You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુદ્ધ બીજે થયું અને ફાયદો તાલિબાનને કેવી રીતે થઈ રહ્યો છે
ઇઝરાયલ અને લેબનોનસ્થિત હિઝબુલ્લાહ વચ્ચેના સંઘર્ષથી મધ્યપૂર્વ એશિયામાં તણાવ વધી જવા પામ્યો છે. જોકે, તેના કારણે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને હજારો ડૉલરની આવક થઈ રહી છે.
તાલિબાન સરકારના કહેવા પ્રમાણે, સંઘર્ષના 24 કલાકમાં લગભગ 260થી વધુ હવાઇજહાજ અફઘાનિસ્તાનની હવાઇસીમામાંથી પસાર થયાં છે. આ મુસાફરવિમાનો ઈરાન કરતાં અફઘાનિસ્તાનના હવાઇરૂટને પસંદ કરી રહ્યા છે.
તાલિબાન સરકારે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે તે પોતાની હવાઇસીમામાંથી પસાર થતાં દરેક વિમાનો પાસેથી 700 ડૉલર ચાર્જ કરે છે, આમ એક જ દિવસમાં તેને હજારો ડૉલરની આવક થઈ છે.
ન્યૂઝ એજન્સી રૉઇટર્સના રિપૉર્ટ પ્રમાણે, મધ્યપૂર્વ અને ઈરાનની ઍરસ્પેસ અસલામત બની હોવાથી અનેક ઍરલાઇન્સ દક્ષિણ તથા પૂર્વ એશિયાની તેની ફ્લાઇટ્સ માટે અફઘાનિસ્તાનને વધુ સલામત વિકલ્પ માનવા લાગ્યા છે.
તાલિબાન સરકારના પરિવહન તથ ઉડ્ડયન વિભાગના પ્રચારવિભાગના વડા ઇમામુદ્દીન અહમદીએ બીબીસી ઉર્દૂને જણાવ્યું, "તાજેતરના આંકડા પ્રમાણે, ગત 24 કલાક દરમિયાન બ્રિટિશ ઍરવેઝ, લુફતાન્ઝા, ઍર ઇન્ડિયા, અમેરિકન ઍરલાઇન્સ, બાંગ્લાદેશ ઍરલાઇન્સ અને સિંગાપોર ઍરલાઇન્સ સહિત અલગ-અલગ વિમાન કંપનીઓની 256 ફ્લાઇટ્સ અફઘાનિસ્તાનની હવાઇસીમામાંથી પસાર થઈ છે."
ત્રણેક વર્ષ પહેલાં તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં સત્તાના સૂત્રો સંભાળ્યા, એ પછી બ્રિટિશ ઍરવેઝ, લુફ્તાન્ઝા અને સિંગાપોર ઍરલાઇન્સે તેની એશિયા અને યુરોપ વચ્ચેની ઉડ્ડાણો માટે અફઘાનિસ્તાનની હવાઇસીમાનો ઉપયોગ બંધ કરી દીધો હતો.
'સંઘર્ષગ્રસ્ત વિસ્તાર પસંદ નથી'
કૉકપીટ ઍસોસિયેશન ઑફ યુરોપના વડા તથા કૉમર્શિયલ પાઇલટ ઑટજન દ બ્રુઇજનના કહેવા પ્રમાણે, "મને સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાંથી વિમાન ઉડાવવું પસંદ નથી, કારણ કે ત્યાં શું થશે, તેની કોઈ ખબર નથી હોતી."
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ પ્રવર્તે છે, જેના કારણે ઍરલાઇન કંપનીઓ આ હવાઇરૂટને જોખમી માને છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષ 2022માં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું, એ પછી મોટાભાગની પશ્ચિમી ઉડાનોએ રશિયાની હવાઇસીમાનો ઉપયોગ બંધ કરી દીધો હતો. આ વિમાનો ઈરાન તથા મધ્યપૂર્વ એશિયામાંથી પસાર થતાં.
ચાલુ વર્ષના એપ્રિલ મહિનાથી જ ઍરલાઇન કંપનીઓએ અફઘાનિસ્તાનની ઍરસ્પેસનો વપરાશ વધારી દીધો હતો. એ સમયે તુર્કીશ ઍરલાઇન્સ, થાઇ ઍરવેઝ તથા કેએલએમ ગ્રૂપે હવાઇસીમાનો ઉપયોગ શરૂ કર્યો હતો.
કેએલએમના અહેવાલ પ્રમાણે, "સિક્યૉરિટી ઇનપુટ્સના આધારે ઍરલાઇન્સ કંપની ચોક્કસ રૂટ ઉપર ખૂબ જ ઊંચાઈએથી જ વિમાન ઉડાવે છે."
તાઇવાનની ઇવા ઍરે એકાદ મહિનાથી અફઘાનિસ્તાનની ઍરસ્પેસનો વપારશ શરૂ કર્યો હતો. તેમણે રૉઇટર્સને જણાવ્યું, "અમે સલામતી, આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ તથા ફ્લાઇટ ઍડ્વાઇઝરીને ધ્યાને લઈને હવાઇરૂટની પસંદગી કરીએ છીએ."
શું છે 'ઑવરફ્લાઇટ ફી'?
જેવી રીતે કોઈ દેશ તેની જમીની સરહદ ઉપર નિયંત્રણ ધરાવે છે, એવી જ રીતે જ્યારે વિમાન તેની હવાઇસીમાથી પસાર થાય, એટલે ઍરલાઇન્સ કંપનીએ 'ઑવરફ્લાઇટ ફી' ચૂકવવી પડે.
અમુક દેશો દ્વારા ઍર ટ્રાફિક કંટ્રૉલની સેવાઓ પૂરી પાડે છે, જેમાંથી અમુક રકમ આ સેવાઓ માટે પણ હોય છે.
અલગ-અલગ દેશો દ્વારા ભિન્ન-ભિન્ન ધારાધોરણના આધારે આ રકમ નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે કૅનેડા દ્વારા જહાજ દ્વારા કાપવામાં આવનારા અંતર અને વજન દ્વારા નક્કી કરવામાં આવે છે, જ્યારે અમેરિકા માત્ર વિમાન દ્વારા કાપવામાં આવનારા અંતરને જ ધ્યાને લેવામાં આવે છે.
ક્યારેક ભારે ઑવરફ્લાઇટ ફીને ટાળવા માટે ભારે ફી વસૂલવામાં આવે છે, પરંતુ ક્યારેક દેશ એટલા મોટા હોય કે તેની ઍરસ્પેસને ટાળી ન શકાય.
યુએસની ઍરસ્પેસ ફિલિપિન્સમાં પણ વિસ્તરે છે. ત્યાં જમીન પરથી પસાર થવા કરતાં દરિયા ઉપરથી ઉડાન ભરવી સસ્તી પડે છે. આમ છતાં અમુક ઍરલાઇન્સે ઑસ્ટ્રેલિયા કે જાપાન પરથી હવાઈઉડાન માટે અમેરિકાને ફી ચૂકવવી પડે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન