લેબનોનનું બૈરુત શહેર જે ક્યારેક અરબ જગતનું પેરિસ તરીકે ઓળખાતું હતું જે આજે ઇઝરાયલના હુમલામાં બરબાદ થઈ ગયું છે

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી હિન્દી

શહેરી આપદા, સંઘર્ષ અને અરાજકતાનો પર્યાય બની ગયેલા બૈરુતની ગણતરી એક સમયે દુનિયાનાં સૌથી સુંદર અને સમૃદ્ધ શહેરોમાં થતી હતી.

1955થી 1975 સુધીનો સમયગાળો બૈરુતનો સુવર્ણકાળ હતો. એ સમયે બૈરુત મધ્ય-પૂર્વનું સાંસ્કૃતિક તથા નાણાકીય કેન્દ્ર બની ગયું હતું. તે એ સમય હતો જ્યારે આઈન એલ-મ્રેસીહના દરિયા કિનારે આલિશાન ફાઈવસ્ટાર હોટલો ચાલુ થઈ રહી હતી.

સમીર કાસીરે તેમના પુસ્તક ‘બૈરુત’માં આ શહેરના એ સમયગાળાનો ઉલ્લેખ કરતા લખ્યું છે, “તેની બાજુમાં જ રુ દે ફિનીસીમાં રાતોરાત નવી નાઇટ ક્લબો શરૂ થઈ હતી. ત્યાં હોલિવુડના સ્ટાર્સ, દુનિયાના વિખ્યાત સોશિયલાઇટ્સ અને ઑઇલના કૂવાઓના માલિકોની અવરજવર રહેતી હતી. તેની તદ્દન નજીક અમેરિકન યુનિવર્સિટી હતી, જે એક રીતે સમગ્ર શહેરનું બૌદ્ધિક કેન્દ્ર હતી.”

બૈરુતનું કદાચ સૌથી વધારે વિખ્યાત સ્થળ હતું સેન્ટ જ્યોર્જેસ હોટલ, જેને વિખ્યાત ફ્રેન્ચ આર્કિટેક્ટ અગસ્ત પેરેએ ડિઝાઈન કરી હતી.

1934માં નિર્મિત આ હોટલ ટૂંક સમયમાં જ વિશ્વના વિખ્યાત લોકોની પસંદ બની ગઈ હતી.

સમીર કાસીરે તેમના પુસ્તકમાં લખ્યું છે, “એ હોટલની લોબીમાં વિખ્યાત ફ્રેન્ચ અભિનેત્રી બ્રિજેટ બાર્દો, પીટર ઓ ટુલ, માર્લન બ્રાન્ડો, લિઝ ટેલર અને રિચર્ડ બર્ટન ફરતાં જોવાં મળતાં હતાં. શાહી પરિવારનાં અનેક લોકો, જોર્ડનના કિંગ હુસૈન અને ઈરાનના શાહ પહેલવી તેમનાં પત્ની સુરૈયા સાથે પોતાની રજાઓનો આનંદ અહીં જ માણતાં હતાં.”

લેબનોનના અર્થશાસ્ત્રી જ્યોર્જેસ ફોર્મ તેમના પુસ્તક ‘ફ્રેગમેન્ટેશન ઑફ મિડલ ઇસ્ટ’માં યાદ કરે છે, “અનેક લોકોને આ સદીના કદાચ સૌથી મોટા ડબલ એજન્ટ કિમ ફિલ્બી હોટલના બારમાં બેઠેલા જોયા હતા. બૈરુતના અભિજાત વર્ગના લોકો આ સ્થળે ઉપસ્થિત હોવાને પોતાનું સદભાગ્ય ગણતા હતા.”

‘વૉગ’ સામયિકનું કહેવું હતું, “એ સમયે બૈરુતની સરખામણી આધુનિક યુરોપના કોઈ પણ શહેર સાથે કરી શકાતી હતી.”

કલાકારો, કવિઓ અને બુદ્ધિજીવીઓની પસંદ

બૈરુતની હમરા સ્ટ્રીટની તુલના પેરિસની વિખ્યાત ચાંસ અલીઝે સાથે કરવામાં આવતી હતી અને સંખ્યાબંધ ફૅશન સ્ટોર્સ, થિયેટર, બુટીક, રેસ્તોરાં, કાફે અને હોટેલો ખુલી હતી, જ્યાં આખી દુનિયાના કળાકારો, કવિઓ, બુદ્ધિજીવીઓ અને લેખકોનો જમાવડો રહેતો હતો.

માત્ર હમરા સ્ટ્રીટમાં જ એક ડઝનથી વધારે સિનેમાઘર હતાં, જેમાં એલડોરાડો, પિકેડિલી અને વરસાઈ વિખ્યાત હતાં.

બૈરુતની વચ્ચોવચ જૂના જમાનાની માર્કેટ પણ હતી, જ્યાંથી સ્થાનિક લોકો ખરીદી કરતા હતા. બૈરુત પર ફ્રાન્સનો પ્રભાવ સ્વાભાવિક હતો, કારણ કે પહેલા વિશ્વ યુદ્ધ બાદ તેના પર ફ્રાન્સનો કબજો હતો અને છેક 1943માં તેને આઝાદી મળી હતી.

બૈરુત શહેરની બહાર 1952માં સ્પોર્ટિંગ ક્લબની શરૂઆત કરવામાં આવી હતી. તેમાં બૈરુતના સફળ વેપારીઓ તરવા અને બપોર પછી કૉકટેલ માટે જતા હતા.

સમુદ્ર કિનારા પાસેનો કૅસિનો દુ લુબાન દુનિયાભરના જુગારીઓનો અડ્ડો હતો. એ ઉપરાંત ડ્યૂક ઍલિંગટન જેવા પિયાનોવાદક અને જાક બ્રેલ જેવા ગાયકો ત્યાં પર્ફોર્મ કરતા હતા.

એ જમાનામાં બૈરુત બૅન્કિંગ, વ્યાપાર અને પર્યટનનું કેન્દ્ર હતું. ભૂમધ્ય સમુદ્રની પૂર્વમાં સાઉદી અરેબિયા અને બીજા અખાતી દેશોમાં કામ કરતી કંપનીઓ લેબનોનની રાજધાની બૈરુતમાં પોતાનું હેડક્વાર્ટર બનાવતી હતી, કારણ કે ત્યાં ઢગલાબંધ સંચાર માધ્યમો, સ્કૂલો અને યુનિવર્સિટીઓ હતી.

અનેક ફિલ્મોનું શૂટિંગ

લેબનોનમાં એક તરફ બરફથી લદાયેલા પહાડ હતા તો બીજી તરફ ઉત્તમ સમુદ્ર કિનારો. બૈરુતના લોકો દુનિયાભરમાંથી આવતા લોકોનું સ્વાગત કરવા તત્પર રહેતા હતા.

એ સમયગાળામાં મોટા થયેલા લેબનોનના અનેક લોકો હજુ પણ ત્યાંના ઉનાળાને યાદ કરે છે. ઉનાળામાં બૈરુતની આસપાસ પ્રવાસીઓ એકઠા થયા હતા.

આખા દેશમાં હરિયાળી છવાયેલી હોય અને લોકો ઠેકઠેકાણે ઉજવણી કરતા જોવા મળે.

સાઠના દાયકામાં સિનેસ્ટાર્સ અને જાસૂસોમાં બૈરુતની ગ્લેમરસ પ્લેગ્રાઉન્ડની ઇમેજ બનવામાં ફિલ્મોનું બહુ મોટું યોગદાન હતું.

ફિલ્મનિર્માતા કંપનીઓ માટે બૈરુતનું આકર્ષણ અહીંની ઉદાર કરવ્યવસ્થા પણ હતી.

50ના દાયકામાં લેબનોન એક સમૃદ્ધ દેશ હતો, જેનું મુખ્ય કારણ અહીંની ઉદારવાદી આર્થિક નીતિ હતી. તેમાં સામાજિક, આર્થિક વિકાસને વધુ પડતું મહત્ત્વ આપવામાં આવતું હતું.

1965માં બનેલી ફિલ્મ ’24 અવર્સ ટુ કિલ’માં બૈરુત અને તેની આસપાસના પરિસરનો ઉત્તમ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

એ ફિલ્મમાં મિકી રુનીએ તો કમાલનો અભિનય કર્યો હતો, પરંતુ ફિલ્મમાં આધુનિક બૈરુત તથા તેના ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ, સેન્ટ જ્યોર્જેસ હોટલ અને કૅસિનો ડુ લિબાનનાં મનોરમ દૃશ્યોએ આખી દુનિયાના દર્શકોનું મન મોહી લીધું હતું.

એ ઉપરાંત ‘સિક્રેટ એજન્ટ 777’, ‘વ્હેર ધ સ્પાઇઝ આર’ અને ‘એજન્ટ 505’ જેવી ફિલ્મોમાં બૈરુતને કથાનું કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું.

1975 પછી મોહોલ બદલાયો

1975 પછી બૈરુતનો માહોલ બદલાવા લાગ્યો હતો અને ત્યાં આંતરવિગ્રહની શરૂઆત થઈ હતી.

એ પછીનાં 15 વર્ષમાં બૈરુતની હિંસામાં લગભગ દોઢ લાખ લોકોએ પ્રાણ ગુમાવ્યા હતા અને લગભગ દસ લાખ લોકોએ બૈરુત છોડીને ભાગવું પડ્યું હતું.

બૈરુત શહેર બે હિસ્સામાં વહેંચાઈ ગયું હતું, જેને શહેરની વચ્ચેથી પસાર થતી ગ્રીન લાઇન વિભાજિત કરતી હતી.

પૂર્વ વિસ્તારમાં ખ્રિસ્તી લડવૈયાઓની બોલબાલા હતી, જ્યારે પશ્ચિમ વિસ્તાર પેલેસ્ટાઇની અને સુન્ની લડવૈયાઓનો ગઢ હતો. સેન્ટ જ્યોર્જેસ હોટલ જેવા બૈરુતના સુવર્ણયુગના અનેક માઇલસ્ટોન્સ આંતરવિગ્રહમાં નાશ પામ્યા હતા. તેના પર ક્યારેક યુદ્ધ લડતા એક જૂથનો કબજો હતો તો ક્યારેક બીજાનો.

1978માં બૈરુતમાં સીરિયાના સૈનિકો ઘૂસી ગયા હતા. તેઓ પૂર્વના વિસ્તારોને પોતાની તોપ વડે નિશાન બનાવતા હતા. 1982માં લેબનોન યુદ્ધ દરમિયાન પશ્ચિમ બૈરુતનો મોટો હિસ્સો ઇઝરાયલના નિયંત્રણમાં હતો.

1982માં ઇઝરાયલના હુમલા પછી ‘અરામકો વિશ્વ પત્રિકા’માં યુરોપના અનેક લોકોના લેખ પ્રકાશિત થયા હતા. એ લેખોમાં તેમણે યુદ્ધ પહેલાંના લેબનોનનું વર્ણન કરતાં ત્યાંની નિર્દોષતા, સમૃદ્ધિ અને વિપુલતાના અર્થતંત્રના વિનાશ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.

તેમ છતાં અનેક લોકોએ મુશ્કેલીભર્યા દિવસોમાં બૈરુતમાં શરણ લીધું હતું. તેમાંથી એક ઉર્દૂના મહાન કવિ ફૈઝ અહમદ ફૈઝ હતા.

જનરલ ઝિયા ઉલ હકના શાસનકાળમાં પાકિસ્તાનમાં રહેવાનું મુશ્કેલ બન્યું ત્યારે ફૈઝે બૈરુતમાં અશાંતિ હોવા છતાં કેટલાંક વર્ષો વિતાવ્યાં હતાં. ત્યાંથી પાછા ફ્યા બાદ તેમણે ‘લોટસ’ સામયિકનું સંપાદન કર્યું હતું.

1982માં ઇઝરાયલે બૈરુત પર હુમલો કર્યો ત્યારે તેમણે બૈરુત છોડીને પોતાના દેશ ભણી પ્રયાણ કર્યું હતું.

આ શહેરે જોયાં છે વિનાશનાં અનેક દૃશ્યો

1990માં યુદ્ધની સમાપ્તિ પછી બૈરુતના પુનર્નિમાણના પ્રયાસ શરૂ થયા હતા અને આ શહેરે પોતાનો જૂનો દરજ્જો ફરી હાંસલ કરવા તરફ ડગલાં માંડ્યાં હતાં.

બૈરુતમાં એશિયા ક્લબ બાસ્કેટ-બૉલ અને એશિયા ફૂટબૉલ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

એટલું જ નહીં, છેલ્લાં 25 વર્ષમાં બૈરુતમાં ત્રણ વખત મિસ યુરોપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સાત વર્ષ પહેલાં એટલે કે 2017માં ‘ઍક્ઝિક્યૂટિવ’ સામયિકે લખ્યું હતું કે લેબનોન ફરી એકવાર પ્રવાસીઓની પસંદગી બનતું જાય છે.

બૈરુતમાં યોજાયેલા ડિઝાઇન અને આર્ટ ફેસ્ટિવલ્સ અનેક ક્રિએટિવ લોકોને આકર્ષી રહ્યા છે.

‘આર્ટનેટ પોસ્ટ’માં પ્રકાશિત એક લેખમાં જણાવ્યા મુજબ, “બૈરુત ભલે શરણાર્થી સમસ્યા, કંગાળ માળખાકીય વ્યવસ્થા અને રાજકીય અસ્થિરતા સામે ઝઝૂમી રહ્યું હોય, પરંતુ ત્યાંનું કળા સંબંધી વાતાવરણ હજુ પણ બેમિસાલ છે.”

તેમ છતાં બૈરુતના ભૂતકાળે તેનો સાથ છોડ્યો નથી. બૈરુતની બરબાદી એક રીતે તેની ઓળખ બની ગઈ છે.

આ શહેર દાયકાઓથી એક સંકટથી બીજા સંકટ તરફ આગળ વધતું રહ્યું છે. મૃતકોની સંખ્યામાં પણ ઉત્તરોતર વધારો થતો રહ્યો છે.

તેનું અર્થતંત્ર સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું છે.

2020ની ચોથી ઑગસ્ટે બૈરુત બંદર પર એક જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં 180 લોકો મૃત્યુ પામ્યાં હતાં અને 6,000 લોકો ઘાયલ થયા હતા.

એ વિસ્ફોટને કારણે શહેરનો એક મોટો હિસ્સો નાશ પામ્યો હતો અને લગભગ ત્રણ લાખ લોકો બેઘર થઈ ગયા હતા.

બૈરુત પરના ઇઝરાયલના તાજેતરના હુમલા દર્શાવે છે કે આ શહેરનો વિનાશ સાથેનો સંબંધ હજુ સમાપ્ત થયો નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.