કેટલી વેફર અને કેટલું કોલ્ડ ડ્રિક્સ પીવાથી ગંભીર બીમારી થઈ શકે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સુશીલા સિંહ અને આદર્શ રાઠોડ
- પદ, બીબીસી સંવાદદાતા
તમે ટ્રેન કે સડક માર્ગે લાંબો પ્રવાસ કરતા હો કે ક્યાંક ફરવા ગયા હો અને રસ્તામાં ભૂખ લાગે તો પેટ ભરવા માટે દાળ-ભાત કે રોટલી જેવા વિકલ્પો સામે તમને ચિપ્સ, બિસ્કિટ અને કોલ્ડ ડ્રિંક્સ જેવા સંખ્યાબંધ વિકલ્પો મળશે.
આપણે કેટલીક વાર ટાઇમપાસ કરવા અથવા પેટ ભર્યું હોવા છતાં સ્વાદ માણવા ખાતર પણ આ બધું ખાતા હોઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે ખાવાપીવાની પરંપરાગત ચીજોને બદલે ખવાતા આવા સ્વાદિષ્ટ વિકલ્પો ‘અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ’ કહેવાય છે અને તેનો વધુ પડતો ઉપયોગ આરોગ્ય માટે હાનિકારક હોય છે?
એટલું જ નહીં, નિષ્ણાતોનું કહેવું છે કે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે જેથી તેને ખાવામાં મજા આવવાની સાથોસાથ આપણને તેની આદત પડી જાય.
વિશ્વ આરોગ્ય સંગઠન (ડબલ્યૂએચઓ) અને ઇન્ડિયન કાઉન્સિલ ફૉર રિસર્ચ ઓન ઇન્ટરનૅશનલ ઇકૉનૉમિક રિલેશન (આઇસીઆરઆઇઇઆર)ના તાજેતરના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં પાછલાં દસ વર્ષમાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડના માર્કેટમાં ઝડપભેર વૃદ્ધિ થઈ છે.
અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ એટલે શું?

બાળરોગ નિષ્ણાત અને ન્યૂટ્રિશન ઍડ્વોકસી ફૉર પબ્લિક ઇન્ટરેસ્ટ (એનએપીઆઇ) નામની થિંક ટૅન્કના સંયોજક ડૉ. અરુણ ગુપ્તા અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડનો અર્થ સમજાવતાં કહે છે : “સરળ શબ્દોમાં સમજીએ તો અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ એવી ખાદ્યસામગ્રી છે, જેને તમે સામાન્ય રીતે તમારા રસોડામાં રાંધી શકતા નથી. તે સામાન્ય ખાદ્યસામગ્રી જેવી લાગતી નથી. જેમ કે, પૅકેટમાં મળતાં ચિપ્સ, ચૉકલેટ, બિસ્કિટ અને મોટા પ્રમાણમાં બનાવવામાં આવતી બ્રેડ અને બન વગેરે.”
તેઓ કહે છે, “દરેક સમુદાય પોતાનાં સ્વાદ અને પસંદ અનુસાર ખાવાનું તૈયાર કરતો હોય છે. તેને પણ ફૂડ પ્રોસેસિંગ કહી શકાય. આપણે દૂધમાંથી દહીં બનાવીએ તેને પ્રોસેસિંગ કહેવાય, પરંતુ કોઈ મોટા ઉદ્યોગમાં દૂધમાંથી દહીં બનાવવામાં આવે અને તેને સ્વાદિષ્ટ બનાવવા તેમાં રંગ, ફ્લેવર, ખાંડ, કે કોર્ન સીરપ નાખવામાં આવે તો તેને અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ કહેવાય.”
તેમના કહેવા મુજબ, અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડમાં નાખવામાં આવતી આ સામગ્રીથી તેના પૌષ્ટિકપણામાં વધારો થતો નથી, પરંતુ એ ફૂડનો વેપાર થાય અને વધારે નફો થાય એ હેતુથી તેમાં આવી સામગ્રી નાખવામાં આવે છે. તેથી આવી ચીજોનું ઉત્પાદન માત્ર મોટા ઉદ્યોગો જ કરી શકે છે.
અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડને કૉસ્મેટિક ફૂડ પણ કહેવામાં આવે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા મુજબ, અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ, ઔદ્યોગિક ટેકનિક અને પ્રોસેસ દ્વારા તૈયાર કરવામાં આવતી સામગ્રીમાંથી બનાવવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
ડબલ્યૂએચઓ પ્રમાણે અલ્ટ્રા પ્રોસેસ્ડ ઉત્પાદનોનાં કેટલાંક ઉદાહરણ નીચે મુજબ છે.
- કાર્બોનેટેડ કોલ્ડ ડ્રિંક,
- મીઠા, ચરબીવાળાં સ્નેક્સ, કૅન્ડી
- મોટા પ્રમાણમાં બનાવવામાં આવતા બ્રેડ, બિસ્કિટ, પેસ્ટ્રી, કેક, ફ્રૂટ યોગર્ટ
- રેડી ટુ ઇટ મીટ, પાસ્તા, પિત્ઝા, માછલી, સોસેજ, બર્ગર, હોટ ડોગ
- ઇન્સ્ટન્ટ સૂપ, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, બૅબી ફૉર્મ્યુલા
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ બધી ચીજોમાં ઔદ્યોગિક પ્રક્રિયા હેઠળ ખાંડ, નમક, ફેટ કે ઇમલ્સિફાઇડ (બે અલગ-અલગ પદાર્થોનું મિશ્રણ) કેમિકલ અને પ્રિઝર્વેટિવ્ઝ નાખવામાં આવે છે, જેનો ઉપયોગ આપણે સામાન્ય રીતે આપણા રસોડામાં કરતા નથી.
પ્રિઝર્વેશનની શરૂઆત

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યૂટ્રિશનના ભૂતપૂર્વ વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. વી. સુદર્શન રાવ જણાવે છે કે માનવસભ્યતાની શરૂઆતથી જ પ્રિઝર્વેશનનો (સંરક્ષણ) ઉપયોગ થવા લાગ્યો હતો. તેનું મુખ્ય કામ ભોજનને લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય તે માટે બૅક્ટેરિયા તથા ફૂગ વગેરેથી ખરાબ થતું અટકાવવાનું હતું.
તેઓ કહે છે, “આપણા પૂર્વજો શીખ્યા હતા કે ખોરાકમાંથી ભેજ દૂર કરવામાં આવે તો તેને પ્રિઝર્વ કરી શકાય છે, સાચવી શકાય છે. તેથી તેમણે સૌપ્રથમ ખાદ્યપદાર્થોને તડકામાં સૂકવવાનું શરૂ કર્યું હતું, કારણ કે સૂકા ખાદ્યપદાર્થોનો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકાય છે એ તેમને સમજાયું હતું.”
હૈદરાબાદસ્થિત ઇન્ડિયન કાઉન્સિલ ફૉર મેડિકલ રિસર્ચમાં વૈજ્ઞાનિક તરીકે કામ કરી ચૂકેલા ડૉ. વી. સુદર્શન રાવ જણાવે છે કે પ્રિઝર્વેશન માટે મીઠા, ખાંડ વગેરેનો ઉપયોગ થવા લાગ્યો, જેને તમે પ્રિઝર્વેટિવ કહી શકો, પરંતુ નવી ટેકનિક આવવાથી પ્રિઝર્વેશનમાં વ્યાપક પરિવર્તન થયું છે.
આ વાત સમજાવતાં ગુજરાતની રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ડૉ. જયેશ વકાણી કહે છે, “દાખલા તરીકે અથાણું. તેમાં વધારે મીઠું, ખાંડ, સરકો અને સાઈટ્રિક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે, જે પ્રાકૃતિક રીતે પ્રિઝર્વેટિવનું કામ કરે છે. કૃત્રિમ પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરવાનો હોય તો તે ફૂડ સેફટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા (એફએસએસઆઇ)નાં ધારાધોરણ મુજબ કરવાનો હોય છે.”
કૉસ્મેટિક્સમાં પણ પ્રિઝર્વેટિવ્ઝનો ઉપયોગ

ઇમેજ સ્રોત, Getty Images
જાણકારો જણાવે છે કે ખાદ્યપદાર્થોમાંના પ્રિઝર્વેટિવ્ઝમાં અનેક પ્રકારના ઍન્ટિમાઇક્રોબિયલ, ઍન્ટિઓક્સિડન્ટ, સોર્બિક એસિડ વગેરેનો સમાવેશ થાય છે. તેનો ઉપયોગ બધી સામગ્રીમાં કરી શકાતો નથી.
ખાદ્યપદાર્થોમાં બૅક્ટેરિયાને રોકવા માટે ઍન્ટિમાઇક્રોબિયલ પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે તેલમાં ઍન્ટિઓક્સિડન્ટનો અને સોર્બિક એસિડ પ્રિઝર્વેટિવનો ઉપયોગ ફૂગથી બચાવવા કરવામાં આવે છે.
પ્રિઝર્વેટિવનો ઉપયોગ માત્ર ખાદ્યસામગ્રીમાં જ નહીં, પરંતુ ક્રીમ, શૅમ્પૂ, સનસ્ક્રીન જેવા કૉસ્મેટિક્સમાં પણ કરવામાં આવે છે, જેથી તેમનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય.
આ પ્રિઝર્વેટિવ હાનિકારક હોય છે કે કેમ, એવા સવાલનો જવાબ આપતાં ડૉ. જયેશ વકાણી કહે છે, “કોઈ પણ પદાર્થ કે ખાદ્યસામગ્રીમાં પ્રિઝર્વેટિવનો ઉપયોગ સલામતીના માપદંડોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. તેનું પ્રમાણ જરૂર મુજબ જ હોય છે, કારણ કે તેના વધારે ઉપયોગથી કોઈ ફાયદો થતો નથી.”
ડૉ. વી. સુદર્શન રાવના કહેવા મુજબ, એફએસએસઆઇ ખાદ્યસામગ્રીઓમાં ઉપયોગમાં લેવાતા પ્રિઝર્વેટિવની તપાસ કરે છે અને તેમાં જાણવા મળ્યું છે કે તે 60-70 વર્ષ સુધી લેવામાં આવે તો પણ તેનાથી શરીરને કોઈ નુકસાન થતું નથી.
પ્રિઝર્વેટિવ અને અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ

ઇમેજ સ્રોત, Getty Images
ગ્રાહકોને જાગૃત કરતી સંસ્થા કન્ઝ્યુમર્સ વૉઇસના સીઇઓ આશિમ સાન્યાલ જણાવે છે કે ખાવાપીવાની ચીજોને લાંબા સમય સુધી ખરાબ થતી અટકાવવા ઉપરાંત વધારે ટેસ્ટી બનાવવા અને રંગ દ્વારા આકર્ષક બનાવવા માટે પણ પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરવામાં આવે છે.
આ પ્રિઝર્વેટિવ કૃત્રિમ હોય છે અને મર્યાદિત પ્રમાણમાં જ નાખવામાં આવે છે, પરંતુ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડને ખરાબ થતું અટકાવવા માટે જે તરકીબો અપનાવવામાં આવે છે, તેનાથી એ અત્યંત હાનિકારક બની જાય છે.
ડૉ. આશિમ સાન્યાલ જણાવે છે કે ખાદ્યપદાર્થોમાં પ્રિઝર્વેટિવના ઉપયોગને અલગ રીતે નહીં, બલકે તેને અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડના સંદર્ભમાં ધ્યાનમાં લેવો જોઈએ.
ભારતમાં પ્રોસેસ્ડ ફૂડ બિઝનેસનું સૅક્ટર 500 અબજ ડૉલરનું છે.
આશિમ સાન્યાલ જણાવે છે કે શાક, દાળ વગેરે બનાવવાને પણ પ્રોસેસ્ડ ફૂડ કહેવાય છે, પરંતુ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ એ હોય છે, જેને ટેકનિકલ સંશોધન મારફત પ્રયોગશાળામાં નવા રૂપમાં ઢાળવામાં આવે છે. તેમાં સેચ્યુરેટેડ ફેટ વગેરે સિવાય પ્રિઝર્વેટિવનું મિશ્રણ પણ બહુ મોટા પ્રમાણમાં હોય છે.
તેમના કહેવા મુજબ, “અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ પ્રિઝર્વેટિવ અને કેમિકલથી ભરપૂર હોય છે, એવું ડબલ્યૂએચઓ પણ કહે છે. તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય એ હેતુથી તેમાં પ્રિઝર્વેટિવ નાખવામાં આવે છે. તેની આદત પાડવા માટે તેમાં કેટલાક ઍડિક્ટિવ્ઝ પણ નાખવામાં આવે છે.”

ઇમેજ સ્રોત, Getty Images
તેનું ઉદાહરણ આપતાં આશિમ સાન્યાલ જણાવે છે કે ચિપ્સ, કોલ્ડ ડ્રિંક કે અન્ય ખાદ્યપદાર્થોની બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના લોકોને આદત પડી જાય છે અને તે આદત પાડવા માટે આવા ઘટકો ઉમેરવામાં આવે છે.
તેઓ કહે છે, “અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ અનેક બીમારીઓનું મૂળ બની ચૂક્યું હોવાનું વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થઈ ગયું છે. અમે પણ તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડમાં પ્રિઝર્વેટિવનું અને અન્ય કેમિકલનું પ્રમાણ બહુ વધુ હોય છે.”

ઇમેજ સ્રોત, consumer-voice.org
ડૉ. આશિમ સાન્યાલ ઉમેરે છે, “અલ્ટ્રા પ્રોસેસિંગમાં પોષકતત્ત્વો ખતમ થઈ જાય છે. એવા ખાદ્યપદાર્થોમાં ગુણવત્તા બચતી નથી. જે રીતે તમાકુ કે સિગારેટની લત લાગે છે, તેવી જ રીતે ખાદ્યસામગ્રીમાં પણ આવા ઍડિક્ટિવ હોવાથી તેની લત લાગી જાય છે.”
નિષ્ણાતોનું કહેવું છે કે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડની તકલીફ એ છે કે આપણે કેટલું વધારે ખાઈએ છીએ તેની આપણને ખબર જ પડતી નથી.
ડૉ. અરુણ ગુપ્તા કહે છે, “આહાર લેતી વખતે આપણું મગજ આપણને સંકેત આપે છે કે આપણું પેટ ભરાઈ ગયું છે, પરંતુ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે તેને ખાવાથી મજા આવે. તમે તેને ખાઈ રહ્યા હો ત્યારે મગજમાંથી પેટ ભરાઈ ગયાનો સંકેત મળતો નથી. તેથી તમે તે ખાતા જ રહો છો.”
પ્રિઝર્વેટિવ અને અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડથી થતું નુકસાન

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. જયેશ વકાણીના કહેવા મુજબ કૃત્રિમ પ્રિઝર્વેટિવનો ઉપયોગ માપદંડ કરતાં વધારે પ્રમાણમાં અને લાંબા સમય સુધી કરનાર કૅન્સરનો ભોગ પણ બની શકે છે.
ડૉ. અરુણ ગુપ્તા પણ જણાવે છે કે ખાદ્યપદાર્થોનું આયુષ્ય વધારવા માટે ઘણી વાર તેમાં એવા પ્રિઝર્વેટિવ નાખવામાં આવે છે, જેનાથી નુકસાન થઈ શકે છે.
તેઓ કહે છે, “તેમાં પ્રિઝર્વેટિવ અને કલરિંગ એજન્ટ જેવાં કેમિકલ હોય છે. તેનાથી શરીરમાં ઍલર્જી થઈ શકે છે અથવા રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. તેની ખબર તરત ભલે ન પડે, પરંતુ લાંબા ગાળે તે ખતરનાક સાબિત થઈ શકે છે.”

ઇમેજ સ્રોત, Getty Images
ગ્લોબલ હંગર ઇન્ડેક્સના 2023ના રિપોર્ટ અનુસાર, ભૂખની બાબતમાં ભારતનો ક્રમ 125 દેશોમાં 111મો છે અને ભારત ભૂખ સામે ઝઝૂમી રહેલી સૌથી મોટી વસ્તીવાળો દેશ છે.
એક તરફ દેશ કુપોષણની સમસ્યાનો સામનો કરી રહ્યો છે અને બીજી તરફ સ્થૂળતાની સમસ્યાનો સામનો પણ કરી રહ્યો છે. સ્થૂળતા વધારવામાં પણ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ મોટી ભૂમિકા ભજવી રહ્યા છે.
ડૉ. અરુણ ગુપ્તા કહે છે, “અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ ક્યારેક ખાઈ શકાય, પરંતુ જ્યારે આપણે તેનો ઉપયોગ આપણા ભોજનના કુલ પ્રમાણના દસ ટકાથી પણ વધારે કરીએ ત્યારે, એટલે કે 2,000 કૅલરીમાં 200 કૅલરીથી વધારે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડમાંથી આવતી હોય તો નુકસાનની શરૂઆત થઈ જાય છે.”
તેમના જણાવ્યા મુજબ સૌથી પહેલાં તો વજન વધવા લાગે છે, જે અનેક બીમારીઓને આમંત્રણ આપે છે. તેનાથી ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને કિડનીસંબંધી બીમારી તેમજ કૅન્સર સુધ્ધાં થવાનું જોખમ વધી જાય છે.
ડૉ. અરુણ ગુપ્તાના કહેવા મુજબ, “તાજેતરના સંશોધન પ્રમાણે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડના ઉપયોગથી ડિપ્રેશન અને ઍન્ગ્ઝાયટી થવાની શક્યતા છે. આવું શા માટે થાય છે એ બાબતે સંશોધન ચાલી રહ્યું છે.”
સામાન્ય રીતે દરેક વય અને વર્ગના લોકો અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ ખાતા હોવાનું જોવા મળે છે, પરંતુ ભારતના સંદર્ભમાં બાળકો પર વધારે જોખમ છે, કારણ કે બાળકોને મીઠી ચીજો વધારે પસંદ હોય છે. બાળકોને ચિપ્સ, કૅન્ડી, ચૉકલેટ, પૅક્ડ જ્યૂસ અને કોલ્ડ ડ્રિંક બહુ પસંદ હોય છે.
ડૉ. અરુણ ગુપ્તા જણાવે છે કે આ સંદર્ભમાં વધુ સંશોધન તો પુખ્તો પર જ થયું છે, પરંતુ 2017ના એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે લગભગ 50 ટકા બાળકોને અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડથી નકસાન થઈ રહ્યું છે અને તે એમને સ્થૂળતા તરફ ધકેલી રહ્યું છે.
શું છે બચવાનો માર્ગ?

ઇમેજ સ્રોત, Getty Images
જાણકારો અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ ખાવાની આદતથી બચવાની સલાહ આપે છે.
આશિમ સાન્યાલના કહેવા મુજબ, તમે સપ્તાહમાં ચાર વખત આવું ભોજન કે ખાદ્યપદાર્થ ખાતા હો તો તેનું પ્રમાણ ધીમે ધીમે ઘટાડવું જોઈએ.
લોકોમાં ફૂડ લેબલ બાબતે જાગૃતિ લાવવાની પણ જરૂર છે એમ જણાવતાં તેઓ ઉમેરે છે કે આવા ખાદ્યપદાર્થો બનાવતી કંપનીઓએ સામગ્રીઓના પૅકેટ પર સૌથી પહેલા દેખાય તે રીતે આવી માહિતી આપવી જોઈએ.
તેમના કહેવા મુજબ, “અમે ફ્રન્ટ ઑફ પૅક ન્યૂટ્રિશનલ લેબલિંગનો આગ્રહ રાખીએ છીએ, જેથી લેબલમાં દર્શાવવામાં આવે કે આમાં ખાંડ, મીઠું કે ફેટ શું વધારે છે. આ મુખ્ય ચીજો પર ધ્યાન આપવામાં આવશે તો સમસ્યાનું 80 ટકા નિરાકરણ થઈ જશે. અત્યારે આ બધી માહિતી લેબલની પાછળ લખવામાં આવે છે અને તેના અક્ષર એટલા નાના હોય છે કે તેના પર ગ્રાહકોનું ધ્યાન જ પડતું નથી.”
આશિમ સાન્યાલ ઉદાહરણ આપતાં જણાવે છે કે લૅટિન અમેરિકન દેશોએ ફ્રન્ટ લેબલિંગની શરૂઆત કરી છે અને તેનાથી લોકોની ખાવાની આદતમાં પરિવર્તન થયું છે, કારણ કે તેઓ જાગૃત થયા છે.

ઇમેજ સ્રોત, Getty Images
લેબલિંગમાં માહિતી આપવામાં આવશે તો જે તે પ્રોડક્ટના વેચાણ પર અસર થશે તેની ચર્ચા પણ કરવામાં આવે છે. આ સંદર્ભમાં આશિમ સાન્યાલ જણાવે છે કે સિગારેટ અને તમાકુના પૅકેટ પર મોટા અક્ષરે ચેતવણી છાપવામાં આવે છે. શું આવાં ઉત્પાદનોનું વેચાણ બંધ થઈ ગયું છે?
ડૉ. અરુણ ગુપ્તાના મતાનુસાર આ મામલામાં સૌથી મોટી ભૂમિકા સરકારની છે.
તેઓ કહે છે, “સરકારની જવાબદારી સૌથી મોટી છે. પોતે શું ખાઈ રહ્યા છે તેની લોકોને ખબર હોવી જોઈએ. એ ઉપરાંત મીડિયા, સમાજ અને સંસ્થાઓની પણ જવાબદારી છે કે તેઓ લોકોને આ બાબતે જાગૃત કરે. એ પછી શું કરવું તેનો નિર્ણય લોકો કરી શકે.”
તેઓ ઉમેરે છે કે જે રીતે બે વર્ષ સુધીનાં બાળકો માટે બૅબી ફૂડની જાહેરાત પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, એવી જ રીતે વધારે પડતા મીઠા, ખાંડ અને ચરબીયુક્ત સામગ્રીઓ સંબંધી ભ્રામક પ્રચાર પર પણ પ્રતિબંધ લાદવો જોઈએ.
તેઓ કહે છે, “લોકોને ખબર પડવી જોઈએ કે કઈ ચીજ હાનિકારક છે. એ પછી પણ લોકો તે ખાય એ શક્ય છે, પરંતુ તેમને ખબર હશે કે આ ચીજો ઓછી ખાવી જોઈએ.”
ડૉ. અરુણ ગુપ્તાના કહેવા મુજબ, “આવી નીતિથી ઇન્ડસ્ટ્રીને પણ સંદેશ મળે છે કે તેઓ ભલે પ્રોસેસ્ડ ફૂડ બનાવે, કમાણી કરે, તેમાં કશું ખોટું નથી, પરંતુ કમાણી પણ કરવી અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં પણ કરવાં એ યોગ્ય નથી.”












