You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લેટરલ ઍન્ટ્રીના મુદ્દે બદલાયેલું વલણઃ ત્રીજા કાર્યકાળમાં મોદી સરકારે પીછેહઠ કરવી પડી રહી છે?
- લેેખક, રાઘવેન્દ્ર રાવ
- પદ, બીબીસી સંવાદદાતા
આઠમી ઑગસ્ટ, 2024. વિરોધ પક્ષોના ઉગ્ર વાંધા વચ્ચે નરેન્દ્ર મોદી સરકારે વક્ફ સુધારા ખરડો સંયુક્ત સંસદીય સમિતિ(જેપીસી)ને મોકલી આપ્યો.
વિરોધ પક્ષનો આરોપ છે કે આ ખરડાનો હેતુ મુસ્લિમ સમુદાયને નિશાન બનાવવાનો છે અને આ ખરડો ગેરબંધારણીય છે.
13 ઑગસ્ટ, 2024. કેન્દ્ર સરકારે આકરી ટીકાને કારણે બ્રૉડકાસ્ટિંગ ખરડાનો નવો મુસદ્દો પાછો ખેંચી લીધો. તેની ટીકા એ હતી કે સરકાર આ પ્રસ્તાવિત કાયદા દ્વારા ઑનલાઇન કન્ટેન્ટ પર વધુ નિયંત્રણ લાદવાનો પ્રયાસ કરી રહી છે.
20 ઑગસ્ટ, 2024. લેટરલ ઍન્ટ્રી દ્વારા 24 મંત્રાલયોમાં 45 અધિકારીઓની ભરતીની જાહેરાત રદ કરવા કેન્દ્ર સરકારે યુપીએસસીને જણાવ્યું.
17 ઑગસ્ટે પ્રકાશિત આ જાહેરાત બાદ વિરોધ પક્ષો અને ભાજપ સરકારના સહયોગી પક્ષોએ આ યોજનાની ટીકા કરતાં સવાલ ઉઠાવ્યો હતો કે આ રીતે થનારી નિમણૂકમાં અનામતની અવગણના શા માટે કરવામાં આવી છે?
ગત બે સપ્તાહમાં બનેલી આ ત્રણ ઘટનાને પગલે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સતત ત્રીજી વખત બનેલી કેન્દ્ર સરકાર તેના અનેક પ્રસ્તાવ કે નિર્ણયોને પાછા ખેંચવા શા માટે મજબૂર થઈ રહી છે.
લેટરલ ઍન્ટ્રીના મુદ્દે રાજકીય ખેંચતાણ
પહેલાં લેટરલ ઍન્ટ્રી યોજનાની વાત કરીએ. આ યોજના હેઠળ પહેલીવાર નિમણૂક થઈ રહી હોય એવું નથી, અગાઉ 2018માં મોદી સરકારે આ યોજના હેઠળ પહેલીવાર નિમણૂકો કરી હતી.
2018થી માંડીને અત્યાર સુધીમાં આ રીતે 63 નિમણૂક કરવામાં આવી છે. તેમાંથી 35 ખાનગી ક્ષેત્રમાં કરવામાં આવી છે. આ વર્ષે જુલાઈ સુધીમાં લેટરલ ઍન્ટ્રી મારફત નિયુક્ત કરવામાં આવેલા 57 લોકો પોતપોતાનાં પદો પર કામ કરી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, આ વખતે યુપીએસસીએ આ યોજના હેઠળ 45 નવી નિમણૂંક માટેની જાહેરાત 17 ઓગસ્ટે પ્રકાશિત કરી કે તરત જ રાજકીય ધમાલ શરૂ થઈ ગઈ હતી.
વિરોધ પક્ષોએ લેટરલ ઍન્ટ્રીના વિરોધમાં જણાવ્યું હતું કે આવી નિમણૂકમાં અનામતની વ્યવસ્થા ન હોવાથી આ યોજના સામાજિક ન્યાયની વિરુદ્ધ છે અને આ યોજના વંચિત વર્ગોને બાજુ પર રાખીને પાછલા બારણેથી ભરતી કરવાનું ષડયંત્ર છે.
વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આ મુદ્દે જણાવ્યું હતું કે લેટરલ ઍન્ટ્રી દલિતો, ઓબીસી અને આદિવાસીઓ પરનો હુમલો છે. તે બંધારણને નષ્ટ કરવાનો અને બહુજનોની અનામત છીનવવાનો પ્રયાસ છે.
જોકે, કેન્દ્ર સરકારની ચિંતા ત્યારે વધી હતી, જ્યારે તેના ઘટક પક્ષ લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાને પણ કહ્યું હતું કે તેઓ લેટરલ ઍન્ટ્રી યોજનાને સંપૂર્ણપણે ખોટી માને છે અને આવી નિમણૂકની તરફેણ કરતા નથી.
કેન્દ્રના પ્રધાન જિતેન્દ્ર સિંહે યુપીએસસીના અધ્યક્ષને 20 ઑગસ્ટે એક પત્ર લખીને આગ્રહ કર્યો હતો કે 17 ઑગસ્ટે બહાર પાડવામાં આવેલી જાહેરાતને રદ કરો.
જિતેન્દ્ર સિંહે તે પત્રમાં જણાવ્યું હતું કે લેટરલ ઍન્ટ્રીની પ્રક્રિયા, ખાસ કરીને અનામતની જોગવાઈઓના સંદર્ભમાં, બંધારણમાં સમાવિષ્ટ સમાનતા અને સામાજિક ન્યાયના સિદ્ધાંતો પર આધારિત હોવી જોઈએ, એવું વડા પ્રધાન નરેન્દ્ર મોદી માને છે.
તેમણે લખ્યું હતું કે સરકારી નોકરીઓમાં અનામત આપણા સામાજિક ન્યાયના માળખાનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે.
તેમણે એમ પણ લખ્યું હતું કે સામાજિક ન્યાય માટે બંધારણીય આદેશ જાળવવામાં આવે તે મહત્ત્વનું છે, જેથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના લાયક ઉમેદવારોને સરકારી સેવાઓમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળી શકે.
કેન્દ્ર સરકારના નિર્ણય બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું, "અમે બંધારણ અને અનામત પ્રણાલીનું કોઈ પણ ભોગે રક્ષણ કરીશું. અમે લેટરલ ઍન્ટ્રી જેવા ભાજપના ષડયંત્રોને કોઈ પણ ભોગે નિષ્ફળ બનાવીશું. હું ફરીવાર કહું છું કે 50 ટકા અનામતની મર્યાદા તોડીને અમે જાતિગત વસ્તી ગણતરીને આધારે સામાજિક ન્યાય સુનિશ્ચિત કરીશું."
ભૂતકાળમાં ઘણા નિર્ણયો બાબતે પુનર્વિચાર
તાજેતરની ઘટનાઓ પરથી એવું લાગે છે કે કેન્દ્ર સરકાર યુ-ટર્ન લઈ રહી છે અથવા રોલ-બૅક કરી રહી છે, પરંતુ ભૂતકાળ પર નજર કરીએ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના પાછલા બે કાર્યકાળમાં એવા ઘણા પ્રસંગો આવ્યા હતા, જ્યારે નિર્ણયો પાછા ખેંચવામાં આવ્યા હતા અથવા એ બાબતે પુનર્વિચાર કરવામાં આવ્યો હતો.
તેમાં સૌથી મોટો ચર્ચિત નિર્ણય 2021માં ત્રણ કૃષિ કાયદાઓને પાછા ખેંચવાનો હતો. એ કાયદાઓ સામે ખેડૂતોનું આંદોલન ઘણા મહિનાઓ સુધી ચાલ્યું હતું.
જોકે, તે ખરડો 2023માં પાછો લાવવામાં આવ્યો હતો અને તેને સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો.
2014માં સત્તા પર આવ્યાના એક વર્ષ પછી 2015માં કેન્દ્ર સરકારે જમીન સંપાદન કાયદા બાબતે પુનર્વિચારની માગણી સ્વીકારી હતી અને 6 વિવાદાસ્પદ સુધારાઓ પાછા ખેંચ્યા હતા.
‘સરકારની મનમાની હવે શક્ય નથી’
રાજકીય વિશ્લેષકો માને છે કે લોકસભાની તાજેતરની ચૂંટણીમાં પોતાના સંસદસભ્યોની સંખ્યામાં ઘટાડા અને સાથી પક્ષો પરની નિર્ભરતાની અસર હવે કેન્દ્ર સરકાર પર દેખાઈ રહી છે.
પ્રોફેસર અપૂર્વાનંદ દિલ્હી યુનિવર્સિટીના હિન્દી વિભાગમાં પ્રાધ્યાપક છે અને જાણીતા રાજકીય વિશ્લેષક તથા કટારલેખક છે.
તેમનું કહેવું છે કે કેન્દ્ર સરકાર અગાઉ સંસદને પોતાની ઇચ્છા મુજબ ચલાવી રહી હતી, પણ હવે એવું કરવું શક્ય નથી એ તાજેતરની ઘટનાઓએ સ્પષ્ટ કરી દીધું છે.
પ્રોફેસર અપૂર્વાનંદ કહે છે, "સરકારના સાથી પક્ષોની તેમના મતવિસ્તારોને લઈને પોતાની મજબૂરીઓ છે અને તેને તેઓ સરકારનો હિસ્સો હોવા છતાં અવગણી શકતા નથી, એ વાત પણ સાચી છે. બીજી તરફ, વિરોધ પક્ષ ઘણો મજબૂત થયો છે."
"તેથી આ સરકાર કાયદાના ઘડતરની બાબતમાં ખૂબ જ નબળી પડી ગઈ છે. સીએએ હોય કે ટ્રિપલ તલાક, અગાઉ સરકાર સંપૂર્ણપણે મનસ્વી રીતે કાયદાઓ બનાવતી હતી. હવે કાયદા ઘડવામાં આ સરકાર ખૂબ જ નબળી પડી ગઈ છે."
તેઓ કહે છે, "પછાતો, ઓબીસી અને દલિતો રાજકીય રીતે શક્તિશાળી વર્ગો છે. તેઓ મુસ્લિમો નથી. તમે મુસલમાનોની ઉપેક્ષા કરી શકો. તમે તેમના પર બળજબરી કરી શકો, પરંતુ ઓબીસી, એસટી અને એસટી તથા તેમની આશંકાઓની અવગણના કરવી અશક્ય છે. તેથી જ લેટરલ ઍન્ટ્રીનો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો છે."
બંધારણ અને અનામત મુદ્દો બન્યા
પ્રોફેસર અપૂર્વાનંદના જણાવ્યા મુજબ, નરેન્દ્ર મોદી સરકારે 2018માં લેટરલ ઍન્ટ્રી હેઠળ નિમણૂકો કરી ત્યારે પણ આ યોજનાનો વિરોધ થયો હતો.
તેઓ કહે છે, "2018માં વિરોધ પક્ષો અસમંજસમાં હતા. તેમને પોતાના પર વિશ્વાસ ન હતો. પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ એ વખતે પ્રશ્ન જેટલી મજબૂતીથી ઉઠાવવો જોઈએ એટલો ઉઠાવવામાં આવ્યો ન હતો. અત્યારનું વાતાવરણ એકદમ અલગ છે."
"તાજેતરની ચૂંટણીમાં સામાજિક ચર્ચા અને રાજકીય ચર્ચામાં જે બીજી બાબત મોખરે આવી છે તે બંધારણ છે. બંધારણમાં પણ જે ચીજ મોખરે આવી છે તે અનામત છે. સરકાર અનામત યોજનાને નબળી અને અપ્રસ્તુત બનાવવાનો પ્રયાસ કરી રહી હોવાની આશંકા અલગ અલગ રીતે વ્યક્ત કરવામાં આવી રહી છે."
"દલિતો અને ઓબીસી પણ ભાજપને મત આપે છે. લોકસભા ચૂંટણીમાં જોવા મળ્યું હતું કે દલિતો અલગ-અલગ થઈ ગયા છે. આ જોખમ ભાજપ લઈ શકે નહીં."
પ્રોફેસર અપૂર્વાનંદ માને છે કે કાયદો બનાવવાના સંદર્ભમાં આગામી સમય સરકાર માટે મુશ્કેલીભર્યો બની રહેશે.
તેઓ કહે છે, "સર્વસંમતિ સાથે આગળ વધવું એ આ સરકારના સ્વભાવમાં નથી. તેથી તેમણે દરેક વખતે પીછેહઠ કરવી પડશે. આ સરકાર પોતાની મરજી મુજબ કામ કરશે અને કોઈ સમસ્યા સર્જાશે ત્યારે તેણે પીછેહઠ કરવી પડશે."
‘સરકાર ઝૂકી નથી’
બીજી તરફ, કેટલાક વિશ્લેષકો માને છે કે સરકારે કેટલાક નિર્ણયો પાછા ખેંચીને અથવા પુનર્વિચાર કરીને પરિપકવ વિચારસરણી દર્શાવી છે.
ડૉ. સુવ્રોકમલ દત્તા જાણીતી રાજકીય નિષ્ણાત છે. કેન્દ્ર સરકારે યુ-ટર્ન લીધો છે કે પોતાના નિર્ણયમાં પીછેહઠ કરી છે તેવું તેઓ માનતા નથી.
વક્ફ બોર્ડ ખરડાના મુદ્દે તેઓ કહે છે, "મહત્ત્વના કોઈ પણ વિષય પર વધારે ગંભીરતાથી ચર્ચા કરવાની જરૂર પડી શકે. દરેક સરકાર આવું કરતી હોય છે. કૉંગ્રેસ સરકારના શાસન દરમિયાન ખરડાઓ સંસદીય સમિતિઓને મોકલવામાં આવ્યા ન હોય એવું નથી."
"યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન સેંકડો ખરડાઓ સંસદીય સમિતિઓને મોકલવામાં આવ્યા હતા. આ એક બંધારણીય પ્રક્રિયા છે અને સરકારનો બંધારણીય અધિકાર છે. તેનો ઉપયોગ સરકાર કોઈ પણ વિષયમાં કરી શકે છે."
ડૉ. દત્તાના કહેવા મુજબ, વક્ફ બોર્ડ ખરડાને સંબંધ છે ત્યાં સુધી "સરકાર પર ઘટક પક્ષોનું કોઈ તબાણ ન હતું."
તેઓ કહે છે, "સંસદમાં થયેલી ચર્ચામાં પણ આવું જ જોવા મળ્યું હતું. જનતા દળ યુનાઇટેડે તે ખરડાને સમર્થન આપ્યું હતું. ચિરાગ પાસવાનના પક્ષે પણ તેને ટેકો આપ્યો હતો. બંને પક્ષોએ બિનશરતી ટેકો આપ્યો હતો. હા. ટીડીપીનો એવો ચોક્કસ અભિપ્રાય હતો કે આ મુદ્દે મુસ્લિમ પક્ષ સાથે થોડી વધુ વાતચીત થવી જોઈએ."
"તેમ છતાં, ટીડીપીએ પણ એ ખરડાને ટેકો આપ્યો હતો. તેથી સરકારને લાગ્યું હતું કે મુસ્લિમ બૌદ્ધિકો અને નિષ્ણાતોનો અભિપ્રાય લઈને તેમાં સુધારા કરી શકાય તેમ છે. તેથી એ ખરડો જેપીસીને મોકલામાં આવ્યો હતો. સરકારે તે પોતાની મરજીથી કર્યું હતું, વિરોધ પક્ષના દબાણને કારણે નહીં."
મનમોહનસિંહ અને મૉન્ટેકસિંહ અહલુવાલિયાનું ઉદાહરણ
લેટરલ ઍન્ટ્રીના મુદ્દે ડૉ. દત્તા જણાવે છે કે સરકારે આ રીતે નિમણૂકો કરી હોય તેવા ભૂતકાળમાં અનેક ઉદાહરણો છે.
ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ અને આયોજન પંચના ભૂતપૂર્વ અધ્યક્ષ મૉન્ટેક સિંહ અહલુવાલિયાના ઉદાહરણો આપતાં તેઓ કહે છે, "શું કૉંગ્રેસ સરકારના કાર્યકાળમાં લેટરલ ઍન્ટ્રી મારફત નિમણૂકો કરવામાં આવી ન હતી? એ નિમણૂંકો કરતી વખતે અનામત અથવા ઉમેદવારોની જાતિને ધ્યાનમાં રાખવામાં આવી હતી? લોકોની ક્ષમતાને ધ્યાનમાં રાખીને એ નિમણૂકો કરવામાં આવી હતી?"
ડૉ. દત્તાનો આરોપ છે કે કૉંગ્રેસ અનામત અને જાતિગત વસ્તીગણતરીના મુદ્દે દેશમાં ઝેર ફેલાવવા માંગે છે તથા દેશને જાતિના આધારે વિભાજિત કરવા માંગે છે.
તેમનું કહેવું છે કે વડા પ્રધાને લેટરલ ઍન્ટ્રી સ્કીમમાં અનામતના મુદ્દે વિચાર કરવાનું કહ્યું છે, જેથી તેમાં અનામતની જોગવાઈ બાબતે સૂચનો આપી શકાય અને તે સૂચનોના આધારે યોજનાને બહેતર બનાવી શકાય.
તેઓ કહે છે, "વિપક્ષની ઘૃણાસ્પદ રાજનીતિને રોકવા માટે જ વડા પ્રધાને કહ્યું છે કે સૂચનોને ધ્યાનમાં રાખીને યોજનામાં સુધારો કરવો જોઈએ. તેનો અર્થ એ નથી કે સરકાર ઝૂકી ગઈ છે."
"દેશના હિતમાં જરૂરી હશે તે આ સરકાર કરતી જ રહેશે. હું તો કહીશ કે જે મુદ્દાને વિરોધ પક્ષ હથિયાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો તેને વડાપ્રધાને ચતુરાઈપૂર્વક શાંત કરી દીધો છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન