. આ કાયરતાપૂર્ણ હુમલાની હું કડક નિંદા કરું છું. બાબા સિદ્દીકીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.”
રાજનીતિ અને બોલીવૂડ પર પકડ
બાબા સિદ્દીકીનો બોલીવૂડમાં એટલો જ પ્રભાવ હોવાનું કહેવાય છે જેટલો તેમનો રાજકારણમાં હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેમણે માત્ર 16-17 વર્ષની ઉંમરે કૉંગ્રેસ સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું.
1992 અને 1997માં બાબા સિદ્દીકી કૉંગ્રેસની ટિકિટ પર મુંબઈ સિવિક બૉડી માટે કૉર્પોરેટર તરીકે ચૂંટાયા હતા.
બાબા સિદ્દીકી 1999માં બાંદ્રા (પશ્ચિમ)થી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
2004 અને 2009માં પણ બાબા સિદ્દીકીએ આ જ બેઠક પરથી કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીતી હતી.
બાબા સિદ્દીકી 2004 થી 2008 સુધી મહારાષ્ટ્રની વિલાસરાવ દેશમુખ સરકારમાં ખાદ્ય પુરવઠા મંત્રી હતા.
તેઓ 2014થી મુંબઈ કૉંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ હતા.
સિદ્દીકી 2000-2004 સુધી મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટીના અધ્યક્ષ પણ હતા.
2017માં, ઈડીએ મની લૉન્ડરિંગ કેસમાં બાંદ્રામાં બાબા સિદ્દીકીનાં ઠેકાણાં પર દરોડા પાડ્યા હતા. આ પછી તેઓ રાજકીય રીતે બહુ સક્રિય નહોતા અને માત્ર તેમના પુત્ર ઝીશાન વધુ સક્રિય હતા.
2014માં બાંદ્રા ઇસ્ટમાંથી બાબા સિદ્દીકી ભાજપ સામે હારી ગયા હતા પરંતુ 2019માં તેમના પુત્ર જીશાન સિદ્દીકીને જીત મળી હતી.
બાબા સિદ્દીકીની ઇફ્તાર પાર્ટી
બાબા સિદ્દીકી બોલીવૂડ સાથે તેમની નિકટતાને કારણે અવારનવાર હેડલાઇન્સમાં રહેતા હતા.
તેઓ 15 વર્ષ સુધી બાંદ્રા પશ્ચિમથી ધારાસભ્ય હતા. આ વિસ્તારમાં બોલિવૂડની ઘણી હસ્તીઓ રહે છે.
દર વર્ષે રમઝાન મહિનામાં બાબા સિદ્દીકીની ઇફ્તાર પાર્ટી ચર્ચામાં રહેતી હતી.
રાજનેતાઓ ઉપરાંત શાહરૂખ ખાન, આમિર ખાન, સલમાન ખાનથી લઈને સંજય દત્ત સુધીની બોલીવૂડની મોટી હસ્તીઓ તેમની ઇફ્તાર પાર્ટીમાં હાજરી આપતી હતી.
એવું માનવામાં આવે છે કે શાહરૂખ ખાન અને સલમાન ખાન વચ્ચે વર્ષો સુધી અણબનાવ ચાલતો હતો ત્યારે બાબા સિદ્દીકીએ તેને ખતમ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
બાબા સિદ્દીકી કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને જાણીતા અભિનેતા સુનીલ દત્તની પણ નજીક હતા.
સિદ્દીકી પરિવારના સંજય દત્ત અને પ્રિયા દત્ત સાથે પણ વિશ્વાસભર્યા સંબંધો છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)